પ્રેમની દુનિયા
પ્રેમની દુનિયા


" હું તને પ્રેમ કરું છું...આઈ લવ યુ.."
"આભાર..તું આઝાદ ભારતનો નાગરીક છો..તો તને પ્રેમ કરવાનો અધિકાર છે.."
"પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વગર હું નહીં જીવી શકું !"
"એમ ? તો તને જીવાડવા માટે મારે શું કરવું પડશે ? "
"તું પણ મને પ્રેમ કર. હું તારો પડ્યો બોલ ઉપાડી લઈશ. દુનિયાના દરેક સુખ તારા કદમોમાં લાવી દઈશ."
"તારી મમ્મીને કોઈ દિવસ આવું કહ્યું છે ? જા..જા..તારી જેવા તો બહુ જોયા. મારો પ્રેમ કાંઈ રેંકડીમાં વેચાતી શાકભાજી નથી તે ગમે તે એરો ગેરો, નથુ ખેરો પાંચ રૂપિયાના કિલોના ભાવે ખરીદી શકે. ચલ હટ મારા રસ્તામાંથી. ફરીવાર કોઈ દિવસ મને સામો પણ મળતો નહીં. મને જીતવી સહેલી નથી.."
ગુલાબી કલરની સ્ફુટીને લીવર આપીને એકદમ સ્પીડમાં સલોની સડસડાટ કોલેજના ગેટમાંથી નીકળીને ચાલી ગઈ. સલોની, ઓગણીસ વરસની, ઉંચી , ગોરી અને રૂપાળી છોકરી હતી. શહેરના ઉધોગપતિ ગણપતલાલ ગોળવાળાની લાડકી અને ત્રણ ભાઈઓની એકની એક વ્હાલી બહેન હતી. કોલેજના ગેટ પર એને ઉભી રાખીને પ્રેમની માગણી કરનાર અને દુનિયાના દરેક સુખ સલોનીના કદમોમાં લાવી આપવાની શેખી કરનાર યુવાન એટલે સુંદર પાટીદાર.
કોલેજથી દૂર એક હોસ્ટેલમાં રહેતો અને સાઇકલ લઈને કોલેજમાં આવતો એ યુવાન આમ તો હતો દેખાવડો, પણ ગરીબીને કારણે એનો દેખાવ ગરીબ હતો.
અમીરી અને ગરીબી વચ્ચે પાંગરતી આ પ્રેમકથાનો પહેલો પડાવ સુંદરના દિલમાં ઊંડો ઘાવ કરી ગયો. એના પગમાં પહેરેલા સ્લીપરમાં ઘુસેલો કાંટો એના પગના તળીયે વાગતો હતો એની પીડા કરતા સલોનીએ જે કાંટો એને ભોંક્યો એ વધુ પીડાદાયક લાગ્યો હતો ! એની અંદર રહેલા બીજા સુંદરે એને કહ્યું , "બિચારી બા.. રોજ કેટલી ચિંતા કરતી હશે તારી ? કોલેજ જવા આવવા એક જૂની સાઇકલ લેવી હતી ત્યારે બાએ બચાવેલી મૂડી છાનામાના આપી હતી એ ભૂલી ગયો ? સલોનીએ ઠીક જ કીધું છે ! દુનિયાના બધા નહી એકાદું સુખ તું બાને લાવી આપજે. અરે તું ખૂબ ભણીને કંઇક બની જા એ જ તો બા માટે દુનિયાના બધા સુખ છે ! ચાલ ચાલ પ્રેમના માર્ગે લૂંટાઈ જવા તારા બાપે તને અહીં નથી મોકલ્યો. કંઇક કરી બતાવ તો આવી અનેક સલોનીઓ તારા કદમ ચુમશે. ચાલ આમ હોસ્ટેલ ભેગો થા અને તારા લક્ષને હાંસલ કરવા કમર કસીને લાગી પડ."
કોણ બોલ્યું આ ? સુંદર પાટીદાર વિચારમાં પડી ગયો. સલોનીએ શબ્દોનો એક જોરદાર તમાચો તો માર્યો જ હતો, પણ હતો આંખ ઉઘાડનારો !
