સાંકડી ગલી
સાંકડી ગલી
ભંડકિયા જેવું ગટરનું નાલુ બની ગયેલી એ સાંકડી ગલીમાં થઈને પાછળ જઈએ તો ખુલ્લા નાના મેદાનમાં હરીલાલ ડોસાનું કાચું ઝૂંપડાં જેવુ ઘર આવે. તેના ઘેર જવાનો બીજો કોઈ રસ્તો હતો જ નહીં.
ઘરમાં જવા માટે આ સાંકડી ગલી પાર કરીને જ જવું પડે. મૂળ આ ગલીનું નામ સાંકડી ગલી હતું. જ્યારે હવે તો આ ગલીમાં સોસાયટીના કચરા, ગટરના પાણી અને જીવાતો હોવાથી ભંડકિયું બની ગયું હતું.
ચોગાનમાં ક્રિકેટ રમતાં છોકરાઓના ક્રિકેટનો બોલ જો આ ગલીમાં જાય તો બોલ પાછો લાવે ત્યારે બોલનો કલર બદલાઈને કાળો થઈ ગયો હોય. નળ નીચે મૂકીને ગટરનું પાણી સાફ કર્યા પછી જ બોલ ચોખ્ખો થાય.
ભંગાર ખરીદવાનું કામ કરતાં હરીલાલ સાંજ પડે આ ગલીમાંથી પોતાની રેંકડી પસાર કરીને ઘેર પહોંચતા. તેને આ રસ્તાની કોઈ જ સૂગ ન્હોતી. ઉપરથી હરીલાલ તો અહીં પસાર થાય ત્યારે સોસાયટીના ઘરોના કચરામાં ફેંકાયેલી જરૂરી વસ્તુઓ લઈને પોતાની ભંગારની રેંકડીમાં લઈ લેતા. ઘેર પહોંચીને રાત્રે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કામે લાગી જતાં.
હરીલાલ એટલે સંસાર બંસાર બધું જ વટાવીને નિજાનંદની અવસ્થામાં જીવતો અલગારી જીવ. એનું કામ તો કચરામાંથી કંચન સર્જવાનું. કચરામાંથી કંચન શોધવાનું નહીં પરંતુ સર્જવાનું. દુનિયાભરનો ભંગાર લાવીને એમાંથી નવી નવી વસ્તુઓ બનાવે અને વેચે.
પાવડરના ખાલી ડબ્બામાંથી તે આકર્ષક પેન મૂકવાનું સ્ટેન્ડ બનાવી જાણે, જૂના કપડામાંથી ડોરમેટ, કાચની બોટલમાંથી ફ્લાવરવાઝ, ટીન પેકમાંથી મિનિ પ્લાન્ટર, જૂની ડીવીડીમાંથી નાની વોલક્લોક આવું બધું જ તે બનાવી જાણે. કોઈપણ રદ્દી વસ્તુ તેના હાથમાં આવે એટલે તેનો કાયાકલ્પ થયો જાણો. બસ શરત એટલી કે એ રદ્દી વસ્તુઓને પેલી સાંકડી ગલીમાંથી પસાર થવું પડે.
નિત્યક્રમ મુજબ એક દિવસ રાત્રે હરીલાલ ભંગારની રેંકડી ખેંચતા ખેંચતા પેલી સાંકડી ગલીમાંથી પસાર થયા. અને તેને ઘોર અંધારામાં કઇંક નવીન વસ્તુ જોવા મળી. દૂરથી ઢીંગલી જેવી દેખાતી એ વસ્તુને પાસે જઈને જોઈ તો કપડામાં વીંટળાયેલી ઢીંગલી જ હતી. હરિલાલે ઢીંગલીને ઉપાડી અને તેના પગ થંભી ગયા. આ તો તાજી જન્મેલી જીવતી છોકરી હતી.
અહિયાં જ મૂકીને નીકળી જવું? પોલીસને જાણ કરવી? સોસાયટીના લોકોને સાદ પાડીને બોલાવવા? હોસ્પિટલ લઈ જવી? એક સાથે અઢળક સવાલો તેના મનમાં થયા. હરીલાલને જાણે ઈશ્વર સાથે સીધું જ સંધાન હોય તેમ આંખો બંધ કરીને કુળદેવીને યાદ કરવા લાગ્યો, મનોમન ફરિયાદ કરવા લાગ્યો કે મને આ કઈ મુંજવણમાં મૂકી દીધો?
