STORYMIRROR

HANIF MEMAN

Abstract Inspirational Children

4  

HANIF MEMAN

Abstract Inspirational Children

પરિશ્રમ એ જ પારસમણી

પરિશ્રમ એ જ પારસમણી

2 mins
459

એક સુંદર નાનકડું ગામ. ગામના મોટાભાગના લોકો ખૂબ જ સુખી. લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન. ગામમાં કનુભાઈ અને રવિનાબેનનું એક કુટુંબ પણ રહે. તેમને બે દીકરીઓ. એકનું નામ સીમા અને બીજીનું નામ સારિકા. બન્ને દીકરીઓના સ્વભાવમાં આસમાન-જમીનનો ફરક. સીમા આપકર્મી અને પરિશ્રમમાં માનનારી. જ્યારે સારિકા બાપકર્મી અને આળસુ.      

સીમાએ બાળપણથી જ ઘરનું તમામ કામ કરવાનું શીખી લીધું. રસોઈ બનાવે, વાસણ ધુએ, કપડા ધુએ, પશુઓને ઘાસ ખવડાવે, દૂધ દોહે. આમ તમામ કામમાં તે પોતાના માતા પિતાને મદદ કરતી. અને તમામ કામમાં એ મહેનત કરતી.     

જ્યારે સારિકા ખાવાનું પણ પોતાના હાથે ન ખાય. હંમેશા તેની મા તેને ખવડાવે. પાણી પણ પોતાના હાથે ન પીએ. જાતે ન્હાય નહીં. જાતે કપડાં ન બદલે. આખો દિવસ સૂઈ રહે. કોઈ કામ ન કરે. સતત આળસમાં જ દિવસો વિતાવે.      

એકવાર કનુભાઈનું અચાનક જ અવસાન થઈ ગયું. પરિણામે ઉષાબેન ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયા. પતિના અવસાનના આઘાતમાં ખાવાપીવાનું છોડી દીધું. અને પોતે પણ મરણ પથારીએ પડ્યા. ઉષાબેનને ચિંતા માત્ર સારિકાની જ હતી. કારણ કે સારિકા આળસુ હતી. એક પણ કામ જાતે નહોતી કરતી. સારિકા નું શું થશે એ બાબતે દુઃખી રહતા. તેમની પાસે મિલકતમાં માત્ર બે ભેંસો જ હતી. મરતા પહેલા ઉષાબેને એક ભેંસ સીમાને અને એક સારિકાને ભાગમાં આપી અને આ પશુના સહારે જીવન વિતાવવાની સલાહ આપી દુનિયા છોડી ગયા.     

' મા ' વિના સીમા અને સારિકા સૂની પડી ગઈ. સારિકા તો આળસું હતી. એક પણ કામ જાતે નહોતી કરતી. તેને મળેલ ભેંસને ખાવાનું પણ ન આપતી. જેથી ભૂખી તરસી તેની ભેંસ મરી ગઈ. અને તે પોતે પણ આળસના લીધે ખાવાનું ન કરતી. તથા ભૂખી તરસી પડી રહી. માટે કહેવત છે કે, ' આળસ એ જીવતા મનુષ્યની કબર છે. ' ઉક્તિ અનુસાર તે પણ ખાધા-પીધા વિના ભૂખી મરી ગઈ.    

 સીમા તેને મળેલ ભેંસની ખૂબ ચાકરી કરતી. તેને જરૂર મુજબ ખાવાનું આપતી. સમયસર દૂધ દોહતી. ગામની દૂધ ડેરીમાં દૂધ ભરાવતી. દૂધની કમાણીમાંથી ધીમે ધીમે દસ ભેંસો ભેગી કરી. અને તબેલો બનાવ્યો. તેની મહેનત રંગ લાવી. દર મહિને તે પચાસ હજાર રૂપિયાની આવક રળવા લાગી. પોતાનું ઘર બનાવ્યું. ગામના જરૂરતમંદ લોકોની સેવા પણ કરતી. બીજાની મદદ પણ કરતી. સીમાની ધગશ,મહેનત અને સેવાભાવના કારણે તે ગામની સરપંચ બની. સરપંચ બનીને ગામમાં વિકાસના ખૂબ કાર્યો કર્યા. સીમાએ કરેલ કાર્યોની નોંધ સરકારમાં લેવાઈ.અને તેને ઉમદા સરપંચનો પ્રશસ્તિ પત્ર મળ્યો.    

કામની ધગશ અને પરિશ્રમ એ જ એના જીવનના મુખ્ય ઘ્યેય બની ગયા હતા. પોતે સ્ત્રી હોવા છતાં પણ પુરુષોને પણ શરમાવે એવી અજબ કાર્યશક્તિથી બધાની પ્રેરણા બની. નાના - મોટા સૌની આદર્શ બની. પરિશ્રમરૂપી પારસમણીથી જે કામ હાથમાં ઉપાડે તેને સફળતાપૂર્વક પાર પાડતી. ગામમાં દીકરાઓ અને દીકરીઓના મા-બાપ પણ પોતાના સંતાનોને સીમાની જેમ મહેનત અને પરિશ્રમ થકી આગળ વધવા સલાહ આપતા. ગામમાં, સમાજમાં તમામ જગ્યાએ તેની શાખ વધતી ગઈ. 

આમ, ગરીબ પરિવારમાં ઉછરેલી સીમાએ મહેનત અને પરિશ્રમથી પોતાની આગવી ઓળખ ઊભી કરી. અને સ્ત્રી હોવા છતાં પણ પગભર બની બીજા માટે પ્રેરણા બની.   

 માટે જ કહેવત છે કે ,  'પરિશ્રમ એ જ પારસમણિ.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract