ભગવાન ભરોસે
ભગવાન ભરોસે
ઉતમચંદનો પોસ્ટમોર્ટેમ રીપોર્ટ આવ્યો. એક્સીડન્ટ નહોતું. ચાલુ કારે અટેક આવતા ઉતમચંદ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા હતા. સિવિલ હોસ્પિટલની બહાર ઉભેલો ગોટીયો દોડતો ડોકટરની કેબીનમા ગયો અને ડોકટરને પૂછ્યું...
’સાહેબ ઉતમચંદમાથી ભગવાન નીકળ્યા ?’
ડોક્ટર માટે આ સવાલ પહેલીવાર ન્હોતો. સીવીલ હોસ્પિટલની બહાર કાયમ બેસી રહેતો ગોટીયો દરેક પોસ્ટમોર્ટમ પછી ડોક્ટરને આવુ પુછવા દોડતો. ડોકટરો પણ ગોટિયાના આ સવાલથી ટેવાઇ ગયા હતા. દરવખતની જેમ આ વખતે પણ ડોક્ટરે નકારમા માથુ ધુણાવ્યુ અને તુરંત ગોટીયો બહાર નીકળી ગયો.
ઉતમચંદની બાવીસ વરસની દીકરી શોભા આ જોતી જ રહી ગઈ. આવો વિચિત્ર માણસ અને આવો વિચિત્ર સવાલ જીવનમાં પહેલીવાર જોયો અને સાંભળ્યો’તો. સગા-વહાલાઓની ભીડ વચ્ચેથી નીકળીને શોભા ડોકટરની કેબીનમા ગઈ. ડોકટરને પૂછ્યું,
‘સર પેલો માણસ કોણ હતો ?’
ડોકટરે કહ્યું. ‘એ તો ગોટીયો છે, અહીયા રોજ હોય છે. બહાર ફુટપાથ પર બેઠો હોય છે. થોડો અર્ધપાગલ જેવો છે, જો કે કોઈને નુકશાન નથી કરતો, બાય ધ વે આ રીપોર્ટની એક કોપી પોલીસને આપી દેજો, અને હવે તમે બોડી લઈ જઈ શકો છો’
થોડા દિવસ પછી પોતાની ન્યુઝ ચેનલની ઓફીસથી ઘરે જઈ રહેલી શોભાએ ફુટપાથ પર પેલા ગોટીયાને જોયો. લાકડાની સીડીને હોસ્પીટલની દીવાલ પર રાખીને ગોટિયો સીડી ઉપર ચડવા પ્રયત્ન કરતો’તો. શોભા એ કારને બ્રેક મારી સાઈડમા ઊભી રાખી. લોકો ગોટીયા પર હસતા’તા. ત્યારે એક માજી આવ્યા કદાચ ગોટીયાની મા હશે, તેણે બૂમ પાડીને કહ્યું
‘ગોટીયા નીચે આવતો રે, ભગવાન આકાશમા હોય ઈ તને કો’કે કીધુ એમા સીડી લઈને આકાશે નો ચડાય, હાલ આમ’
અને ગોટીયો ચૂપચાપ નીચે આવતો રહ્યો. શોભાને નવાઈ લાગી. તેણે માજી અને ગોટીયાનો ચાલીને જ પીછો કર્યો. સીવીલ હોસ્ટેલની પાછળની સાઈડના ખાલી પટમા એક સાવ ખખડધજ ઓરડીમા બન્ને ગયા. શોભા પણ તેમની પાછળ અંદર ગઈ. ગોટીયો ઓરડીમા પડેલા જુના ટાયરોના થપ્પા પર બેસી ગયો અને માજીએ ત્યાં પડેલા જુના ભંગારના ઢગલાને ફંફોસવા માંડ્યો. અચાનક માજીનુ ધ્યાન શોભા પર પડ્યુ ને આંખો ઝીણી કરી બોલ્યા
‘આવો, જુનો ભંગાર દેવાનો છે ?’
શોભાએ કહ્યું ‘ના’.
‘તો કામ બંધાવવુ હઈસે..!’
શોભાએ કહ્યું ‘ના, હું તો તમને મળવા આવી છું, આ ગોટીયો તમારો શું થાય ?,
માજીએ ભંગારને સરખો કરતાં કરતાં જ જવાબ આપ્યો. ‘મારો દીકરો છે’
શોભા મુળ વાત પર જ આવી ‘પણ એ બધે ભગવાનને કેમ શોધે છે ?’
માજીએ જુની શેતરંજી કાઢી કહ્યું,
‘ભગવાન ભરોસે એનુ જીવતર બગડી ગ્યુ, પંચાવન વરસનો થ્યો, એણેય આપણી જેમ હાંભળ્યુ તુ કે ભગવાન માણસની માલિપા હોય, એટલે જ્યારે સાવ હાજો હતો ત્યારે માણસોની ખુબ સેવા કઈરી, દાન પુન કઈરા, પણ કાઈ ભલીવાર નો થ્યો. માથેથી સંસાર બઈગડો, પૈસા ગ્યા. એને એમ છે કે જો કયાંક કો’કનામાથી ભગવાન મળે તો ઈ બધુય વ્યાજ હારે પાછું લઈ લવ, પણ એમ કાંઈ મેળ પડે ?’
શેતરંજી પર શોભાને બેસવાનો આગ્રહ કરી માજીએ ગોટીયા બાજુ જોયુ. ગોટીયો તો જાણે કોક બીજી દુનિયામા જ હતો, જાણે એક એક પળે ભગવાનને જ શોધતો ના હોય. શોભા એ એને પૂછ્યું,
‘તમારે ભગવાનનુ શું કામ છે ભાઈ’.
ગોટીયોતો તો દરેક માણસ સામે એક જ અપેક્ષાથી જોતો, કે આ મને ભગવાન અપાવી દેશે. મોટી આશા સાથે એણે શોભાને સામુ પૂછ્યું, ‘તમને મલી ગ્યા ? ક્યાં છે ?’
શોભાએ કહ્યું ‘ના, મને તો નથી મળ્યા, પણ તમારે એનુ કામ શું છે ?’
નિરાશ થયેલા ગોટીયા એ કહ્યું, ‘કાંઈ નઈ, મારે એની પાસેથી લેવાના નીકળે છે’ એમ કહીને ગોટીયો ઓરડીની બહાર ભાગી ગયો.
નિસાસો નાખતા માજીએ કહ્યું, ‘આને કેમ હમજાવવો મારે’
‘પણ તમે કોઈ ડોક્ટરને બતાવો ને’ શોભાએ કહ્યું.
માજીએ બેસતા કહ્યું,
‘સંજોગોએ ભીડમા લીધા હોય એની દવા તો ડોકટરે પાહેય કયાંથી હોય.. ?, નાનો હતો ત્યારે રોજ મારી ભેગો હવેલીએ આવતો, દર્શન કરે, ખાલી હવેલી જ એમ નઈ, હનુમાનજીનો તો મોટો ભગત, ઉઘાડા પગે જાતો શનિવારે તો તેલ ચડાવવા.
પણ તો આ બધુ કેવી રીતે થયુ ? શોભાએ પૂછ્યું
“શાસ્તરના (શાસ્રોના) લખેલા થોથા અને કરમના સિધાન (સિધાન્ત) ને કળજગમા પાળવા જાવ તો બીજુ શું થાય ? એના બાપા કચેરીમા નોકરીમા હતા. વાચવાનો એને શોખ. એટલે ગોટીયોય વાચવાનો શોખીન થ્યો. કરમના સિધાન તો બધાય મોઢે. સારુ કરો તો સારુ થાય. તમે જે કરો છો ઈ બધુય કરમ કરાવે છે, જે કરો ઈ કા તો હારા કરમમા જાય કા તો ખરાબ કરમમા, કોક ને મદદ કરો તો ભલુ થાય એવુ બધુય ઈ ખૂબ માનતો. એટલો સીધો ને ભોળો કે દુનિયાદારીની વાતુ ને ચાલાકી તો આઈવડા જ નઈ. એમ નેમ કરતા ક્યાંક પટાવાળામા નોકરીએ રયો. પઈણાઈવો, ડાહી વહું આઈવી, ફુલ જેવી દીકરી આઈવી. અમારો એવો સુખી પરિવાર હતો કે વાત નો પુછો. ગોટીયો એના પગારમાથી એક ભાગ દાન-ધરમનો પેલા કાઢે, ગાયુને ઘાસ, ગરીબને અનાજ દર મઈને દેવા જાય. છોકરીનો પાચમો જનમ દી આઈવો ત્યારે ગોટીયાએ કીધુ કે મારે આને માતાજીએ પગે લગાડવા લઈ જાવી છે, ન્યા એના હાથે મમરાના લાડવા વેચવા છે, એટલે અટાણથી જ એના સારા કરમ બંધાવાના ચાલુ થઈ જ..
