રાઘવજી માધડ

Romance

4.3  

રાઘવજી માધડ

Romance

પરંપરા

પરંપરા

11 mins
804


    તેનો જીવ મેળામાં નહી પણ એ છોકરીમાં અટવાયો હતો. તેથી ગૈરનો પંચરંગી મેળો મ્હાલવાના બહાને એ છોકરીને જ શોધી રહ્યો હતો પણ છોકરી મળતી કે નજરે ચઢતી નહોતી. આવ્યો હતો ફોટા પાડવા પણ તે વખતે આ છોકરી તેના દિલનાં કેમેરામાં કેદ થઇ ગઈ હતી ! 


        એ છોકરીનું નામ સોનલ છે પણ ફેસબુકમાં સોનમ લખ્યું છે. સોનમની અણસાર સમેત નાક-નકશોને મુખાકૃતિ, તેની સ્મૃતિમાં સચવાઈ ને અકબંધ પડ્યા છે. પણ નખરાળી કે નટખટ એવી છે તે, નીત-નવા ફોટા પાડી, સેલ્ફી લઇ વ્હોટસએપમાં મોકલી દે છે. કયારેક કોઈ હિરોઈનનો ફોટો પણ હોય... તેથી અસ્સલ સોનમને યાદ રાખવી, ઓળખવી અઘરી થઇ પડે એમ હતું. વળી અહીંતો લગભગ બધી સ્ત્રીનો પોશાક એક સરખો હતો તેમાં પાછો ગૈરનો લોકમેળો...ન પહેરતાં હોય તે પણ પરંપરાગત પોશાક પહેરે. મેળાનાં પંચરંગી કે ભાતીગળ પરિવેશ વચ્ચે તેને અલગથી ઓળખવી મુશ્કેલ હતી. પણ એક વર્ષની પ્રતીક્ષા અને સંતલસ પછીનો આ સમય હતો, તેથી મળવું અથવા મેળવવી જરૂરી હતું.

        -તું કહે છો પણ તને સોનમ ઓળખશે ખરી !

        આ સવાલ સામે છાતી કાઢીને જવાબ આપતા કહ્યું :‘ઓળખી કાઢે તો જ આગળ વધવાનું છે. નહિતર તેરી મેરી એક અધૂરી પ્રેમ કહાની, બીજું શું ? જો કે પોતાને એવું કશું નથી, પ્રેમ એ વાહિયાત વાતો છે...એવું કહેવા, દેખાડવા આવું કહ્યું હતું. પણ આટલું બોલવામાં ખરેખર તો તેને તકલીફ પડી હતી. ગમે છે, નથી ગમતી...મળવું છે તો શું કરવા... આવી ઘણી બધી ગડમથલ તેને થયા કરતી હતી. ભૂલી જવી જોઈએ એવું પણ થાય ત્યાં સોનમે વ્હોટ્સએપ કંઈક એવું ગતકડું મૂક્યું હોય કે ફરી તે ભૂલવાના બહાને યાદ રહી જાય !


        તેને ભૂખ-તરસ લાગી હતી. સોનમ મળે તો સાથે બેસી બ્રેકફાસ્ટ કે કટકબટક કરી શકાય પણ તે ક્યાંય મળતી નહોતી. મેળામાં એકેક જણને જોઈ વળે...પછી ન મળે તો ચાલતી પકડવાની, અહીંથી ! આવું તેને થયા કરતું હતું. કયારેકતો તેને ખુદ પર ગુસ્સો આવતો હતો કારણ કે કશું જ તેના પાસે નક્કી કે નક્કર નહોતું. સોનમ મળે તો ઠીક, ન મળે તો પણ ઠીક...રાહ જોયા વગર નીકળી જવાનું હતું.

        એકતો આ લોકો સંગાથે મેળામાં ભળી જવું, એકરસ થવું અઘરું ને અતડું લાગતું હતું. તેમાં પાછો કાબરચીતરા રંગનો શર્ટ, નીચે ધોતી અને ઉપર પાઘડી પહેરી હતી. પાઘડીના લીધે માથું ભારે ભારે લાગતું હતું અને ધોતીમાંતો ચાલતા જ ફાવતું નહોતું. પહેલા તો એક મિત્રને ત્યાં આ પોશાકની ટ્રાયલ સાથે પ્રેક્ટીસ કરી હતી. છતાંય ભારે અકળામણ સાથે ગભરામણ થતી હતી. એક ક્ષણેતો થઇ આવ્યું હતું કે, તેનાં ઘેર ગયું આ બધું...નથી માણવો મેળો, નથી મળવું કે નથી મેળવવી સોનમ..! 