અચાનક સાંકડી ગલીમાં દૂરથી કોઈ બે વ્યક્તિઓ વાત કરી રહ્યા હતા તેનો અવાજ હરીલાલના કાને પડ્યો,
“ફેંકાઇ નહીં, સળગાવી દેવાય, નહીં તો કોઈના હાથમાં આવે તો આપણાં સુધી પહોંચતા વાર ન લાગે, અને જો પકડાઈ ગયા તો સજા તો થશે જ પણ દીકરીને ફરજિયાત ઉછેરવી પણ પડશે”
કાચી સેકન્ડમાં હરીલાલ સમજી ગયા કે બાળકીને ફેંકનાર દંપતી આ તરફ આવી રહ્યા છે. અને ફેંકવાને બદલે સળગાવવાનો વિચાર કરીને આ તરફ આવે છે. જો પોતે ઊભો રહેશે તો કદાચ તેની સાથે આ લોકો મારઝૂડ પણ કરી શકે, અથવા તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની જેમ પકડાઈ જવાની બીકે હરીલાલને પોતાની દીકરીનો ચોર ઠરાવી દે. પોતાના પર આવનારા કોઈ જ સંકટની હરીલાલને લગીરે ચિંતા ન્હોતી. પણ બાળકીને સળગાવી દેવાની વાતથી તે ધ્રુજી ગયો. બીજી જ સેકંડે બાળકીને બચાવવાના ઇરાદે તે ફટાફટ રેંકડી અને બાળકી બંનેને લઈને પોતાનાં ઘર તરફ ભાગી ગયો. જાણે કઈ બન્યું જ નથી.
ઘેર લાવીને તેણે બાળકીને સીધી જ કુળદેવીના ચરણોમાં મૂકી દીધી. અને તેનું કપડું ખોલીને ગરમપાણીથી તેના શરીર પર ચોંટેલા ગટરના કચરા સાફ કર્યા. માતાજીના દીવાની વાટ બનાવવા માટે રાખેલા રૂ ને હૂંફાળા ગરમ દૂધમાં બોળીને બાળકીના મોં માં દૂધ સીંચવા માંડ્યો. એકાદ વાટકી જેટલું દૂધ પીવડાવ્યું અને ધીમે રહીને બાળકીએ આંખો ખોલી. ભંગારમાં આવેલા જૂના કપડાં શોધીને હરિલાલે તેને પહેરાવ્યા. આખીએ રાત હરીલાલ ઊંઘી ન શક્યો. પોતે બરાબર કર્યું કે નહીં તે નક્કી ન્હોતો કરી શકતો. આ બાળકીનું તે શું કરશે તે પણ તેને ખબર ન્હોતી પડતી. બાળકી તો દૂધ પીને નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયેલી.
આખી રાત વિચારોમાં જ રહેલા હરીલાલને છેલ્લા પહોરે ઝોંકુ આવ્યું. સવારના પહેલા કિરણે જ તેની ઊંઘ ધીમા ધીમા રડવાના અવાજથી ઊડી. તરત જ ઊઠીને તેણે બાળકીને રૂ વડે દૂધ આપ્યું ને બાળકી ફરી ઘસઘસાટ ઊંઘી ગઈ. છેલ્લા પહોરની ઊંઘ પૂરી થતાં સુધીમાં તો ‘હવે બસ હું જ આનો બાપ’ તેવું હરિલાલનાં અંતરે સ્વીકારી લીધેલું. હવે તો સ્વયં નિયતિએ જોવાનું હતું કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો માસ્ટર આ હરિ ડોસો આ બાળકીનું ભાવિ સ્વયં કેવી રીતે ઘડે છે.
આજકાલ ભંગારની રેંકડીમાં નીચે ઘોડિયું બાંધીને હરીલાલ એક નાની બાળકીને લઈને કેમ ફરે છે તેવો સવાલ કોઈને ન થયો ત્યારે ખુદ હરીલાલને ભાન થયું કે ભંડકિયામાં જીવતા આ હરીલાલના જીવનમાં કે તેના વિષે જાણવામાં દુનિયાને કોઈ રસ ન્હોતો. પોતે ખોટો જ ડરતો હતો.
આગળની વાત આમ તો લાંબી છે, પણ સંક્ષિપ્તમા જોઈએ તો દીકરીને પારંગત બનાવવામાં હરિલાલે કોઈ જ કસર ન્હોતી છોડી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં દીકરી એવી પારંગત બની કે જાણે ખરેખર હરીલાલની સગી દીકરીની જેમ હુન્નરનો વારસો મળ્યો હોય.
