STORYMIRROR

Devang Bagdai

Drama

4  

Devang Bagdai

Drama

પરિચય

પરિચય

7 mins
389

આ બેગ હટાવશો પ્લીઝ ?

ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ઊભી હતી. કુંજ મોબાઈલમાં જ પરોવાયેલો હતો અને અચાનક કોઈનો અવાજ આવ્યો. કુંજે ઉપર જોયું. તો સામે રેવતી ઊભી હતી.

બંનેની નજર મળી. જાણે કાળચક્ર થંભી ગયું ને યાદોએ ગતિ પકડી...!

રેવતીની પાછળ જ તેનો પતિ આવ્યો. તરત જ કુંજે ધ્યાન ફેરવીને પોતાની બેગ હટાવી લીધી.

કુંજ નીચેની બર્થ પર બેઠો હતો. કુંજથી દૂર રહેવા રેવતીએ તેના પતિને પૂછ્યું ‘હું ઉપરની બર્થ લઈ લઉં ?’

‘તારી મરજી’ રેવતીનો પતિ બોલ્યો.

તુરંત જ રેવતી ઉપરની બર્થ પર જતી રહી.

સાંજ ઢળવા લાગી. નીચેની બર્થ પર એક વડીલે આવીને કુંજને કહ્યું, “મારી બર્થ ઉપર છે. પણ મારી પગની તકલીફને કારણે ઉપર ચઢી નહિ શકું. હું તમારી આ નીચેવાળી બર્થ લઈ લઉં ? તમે ઉપર જતા રહેશો પ્લીઝ ? આ એન્ડ ટાઈમ પર બુકિંગ કરાવ્યું ને એમાં મને ઉપરની બર્થ મળી.”

પત્યું....! રેવતીનાં ધબકારા વધી ગયા. પોતે દૂર જવા માંગતી હતી પણ નિયતિ કુંજને પોતાનાથી વધુને વધુ નજીક લાવતી હતી. ખબર નહિ કેમ, પણ રેવતીને હૃદયનાં કોઈક ખૂણે આ જે કઈ બન્યું તે ગમ્યું પણ ખરું...!

“કોઈ એક ચુંબકીય તત્વ છે માણસની અંદર, જે તેના વર્તનથી તદ્દન વિરુદ્ધ એવી હૃદયની ભીતર રહેલી ઈચ્છાઓને પોતાની તરફ ખેંચતું હોય છે.” રેવતીને સાઈકોલોજીનાં લેક્ચરમાં સાંભળેલું રાવલસરનું એ વાક્ય યાદ આવ્યું.

ટ્રેન આગળ વધતી રહી. રાત પડી અને શિયાળાની કાતિલ ઠંડીમાં આખોયે ક્મ્પાર્ટમેન્ટ ઘસઘસાટ ઊંઘી ગયો. કુંજ અને રેવતી બે જ એવા પેસેન્જર હતાં જેના પર ઠંડી કરતાં પણ યાદોનું જોર વધુ સવાર હતું.

રેવતીએ પાણીની બોટલ કાઢી. અને બંનેને નજીક લાવવા મથતી પેલી નિયતિએ ચાન્સ લઈ લીધો. બોટલનું ઢાંકણ રીસે ચઢ્યું. રેવતી થોડીવાર મથી પછી કુંજે હાથ લંબાવ્યો. રેવતીએ ચૂપચાપ બોટલ આપી અને કુંજે કાચી સેકન્ડમાં ઢાંકણ ખોલી આપ્યું.

રેવતીનું દિમાગ એને પ્રેક્ટીકલ બની ઊંઘી જવા સમજાવતું હતું અને હૃદય બધું જ અલગ દિશામાં ખેંચી રહ્યું હતું.

“પાણીમાં શું પીવાનું ? સાવ સ્વાદ વગરની વસ્તુ. પાણીનું પૃથ્વી પર અવતરણ તો ખાલી ‘મિક્સ’ કરવા માટે જ થયું છે” કુંજ ધીમેથી બોલ્યો.