બસ તે’દી બે માહણ એની છોકરીને લઈને બસમા ગ્યા ઈ ગ્યા. તૂટેલા પુલ માથેથી બસ નીચે ખાઈબકી એમા મા-દીકરી ઓછા થ્યા. ફુલ જેવી દીકરીને નજર હામે મરેલી જોઈને ગોટીયો રોયો નઈ. આજ દી હુંધી નથી રોયો.
અધુરામા પુરુ એના બાપા એ જ્યાં આખી જિંદગીની કમાણી રોઈકી’તી ઈ મંડળીએ નાદારી નોંધાઈવી ને અમારી હાલત આવી થઈ ગઈ. પણ હવે એને દુનિયાદારીના હાચા દર્શન થ્યા. એને ભાન થયુ કે પોતે આંધળાની જેમ ફરતો’તો, ક્યાંક ઉંચી નજર કરીને જોયુ હોત તો ખબર પડત કે નજર હામે એકપણ એવા બનાવ દેખાતા નથી કે જ્યામ કરમ નો સિધાન (કર્મનો સિદ્ધાંત) હાચો પડતો હોય. અટાણ સુધી ખોટુ કરનારા માટે ઈ એવુ માનતો કે એને એના પાછલા કરમ જ ખોટુ કરાવે છે. પણ હવે હમજાણુ કે એના પાછલા કરમ નહી ઈ પોતે જ ખોટુ કરે છે અને એટલે જ સુખી છે. એના બાયડી છોકરા ખખડ્ધજ બસમા નહી પણ ગાડીમા માતાજીએ જાય છે અને સાજા જ પાછાય આવે છે. અને ઈ ગાડી બંગલા તો પાછા ખોટુ કરીને જ લીધા હોય તોય..!
તો આમા હાચુ હું ? દીકરીના હાથે લાડવા વેચાવીને કરમ કરાવવાનો ધખારો ના રાઈખો હોત તો ન્યા જાત નહી ને આવું બધુ થાતેય નહી. પછી તો એના બાપાય પાછા થ્યા ને અમારી આ હાલત થઈ. અને એક’દી હિસાબની ચોપડી લઈ આઈવો. ક્યે કે મે આટલા વરહમા આટલા પગારમા જે દાન ધરમ કઈરા ઈ જો નો કઈરા હોત તો અટાણે ગાડી જેટલા રૂપીયા થઈ ગ્યા હોત ને મારી છોકરીને એની મા બેય જીવતા હોત. ધીમે ધીમે વિચારવાયુએ એનુ મગજ ફેરવી નાઈખુ. બોવ સીધા એને બોવ ડફણા ઈ આનુ નામ. હવે ક્યે છે કે ભગવાન મળે એટલે હંધુય હાટુ વાળુ”
શોભા સામે તો જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હતી. ત્યાં જ બહારથી કોઈએ પૂછ્યું
‘ગોટીયો અહીયા રહે છે ?’
ત્યારે શોભા આખી વાતમાથી બહાર આવી. પણ આ શું ? દરવાજે ગોટીયાનુ પુછનાર વ્યક્તિ કોઈ બીજી નહી પણ પોતાની ન્યુઝ ચેનલમા પપ્પાના સમયથી કામ કરતા પપ્પાના વિશ્વાસુ એકાઉન્ટન્ટ અંબેશભાઈ હતા.
‘અરે શોભામેડમ તમે અહીયા ?’
‘હા, હું તો તમે જે ગોટીયાને શોધો છો એની પાછળ પાછળ અહીયા આવી’તી. પણ તમે અહીયા કેવી રીતે ?, તમે આ લોકોને ઓળખો છો ?’
“ઓળખતો ન્હોતો, પણ તમારા પિતાજીનુ અધુરુ રહી ગયેલુ એક કામ પુરુ કરવા આવ્યો છું. ઉતમચંદ સાહેબને પોતાની રીપોર્ટર તરીકેની રખડપટ્ટીમા આ ગોટીયા વિશે જાણવા મળ્યુ’તુ. એમની ઈચ્છા હતી કે એક દિવસ હું અને તમારા પપ્પા સાથે અહિયા આવીએ. ગોટીયાને કહીએ કે ભગવાન ખુબ વયસ્ત છે, એટલે એમની બદલે અમને મોકલ્યા છે. તમારા માટે પૈસા મોકલ્યા છે. તમે જે દાન કર્યા’તા એ બધા જ વ્યાજ સાથે પાછા. અને તમારા માટે ઘર પણ લઈ રાખ્યુ છે ભગવાને. અને દર મહિને અનાજ પણ મોકલતા રહેશે. અરે એના માટે શેઠજીએ પોતાનુ જુનુ ઘર પણ ખાલી કરાવી રાખ્યુ છે”
શોભાની સામે તેના પિતાજીનો ચેહરો ઉપસી આવ્યો. એને અંદાજ પણ નો’તો કે પોતાના પિતાજીની અંતિમ ઈચ્છા પુરી કરવામા પોતે આ રીતે સાક્ષી બનવા પહોચી જશે.