કાલુ કાલુ બોલતી દીકરી અને મરક મરક હસતાં હરિલાલની નાની દુનિયા સ્વર્ગ જેવી બની ગઈ. બેટા બેટા કહીને બોલાવતા હરીલાલને સાંભળીને દીકરી પોતાનું નામ પણ ‘બેટા’ જ માનવા લાગેલી. પણ પોતે નામ પાડતા જ ભૂલી ગયો છે તેવું હરીલાલને ત્યારે ભાન થયું જ્યારે તેને ‘બેટા’ ને શાળામાં દાખલ કરવાનો વિચાર આવ્યો. અંતે તે સમયની સરકારી શાળામાં દાખલો લેવા જતી વખતે અચાનક જ તેના મોઢે ‘લક્ષ્મી’ નામ નીકળ્યું. પોતાની જ દીકરી છે અને પોતાની પત્ની સ્વર્ગે સિધાવી ગઈ છે તેવું સમજાવીને શાળામાં દાખલો લઈ લીધો.
તે સમયે શાળામાં એડમિશન લેવું આજ જેવુ કઠિન ન્હોતું. આંગળી પકડીને બાળકને લાવીને માં-બાપ કહેતા કે ‘સાહેબ આ કાલથી આવશે’. આટલા સરળ યુગમાં લક્ષ્મીને શાળામાં મૂકવી તેને જરા પણ અઘરી ન પડે તે સ્વાભાવિક છે.
સમય વહેતો ગયો, લક્ષ્મીને પોતાનાં ભૂતકાળનો કોઈ જ અણસાર નથી પણ જેમ કચરામાંથી કંચન સર્જવાની પરંપરા હરીલાલ ડોસાએ બરાબર નિભાવી હોય તેમ લક્ષ્મીએ શાળામાં નામ કાઢ્યું. લક્ષ્મીની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા તેના શિક્ષકોએ બરાબર પારખી લીધી. શાળાના આચાર્યએ શિક્ષણ અધિકારીને ખાસ ભલામણ કરીને આ છોકરીની વાત કરી. સમગ્ર શાળાના છોકરાઓને આ કળા શિખવવાની જવાબદારી લક્ષ્મીને સોંપવામાં આવી.
આગળ જતાં લક્ષ્મીનું નામ સમગ્ર પંથકમાં મોટું થતું ગયું. અને આજે બે દાયકા બાદ પેલી સાંકડી ગલીમાંથી આવતી લક્ષ્મી ‘વેસ્ટ ઇસ બેસ્ટ’ નામથી ઝાડ નીચે ગામના બાળકોને વિવિધ કળાઓ શીખવે છે. ધીરે ધીરે તીથવા ગામનું નામ આ કળાને લીધે રાષ્ટ્રીય મીડિયામાં ઝળક્યું અને સરકારની નજર પડી.
પરિણામે આજે લક્ષ્મી મેડમ સમગ્ર રાજ્યમાં આ મુહિમ ચલાવતા થઈ ગયા. લક્ષ્મી પાસે લક્ષ્મીનો કોઈ જ તૂટો નથી રહ્યો. આજે પણ પેલી ગલી તો સાંકડી જ છે પરંતુ ધીમે ધીમે બદલાતા સમયની સાથે સ્વચ્છતાના અભિયાનોને કારણે ગલી એકદમ સ્વચ્છ બની ગઈ છે. હરીલાલનું ઝૂંપડું પાકું મકાન બની ગયું છે.
એક રાત્રે લક્ષ્મીએ અમસ્તા જ કહ્યું, ‘બાપુ, આપણે હવે બહાર ક્યાંક મકાન લઈ લેવું છે?’
હરિલાલ થોડો વિચારમાં પડી ગયો. ખબર નહીં કેમ પણ સાંકડી ગલી છોડવી તેને ગમતી ન્હોતી. આ સાંકડી ગલી થકી જ તો તેને દીકરી મળી છે, આ સાંકડી ગલીમાંથી પસાર થઈને જ તો તેના હાથે લાખો વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ બની છે. પણ પોતે આ વાત દીકરીને કેમ સમજાવે?
જવાબ ન મળતાં લક્ષ્મીએ ફરી કહ્યું, ‘મેં તો એટલે કહ્યું કે હવે તમારી તબિયત સાજી-માંદી હોય છે, અહીંથી દવાખાનું દૂર છે. ક્યાંક બહાર મકાન લઈએ તો બધુ નજીકમાં હોય’
હરીલાલને ખબર છે કે હવે પોતે ખર્યુ પાન છે, દીકરીની ઈચ્છા પૂરી થતી હોય તો સાંકડી ગલીનો મોહ શું રાખવાનો? તેવું વિચારીને તેણે હા પાડી દીધી.