ગુલાબી સ્ફુટીવાળી એ ગુલાબી છોકરીને દિલના એક ઓરડામાં કેદ કરીને સુંદર પાટીદારે એની માને યાદ કરી. અનેક થિગડાવાળો સાડલો શરીરે વીંટીને એ વહેલી સવારથી મોડી રાત સુધી ઘરનું અને વાડીનું કામ કરતી મા. ગરમ ગરમ રોટલો અને શાક બનાવીને "મારો દીકરો મારો દીકરો" બોલતી અને માથા પર હાથ ફેરવીને જગાડતી અને પરાણે જમવા બેસાડતી માં.
ક્યારેક ઠેસ વાગીને પગની આંગળી ઘાયલ કરીને ઘેર આવતો ત્યારે..
"અ.. ર..ર..ર..વાગ્યું મારા દીકરાને... લાવ હું પાટો બાંધી દઉં... હમણાં મટી જશે મારા દિકું ને..." એમ કહી દોડીને પોતાનો સાડલો ફાડીને પાટો બાંધતી મા. નાનપણમાં કોઈક છોકરા સાથે ઝગડીને, કોકને મારીને આવતો અને એ છોકરાની મા ફરિયાદ લઈને આવે ત્યારે પાલવમાં સંતાડીને, બધો જ વાંક પેલા છોકરાનો જ હોય, "મારો સુંદરિયો તો સાવ ભોળો છે" એમ કહીને પોતાને ચૂમી લેતી મા. જ્યારે અમદાવાદ ભણવા આવ્યો ત્યારે છેક બસ ઉપડીને દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ બસની પાછળ દૂર સુધી તાકીને પોતાને વળાવી રહેલી મા. સુંદરની આંખોમાં આંસુ આવી ગયા. મનોમન એણે સલોનીનો આભાર માન્યો.
"હવે જો સલોની, મારી માના ચરણોમાં દુનિયાના બધા જ સુખોનો ઢગલો ન કરું તો હું સુંદર પાટીદાર નહીં. ગરીબ મા-બાપના સંતાનના પ્રેમને ઠુકરાવનારી તું એક દિવસ મારા ચરણોમાં તારું દિલ ધરીને સ્વીકાર કરવા કરગરીશ."
એના દ્રઢ નિશ્ચયથી એના ચહેરા પર એક ચમક આવીને જતી રહી. સાઇકલના પાછળના કેરિયરમાં કોલેજની બુક ભરાવીને એણે સાઇકલ દોડાવી.અને કૂદીને એ સીટ પર બેસી ગયો.આજ એના શરીરમાં અનેરું જોમ રૂમાડે ચડ્યું હતું. તેજ ગતિથી જઇ રહેલા સુંદરે જોયું તો એક ટોળું રોડની એક બાજુ જમા થઈને કોઈ તમાશો જોઈ રહ્યું હતું. એને એના પિતાના શબ્દો યાદ આવ્યાં
"ક્યારેય કોઈ ટોળું તમાશો જોતું હોય ત્યાં ઉભું ન રહેવું..."
સુંદરે પેડલ પર જોર લગાવ્યું. પણ એની નજર ટોળા પર પડ્યા વગર ન રહી. કોઈ ગુલાબી રંગની સ્ફુટી પર બેઠેલી છોકરીને અટકાવીને કાળા ગોગલ્સ પહેરેલો એક મવ્વાલી ટાઇપનો આદમી અને એના બે મિત્રો એ છોકરીની છેડતી કરી રહ્યાં હતાં. ટોળું તમાશો જોતું હતું પણ કોઈની મજાલ નહોતી કે પેલા ગુંડાઓને રોકી શકે.
સુંદરે સાઇકલને રોડની એક બાજુ ઉભી રાખી. પેલી છોકરીની પીઠ અને ગુલાબી સ્ફુટી જોઈને એ સલોની જ હોવાનું એ જાણી ચુક્યો હતો. પણ સલોની ન હોત તો પણ એ આ બબાલમાં પડ્યા વગર ન રહેત. સુંદરે દોડીને પેલા ગોગલ્સધારીના મોં પર કસકસાવીને લાફો માર્યો. પેલો આ અણધાર્યા હુમલાને સમજે એ પહેલાં એના બન્ને સાથીદારોને પેટમાં પાટું મારીને સુંદર પાછો ફર્યો. એક નજર સલોની ઉપર નાખીને એણે ફરીવાર પેલાને મા
રવા હાથ ઉગામ્યો, પણ ત્યાં સુધીમાં પેલા સાવધ થઈ ગયા હતા. સુંદરે ઉગામેલો હાથ પકડીને પેલાએ સુંદરના પેટમાં મુક્કો મારીને ગાળ દીધી. બીજા બે જણ પણ સુંદરને પીટવા લાગ્યા. સુંદરે પણ થાય એટલો સામનો કરવા માંડ્યો. છતાં પેલા ત્રણ જણ હોવાથી સુંદરની સારી એવી ધોલાઈ થઈ રહી હતી. ત્યાં જ પોલીસ આવી પહોંચી અને પેલા ત્રણેય ગાયબ પણ થઈ ગયા.
