સર્જક પરિચય :
ડો. રાઘવજી માધડ
ગુજરાતી સાહિત્ય,લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૩૫ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને... Read more
સર્જક પરિચય :
ડો. રાઘવજી માધડ
ગુજરાતી સાહિત્ય,લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૩૫ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને પિતાનું નામ દાનાભાઇ છે.શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી,શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી હાલ શિક્ષણ વિભાગની એક સંસ્થા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઇઆરટી) ગાંધીનગર માં રીડર તરીકે સેવારત છે.તેઓનો શૈક્ષણિક અભ્યાસ પી.ટી.સી, એમ.એ, બી.એડ,એમ.એ. (એજ્યુકેશન), પીએચ.ડી.સુધીનો રહ્યો છે.
ગુજરાતી સાહિત્ય જગતમાં ‘ઝાલર’ વાર્તાસંગ્રહથી પ્રવેશ કરી ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જાણીતા સાહિત્કાર શ્રી જોસેફ મેકવાન ‘ઝાલર’વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે,ગુજરાતી સાહિત્યમાં વાર્તાક્ષેત્રે જીવન સાથે ઝાઝેરી નિસબત ધરાવતી એક બળુકી કલમ ઊભરી આવી તેછે શ્રી રાઘવજી માધડની, એની વાર્તાઓ જીવન ભણી પ્રત્યાગમન કરતી દેખાય છે.રાઘવજી તળમાટીનો માણસ છે.એનું ભાવવિશ્વ એની આસપાસ ધસતો વસતો તળપદો સંસાર છે.પાત્રો પોતાની રોજિંદી જીવતર વેંઢારવાની ઘટમાળમાંથી ઉદભવ્યા છે.એટલે જ કૃતક નથી વસતા પણ સાચુકલું જીવન ધસતા સિદ્ધ થાય છે.રાઘવજી પાસે એક દ્રષ્ટિ છે જીવનમાં સારપને નિરખવાની ને પારખવાની. તેથી વાર્તાનાં ચરિત્રોનો વિકાસ આપ ફોર્યો થતો રહે છે.એની ભાષામાં જીવટ છે અને શૈલીમાં પરંપરાગત ગુણ હોવા છતાં નિરૂપણનિ કલા રસનિર્વાહ્ય બને છે.
‘ઝાલર’વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.વાર્તા ક્ષેત્રે અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે. શ્રી નર્મદ સાહિત્ય સભા,સુરત તરફથી આપવામાં આવતો ‘કેતન મુનશી વાર્તા પારિતોષિક – ૨૦૧૩’ સપન્ન થયો છે.
ગુજરાતી ટૂંકીવાર્તાઓમાં પોતાની કેડી કંડારનાર શ્રી માધડ પાસેથી જે વાર્તાસંગ્રહો મળે છે તેમાં સંબંધ, જાતરા,અમરફળ મુખ્ય સંગ્રહો છે.વાર્તાઓ જેટલી વંચાઇ એટલી જ પોંખાઈ છે.તેમની વાર્તાઓમાં વરતાય છે જીવનની કઠોર-નઠોર વાસ્તવિકતાને પચાવી લીલપ પાથરતી આવડત...તળપદી વાતોની સાથોસાથ સચ્ચાઈ અને ખમીરનો રણકો પણ સંભળાય છે.તેમજ વાર્તાઓમાં કાઠિયાવાડી વાતાવરણ જ નહી પણ પૂરું કાઠિયાવાડ અનુભવવા મળે છે. તથા ગ્રામ્યજીવનનો સાચો ધબકાર છે, સાથે જિંદગીનું તત્વજ્ઞાન અને કલાત્મકતા સિદ્ધ થયેલી છે.’
સૌરાષ્ટ્રના તળ સમાજમાંથી આવેલા આ લેખક પાસે સારા-ખરાબ અનુભવોનો યુગો જુનો વારસોતો છે જ, પરંતુ એમાંથી વાર્તા નિપજાવવાનું તેઓ પોતાની રીતે શીખ્યા છે. આપણી લોક પરંપરાની કથાઓને એમના સંવેદનજગતમાં ઊંડી અસર પાડી છે તો સમાજના વિવિધ વર્ગો તરફથી પોતાને અને પોતાના સમાજને વેઠવા પડેલા અન્યાયો પ્રત્યે એમનો સર્જકીય પ્રતિભાવ પણ અહીં અનેક વાર્તાઓમાં આપણને દેખાય છે.બોલચાલની ભાષા દ્વારા તેમનો કાન સરવો છે તેની પ્રતીતિ આપણને પાત્રોના સંવાદોમાં તો થાય જ છે અને વાર્તા નિમિતે જે કહેવું છે તેમાં વાર્તાકથનથી દૂર જતું ન રહેવાય તેની કાળજી તેમણે સતત રાખી હોવાથી તેમની વાર્તાકથાને વાચકોનો સતત પ્રેમ મળતો રહ્યો છે.પોતીકા પરિવેશની પરંપરા, પ્રણાલીઓ, પ્રાદેશિકતા...ને કહો કે લોકસંસ્કૃતિ સર્જકના સર્જનમાં પ્રતિબિંબ થયા વિના રહે નહીં. અનુભવનું રસાયણ પણ કલાના કામણ સાથે ઘૂંટાઈને ઊભરી આવતું હોય છે.જે સઘળું આ લેખકના સર્જનમાં દેખાઇ આવે છે.