રેવતી હસી પડી.

“હજુ યાદ છે ?” રેવતીએ પૂછ્યું.

“હા,જ્યારે જ્યારે આપણી કોલેજ ગેંગની મહેફિલ જામતી ત્યારે મિક્સ કરતી વખતે તું અચૂક બોલતી.” કુંજે ધીમેથી જવાબ આપ્યો.

આગળ ઘણી વાતો કરવી હતી પણ બધા ભરઊંઘમાં હતા. કોઈ જાગી ગયું તો ? કુંજ નીચે ઉતરી દૂર જઈ અને ક્મ્પાર્ટમેન્ટનાં દરવાજા પાસે ઊભો રહી ગયો.

“દરેક માણસની અંદર એક તદન બેફીકર એટીટયુડ હોય જ. પણ સમય, સંજોગ અને મજબૂરી મુજબ એ એટીટયુડ અંદર ધરબાઈ જતો હોય છે. ક્યારેક કોઈ સંજોગોનો ધક્કો લાગે ત્યારે એ એટીટયુડ ખુલ્લીને બહાર આવી જતો હોય છે” રાવલસરનું આ વાક્ય રેવતીને યાદ આવ્યું અને જાણે પોતાની ઈચ્છા વિરુદ્ધ જ નીચે ઉતરીને તે પણ ક્મ્પાર્ટમેન્ટનાં દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ.

“ટ્રેનમાં ?” કુંજને સિગરેટ ફૂંકી રહેલો જોઈને રેવતીએ પૂછ્યું

“તો શું કરું ? ૧૨ કલાકની જર્ની છે. સિગરેટ વગર તો કેમનું ચાલે ? થોડું સંભાળીને પીવાનું બીજું શું ?”

કુંજે બીજી સિગરેટ રેવતી તરફ લંબાવી. રેવતીએ તરત ખેંચી લીધી.

આજે રેવતી 5 વર્ષ પાછળ જતી રહી હતી. એકદમ બેફીકર અને અલ્લડ. ખબર નહિ આજે એને ફરી જીવી લેવું હતું.

કુંજે લાઈટરની ફ્લેમ કરી અને રેવતીએ પણ સિગરેટનો કશ લેવાનું શરુ કર્યું.

“તું વાંકાનેરમાં શું કરતી હતી ?”

રેવતી ધીમેથી હસી, સિગરેટનો કસ લીધો અને બોલી, “અરે કંઈ નહિ યાર, કાકીજીનાં છોકરાનાં છોકરાનું મૂંડન હતું.”

કુંજ ખડખડાટ હસી પડ્યો.

“એ લબ્બાડ, ધીમે હસને” રેવતીએ તેના અસ્સલ જુના અંદાજમાં કહ્યું.

“સોરી, પણ ક્યાં પેલી કોલેજની રેવતી ને ક્યાં તું ? તું આખો દિવસ આમ સંસ્કારી વહુ બનીને કઈ રીતે રહી શકે છે ?” કુંજે પૂછ્યું

રેવતીએ કહ્યું “એમાં પણ મારો વર..! ‘રેવતી, આ આપણા વિમળાફોઈ...ઓળખ્યા ?’ એટલે મારે સમજી જવાનું કે વિમળાફોઈનાં ટાંટિયા ખેંચવાના છે.”

ફરી કુંજ ખડખડાટ હસી પડ્યો. આ વખતે રેવતીએ સેન્ડલ કાઢીને છૂટું ફેંકતી હોય તેમ ધીરે હસવાનો ઈશારો કર્યો.