"કેટલા પૈસા આપ્યા હતા આ ગુંડાઓને ? ઓ હીરો આ ટેક્નિક બહુ જૂની છે." સલોનીએ સુંદરને ચપટી વગાડીને પૂછ્યું. અને પોલીસને બયાન આપ્યું કે આણે મને ઈમ્પ્રેસ કરવા ગુંડાઓ રોકયા હતાં !
સલોનીનું બયાન અને સુંદરને લઈને પોલીસ, પોલીસ સ્ટેશન પર આવી. ખૂબ કરગરીને સુંદરે પોતાની નિર્દોષતા ઇન્સ્પેકરના ગળે ઉતારી અને ચાલતો ચાલતો પોતાની સાઇકલ પડી હતી ત્યાં આવ્યો. અને જોયું તો કોઈ સાઇકલ લઈ ગયું હતું. સલોનીને બચાવવા જતા માર ખાધો, પોલીસ સ્ટેશને જવું પડ્યું અને સાઇકલ પણ ગઈ. સુંદરને પિતાજીના શબ્દો યાદ આવ્યાં અને ટોળામાં જવા બદલ પસ્તાવો થયો.
ત્યારબાદ કદી એણે સલોનીની સામું પણ ન જોયું. ફાઇનલ એક્ઝામમાં ફર્સ્ટયરના રિઝલ્ટ બોર્ડમાં સૌથી ઉપર એનું નામ વાંચીને ત્યાં જ ઉભેલા સુંદરને સલોનીએ એક સ્માઈલ આપ્યું. પણ એના જવાબમાં સુંદરના હોઠ સહેજ પણ ન વંકાયા ! કોલેજ દ્વારા યોજાયેલા નાટકમાં બેજોડ અભિનય કરીને નાટકમાં કોલેજને પ્રથમ ક્રમ અપાવવા બદલ જ્યારે એનું ભવ્ય સન્માન થયું ત્યારે પણ એ સ્લીપર પહેરીને જ એ સન્માન લેવા સ્ટેજ પર ગયો. એની સાદગીને બિરદાવવામાં આવી. એને અર્પણ થયેલી ટ્રોફી લઈને એ હોસ્ટેલ જઈ રહ્યો હતો ત્યારે સલોનીએ એ જ ગુલાબી સ્ફુટી ઉભી રાખીને લિફ્ટ ઓફર કરી.
"આભાર... મને આવા વાહન પાછળ બેસવાનો અનુભવ નથી, હું બસમાં જ જઈશ.." એમ કહીને એ ચાલવા માંડ્યો.
કોલેજના લાસ્ટયરમાં યોજાયેલી ઇન્ટરકોલેજ ક્રિકેટ મેચમાં પણ સુંદર પાટીદારે ઓલરાઉન્ડ દેખાવ કરીને કોલેજનું નામ રોશન કર્યું. પણ સલોનીની સામું પણ જોયું નહિ. કોલેજના એ દિવસોમાં સુંદર પાટીદાર છવાઈ ગયો. ફાઇનલ યરનું પરિણામ પણ આવ્યું નહોતું ત્યારે કોલેજ કેમ્પસમાં યોજાયેલા કંપનીઓના ભરતીમેળામાં ગોળવાળા ટેક્સટાઇલમાં વાર્ષિક દસ લાખના પેકેજ સાથે સુંદરનું પોસ્ટિંગ થવાના સમાચાર શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં ચમક્યા. અને સુંદર એ ન્યૂઝપેપર અને નોકરીનો ઓર્ડર લઈને સીધો જ એના ગામ જતી બસમાં બેઠો બેઠો સલોનીનો મનોમન આભાર માની રહ્યો હતો.
ઘેર જઈને એ માંના પગમાં આળોટી પડ્યો.
"લે.. મા.તારી જિંદગીમાં અનેક દુઃખો વેઠીને તે મને મોટો કર્યો. પળે પળ મારું ધ્યાન રાખ્યું. આજ તારો આ દીકરો દુનિયાના તમામ સુખોનો ઢગલો તારા ચરણોમાં કરી રહ્યો છે મા. એક છોકરીના પ્રેમમાં પડવા જતા મને એ છોકરીએ પાડીને હડધૂત કરી નાખ્યો. અને હું મારી સાચી દુનિયામાં આવી ગયો. એક ગરીબ મા-બાપના પરસેવાના પૈસા જેના ભણતર પાછળ વપરાતાં હોય એને કોઈના પ્રેમની દુનિયા વસાવવાનો કોઈ અધિકાર નથી. એને તો એના મા-બાપના અરમાનો પુરા કરવા એક નવી જ દુનિયા બનાવવાનો પડકાર જિલવાનો હોય છે મા. તું હવે આ થિગડાવાળો સાડલો ન પહેરીશ, તારો દીકરો આજ લાખો રૂપિયાનો પગારદાર બનીને તારા ચરણોમાં દુનિયાના તમામ સુખોનો ઢગલો કરી રહ્યો છે !"
સુંદરની માની આંખો છલકાઈ ઉઠી. સુંદરને ઉભો કરીને એ માએ છાતી સરસો ચાંપ્યો. બન્ને માં દીકરાનું મિલન જોઈને સુંદરના ડેલામાં આવીને ઊભા રહી ગયેલા શેઠ ગણપતલાલ ગોળવાળા અને એમની સુંદર દીકરી સલોની પણ ગળગળા થઈ ગયા.
એ વખતે વાડીએથી આવેલા સુંદરના બાપને પોતાની ડેલી આગળ ચમકતી કાર ઉભેલી જોઈને ખૂબ નવાઈ લાગી. ગણપતલાલ ગોળવાળાએ જ્યારે જાણ્યું કે પોતાની ટેક્સટાઇલ ફેકટરી માટે જે હોનહાર એન્જીનીયર યુવાનની નિમણૂક કરી હતી એ યુવાનના પ્રેમને સલોનીએ ઠુકરાવ્યો હતો. અને એ આઘાતથી ઘાયલ થયેલા સુંદર પાટીદારે પોતાની દુનિયાનું નિર્માણ ખૂબ મહેનત કરીને બનાવ્યું હતું અને સલોની હવે એની સિવાય કોઈને પરણવા માંગતી નથી. ત્યારે એ પણ વિચારમાં પડી ગયા.
ચીંથરે વીંટાયેલા સુંદર નામના એ રત્નને ઉદ્યોગપતિની પારખું નજરે તરત જ પારખી લીધો અને આજ એ સલોનીનો લઈને સુંદરના પિતા પાસે પોતાની દીકરી માટે સુંદરનું માગું લઈને આવ્યા હતા. લગ્નની પહેલી રાતે સુંદરે ફરી પ્રેમની માગણી કરતા સંવાદોનું પુનરાવર્તન કર્યું ત્યારે જવાબ સાવ જુદા જ હતા !
" હું તને પ્રેમ કરું છું...આઈ લવ યુ''
"આભાર, તમે એક સુંદર, સુંદર પાટીદાર છો, તમે મને જીતી ગયા છો અને મને બેહિસાબ પ્રેમ કરી શકો છો."
" હું દુનિયાના તમામ સુખો તારા ચરણોમાં લાવી શકું છું.."
"હા..મારા..સુંદર પ્રાણનાથ. તમે દુનિયાના તમામ સુખો મારા ચરણોમાં લાવીને મને જીતી ગયા છો." એમ કહીને સલોની દોડીને સુંદરને વળગી પડી. ખૂબ નજાકતથી સુંદરે એની હડપચી ઉંચી કરીને એના ગુલાબની પાંદડી જેવા હોઠ ઉપર પોતાના હોઠ મૂકી દીધા.
પોતાના પ્રેમના એકરારને લાગેલી ઠોકરના આઘાતને દિલમાં પાળી પોષીને એક નવી જ દુનિયાનું નિર્માણ કરીને સુંદર પાટીદારે પોતાની જિંદગી અતિશય સુંદર બનાવી દીધી !