નાટક,નવલિકા, નવલકથાઓમાં કલાકસબ દાખવનાર આ સર્જક પાસેથી અનેક નવલકથાઓ પ્રાપ્ત થાય છે.જેમાં‘તરસ એક ટહુકાની’,‘સગપણ એક ફૂલ’,‘જળતીર્થ’,‘કૂખ’...વગેરે નોંધપાત્ર કથાઓ છે.જે ગુજરાત નાં અગ્રગણ્ય દૈનિકોમાં ધારાવાહીપણે પ્રથમ પ્રાગટ્ય પામી છે.જેથી તેનો બહોળો વાચકવર્ગ મળ્યો છે. ‘જળતીર્થ’નવલકથાએ જુદી ભાત પાડતી પ્રાદેશિક નવલકથા છે.જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્ને વાચા આપવામાં આવી છે.કોઈ એક વિસ્તારના પાણીના પ્રાણપ્રશ્નને લઇ કોઈ કથા સર્જાય હોયતો પ્રથમ નવલકથાનું શ્રેય ‘જળતીર્થ’ને જાય છે.જે તે સમયે આ કથાએ સાહિત્યમાં ઠીક ઠીક ચર્ચા જગાવી હતી.ખાસ કરી પ્રાદેશિકકથાઓમાં સમાજના તાણાવાણા,વ્યવહારની ઘૂંટી,વિટંબણાઓ,વિપદાઓ,સમસ્યાઓ, છૂતા છૂત..નેતેમની વચ્ચેથી ઊગી નીકળતી પ્રેમની કૂંપળો...વાચકને નવોન્મેષ અનુભવ કરાવે છે.કથાની ભાષા શૈલીમાં તળપદા શબ્દો, તેમની લઢણો અને રૂઢિપ્રયોગો, કહેવતો સરળ અને ઉચિત ગોઠવાઈને કલાત્મક રૂપધારણ કરે છે.સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક-બોલી, ભાષાનો સુંદર વિનિયોગ જોવા મળે છે.ઘણાં અસ્ત પામવાના આરે ઊભેલા બળુકા શબ્દોને લેખકે આમ ઉચિતખપમાં લઇ બચાવી લીધા છે.તેવી જ રીતે ‘કૂખ’ લઘુ નવલકથા પણ ચર્ચામાં રહી રહી હતી.આ કથામાં તદ્દન નવો જ વિષય-સેરોગેટ મધર વિશેની વાત કરવામાં આવી છે.જેમાં માનવીય સંવેદના કેન્દ્રસ્થાને રહી છે.આમ નવલકથા ક્ષેત્રે પણ શ્રી માધડનું પ્રદાન રહ્યું છે.
ખાસ તો સૌરાષ્ટ્ર-ગુજરાતનાલોકસાહિત્યમાં તેઓનું વિશેષ કે નોંધપાત્ર ખેડાણ રહ્યું છે.નવીપેઢીના સર્જકોમાં લોકકથાઓનું સર્જન કરનાર લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા, ગણ્યા ગાંઠયા બે-ત્રણ સર્જકો માંહેના આ એક છે.લોકસાહિત્યમાં ખેડાણ કરવું તે ધૂળધોયાનું કપરું કામ છે.પણ આ સર્જકે માતબર ખેડાણ-સર્જન કરી પાંચ જેટલા લોકકથાના સંગ્રહો આપ્યા છે.જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધી નગર તથા શ્રીઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.આ લોકભોગ્ય સાહિત્ય ગુજરાતના અગ્રગણ્ય દૈનિકોમાં નિયમિત કોલમ રૂપે સતત વીસ વર્ષ સુધી પીરસતા રહ્યાં છે.જેનો એક ચોક્કસ વાચકવર્ગ ઊભો કરી શક્યા છે.આ માટે હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી શ્રીઝવેરચંદ મેઘાણી એવોડૅ પ્રાપ્ત થયેલ છે.