“મને એમ કહે, ટ્રેનમાં તારા વરની સામે તું મારાથી દૂર કેમ જતી રહી ? આપણે ક્યાં જૂના પ્રેમીઓ છીએ ? જસ્ટ કોલેજ ફ્રેન્ડસ છીએ. હાઈ-હલ્લો તો કરી શકાય ને ?” કુંજે પૂછ્યું

“તને ના સમજાય. બહુ સંસ્કારી પરિવાર છે એમનું” રેવતી બોલી.

“તો આપણે શું વંઠેલ પરિવારનાં છીએ ?” કુંજે અચરજથી જવાબ આપ્યો

“અરે એમ નહી, પણ હું તારા લખ્ખણ ઓળખું ને..! તું એની સામે જ મને સિગરેટ ધરે એમાંનો છે.” રેવતી બોલી.

“હા તો શું છે ? આટલા જુનવાણી છે આ લોકો ?” કુંજે પૂછ્યું.

“જુનવાણી નહિ, સંસ્કારી” રેવતીએ ક્લિયર કર્યું.

“સંસ્કારી લોકો જ બહુ કુસંસ્કારી હોય, આવું તું જ બોલતી કોલેજમાં” કુંજે મજાકમાં કહ્યું.

રેવતીએ એક મુક્કો લંબાવ્યો કુંજ તરફ અને બોલી. “માર ખાઈશ”

“અરે મેં શું ખોટું કહ્યું ? યા તો તને એવું લાગતું હશે કે પહેલાની તારી બધી જ માન્યતા ખોટી હતી. અને યા તો કોઈ મજબૂરીમાં તું આખી બદલાઈ ગઈ છે.”

ફાસ્ટ ચાલી રહેલી ટ્રેનની બારીમાંથી લાઈટ ને શેડો રેવતીનાં ચહેરા પર અવર જવર કરવા લાગ્યા. રેવતી ત્યાંથી ધીમા ડગલે ચાલવા લાગી અને સામેના દરવાજા પાસે જઈને પીઠ પર દીવાલનો ટેકો લઈને ઊભી રહી ગઈ. થોડી પળો એમ જ પસાર થઈ.

“એક એવી લાત મારીશ ને કે ૩૦૨ હાડકાં આઘા પાચા થઈ જશે, આવું તું જ બોલતી ને ?” કુંજ રેવતી તરફ ચાલતા ચાલતા બોલ્યો. અને સામેની દીવાલ પાસે ઊભો રહી આગળ બોલવા લાગ્યો.

“દુનિયાનું કોઈ એવું ભૂત નથી જે મારા જેવું ખતરનાક હોય, બોલતી બંધ કરવામાં મારી ફાવટ છે...! આ બધા મારા નહીં તારા વાક્યો છે. અને અત્યારે તારી જ બોલતી બંધ ?” કુંજે વાત આગળ ચલાવી.

“તને ખબર છે એ કેટલું બધું કમાય છે ?” રેવતી બોલી.

“ટ્રેનમાં મુસાફરી કરી શકાય એટલું” કુંજે તુરંત જ સામો જવાબ આપી દીધો.

કુંજે આગળ બોલવાનું ચાલુ રાખ્યું “અહીં તું પૈસાને વચ્ચે નહી લાવ. મરજી મુજબ જીવી શકવાની સ્વતંત્રતાની વાત છે. તારો ફિક્કો ચહેરો જોયો છે ? ઈચ્છાઓ સાથે કરેલા સેક્રીફાઈસનો ગઢ ચોખ્ખો દેખાય છે એના પર. અને આ બધી દલીલોથી તું મને નહી તારી જાતને જ સમજાવી રહી છે એવું તારા બોલવાના ટોનમાં સ્પષ્ટ બહાર આવે છે.”

“તો શું કરું ? છૂટાછેડા લઈ લઉં એની સાથે ? એનો વાંક એટલો જ કે એ સંસ્કારી છે ?”

“પહેલા તો સંસ્કારી હોવાની ડેફીનેશન ક્લિયર કર. એક્ટિંગમાં તું યુથ ફેસ્ટીવલ ટાઈમથી જ નબળી છે. એટલે રહેવા દે. તને બહુ સારી રીતે ખબર છે કે હું શું કહેવા માંગુ છું.”