થોડા સમય બાદ નવું ઘર તૈયાર હતું. નવા ઘરમાં પ્રવેશતી વખતે લક્ષ્મીની ઈચ્છા વાસ્તુ રાખવાની હતી. અને તેની એવી પણ ઈચ્છા હતી કે નવા ઘરમાં વાસ્તુનો તમામ શણગાર અને ઘરની તમામ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર જ બનેલી હોય. અને આ જવાબદારી ઉપાડી લીધી પ્રજ્ઞાએ. પ્રજ્ઞા એટલે લક્ષ્મીની નાનપણની સખી અને લક્ષ્મી પાસે જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખીને આજે લક્ષ્મીની સાથે ખભેખભા મિલાવીને સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવી રહી છે.
જૂના ટાયરમાંથી બનાવેલો સોફાસેટ, ચા-ખાંડના ડબ્બાના ઢાંકણામાંથી બનેલી વોલ ક્લોક આ બધું જોઈને કોઈપણ અંજાય જાય તેવું મોર્ડન ઘર તૈયાર થઈ ગયું. વાસ્તુનો દિવસ આવ્યો અને હરિલાલે ‘સાંકડી ગલી’ છોડી.
વાસ્તુમાં સગાવ્હાલાઓમાં ‘સગા’ કહી શકાય તેવું તો હરીલાલ કે લક્ષ્મીનું કોઈ હતું નહીં પણ ‘વ્હાલા’ ખૂબ હતા. શાળાના શિક્ષકોથી માંડીને પોતાનાં અભિયાનમાં જોડાયેલા અનેક મહાનુભવો આવ્યા. અહીં પહોંચ્યા બાદ બધાને એક મોટી સરપ્રાઈઝ મળી.
આ દિવસે હરીલાલના હસ્તે એક પુસ્તક વિમોચન કરવાની જાહેરાત કરવામાં આવી. હરીલાલ માટે પણ આ એક સરપ્રાઈઝ જ હતી. પ્રજ્ઞાએ માઇક પર મહેમાનોને સમજાવ્યું કે આજે લક્ષ્મીએ લખેલા એક પુસ્તકનું તેના પિતા હરીલાલના હાથે વિમોચન થશે. અને આ પુસ્તકનું નામ છે ‘સાંકડી ગલી’
સાંકડી ગલીની પુસ્તકના પ્રથમ પેજની પ્રસ્તાવના વાંચવા માટે પ્રજ્ઞાએ લક્ષ્મીને આમંત્રણ આપ્યું. અને લક્ષ્મીએ પ્રસ્તાવના વાંચવાની શરૂઆત કરી.
‘મોક્ષની ગલી સાંકડી છે. આ સંસાર એટલે એ સાંકડી ગલી. જ્યાં ડગલે ને પગલે વિષય અને કષાય તરફ દોરી જતાં દૂષણો મળશે. કોઈ છેતરનારો હશે તો કોઈ વ્યસનો તરફ ખેંચી જનારો હશે, કુસંગો પણ ડગલે ને પગલે દેખાશે. પણ તેમાંથી ચેતીને, પાર થઈને આપણે ધ્યેય તરફ જવાનું છે. ખુદના સ્વભાવના દૂષણો અને સમાજનાં દૂષણો એટલે આ સાંકડી ગલીની ગંદકી. તેમાંથી ચેતીને જો એ સાંકડી ગલી પાર કરી ગયા તો સામે છેડે ઈશ્વર એટલે કે ‘હરિ’ સ્વયં ઊભા છે તમને આવકારીને તમારા ખુદમાં રહેલી ત્રુટીઓ દૂર કરીને તમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે, આ ગલી પાર કરતાં જ નિયતિની ભૂમિકા પૂરી થાય છે અને સ્વયં હરિની ભૂમિકા શરૂ થાય છે’
પ્રસ્તાવના સાંભળીને હરિ ડોસાની આંખો ભીની થઈ ગઈ. અને પોતાની અંદર રહેલી અસમંજસ પણ પળવારમાં દૂર થઈ ગઈ. તેને અસમંજસ હતી કે પોતે મરતાં પહેલા લક્ષ્મીને તેના જન્મની સાચી હકીકત જણાવી દેવી કે નહીં? પણ અહીં તો દીકરી પોતે જ નિયતિને હંફાવીને મારા હાથમાં સુધી પહોંચી છે, પોતે અનેકવાર વાતવાતમાં હકીકત કહી દેવાના પ્રયત્નો કર્યા હોવા છતાં પણ જો નિયતિ સ્વયં તેની સાચી હકીકત જણાવવાનો મોકો મને આજ સુધી નથી આપી શકી તો હું કોણ એમાં ડખલ કરનારો? આપણે તો બસ ભગવાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં નિમિત બનાવ્યા તે પણ મોટી વાત છે.