આ લોકકથાઓમાં સૌરાષ્ટ્રના કેટલાંક ખમીરવંતા અને મૂઠી ઊંચેરા માનવીઓના ગજવેલ હૈયાનો મુલાયમ રણકાર સંભળાય છે.સાંપ્રત દેશકાળની કેટલીક અશોભનીય ઘટનાઓથી વિષાદગ્રસ્ત બનેલું મન એક મધુરી આશા સાથે પુન: કોળી ઊઠે છે. જતિ,સતી,શૂર,દાતાને ભક્તોનાં ચરિત્રોથી સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય ઘેઘૂર બન્યું છે.ગામેગામ પાદરમાં ઊભેલાં પાળિયા,ખાંભી,થાનક કે સમાધિઓઆ લોકકથાઓમાં જાણે કે આળસ મરડીને બેઠાં થાય છે.વિસરાતી વિરાસત કે એક સાંસ્કૃતિક વારસાનું જતન થાય છે.
‘બે શબદની વાત’,‘ગુલમહોર,’તથા‘ભવની ભવાઈ’ નામે ત્રણ નિબંધ સંગ્રહ આ લેખક પાસેથી મળે છે.જેમાં પ્રથમ બે સંગ્રહમાં ટૂંકા ને ચિંતનાત્મક લેખો છે.જે વીજળીના જેમ ચમકારો કરી જાય તેવાં છે.જયારે ત્રીજા સંગ્રહમાં પ્રધાનસૂર સામાજિક સમસ્યાઓનો રહેલો છે.તેનું વિષય વૈવિધ્ય અને વાચનક્ષમ ભાષાશૈલી ના લીધે નોંધપાત્ર રહ્યાં છે.
ગુજરાતના અગ્રગણ્ય દૈનિકપત્રોમાં શ્રી માધડ છેલ્લા બે દાયકાથી નિયમિત કોલમ લેખન કરતા રહ્યાં છે.જેમાં ખાસ કરી લોકકથાઓ, ગ્રામીણ-સામાજિક સમસ્યાઓ વિષય તરીકે વણાતા રહ્યાં છે. જેનાથી લોકજાગૃતિ કે સામાજિક ચેતનાનો સંચાર થતો રહ્યો છે.હાલ ‘દિવ્યભાસ્કર’દૈનિકની રસરંગ પૂર્તિમાં પહેલા ‘ધુમ્મસ’ અને ‘ચંદરવો’શીર્ષકથી કોલમ લેખન કરતા હતા.જેમાં યુવાવર્ગની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી કથાનું સર્જન કરવામાં આવે છે.આ કોલમકથાની ભાષા યુવાપેઢીને વાંચવી ને મમળાવવી ગમે તેવી છે.તેનાથી યુવા પેઢીને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ કે લગાવ જન્મે છે ને સાથેસાથે તેનાં પ્રશ્નોને વાચા મળતી હતી. ‘ચંદરવો’ એ લોકકથાઓની કોલમ હતી.
ઘણાં અભ્યાસુ-સંશોધકોએ શ્રી માધડના કથા સાહિત્ય પર સંશોધન કરી,એમ.ફીલ અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે.ઘણી વાર્તાઓનું હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.ધોરણ આઠના પાઠ્ય પુસ્તકમાં પણ એક પાઠ તેમજ ધોરણ ૧૧ (દ્વિતીય ભાષા) સમાવિષ્ઠ થયો છે.
આમ ગામડા ગામમાં એક શિક્ષકથી પોતાની સેવા-યાત્રાનો આરંભ કરનાર શ્રી માધડની ગાંધીનગર, જી.સી.ઇ.આર.ટી.સુધીની યાત્રા જેટલી બાહ્ય તેટલી આંતરિક પણ છે.સૌમ્યને ઋજુ પ્રકૃતિ ધરાવતા આ સર્જક પાસે વ્યાપક જીવન અનુભવનું નવનીત છે,જેને લઈને એમના સર્જનમાં સચ્ચાઈનો રણકો અનુભવાય છે. જીવનને કવનની એકરૂપતાએ વાણી,વર્તન,વ્યવહારમાં પણ સામ્યતા જોવા મળે છે.એમની સરળતા,સહ જતા સર્જનાત્મકતા અને શૈક્ષણિક પ્રતિભાનો લાભ શાળા પાઠ્યપુસ્તકોના લેખન-પરામર્શનથી લઇ અસંખ્ય શૈક્ષણિક કાર્યક્રમો-પ્રશિક્ષણ-સંશોધનોને રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોને પણ મળ્યો છે. એકાધિક એવોડૅથી સન્માનિત શ્રી રાઘવજી માધડનું રેડિયો નાટક, ટેલિવિઝન શ્રેણીઓ તથા ગુજરાતી ફિલ્મોની કથા-પટકથા-સંવાદ લેખનમાં પણ કામ રહ્યું છે.
=============== ( સાભાર : પી.ટી.સી.પાઠયપુસ્તક - ઉદયપુર, રાજસ્થાન ) Read less