ત્યારેતો સોનમને ચેલેન્જ કરી હતી, તું મને મેળામાં ઓળખી શકેતો કહેજે...!  

     

        તેણે સોનમ વિશે ઘણું ધાર્યું ને વિચાર્યું હતું. સોનમ એક પતંગિયું છે, ક્યાં બેસે તેનું નક્કી નહી. પણ જો પોતાની ડાળીએ બેસેતો તમામ દરવાજા ખૂલ્લા છે, નહિતર આ બધું કાયમના માટે બંધ...આ પ્રકરણનો અકાળે અંત લાવવો !


પણ અત્યારે તો ઘાટ એવો ઘડાયો હતો કે તે સોનમને શોધવામાં વ્યસ્ત અને ત્રસ્ત હતો. તેથી આગળ કશું સૂઝતું કે મનમાં બેસતું નહોતું.


વળી તેનું વલણ બદલાયું : કદાચ સોનમ પોતાને શોધતી હોય પણ આ પોશાકમાં ઓળખી શકતી ન હોય ! તેનાથી સ્વગત બોલી જવાયું : ‘હા, આવું પણ બને...!’

આ વિચારને સ્વીકારી તે એક બાજુ ઊભો રહ્યો. તેનું ગળું સૂકાતું હતું. સ્વર નીકળે એમ નહોતો. તેણે લારી પરથી પાણીનું પાઉચ ખરીદ્યું. પછી ભૂખ્યું બાળક માતાના થાનોલા ચૂસવા લાગે તેમ સૂચી ગયો.પાણીવાળો હાથ મોંએ ફેરવ્યો...સારું લાગ્યું. ત્યાં તેની નજર મેળાના ‘ગેરીયો’પર ગઈ.‘ગેરીયો’એ શરીર પર ઝાડ-પાંદડા લપેટ્યા હતા. કમરે તુંબડું લટકાવ્યું હતું. સાથે બળદના ગળામાં બાંધવામાં ઘૂઘરા પણ હતા. માથે વાંસની ટોપી અને તેમાં મોરપીંછ મૂક્યા હતા. શરીરે કાળા-સફેદ રંગના ટપકાં કર્યા હતા. અને હાથમાં તીર કામઠું હતું. તે વિસ્મયતાથી ગેરિયાના રૂપ-રંગ ને વેશભૂષા જોઈ રહ્યો.


-ગેરીયો ઢોલના નાદ સાથે તાલ મેળવી નૃત્ય કરતો, યુવતીઓને રીઝવવાનો પ્રયાસ કરતો હતો.

તેને થયું કે, ખરેખરતો આવો ગેરીયો થવાની જરૂર હતી. સોનમતો પહેલીથી રીઝાયેલી હતી, રીઝ વવાનો પ્રશ્ન નહોતો. પણ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ મેરેજ સરળતાથી થઇ જાત !

તે ઊભો ઊભો મેરેજની વાતને મનભરી મમળાવવા લાગ્યો.ખૂબ સારું લાગ્યું અને સ્વગત બોલ્યો પણ ખરો : ‘આ પોશાક પહેરવાનું કારણ જ એ છે !’


        આમ તો તે છેલ્લા એક વરસથી કહેતો હતો:‘સોનમ આપણે રૂબરૂ મળીએ...’પણ સોનમ કોઈને કોઈ બહાનું ધરી છટકી ને અટકી જતી હતી.એકવાર મળવાનું કહ્યા પછી મેસેજ મોકલાવ્યા હતા: ‘અમે તો મેળામાંથી મનગમતો શોધી લઈએ...લગ્ન તો થવા હોય ત્યારે થાય !’

        સોનમનું કહેવું તદ્દન સાચું હતું. મેળામાં કોઈ પાત્ર ગમી જાય તો,પરંપરા મુજબ મળ્યા પછીથી સાથે રહે, પતિ-પત્નીનો સંબંધ નિભાવે, છોકરાંય થાય ને મેરેજની વિધિતો થવી હોય ત્યારે થાય !


        શું સમજવું...?તેનું મન હા અને ના વચ્ચે ઝૂલ્યા કરતું હતું.અવિશ્વાસ પણ ઉદભવ્યા કરતો હતો.

        શોધવા છતાંય મળતી નથી એટલે સોનમ કોઈ બીજા સાથે નીકળી ગઈ હશે !

તેનો શ્વાસ અટકી ગયો. આંખો સ્થિર થઇ ગઈ ને ચિત ચકડોળે ચઢી ગયું. સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલા સ્ત્રી-પુરુષોના અવનવા કિસ્સાઓ ન્યુઝમાં ચમકતા રહે છે તે તેની નજર બહાર નહોતું. 

મળવાનું માધ્યમ માત્ર મીડિયા જ હતું...સોનમ સાથેનું કદાચ આવું પણ હોય !


ભાઈ,હજુ ક્યાં બગડી ગયું છે...આ પોશાક કાઢી, ટીશર્ટ-જીન્સ પહેરી, ગળામાં કેમેરો લટકાવી નીકળી પડ...! કોઈએ સામે આવી આવું ચોખ્ખુંચટ્ટ સંભળાવી દીધું હોય એવું તેને થયું.છતાંય ઊભો રહ્યો.


પહેલીવાર મેળામાં આવ્યો ત્યારે ગળામાં કેમેરો લટકાવી ઘૂમતો રહ્યો હતો. ક્યાંક ગમતું જૂએતો કેમેરામાં ક્લિક કરતો હતો. તેમાં છોકરીઓ સામે ઊભી રહી, બિન્ધાસ્ત ફોટા ખેંચાવતી હતી. ત્યારે સોનમે સામે આવી, કેડે હાથ મૂકી, લગોલગ ઊભા રહી સીધું જ કહ્યું હતું: ‘અમારો ફોટો પાડ્યો ને !?’સોનમે જે રીતે પૂછ્યું હતું તે જોતા જવાબ આપવાના તેને સાંસા પડી ગયા હતા. ડરના લીધે શ્વાસ સાથે આંખો પણ અદ્ધર ચઢી ગઈ હતી.પણ સોનમ તેની સ્થિતિ સમજી ગઈ હોય એમ બેવડ વળી ખૂલ્લા મને હસવાં લાગી હતી. હસવું ખાળી લીધા પછી બોલી હતી:‘ભલે ફોટો પાડ્યો પણ ફોટો મોકલવાનો...’તેનો શ્વાસ હેઠો બેઠો હતો. નિરાંત થઇ હતી.ત્યારે ધ્યાનથી જોવી નહોતી છતાંય જોવાઈ ગઈ હતી.પછી પૂછ્યું હતું: ‘ક્યાં મોકલવાનો !’તો કહે :‘ઘેર,બીજે ક્યાં !?’ પણ ઘર ક્યાં, ગામમાં...એવું કહેવા જતાં સોનમ અટકી હતી. કારણ કે અહીં ઘર ગામમાં, સીમમાં અને ખેતરમાં પણ હોય. અથવા જ્યાં રહે તે ઘર...

‘અમારે ઘરના એડ્રેસ ન હોય સમજ્યા, એ તમારે ત્યાં શહેરમાં, સોસાયટીમાં... !’

પોશાક અહીંનો પહેર્યો હતો અને તેનાથી બોલી જવાયું હતું, એડ્રેસ-અંગ્રેજી શબ્દ...વળી પ્રાદેશિક બોલીની છાંટ પણ આવતી નહોતી. તેથી સોનમ સારું ભણેલી હોવાનો ખ્યાલ આવી ગયો હતો. પછી કેમેરામાં ફોટો બતાવ્યો હતો...સોનમને ફોટાનો એંગલ ગમી ગયો હતો. તેમાં પોતે આગવી રીતે કેદ થઇ, ઉપસી આવી હતી. જો કે ફોટોનું કોઈને એવું કાંઇ ખાસ રહ્યું નહોતું. પોતાના પાસે મોંઘો મોબાઈલ હતો. જાતે ફોટો ખેંચી શકતી હતી.પણ બહારથી જે લોકો મેળો જોવા આવે તેમની સાથે આવી થોડી ગમ્મત, અવળચંડાઇ કરવામાં સોનમને આનંદ આવતો હતો. પછી કહેતી :‘ક્યારેય નહી ભૂલાયને આ મેળો !’


 ‘મેળો ભૂલવો પણ શું કરવા જોઈએ !’

પણ આવું સાંભળવા સોનમ ઊભી રહી નહોતી.તે આવી એ જ પગલે મેળામાં ઓગળી ગઈ હતી.


હવે શું કરવું...તેને ભારે મૂંઝવણ થઇ પડી.આ બધું સોનમ માટે કર્યું હતું..અને તે ન મળેતો બધું જ નકામું, નિરર્થક...ત્યાં જાણે કોઈએ કાનમાં કહ્યું હોય એવું લાગ્યું:‘અવિશ્વાસનું આવું જ પરિણામ હોય...’


ખુદને સારું લગાડવા તે બોલી ગયો: ‘ના,મને તો સોનમ પર પુરતો વિશ્વાસ છે...’

‘તો પછી વિશ્વાસ રાખી શોધવા લાગ, સોનમ મળી જશે !’


શું સૂઝ્યું તે તેણે ત્વરિતપણે મોબાઇલ હાથમાં લીધો...પણ સામે તો સોનમનો મોબાઈલ સ્વીચ ઓફ અને ફરી પ્રયત્ન કર્યો તો કવરેજ ક્ષેત્ર કે બહાર...તેવું સંભળાવા લાગ્યું. તે જાણે સાવ પાંગળો, અપાહિજ થઇ ગયો. હાથમાં હતું તે સઘળું જ ગુમાવી ચૂક્યો હોય એમ લાચાર થઈને ઊભો રહ્યો. શું કરવું, ક્યાં શોધવી...વળી બીજું એવું કોઈ પરિચિત નહોતું કે તેના પાસેથી સોનમના સમાચાર મળે !


સોનમને મળવાનું ને તેની પરંપરા મુજબ સઘળું સ્વીકારવાનું...આવું તેના મનમાં,ઊંડેથી ધર બાઇને પડ્યું હતું.પણ છતાંય તે પોતે આ બધું ઉપરછલ્લું કરી રહ્યો હોય એવું તેને અંદરથી, વારંવાર થયા કરતું હતું. ત્યાં વળી આ બધી મૂંઝવણ અને મથામણ વચ્ચે સાવ એકાએક તીરકમઠા જેવો સવાલ, ડમરું વગાડતો સામે આવીને ઊભો રહ્યો: ‘સોનમના મળ્યાં પછી શું ?’


આ સવાલ સામે તેની એકાદ મિનિટ સ્તબ્ધ અવસ્થામાં પસાર થઇ.પછી તેની નજરમાં જાણે મેળાનો સંપૂર્ણ માહોલ જ સ્થિર થઇ ગયો.હરતાં-ફરતાં માણસો સૌ સ્ટેચ્યુ માફક નિષ્પ્રાણ થઇ ઊભાં રહ્યાં...તે કોઈ ચિતભ્રમ થયેલા માણસની જેમ અથવાતો અજાણી દુનિયામાં આવી ચઢ્યો હોય તેમ ગાંડા માફક ચારેબાજુ જોવા લાગ્યો...એક ક્ષણે થયું કે સોનમ મળે તો પણ હવે નથી મળવું !

 સોનમ સામે આવીને ઊભી રહે તો પણ ઓળખી ન શકે તેવી તેની માનસિક સ્થિતિ સર્જાઇ હતી. સાવ નજીવા સમયમાં જાત અને અડખેપડખેનનું સઘળું વિસરાઇ ને મનમાંથી વિખેરાઈ ગયું હતું.

 -સોનમના મળ્યા પછી શું ?


સવાલ આકરો ને ભારે અઘરો હતો. પણ પોતે ટટ્ટાર થઇ ગયો. છાતી બહાર કાઢી અને કોઈના સામે વટ પાડવો હોય એમ બોલી ગયો :‘હા પાડે તો કહી દેવું છે - બેસી જા ગાડીમાં !

ધારી લ્યો કે, સોનમ ગાડીમાં બેસી ગઈ. પણ પછી...!


તે પોકારી ઊઠવાનું મન થયું : ‘મહેરબાની કરી મને આવા સવાલો કરવાનું રહેવા દો !’

પણ તેનું મન ઝાડની ટગલી ડાળે ઝૂલતી વાંદરી જેમ ઝૂલ્યા કરતું હતું.છતાંય તે પોતે મક્કમ છે,પણ સોનમનો શું ભરોસો..?આવું મનોમન કબૂલી ને દોષનો ટોપલો સોનમ માથે નાખી દીધો. પછી તે કોઈના સામે બચાવ કરતો હોય એમ બોલ્યો:‘સોનમ તો ઝરણાં જેવી છે,ઝરણું તો ઢાળ મળે ત્યાં વહે !’


ત્યાં પાછળથી કોઈનો ધક્કો આવ્યો, હડસેલો લાગ્યો...તે ગબડતો રહી ગયો. ભારે ગુસ્સો આવ્યો. કોઈને અવળા હાથની થપ્પડ લગાવી દે તેવું થઇ આવ્યું.પણ તેનો અમલ કરવો શક્ય ન હતો.

તેની પાસે સાચા સવાલનો ખોટો જવાબ પણ નહોતો. છતાંય નાક જતા હોઠ સાજો રાખવો હોય અથવા બચાવ ખાતર જવાબ શોધી લીધો :‘અહીં આ મેળામાં કોઈ પાત્ર મનમાં વસી જાય તો પરંપરા મુજબ લાઇફ પાર્ટનર બનાવવાની છૂટ છે.’


પણ સવાલ છે - સોનમના મળ્યાં પછી શું !

‘મેરેજ કરી લેવાના...’ તે બરાબરનો અકળાઈ ઉઠ્યો હતો : ‘બીજું શું !?’

‘હા, હવે ઠેકાણે આવ્યો...’ જાતે પકડાઈ ગયો હોય એમ તે ચૂપ થઇ ઊભો રહ્યો.

આ મેળા વિશે માહિતી તેણે મેળવી હતી.અહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થી લોકો મેળો મ્હાલવા આવતાં હતાં.તેમાં માલ-સામાનની અદલાબદલી,વરસ દરમ્યાનના સુખ-દુઃખની આપ-લે,લગ્ન સંબંધની વાતચીત અને સાથે નાચવા-ગાવાનો લ્હાવો...તેના માટે આ જબરું કૌતુક હતું. ગળામાં કેમેરો ઝૂલાવતો તે આવી પહોંચ્યો હતો. તેમાં અનાયસે સોનલ ઉર્ફે સોનમનો ભેટો થઇ ગયો હતો. વ્હોટ્સએપમાં ફોટો મોકલવાના લીધે એક-બીજાના નંબરની આપ-લે થઇ ગઈ હતી.પછી તેણે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી ને સોનમ જાણે રાહ જોઇને બેઠી હોય એમ સ્વીકારી પણ લીધી હતી.


વ્હોટ્સએપમાં મેસેજ દ્વારા વાતો થતી રહેતી હતી.તેમાં આ લાઇફ પાર્ટનર પસંદ કરવાની પરં પરા ખૂબ સારી અને...એડવાન્સ લાગી હતી. દિલથી સલામ કરવાનું મન થઇ આવ્યું હતું.


તેણે ઘડિયાળમાં જોવાના બદલે ઊંચે જોયું. સૂરજ માથે આવી ગયો હતો. પછી ઘૂમરાતા મેળાના દ્રશ્યને કેમેરામાં કેદ કરવો હોય એવી દ્રષ્ટિથી જોયું...ધૂળની આછી ડમરી સાથે ધીમા તાપનો પ્રભાવ પણ પ્રસરવા લાગ્યો હતો. મેળો જુદા જુદા જૂથમાં વ્હેચાયેલો હતો.ઢોલનો તાલ અવિરત પડઘાતો હતો. સૌ મન મૂકી, ગાવા-નાચવામાં ગુલતાન હતાં. વળી ક્યાંક કીકીયારીઓ વચ્ચે હરખની હેલી ચઢતી હતી.


તેને બહાર કરતા અંદરની અકળામણ વધુ લાગતી હતી.ઊભા રહેવું હતું છતાંય ઊભા રહી શકાતું નહોતું.બે ડગલા આગળ ચાલ્યો...પોતે વારાફરતી દરેક જૂથમાં ફરી વળે.સોનમ કયાંકતો હશે જ ! વળી થયું કે બપોર થવા આવ્યા છે - આ લોકો વિશ્રામ લેશે, ભીડ વિખેરાશે અથવા ઓછી થશે એટલે તે સોનમ સરળતાથી મળી જશે.

પણ અડધો કલાક રાહ જોયા પછી પગે પાણી ઉતર્યા,ધીરજનું તળિયું આવી ગયું છતાંય મેળાનું મનેખ વિરામ લે એવા કોઈ અણસાર દેખાયા નહી. સોનમે કહ્યું હતું :‘ટાઇમનું કોઈ બંધન નહી. મેળે મેળે આવે ને મેળે મેળે જાય...એનું નામ જ મેળો !’ફરી એ જ સવાલ સવાર થયો:‘હવે કરવું શું ?’સાપે છછુંદર ગળ્યા જેવી તેની સ્થિતિ થઇ હતી.જો સાપ છછુંદર ગળી જાયતો મરી જાય અને બહાર કાઢે તો આંધળો થાય ! પોતે વેશ લીધો હતો, પોશાક પહેર્યો હતો...અને સોનમ ન મળે તો !


અને એ પણ સોનમની એક વાત પર.સોનમે કહ્યું હતું:‘કોઈને પામવું હોય તો તેના જેવું થવું પડે ...’ મેસેજની આપ-લેમાં તેણે સોનમને પણ સામે લખી દીધું હતું: ‘આ તને પણ એટલું જ લાગુ પડે હો !’

સોનમે સહજતા સ્વીકારી લીધું હતું : ‘મને પણ લાગું પડે છે, તે હું બરાબર સમજુ છું..’

પણ અત્યારે તો તેને, સોનમને દેખાડી દેવું હતું, લે જોઈ લે મને...!


 સોનમ મળતી નથી એટલે અહીં મેળામાં આવી નહી હોય અથવા મેળાના બહાને કયાંક બીજે પણ નીકળી ગઈ હોય ! ન મળવાથી સોનમ પર અવિશ્વાસ થઇ આવ્યો હતો.બંનેનાં એક વરસના ચર્ચા-સંવાદ પછી નક્કી થયું હતું કે, આપણે મેળામાં મળીએ અને શક્ય બને તો લાઇફ પાર્ટનર થઈએ !


સોનમને પણ તેની સ્માર્ટનેસ અને એજ્યુકેશન પ્રમાણે મૂરતિયો મળવો મુશ્કેલ હતો તો સામે તેને પણ પાત્ર મળવું મુશ્કેલ હતું. તેથી છેલ્લે મોબાઈલ પર બોલી ગયાં હતાં :‘ચાલો ત્યારે લાઇફની આ એક ગેમ રમી લઈએ !’

પણ કોણ જાણે કેમ તેને સોનમ પર વિશ્વાસ બેસતો નહોતો.તે ઉડતું પતંગિયું છે...નક્કી નહી કયાં ફૂલ પર બેસે !


મેળામાં કોઈ મનગમતો મળી જાય તો આપણી સામે જુએ પણ નહી.

તેથી તો તે આ આખી પ્રક્રિયામાં છબછબીયા જ કરતો રહ્યો હતો. અને સામે પ્રશ્ન પણ થતો રહ્યો હતો : ‘સોનમના મળ્યા પછી શું ?’

અત્યારે જ મેળો છોડી દેવો, અહીંથી નીકળી એટલું જ નહી,કયારેય આ બાજુ આવવું નહી અને સોનમનો નંબર બ્લોક કરી દેવો ! આવા નિર્ધાર સાથે તેણે મેળામાં આછડતી અને તિરસ્કાર ભરી નજર નાખી, ગુસ્સામાં સળગતો હોય એમ ઝડપથી પગ ઉપાડ્યા.

ત્યાં વળી તે થોડો હરખાયો પણ ખરો:‘જોયું,સોનમ માટેનો મારો અભિપ્રાય, અવિશ્વાસ સાચો પડ્યો ને !’ કોઈનો પોતાના કથનમાં હા નો સૂર પુરાવશે તેવી અપેક્ષાએ થોડીવાર ઊભો રહ્યો.પછી મેળા બહાર નીકળી, ગાડી પાર્ક કરી હતી તે જગ્યા તરફ ચાલવા લાગ્યો.

- સોનમ શોધતી હોય અને આ પોશાકમાં પોતાને ઓળખી શકી ન હોય એવું પણ બને ને !


‘બને !’તેણે સ્વગત માથું હલાવી હા પાડી.આ સવાલ ફરી-ફરી થયા કરતો હતો.તે ઊભો રહ્યો.

શું કરવું જોઈએ...તો મનથી નક્કી થયું, મૂળ પોશાક પહેરી એકવાર મેળામાં ફરી લેવું જોઈએ.

        વળી મન ફર્યું. હું ન મળ્યો, ન ઓળખાયો તો મોબાઈલ તો કરી શકાય ને !

        ‘ના...હવે કંઈ કરવું નથી...’તેને ગુસ્સો ચઢી ગયો:‘મેળોને સોનમ ભલે અહીં રહ્યાં,હું આ ચાલ્યો...’


        તે ઝડપથી ચાલવા લાગ્યો. પગમાં ધૂળ, ઢેફા ને ઝાંખરા આવતા હતા. પગદંડી ખરબચડી હતી. સરળતાથી ચાલી શકાય એવું નહોતું.છતાંય ગુસ્સો ને અવઢવ અનુભવતો તે પાર્કિગમાં ગાડી પાસે આવી ગયો. આવ્યો ત્યાં સુધી તો નજર નહોતી ગઈ. પણ ગાડી પાસે, ઝાડના છાંયે એક યુવતી ઊભી હતી. યુવતીએ જીન્સ અને ટીશર્ટ પહેર્યા હતાં...અને આંખો પર ગોગલ્સ હતાં.

        તેણે જોયું, ન જોયું કર્યું. પણ યુવતી સામેથી ચાલી સાવ પાસે આવીને ઊભી રહી.

        તેણે ઊંચે ઉપાડીને જોયું...આંખોને બે-ચાર વાર પટપટાવી...નજર પર વિશ્વાસ બેસતો નહોતો.


        ‘સ...સોનમ, તું...!’ તેનાથી આશ્ચર્ય સાથે બોલાઇ ગયું :‘અહીં અને આ ડ્રેસમાં !?’

        ‘હા...’સોનમ લજ્જા સાથે,ભાવભીના સ્વરે બોલી:‘તે અમારો ટ્રેડીશનલ ડ્રેસ પહેર્યો તો મારે પણ તારી જેમ જ પહેરવો પડે ને !’

        ‘પણ મારે તો...તારો અસ્સલ પોશાક, ડ્રેસ...’ તે આગળ બોલી શક્યો નહી.

        તે સ્તબ્ધ થઇ ગયો.

તેણે બાંધેલી ધારણાઓ અને કલ્પનાઓ સાવ પોકળ નીવડી હતી.

તેને તો કલ્પના પણ નહોતી કે સોનમ આમ, આવી રીતે મળી આવે...

તેની પાસે સોનમ સામે બોલવા, કહેવા માટેના કોઈ શબ્દો નહોતા. અને નજર મેળવી શકે તેવી હૈયામાં હામ નહોતી.

ત્યાં સોનમે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું: ‘લે, ચાલ હવે...’ પછીથી ખુમારીથી ધારદાર રીતે આગળ કહ્યું : ‘અમારી તો આ પરંપરા છે !’

ઘડીભર સામે જોતો રહ્યો. અવઢવ પણ થઇ. પછી તે કોઈ જ સવાલ કે પૂછતાછ કર્યા વગર, સોનમ સાથે કદમ ઉપાડવા લાગ્યો...!


Rate this content
Log in

Similar gujarati story from Romance