“ઓ જ્ઞાનીબાબા, તારી પાસે રાખ તારી શિખામણો. એક સ્ત્રી તરીકે જીવનમાં થોડું કોમ્પ્રોમાઈઝ કરવું જ પડે. દરેક સ્ત્રી કરતી હોય છે.”

“સ્ત્રી અને પુરુષની અલગ અલગ પરિભાષા ઊભી કરનાર સમાજને હું ગણકારતી નથી....! એવું તું એક વકતૃત્વ સ્પર્ધામાં બોલી હતી” કુંજે સિગરેટનો છેલ્લો કશ લેતા કહ્યું

“તો તું એમ કહેવા માંગે છે કે આગળનાં સ્ટેશને ઉતરીને તારી સાથે ભાગી જાઉં ?”

“ના”

“જો સોલ્યુશન ના હોય તો બોલ નહીં.”

“તારે ભાગવાનું નથી. ભગાડવાનું છે. તારી અંદર રહેલા ખોટા ડરને ભગાડવાનો છે. કોઈને કેવું લાગશે અને કોણ શું કહેશેવાળા વિચારોને ભગાડવાના છે. તારે તારા સહજ વ્યક્તિત્વમાં રહેવાનું છે. એ સહજ વ્યક્તિત્વ જે ખરેખર તારું છે. તારા હસબન્ડને તે જેવો છે એવો સ્વીકારી લીધો તો એણે પણ તને જેવી છે તેવી સ્વીકારવી પડે ને ? અને વાત તો માત્ર ખુલ્લીને જીવવાની છે બીજું ક્યાં એણે કઈ સ્વીકારવાનું છે ? બીજા પાંચ વર્ષ હજુ આમને આમ ગયા તો તારા ચહેરાની ઉમર સીધી 20 વર્ષ વધી જશે.” કુંજ એકી શ્વાસે બોલી ગયો.

કુંજની આંખોમાં પોતાનો ચહેરો નહીં પણ ઉમર જોઈને રેવતી સમસમી ગઈ. પણ બીજી જ પળે વાસ્તવિકતા સ્વીકારીને બોલી.

“સિગરેટ માટે થેન્ક્સ. ચલ બાય” કહીને તે પોતાની બર્થ તરફ જવા લાગી.

રેવતી આગળ વધે તે પહેલા જ સામે કોઈ આવીને ઊભું રહી ગયું.

“બધો વાંક બટુકકાકાનો છે” રેવતીનો હસબન્ડ પાર્થ સામે આવીને થોડો ગુસ્સામાં બોલ્યો.

રેવતી થોડી ડરી ગઈ. અને પાછળ હટી.

પાર્થે આગળ બોલવાનું ચાલુ રાખ્યું “બટુકકાકા ને ઓળખે ને ? જેણે આપણું સગપણ કરાવ્યું હતું. કાકા તો સ્વર્ગે સિધાવી ગયા પણ આપણા પાંચ વર્ષ પાણીમાં નાખતા ગયા.”

સન્નાટો....! કુંજ અને રેવતી કઈ જ બોલી ન શક્યા.

“જો પાર્થ, હું પહેલા જેવી હતી એવી, પણ હવે તો તમારા પરિવારને શોભે એમ જ રહું છું ને ?” રેવતી હિંમત કરી ને બોલી.

પાર્થ ખડખડાટ હસવા લાગ્યો અને પછી બોલ્યો.

“અરે વાંક બટુકકાકાનો છે, કહું છું તો ખરા..! તારો વાંક નથી. ભાઈ, તું મને એક સિગરેટ આપ એટલે આગળ વાત કરું.” કહીને પાર્થે કુંજ પાસે સિગરેટ માંગી.

પાર્થ અને સિગરેટ ? રેવતી જોતી જ રહી ગઈ. 

સિગરેટ સળગાવતા પાર્થે આગળ વાત ચલાવી. “તને તો ખબર છે ઓર્થોડોક્સ વડીલો...! છોકરાઓનાં ચોકઠા બેસાડવા કઈ પણ તિકડમ કરતાં હોય છે. વાત એમ છે કે તું મને જોતા જ ગમી ગયેલી. પરંતુ જ્યારે બટુકકાકા તારા માટેની વાત મારા ઘરમાં લાવ્યા ત્યારે એણે કહ્યું હતું કે છોકરી તો એવી સંસ્કારી છે કે આંખ ઊંચી કરીને જુએ એમ નથી. એકદમ ઘરેલું છે. વ્યસની માણસોથી તો દૂર જ રહે. એટલે મને એમ થયું કે તારી સામે મારે એકદમ સંસ્કારી બનીને બિહેવ કરવું પડશે. નહિ તો તને થશે કે આ તો કેવો વંઠેલ છે !”

રેવતી જોતી જ રહી, અને બોલી “બટુકકાકાનો જ વાંક છે. મારા ઘરમાં એણે એવું કહેલું કે છોકરો એકદમ સીધો છે. ઊંચી આંખ કરીને જુએ એમ નથી. કોઈ જ વ્યસન નથી. એટલે હું પણ તારી સામે એકદમ સીધી અને સરળ થઈને રહેતી હતી, નહિ તો તને થાત કે આ તો કેવી વંઠેલ છે.”

કુંજ હવે મોટેથી હસવા લાગ્યો “સુપર્બ સુપર્બ, સાલા બંને એક્ટિંગમાં જોરદાર નીકળ્યા, પાંચ વર્ષ સુધી બંને એકબીજાની સામે રોલ જ પ્લે કરતાં રહ્યાં, બંનેને ઓસ્કાર આપવો જોઈએ ઓસ્કાર”

પાર્થ બોલ્યો “ઓસ્કાર અમને નહિ, બટુકકાકાને મળવો જોઈએ. બંનેને સાવ નજીકથી ઓળખતા હોવા છતાં ઈન્ટ્રોડકશન આપતી વખતે શું એક્ટિંગ કરી હતી...! જોરદાર....!”

કુંજે ઝડપથી ટ્રેનનો દરવાજો ખોલ્યો, અને હસતાં હસતાં આકાશ તરફ જોઈને ઘાંટા પાડવા લાગ્યો, “ઓ બટુકકાકા સાંભળો છો....!! સ્વર્ગમાં એન્ટ્રી મળી કે હજુ બહાર જ ઊભા છો ? જતાં રહો અંદર..! આત્માને શાંતિ મળી ગઈ હશે હવે તમારા” અને ફટાક કરીને દરવાજો બંધ કરી દીધો. 

ત્રણે ખડખડાટ હસી પડ્યા. ટ્રેન મુંબઈ સ્ટેશન પહોચવામાં હતી. કુંજ બોલ્યો “આજે શનિવાર છે. ચલો આ ખુશીમાં આજે રાત્રે મારા ઘેર પાર્ટી કરીએ ?”

“પણ તારી વાઈફ ?” રેવતીથી પૂછાઈ ગયું.

“ડોન્ટ વરી, અમારા મેરેજ બટુકકાકાએ ન્હોતા કરાવ્યા. એ તો આવી બધી પાર્ટીઝ માટે ઓલ્વેઝ ક્રેઝી હોય છે. આવી જજો.” કુંજે જવાબ આપ્યો.

“ચાલો, તો આજે સાંજે આપણે પહેલીવાર એકબીજા સાથે ચીયર્સ કરીશું, અને પાણીના પૃથ્વી પરના અવતરણવાળો તારો ઓરીજીનલ ક્વોટ આજે અમર થઈ જશે.” પાર્થે રેવતીને કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama