પાછા ફરવું એટલે
પાછા ફરવું એટલે
પગ ઉપાડતા પહેલાં પલ્લવીનું મન ફરી એક વખત અટકીને ઉભું રહ્યું. હવે તેનાં પાસે જઈને શું કરવાનું ? જે હતું તે તૂટીને વેરણછેરણ થઇ ગયું છે, કશું જ રહ્યું નથી,સઘળું સમાપ્ત થઇ ગયું છે. જે રસ્તે ચાલવાનું જ રહ્યું નથી ત્યાં નજર પણ શું કરવા નાખવી ? ભલે, રાહ જોતા રહે ! પલ્લવી પાછી ધબ સોફા પર બેસી ગઈ.
છાતીમાં દમ ચઢ્યો તેમ શ્વાસ ઘૂંટવા લાગ્યો હતો. નાકના ફોયણા ફૂલી ગયાં હતાં. આંખો બંધ કરીને બેઠી. શું કરવું તે સુઝતું નહોતું. ત્યાં થોડીવારે ખભા પર હાથ દઈ સહેજ હલબલાવીને ટીનુએ કહ્યું : ‘મમ્મી કેમ બેસી ગઈ, જવાનું નથી ?’ પલ્લવીની ફટાક કરતી આંખો ઉઘડી ગઈ. ટીનુના નિર્દોષ અને પ્રેમાળ સવાલે પલ્લવી રીતસર થથરી ગઈ. ટીનુ સામે પળાર્ધ માટે જોઈ તેને પોતાના તરફ ખેંચી ઝડપથી છાતી સરસો દાબી દીધો. મન મક્કમ હતું પણ ગોરંભાયેલું આકાશ સુપડાધારે વરસી પડે તેમ ધ્રૂસકે ધ્રૂસકે રડવાં લાગી.
જ્યારથી અજયનો ફોન આવવો શરુ થયો છે ત્યારથી મનની સ્થિતિ ડામાડોળ છે. સાવ સીધેસીધું કહી દીધું હતું. ‘આપણા વચ્ચે કયો સંબંધ રહ્યો છે તે મને આમ ફોન કરીને બોલાવો છો ? શું રહ્યું છે મળવા જેવું, બધું જ પૂરું કરી નાખ્યું છે.’
તો કહે, ‘વિનંતીનો સંબંધ..’
‘વિનંતીતો દુશ્મનને પણ કરી શકાય, આપણે, દુશ્મનતો નથી જ.’
પલ્લવીએ અજયના નંબરને પોતાના સેલફોનમાં રીજેક્ટ લીસ્ટ મૂકી દીધો હતો પણ તે નવા નંબરથી ફોન કરતો હતો. આમપણ જીવનમાંથી રિજેક્ટ જ થઇ ગયો છે, છતાંય લપ થઈને વળગતો રહે છે.
‘માણસાઈની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. વિનંતીનો સંબંધ પણ રહેવા દીધો નથી !’ આમ કહ્યાં પછી પણ સામે ફળફળતું મૌન અદબવાળીને ઉભું રહ્યું હતું, ચારેબાજુથી ભયંકર સુસવાટા સંભળાવા લાગ્યાં હતા પોતે આગળ બોલે તો પણ શું બોલે ? બોલવા માટેના શબ્દો જ બચ્યા નહોતા.વાચા જ હણાઈ ગઈ હતી. કલ્પનામાં પણ નહોતું આવ્યું કે જીવનનો કોઈ અંશ આવો ભયંકર અને વિકરાળ હશે !
રાતભર આંખનું મટકું માર્યા વગર જાગતી અને તરફડતી રહી છે. શું કરવું. તે નક્કી થઇ શકતું નહોતું. વળી સાચી સલાહ આપી શકે અથવાતો જેના ખભે માથું મૂકી હૈયું હળવું કરી શકાય તેવું પ્રિયપાત્ર છે પણ તેને આ બાબત કહી શકાય તેમ નથી. કહ્યાં પછી નવો પ્રશ્ન ઉભો થાય અને હયાતીની હથેળીમાં ચપટીક સુખ લાધ્યું છે તે પણ ચાલ્યું જાય ! પલ્લવીને એક વાતની મૂંઝવણ નહોતી, એક સરખું કરવા જાય ત્યાં બીજું તૂટે અને છેલ્લે કશું જ હાથમાં ન રહે !
‘મમ્મી, ચાલને પછી મોડું થશે !’ ટીનુએ પલ્લવીની હડપચી પકડીને કહ્યું : ‘બસ નીકળી જશે !’
પલ્લવીને કહેવાનું મન થઇ આવ્યું :‘બેટા ! બસતો ક્યારનીય નીકળી ગઈ છે. હવેતો ઠાલી દોટ દેવા નીકળવાનું છે !’
પલ્લવી કશું બોલ્યા વગર ઊભી થઇ ગઈ. કપડાં સરખા કર્યા. પોતે બરાબર કાંઠા પર આવીને ઊભી રહી છે. એક બાજુ ખારોઉસ દરિયો છે ને બીજી બાજુ મીઠું ઝરણ છે. એક બાજુ પોતે છે બીજી બાજુ દીકરો છે, પોતાનું પેટ કઈ તરફ જવું અને કોના માટે જવું તે નક્કી થઇ શકતું નથી. વળી જ્યાં પગ છે તે લપસણી જગ્યા છે. પગ લપસ્યા પછી કઈ બાજુ પડી જવાય તે કહેવું મુશ્કેલ છે. અને પડ્યા પછી ઊભા થવાય અને ન પણ થવાય. પોતાની જાત પર ભયંકર ગુસ્સો આવ્યો. થયું કે આવા સળગતાં સવાલો પોતાના સામે આવીને શું કરવા ઊભા રહે છે ? મેં જગતનું શું બગડ્યું છે તે આવું ન થવાનું બધું મારાં સાથે જ થાય છે ! પગ પછાડતી તે તાળાની ચાવી લઇ બહાર નીકળી. સાથે ટીનું પણ નીકળ્યો. તાળું વાસતા મનમાં થયું કે, કાં તો તાળું વાસવું જ નહિ અને કાં વાસ્યા પછી ખોલવું નહિ !
‘પણ એ તારી જાતને કહે, બીજાને કહેવાનું નથી.’ સામે સવાલ પડઘાયો, પલ્લવી સમસમી ગઈ.
બસ સ્ટેન્ડ પર આવીને મમ્મી-દીકરો ઊભા રહ્યાં. બસનું નક્કી નહોતું જે અને જયારે મળે તેમાં બેસવાનું હતું. આમ કશી ઉતાવળ નથી. ‘તું આવે છે ને ?’ એમ છેલ્લીવાર પૂછ્યું ત્યારે હા પાડી હતી. નહિતર અહીંથી પણ પાછાં જવાની તૈયારી હતી. અને પોતે હા, શું કરવા પાડી ? તેવો સવાલ નાગની જેમ ફૂંફાડા મારે છે પણ જવાબ જડતો નથી. કદાચ ઊંડે ઊંડે પણ. ટીનુના ભારે હરખમાં હતો. તેનો હરખ જોઈ પલ્લવીના સઘળાં સંતાપ આથમી જતાં હતાં. બાંધછોડ કરવા માટે મનની બધી જ બારીઓ ખુલી રાખી હતી અથવાતો ખુલી જતી હતી. ભાવભીની નજરે ટીનું સામે જોયું. તે આજે મોટો લાગતો હતો. સઘળું સમજી ગયો હોય તેમ કશા જ પ્રશ્ન કરતો નહોતો. ‘આ બધું તારા લીધે થાય છે, બાકી જીવનભર તેનું મોં જોવાં તૈયાર નથી.’ પલ્લવીના હૈયે હતું તે હોઠે આવીને ઉભું રહ્યું. પણ ટીનુતો સામે જુએ અને બીજું કરે પણ શું ?