અંબેશભાઈ આગળ બોલ્યા “શોભાબેન આપણે ગોટિયાને બાકી બધુ તો સમજાવી દઈશું. પણ એની દીકરી અને પત્નીને ભગવાને પાછા કેમ ના મોક્લ્યા એવું પૂછે તો શું કહીશું ?”
‘અંબેશ અંકલ, એની ચિંતા તમે ના કરો. એનો જવાબ મારી પાસે છે’
એટલામા ગોટીયો ઘરમા આવ્યો. બધાની સામે ચકળવક્ળ જોઈ રહ્યો. ફરી પેલા તૂટેલા ટાયર પર જઈ બેઠો.
શોભાએ ગોટિયા તરફ જોઈને કહ્યું.
‘પપ્પા ઓળખી મને ?’ ગોટીયો એકીટશે જોઈ રહ્યો.
‘હું તમારી દીકરી છું. નાની હતી ત્યારે મને અને મારી મમ્મીને ભગવાન લઈ ગયા હતા ને ? હવે હું મોટી થઈ ગઈ એટલે નહી ઓળખી હોય તમે મને..’
ગોટીયો જોઈ જ રહ્યો. એની પાસે કોઈ જ જવાબ ન્હોતો.
‘ભગવાને મને ત્યાં મોટી કરી, ભણાવી ગણાવી, અને તમારા લઈ લીધેલા બધા પૈસા અને મકાન લઈને મને પાછી મોકલી છે તમારી પાસે. અને મમ્મી તો પહેલેથી ધાર્મિક હતા. એણ કહ્યુંં છે કે એને તમારી ખોટ તો ખુબ સાલે છે પણ ભગવાનની ભક્તિ છોડવી નથી, એટલે મને કહ્યું કે તુ જ જઈને તારા પપ્પાને સાચવ. એ અહિયા આવે પછી અમે અહિયા સાથે રહીશું’
ગોટીયાની આંખો પહોળી થઈ ગઈ, માથુ ભમવા માંડ્યુ, અંધારા આવવા લાગ્યા, તેની આંખો બંધ થઈ અને જાણે ભગવાન સાક્ષાત એની સામે ઉભા દેખાયા, જાણે માથું ઝૂકાવીને કહી રહ્યા છે
‘યાર ગોટીયા ભૂલ થઈ ગઈ બસ..હવે સાજો થઈ જા’.
અકસ્માતમાં મરેલી દીકરીને હાથમા લીધી હતી ત્યારનું ગોટિયાનું રોવાનુ બાકી હતુ તે આટલા વરસે છાતીમાથી આંખોમા પહોચ્યુ અને ગોટીયો ચોધાર આંસુએ શોભાને માથે હાથ મૂકીને રોઈ પડ્યો. છાતીનો ભાર હળવો થવામા ક્યારેક આટલા વરસો વીતી જતા હોય છે એની કલપ્ના તેની માને પણ ન્હોતી. ચોંધાર આંસુએ રોઈ રહેલા ગોટીયાને બાથમા લઈને માજીએ કહ્યું
‘બસ ગોટીયા હવે, જાનારા વીયા ગીયા, આજે ભગવાન પોતે તારી માફી માગવા આઈવા છે હમજસને ? ?
દાયકાઓ પછી આજે ગોટીયાની છાતી હળવી થઈ. ગળે ભરાયેલો ડુમો વરસો પછી છુંટ્યો. અને જાણે તેના દુખને મોક્ષ મળ્યુ. ગોટ્યો એટ્લુ જ બોલ્યો.
‘બસ ભગવાન તમારુ કામ મને હાજો કરી દેવાનુ હતુ. બાકીની જિંદગી તો આ બાવળાના બળે કાઢી લઈશ..!! ‘
માજી અને ગોટીયાની જવાબદારી તો શોભા એ લઈ લીધી. પણ પાછા વળતા સિવિલ હોસ્પિટલના દરવાજે ઉતમચંદનુ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર મળી ગયા. શોભાએ તેમને કહ્યું.
‘સર તમે તે દિવસે ગોટીયાને ખોટુ કહ્યુંં હતું કે ઉતમચંદમાંથી ભગવાન નથી નીકળ્યા’
ડોક્ટર કંઈ સમજે તે પહેલા તેણે ગાડી મારી મૂકી.
