મુન્ની અને માજનિયો
મુન્ની અને માજનિયો
માજનિયાને લઈ આવવાનું આહ્વાન થાય એટલે મુન્નીના પગમાં સ્ફૂર્તિ ચઢે.
પોતાની પાસે દસ તોલાનો હાર હોય અને તે બતાવવા જેમ અધીરા થઈ જવાય તેમ પોતાનો માજનિયો ગામને બતાવવા માટે મુન્ની કાયમ અધીરી રહેતી.
મુન્ની એટલે કામવાળા લીલીબેનની દીકરી અને માજનિયો એટલે તેમના ઘેર લાવેલું બકરીનું બચ્ચું.
તે વખતે મોબાઈલ નામના અસુરે અવતરણ ન્હોતું કર્યું, લેન્ડલાઇન ફોન આખા વાંકાનેર ગામમાં ત્રણ ચાર ઘરમાં હોય તો ભલે. ગ્લોબલ વોર્મિંગ શબ્દનું પણ અવતરણ હજુ ત્યારે થયું ન હોવાથી આકરા કહેવાતા તાપ ત્યારે પડતાં ન્હોતા અને છોકરાઓનાં ટાંટિયા ઘરમાં ટકતા ન્હોતા.
ઘરના છોકરાઓ અને ઘરે કામ કરનારાના છોકરાઓ શેરીમાં તો એક સાથે જ રમતા હોય. સધ્ધરતાના તફાવતો માનસમાં હોવા, કોની સાથે રમવું કોની સાથે નહીં, કઈ નાત સાથે સંબંધ રાખવો અને કઈ નાત સાથે નહીં જેવા કોઈ જ પરિબળો વગર તે સમયે તાલુકાઓ અને ગામડાઓ ધમધમતા. બાળમાનસ પાસે બે જ શબ્દો હતા ‘ભાઈબંધ અને બહેનપણી’. તેની નાત કઈ છે, તેનું ઘર કેવડું છે, આપણાથી મોટું છે કે નાનું, તેના પપ્પાનો વ્યવસાય આપણાં કરતાં ચઢિયાતો છે કે નીચો, તેના ઘરમાં કોણ કેટલું ભણેલું છે આવા કોઈ જ પરિબળોનો ત્યારે કોઈને વિચાર પણ ન્હોતો. છતાં સુખ અપાર હતું. અને કદાચ એટલે જ સુખ અપાર હતું.
જાણે લાખો વર્ષો બાદ આવ્યો હોય તેવો મૂળ અવસર એવો હતો કે ગામમાં વાસણ ઉટકવાનું કામ કરતાં લીલીબેને ઘેર બકરીનું બચ્ચું લીધું હતું.
લખોટી, માચીસની છાપ, લોઢું લાકડું, ખો-ખો, પૈંડાની રેસ, થપ્પો જેવી રમતો રમતા છોકરાઓને હવે નવી રમત મળી હતી. માજનિયા સાથે રેસ લગાવવાની રમત. આ રમત રમવા માટે શેરીના છોકરાઓ દ્વારા ઘેરથી માજનિયાને લાવવાની અરજ મુન્નીને એવી રીતે કરવામાં આવી જાણે પ્રધાનમંત્રીના પી.એ. ને સાહેબની એક મુલાકાત કરાવી આપવા માટે અરજ થતી હોય.
સારવાર કરીને જંગલમાં છોડાતાં દીપડા જેમ પાંજરું ખૂલતાં જ દોટ મૂકે તેમ જ માજનિયાને લેવા મુન્નીએ દોટ મૂકી. એના માટે તો દસ તોલાનો હાર પહેરીને ફરવા જેવો અવસર હતો.
તામ્રપત્રમાં રાજાએ મોકલેલા સંદેશને જીવની જેમ સાચવીને છાતીએ વળગાડીને લાવતા સૈનિકની જેમ માજનિયા સાથે મુન્નીની એન્ટ્રી થઈ ત્યારે શેરીમાં રીતસરનો હુરિયો બોલ્યો. કાચબો જેમ ઢાલમાંથી મોઢું કાઢે તેમ એકાદ ઘરડા માજીએ બારી ખોલીને શેરીમાં જોયું પણ ખરા.
‘આ હંસાનો ચકુડો બોવ રાડકો છે’ એવું કઈક બણબણીને બારી બંધ કરી દીધી.
આ પણ એક ખાસિયત છે. છોકરો રાડકો હોય કે ડાહ્યો, જશ કે અપજશ તો તેની માં ના નામ સાથે જ અપાય.
માજનિયાની પણ એક અલાયદી ખાસિયત હતી. તેને જ્યાં પણ છૂટો મૂકો, તે દોટ મૂકીને ઘર તરફ ભાગે. તેની દોડ ભલભલાને હંફાવી નાખે.
તો નક્કી થયા મુજબ શેરીના એક છેડે બધા છોકરાઓ માજનિયા સાથે રેસ લગાવવા ઊભા રહ્યા. માજનિયો હજુ મુન્નીની છાતીએ વળગાડેલો હતો. છૂટો મૂકો તો તે રેસની સિસોટીની રાહ જોયા વગર જ સીધો ઘર તરફ ભાગે. બરાબર ગોઠવાય ગયા પછી ધીમે રહીને નીચા નમીને મુન્નીએ માજનિયાને છુટ્ટો મૂક્યો. તેની સાથે રેસ લગાવવા બધા જ છોકરાઓ દોડ્યા.
તે સમયે શેરીઓ 10 ડગલાંમાં પૂરી થઈ જાય તેવડી ન્હોતી. અને શેરીમાં પાણીની ખુલ્લી કૂંડીઓ, ખુલ્લી ગટરો, પાણીની ડટ્ટીઓ, ઓટલાઓ,સાઈક્લો જેવું ઘણું પડ્યું હોય. ઊપડતી ટ્રેન પકડવાની હોય અને છેલ્લે આવેલો મુસાફર દોડે તેમ માજનિયો તો છૂટો મૂકતાં જ દે ધનાધન દોડ્યો.
સાથે છોકરાઓ પણ કાચા ન્હોતા. અમુક અંચઇઓમાં અઠંગ એવા છોકરાઓ તો પહેલેથી જ અડધી શેરી કાપીને કોઈ ઓટલે જઈને રેસ લગાવવા ઊભા હતા. એટલે માજનિયો છુટ્ટો મુકાય તે પહેલા જ અડધું અંતર કાપીને રેસમાં ગોઠવાયા હોય. આ આખીએ રમતમાં રેસમાં જીતવાની તાલાવેલી એક માત્ર માજનિયાને ન્હોતી. બાકી બધા દેકારા કરતાં કરતાં દોડ્યા.
અમુક અઠંગ છોકરાઓ તો માજનિયો પાછળ રહી જાય તે માટે તેને ડરાવતા ડરાવતા પણ દોડ્યા. પણ કૃષ્ણએ છોડેલા સુદર્શનની જેમ માજનિયાને કોઈ જ ષડયંત્રો નડે તેમ ન્હોતા.
ચાર ચાર ફૂટની છલાંગો મારતો માજનિયો બધાને પાછળ રાખીને સૌથી પહેલો નીકળી ગયો. શેરીના બીજા છેડે તેને પકડીને રોકવા માટે ગોઠવાયેલા છોકરાએ તેને પકડી લીધો. અને માજનિયો પહેલા નંબરે આવતા જ મુન્નીને જાણે ઓલિમ્પિકનો ગોલ્ડ-મેડલ મળ્યો તેમ ફુલવા લાગી. માજનિયા સાથેની આ રેસ હવે રોજની પરંપરા બની ગઈ. પણ ક્યારેય કોઈ જ માજનિયાને રેસમાં હરાવી ન શક્યું.
ઓટલા પર બેસીને માજનિયા સાથેની દોડની વાતો કરતાં છોકરાઓ થાકતા ન્હોતા. માજનિયાને કોઈ હરાવી નથી શકતું તેવી વાતો સાંભળીને ઢાલમાંથી કાચબો મોઢું બહાર કાઢે તેમ ફરી પેલા માજીએ ફરી બારી ખોલી. બપોરની ઊંઘ પૂરી કરીને ફ્રેશ થઈ ગયેલા માજીએ બધી વાતો સાંભળીને કહ્યું
‘જીતવા હારું ઘાંઘાં થઈને નો દોડાય, મૂળે પૂગવાનું એક જ લખ (લક્ષ્ય) હોય તો કોણ હરાવે?’ આટલું બ્રહ્મજ્ઞાન આપીને માજીએ બારી ફરી બંધ કરી.
માજીના કહેવાનું તાત્પર્ય કદાચ એ હતું કે માજનિયો તો પોતાનાં ઘરે પહોંચવા માટે દોડે છે. તમને હરાવવા કે પોતે જીતવા માટે નહીં. પણ અજાણતાં જ એ સમયના ઘરડાંઓના મુખે પ્રગટ થતાં બ્રહ્મજ્ઞાનનું બાળમાનસમાં સિંચન થઈ જતું.
શસ્ત્રો પણ કહે છે કે માનવ અવતારનું મુખ્ય ધ્યેય ‘મોક્ષ’ નું છે. મોક્ષ એટલે પોતાનું ‘મૂળ ઘર’. પોતાનું મૂળસ્થાન. આ એક જ લક્ષ્ય સાથે જો જીવન જીવવામાં આવે તો સંસારમાં જીત કે હારની અપેક્ષા રાખ્યા વિના પણ જીત જ મળે. અને ‘મૂળ’ લક્ષ્ય સાથે જીવતા માણસ માટે તો સંસારની બાબતોની જીત કે હાર બધું જ આપોઆપ ગૌણ બની જતું હોય છે. પણ એ સ્થિતિ પર પહોંચવા માટેનું સિંચન અજાણતાં જ આપી દેતી પેઢી આજે હયાત નથી અને તેનું નિમિત બનતી શેરી રમતો પણ અલોપ છે.