એકાએક યાદ આવી ગયું, ચેતનને કહેવાનું. ભલો હશે તો સીધો ઘેર ચાલ્યો આવશે અને દરવાજે તાળું જોશે એટલે આઘાત અનુભવશે. પડોશીને પૂછશે, જવાબ નહિ મળે. વળી કોઈ આફત આવી કે શું ? આકુળવ્યાકુળ થઇ જશે તુરંત સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે. પલ્લવી અકળાઈ ઉઠી અને મનોમન બોલી પણ ખરી : ‘હા, પાછી આફત આવી છે પણ જરા જુદાં સ્વરૂપે !’
પલ્લવીએ સેલફોન હાથમાં લીધો. કહી દઉં : ‘હું બહાર જાઉં છું !’ પણ તુરંત સામે સવાલ કરશે : ‘બહાર એટલે ક્યાં ?’ સ્ત્રી માટે કોઇપણ પુરુષનો આ સવાલ સામાન્ય હોય છે. સ્થળ કહો ત્યાં બીજો સવાલ કરે, શું કરવા જવું છે ? ચેતનને ખોટું કહેવું નથી અને સાચું કહેવાય એમ નથી. સેલફોનને હાથમાં પંપાળતી પલ્લવી અવઢવ અનુભવવા લાગી. સેલફોન આવ્યા પછી જ વધારે પ્રશ્નો પેદા થયા છે. પપ્પા, પતિ, પુત્ર કે પ્રેમી કોઇપણ પુરુષને ડગલેનેપગલે હાજરી નોંધાવતી રહેવી પડે છે. ક્યાં છો..ના જવાબમાં ક્યારેક ખોટું પણ બોલવું પડે છે. પલ્લવીને થયું કે સાચું કહેવામાં વાંધો પણ શું છે ? ત્યાં ચેતનના શબ્દો હદય પર સવાર થઈને ઉભા રહ્યાં : ‘તું જા, તારું સ્વમાન સચવાતું હોય, જીવન સુધરતું હોય તો જા. કોઈને પણ વાંધો હોય ન શકે. પણ તું વિચાર તારા સાથેનો વ્યવહાર. અરે, પ્રાણી પણ આવું સહન ન કરે. સાલ્લી સ્વમાન જેવી તો કોઈ ચીજ હોય કે નહિ !’ પલ્લવી દુભાતા સવારે બબડી : ‘ સ્વમાનના શું, શરીરના પણ ચિંથરા ઉડાડ્યા છે, એ માણસે..’
‘મમ્મી,બસ આવી !’ કહી ટીનુએ હાથ પકડી પલ્લવીને ખેંચી.પલ્લવીએ બસનું બોર્ડ વાંચ્યું. ગાંધીનગર સેક્ટરની બસ હતી. છતાંપણ પોતાનું ખોટું બોલવું પકડાઈ ન એ માટે આડું જોઈને એકદમ બોલી ગઈ : ‘ના, આપણી બસ નથી, બેટા !’
‘તો આપણી બસ ક્યારે આવશે ?’ ટીનુએ પૂછ્યું.
ટીનુના સવાલનો જવાબ આપવાનું પલ્લવીએ ટાળ્યું. મોં ફેરવી લીધું. કારણ કે સાચો અને સ્પષ્ટ જવાબતો ખુદ પાસે પણ નહોતો. કોઈ લાચારીવશ આમ આવીને ઊભી હતી. બાકી હવે રસ્તેતો શું, એ દિશા તરફ પણ નથી જોવું. જ્યાં લીલીછમ્મ જિંદગીને સગી આંખે અને સાખે સળગતી અનુભવી છે.
તાપ અને વાહનોના ધુમાડાના લીધે અકળામણ થતી હતી. પલ્લવી અકળામણથી છૂટવા મથતી હોય તેમ સેલફોન પરથી ચેતનને મિસ્ડકોલ કર્યો. આમપણ મિસ્ડકોલ કરવાનો નિત્યક્રમ છે. અનુકુળતા હોય તો વાત કરશે. હા, કોઈ જરૂરી અને જલ્દી વાત કરવાની હોય તો સીધી વાત કરી લે. પલ્લવીને થયું કે પોતે જ્યાં જઇ રહી છે તે જરૂરી અને અગત્યની બાબત ન કહી શકાય ? કે પછી સળગતી ચિતામાં પાછી હોમાવા તૈયાર થઇ છે. શરીર સળગતું હોય તેવી બળતરાં થઇ અને ફરી પાછી વિસામણમાં મુકાઈ ગઈ.
‘સ્ત્રીની તો કોઈ જિંદગી છે, ડગલેનેપગલે મુશ્કેલી અને મૂંઝવણ જ અનુભવવાની !’ તે એકદમ અકળાઈ ઉઠી. ‘દરેક પગલું પૂછીપૂછીને ભરવાનું. પોતાનો કોઈ અવાજ કે નિર્ણય જ નહિ ? અને તેમાં એક પગલું ખોટું ભરાય એટલે આખો રસ્તો ખોટો અને ખરાબ નીકળે ત્યારે વાંક માત્ર સ્ત્રીનો જ !’
પલ્લવી ઠરી ગયેલા કોલસાના માફક ધૂમાડો કાઢવા લાગી.
ચેતનનો કોલ હતો. પલ્લવીએ સ્ક્રીન પર જોયું, જોતી રહી. શું કહેવું તે સુઝતું નહોતું. પણ રીંગટોન સાંભળી ટીનુએ હાથ લાંબો કરી કહ્યું : ‘મમ્મી, લાવ...મારે વાત કરવી છે !’
હવે કોઇપણનો કોલ આવે એટલે ટીનુ વાત કરવાની હઠ લે છે. ના પાડવા સામે સવાલ કરે છે અને પૂછે છે, કોનો ફોન છે ? થાય કે દીકરા સામે જુઠ્ઠું ક્યાં બોલવું ?
છતાંય બોલવું પડે છે.
‘સવાલ જ દીકરાનો છેને !’ નહોતી બોલવું છતાંય બોલાઈ ગયું.
‘મમ્મી, બસ...!’ ટીનુનું આમ કહેવું હવે અવગણી શકાય તેમ નહોતું. તેથી પલ્લવીએ સેલફોનમાં ચેતનને ઝડપથી કહ્યું : ‘હું બહાર જાઉં છું.’ સામે પ્રતિસવાલની તક આપ્યા વગર જ પલ્લવીએ કહી દીધું : ‘પછી નિરાંતે વાત કરીશ.’ કહી સેલફોન કટ કરી નાખ્યો. પછી કોઈ સંગ્રામમાં લડવા જતી હોય તેમ પુરા જુસ્સા અને ગુસ્સાથી ટીનુનો હાથ પકડી બસમાં ચઢી ગઈ.
છાતીમાં શ્વાસ ઘૂંટાવા લાગ્યો હતો, શરીરે ચચરાટ થતો હતો, કારણકે આજે પહેલીવાર ચેતનને આમ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. બાકી એકપણ વાત તેનાથી છુપાવી નહોતી.અને છુપાવવી પણ શું કરવા જોઈએ, જગતમાં કોઇતો એવું હોય તેને બધું જ કહી શકાય.આ બાબતે પલ્લવી સ્પષ્ટ છે.
સર્વિસ સાથે હોવાના લીધે ચેતન અને પલ્લવી એક જ વાહનમાં અપડાઉન કરે છે. અલગ હતા તે ટીફીન એક થઇ ગયાં છે. જેના અન્ન એક તેના મન પણ એક. બન્ને વચ્ચે કોઈ દીવાલ રહી નથી. અને એમાં જ્યારથી પલ્લવીના સંસારમાં તીરાડ પડી ત્યારથી જાણે ચેતન સુખ-દુઃખનો સાથી બની ગયો છે ! પલ્લવી વિચારે છે કે એકબાજુ પતિનો નર્યો નકામો અને નિષ્ઠુર વ્યવહાર અને બીજી બાજુ ચેતનનો પ્રેમાળ અને લાગણીભીનો અહેસાસ. પુરુષની આવી બે જાત હોય શકે તે પલ્લવીના મનમાં બેસતું નથી, ગળે ઉતરતું નથી. છતાંપણ હકીકત છે.
કન્ડક્ટરે ટીકીટનું પૂછ્યું તો નામ લેવામાં પણ તકલીફ થઇ. છતાંય નાછૂટકે બોલી : ‘ગાંધીનગર’
ત્યાં ટીનું બોલ્યો : ‘ મમ્મી ! મારી ટિકિટ...?’
પલ્લવીને ગુસ્સો આવ્યો. ‘ મારે ડગલેને પગલે તું કહે તેમ, તારું જ કરવાનું ?’
પણ પાણીમાં અંગારો બુઝાઈ તેમ ઝડપથી ઠરી ગઈ. પછી કહે : ‘ લે આ તારી ટિકિટ..’
‘તો પછી તારી ?’ટીનુના પ્રતિસવાલ સામે સાવ ધીમેથી પણ હૈયું છોલાઈ જાય તેમ બોલી : ‘ મારીતો ટિકિટ જ ક્યાં છે ! જે છે એ તારા લીધે જ છે !’
સેલફોન રણક્યો. જોયુંતો ચેતનનો કોલ હતો. જોતી રહી, આજે પહેલી વાર ચેતનનો કોલ રીતસરનો કાનમાં વાગ્યો. મો બગાડી એકદમ કટ કરી નાખ્યો. ટીનુનું ધ્યાન બારીમાં હતું એટલે સારું થયું નહિતર તેને સાચો-ખોટો જવાબ આપવો પડત. આમતો ટીનુને સાચું જ કહેતી હતી પણ ટીનુ પૂછે છે, ચેતન અંકલના જેમ પપ્પા કેમ ફોન નથી કરતા ?’
પલ્લવી માટે જવાબ આપવો અઘરો થઇ પડે છે.
ત્યાં પહોચતા એકાદ કલાક થાય એમ હતું. પલ્લવીએ આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયાસ કર્યો. આમ પણ રાતે ઊંઘ નહોતી આવી. આંખ બંધ કરે અને બિહામણા દ્રશ્યો સામે આવીને ઊભા રહે એટલું જ નહિ રીતસરના શરીરને ચૂંથાવા લાગે, નસેનસને ખેંચવા લાગે. જીવ જાય નહિ અને પીડા ભયંકર થાય !
છેલ્લેતો કેવું કહીને ઉભા રહ્યા હતા. ‘તારે જે જોઈતું હોય તે લઇ જા, આ બધું જ આપી દેવા તૈયાર છું પણ મને છોડ...!’
‘તમે બધું જ આપી દેવા તૈયાર હોતો, મારી જિંદગીના એ વરસો પાછાં આપી દ્યો. મેં સર્વસ્વ તમને આપ્યું છે, એકએક પળ તમારી પ્રતીક્ષા કરી છે, જીવ સટોસટ ઝંખી છું.આપો, આ બધું પાછું આપો....’
‘તેમાં તે નવું શું કર્યું, નવું શું કીધું. એમ જ ચાલ્યું આવે છે, સ્ત્રીઓ આમ જ કરતી આવી છે !’
‘બધાએ કર્યું એમ મારે પણ કરતાં રહેવાનું ?’
ઓછામાં પૂરું હોય તેમ પરિવારજનોએ પણ એમ જ, સ્પષ્ટપણે કહી દીધું હતું, ‘સ્ત્રીએ તો એમ જ, એની મર્યાદામાં રહેવાનું હોય !’
‘પણ મર્યાદા એટલે શું છે ? તેની વ્યાખ્યાતો કોઈ કરી બતાવો, મને સમજાવો.’
કોઈના પાસે જવાબ નહોતો.
‘હું સમર્પિત થઇ ગઈ અને સામે તમે એક સાધન સમજીને.' પલ્લવીની આંખો ઉઘાડી ગઈ.
‘હું તો આજે પણ કહું છું કે જાત ઉલેચીને સાવ ખાલી થઇ જવાય એટલો પ્રેમ ન કરો, આપણું પણ અસ્તિત્વ હોય છે. કોઈ જયારે શેરડીના છોતરાંચૂસીને ફેંકી દેછે પછી આપણા અસ્તિત્વને શોધવું બહુ આકરું અને કપરું થઇ પડે છે.’ પલ્લવી એક કાને થઇ ગઈ, જાણે સઘળાં સંવાદ તેનાં કાન પાસે જ પ્રગટી રહ્યાં હોય !
‘ચેતન, તમને પણ કહું છું મને એટલો પ્રેમ ન કરો કે પછી મારામાં તમારી જાતને શોધવી મુશ્કેલ થઇ જાય.’
પણ ચેતનતો ક્યાં કશું બોલતો હતો. તે પ્રેમની અબોલ અભિવ્યક્તિની પ્રતીતિ જ કરાવતો રહ્યો છે.
પલ્લવી એકલી એકલી વિચારે ચઢી જતી, આ કેવું છે, એક બાજુ શિયાળાની સવાર જેવો ચેતન અને બીજી બીજું ઉનાળાના ધખધખતા તાપ જેવો પોતાનો પતિ,એક બાજુ પ્રેમનો ઘૂઘવતો સાગર અને બીજી બાજુ સાવ સુકાઈ ગયેલું સરોવર!
‘કોઈની સરખામણી ન થઇ શકે, દરેકનું પોતાની વ્યક્તિત્વ અને અસ્તિત્વ હોય છે..!’
પલ્લવીને થતું હતું કે, જાણે મારી વાત જ બુમરેંગ થઇ રહી છે. શરીરે લખલખું આવી ગયું. તેનાથી ટીનુના ખભા હાથ મુકાઈ ગયો. ટીનુ હસીને કહે, ‘મમ્મી ! ડર લાગે છે ને, પડી જવાનો. મને હાથ દેવો પડ્યોને !’
‘જા રે...જા...!’ આમ કહેવું હતું તેનાં બદલે મન કઠણ કરી સહેજ હસીને કહ્યું :‘હા ભાઈ, તારો જ ટેકો લેવો પડે ને !’
ટીનુ રાજી થતો જોઈ નહોતું બોલવું છતાંય પલ્લવીથી બોલાઈ ગયું :‘તુંય તે પુરુષની જાતને !’
બસ જેમ ગાંધીનગર નજીક જઈ રહી હતી તેમ પલ્લવીના હદયના ધબકારા વધવા લાગ્યાં હતા. છાતીમાં શ્વાસ ઘૂંટાઈને ગૂંગળામણ થવા લાગી હતી. થયું કે આમ જ રહેશે છે તો કદાચ જીવ ચાલ્યો જશે ! તેણે હાથ લાંબો કરી બસની બીજી બારી ખોલી.પણ મુંજારો બહારનો ક્યાં, અંદરનો હતો.
ટીનુએ પૂછ્યું : ‘પપ્પા, લેવાં આવશે ને !’
પલ્લવીના કાનમાં જાણે ધગધગતું પ્રવાહી પ્રવેશી ગયું. ટીનુએ કહ્યું તે હકીકત હતી. તે એકદમ સતર્ક થઇ ગઈ. હવે શું કરવું. વળી તે ચકરાવે ચઢી.
‘જતું કરવાની પણ એક હદ હોય, મર્યાદા હોય..’ પલ્લવી કહ્યું હતું :‘એકને એક વાત વારંવાર આવવાની હોય તો જતું કરવાનો પણ કોઈ અર્થ રહેતો નથી.’
‘કેમ, હું તારો પતિ નથી ? તને કહેવા-પૂછવાનો અને અધિકાર નથી ?’
તો સામે સંભળાવી દીધું હતું. ‘જેટલો તમારો છે એટલો જ મારો પણ અધિકાર છે ને ?’
બન્નેની જીભ છુટ્ટી થઇ ગઈ હતી. અને પછીતો છુટ્ટા પડ્યા સિવાયનો વિકલ્પ રહ્યો નહોતો. પલ્લવી અમદાવાદ આવી, સ્વતંત્ર રહેવા લાગી. ત્યાં જીવનમાં ચેતનનો પ્રવેશ થયો. તેણેતો ત્યાં સુધી કહ્યું હતું કે, દીકરા સહીત તને સ્વીકારવા તૈયાર છું. પલ્લવીને થયું કે હવે બીજું શું જોઈએ, જીવનમાં ! પણ ડાયવોર્સ ન થાય ત્યાં સુધી ચેતન સાથેનું સહજીવન સામાજિક રીતે શક્ય નહોતું.
કંડકટરે બેલ મારીને કહ્યું : ‘ઘ જીરો..!’ બસ ઊભી રહી.
ત્યાં ટીનુએ કહ્યું: ‘પપ્પા મને ગેમ લઇ દે પછી જ ઘેર જવાનું છે !’ પલ્લવીના મનમાં ખલેલ પડી. તે વધારે મૂંઝાઈ. આમ પણ જેમ જેમ ગાંધીનગર નજીક આવતું હતું તેમ ન સહી કે કહી શકાય તેવી મુંઝવણ અને અકળામણ થવા લાગી છે. થાય છે કે એક બાજુ રણ છે અને બીજી બાજુ ઝરણ છે. પોતે સામે ચાલીને રણમાં રઝળવા શું કરવા જાય છે ?
અજયનો ફોન આવ્યો. ધ્રુજતા હાથે બટન દબાવ્યું. ‘ક્યાં પહોચ્યા ?’
શું જવાબ આપવો, તેનો વિચાર કરે તે પહેલાં ટીનુએ સીટ પર કૂદકો મારીને અતિ આનંદથી કહ્યું : ‘પાપા છે ને મમ્મી, મઝા પડશે !’
હા, કહી ફોન કટ કરી નાખ્યો. શું કરવું...પલ્લવી સળગતી સીંદરીના જેમ વળ લેવાં લાગી.
-સળગતી ચિતામાં પડવાનું પરિણામ, રાખ જ આવે...!
ઘ બેનું સ્ટેન્ડ આવતાં કંડકટરે બેલ માર્યો. બેલનો કર્કશ અવાજ સાંભળી પલ્લવી રીતસરની ફફડી ગઈ. જાણે કોઈએ શરીર પર ચાબૂક વીંઝ્યો હોય ! પથીકાએ ઉતરવાનું હતું છતાં પલ્લવીથી ઉભાં થઇ જવાયું. પડી જવાના ડરે બન્ને હાથ સીટ પર ટેકવી દીધા. સાથે ટીનુ પણ ઉભો થઇ ગયો ને ગેલમા આવી જઇ બોલ્યો : ‘આવી ગયું ને મમ્મી !’
‘હા,’ કહી પલ્લવીએ ટીનુને બાવડેથી ખેંચ્યો. અને એકદમ નીચે ઉતરી ગઈ. કન્ડક્ટર સામે જોતો રહ્યો પણ જેના સામે પલ્લવીએ જોયું જ નહી.
‘પપ્પા લેવાં આવશે ને.’ ટીનુના સામે પલ્લવીએ ડાચિયું કરી ધડ દઇને કહી દીધું : ‘ના, ચેતન અંકલ લેવાં આવશે.’
ટીનુના પ્રતિસવાલને ગણકાર્યા વગર પલ્લવી ચેતનને કોલ કરવા લાગી.