Priyanka Soni

Abstract Others

3  

Priyanka Soni

Abstract Others

પ્રેમમાં વ્હેમ

પ્રેમમાં વ્હેમ

6 mins
14K


સાચો પ્રેમ શું છે ? એ એક આંધળું સમર્પણ છે. પુરેપુરો ત્યાગ, આખા વિશ્વ સામે, તમારા પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ, તમારું હૈયું અને આત્મા એક વ્યક્તિને આપી દેવાની હિમ્મત એટલે પ્રેમ. મોટાભાગનાં લોકો માટે પ્રેમની આજ વ્યાખ્યા હશે.

રોશનીનું તેના જ જ્ઞાતિનાં છોકરા સાથે નક્કી થયું, તેનાં માટે પણ પ્રેમની વ્યાખ્યા ઉપર પ્રમાણે જ હોય તેમ તે સ્વભાવની એકદમ પ્રેમાળ, ભોળી અને બધાં માટે કઈ કરી છૂટવાની ભાવનાવાળી, થોડાંક કલાકોમાં બધાંને પોતાનાં બનાવી લે એવી અને હા, તરત બધાંને પોતાના માની લે એવી… હંમેશા ઉછળતી કૂદતી રહે જાણે પોતાનાંમાં જ મસ્ત.

રોશનીની સગાઇ ધામધૂમથી થઇ. તે પિયરમાં મધ્યમકક્ષાની પરિસ્થિતિમાં ઉછરેલી, સાસરીમાં બધું સારું હોવાથી એ તેના સ્વભાવ પ્રમાણે ભોળી હોવાથી ખુશ થઇ ગઈ. તેને સાસુ-સસરા અને એક નણંદ હતી. તેણે થોડાંક જ દિવસમાં બધાંને પોતાના માની લીધાં. સગાઇ પછી છોકરીને સાસરીમાં રહેવા બોલાવે તેમ તેને પણ રહેવા બોલાવી. દરેક છોકરી લગ્નને લઈને કેટ-કેટલાં સપનાં જોતી હોય છે એટલે શરૂઆતમાં તો એજ ઉમંગ સાથે સાસરીમાં જતી હોય છે, અને એ વિચારે છે કે ક્યારે પારકાંને પોતાનાં બનાવી લઉં અને દરેકને ખુશ રાખું. શરૂઆતમાં છોકરા-છોકરી બેઉંને નવું હોવાથી એકબીજા સાથે બોલવાની શરમ લાગતી હોય છે, એ દરેક માટે સરખું હોય છે. તેનો ફિયાન્સ આદિત્ય પણ શરમાળ અને ઓછું બોલવાવાળો હતો. રોશનીની સાસુની તબિયત સારી ન હોવાનાં કારણે વારે ઘડીએ સાસરીમાં તેને બોલાવા લાગ્યાં. અને તેનાં ઘરનાં પણ નવાં જમાના પ્રમાણે તેને મોકલતા હતાં. રોશની દર વખતે નવું-નવું જમવાનું બનાવવાનું શીખીને જાય અને ઘરનાને પ્રેમથી જમાડે.

પણ આદિત્યનો વ્યવહાર તેની સાથે બરાબર ન હતો. તે કોઈ વાત કે વસ્તુનો સરખો પ્રતિભાવ આપતો નહતો. નવું-નવું હોય એટલે એવું થાય તેમ સમજીને રોશની તેનાં મમ્મી-પપ્પાને કશું જણાવતી ન હતી. આદિત્યને સોના -ચાંદીની દુકાન હતી એટલે બપોરે ઘરે જમવા આવે, પણ જમીને પોતાના રૂમમાં જતો રહે. રોશનીને કોઈ જાતનો સાથ - સહકાર ના આપે, ના તેની સાથે કોઈ વાતચીત કરે, ના તેને કશે ફરવા લઇ જાય. રોશની આખો દિવસ ઘરમાં કામ કરે રાખે, સાસુની સેવા કરે. અને કશું પણ ગણકાર્યા વગર બધાંને પોતાના માનીને હસતી રહે. તહેવાર હોય ત્યારે સાસરીવાળા કપડાં તથા ઘરેણાં જેવી વસ્તુઓ મોકલાવે. આવું છ મહિના જેવું ચાલ્યું.

રોશની તેની સાથે સાસરીમાં કેવો વ્યવહાર થાય છે, એ જાણ ઘરનાંને થવાં દેતી ન હતી. સંબંધોને થોડોક સમય આપવાથી બધું ઠીક થઇ જશે એવું માનીને તે તેના ઘરનાંને કશું જણાવતી ન હતી. પણ દરેક માણસની સહન કરવાની મર્યાદા હોય છે. એકવાર એ સાસરીમાં એક અઠવાડિયા માટે રહેવાં ગઈ હતી. સાસરીમાં બધાં એ તેની સાથે ખરાબ વર્તણૂક કરી અને તેને શકની દ્રષ્ટિએ જોવાં લાગ્યાં. સગાઇ બાદ છ મહિનામાં પહેલીવાર આદિત્ય રોશનીને મંદિર દર્શન કરવા લઇ ગયો તેની પાછળ પણ કોઈ પ્રયોજન હતું. કેમકે આદિત્યનાં મમ્મીએ આદિત્યનાં કહેવાથી એ બંને મંદિરે ગયા હતા ત્યારે રોશનીની બેગ ચેક કરી. જેવાં એ બંને મંદિરેથી ઘરે આવ્યાં, ત્યારે આદિત્યએ ઘરનો દરવાજો ખુલ્લો હોવા છતાં પણ ખખડાવીને બંને અંદર ગયાં. આમ, ઘરનાં બધાં વગર કારણે તેની ઉપર શક કરવા લાગ્યાં. કેટલીવાર તે ઘરે એકલી હોય તો પણ આદિત્ય તેના ફ્રેન્ડ્સ સાથે મુવી જોવાં જતો રહે, પણ તેને સાથે ન લઇ જાય. ઘણીવાર રોશની એની સાથે હસી-હસીને વાતો કરવાનો પ્રયત્ન કરે, પણ આદિત્ય તો જાણે પોતે કોઈ પણ હાવભાવ વગરનું સ્ટેચ્યુ હોય તેવો જ વ્યવહાર કરે.

તેનામાં રોશની માટે કોઈ પ્રેમની કૂંપણ ફૂટતી જ ન હતી અને રોશની એ તો આદિત્ય માટે તેનો એકતરફી પ્રેમની કૂંપણોથી જાણે એક વૃક્ષ તૈયાર કરી દીધું હતું, તે તો તેમના લગ્નને લઇને ખુલ્લી આંખે સપનાં પણ જોવા માંડી હતી. દરેક વ્યક્તિ યુવાન થતાં તેનાં જીવનસાથી લઇને તે સપના સેવવાં જ માંડે છે. દરેકને માટે સગાઇ પછી અને લગ્ન વચ્ચેનો સમય “ગોલ્ડનટાઇમ’’ હોય છે. પણ આદિત્ય તો તેનાથી ઉલટું વહેમીલા સ્વભાવનો હતો, તે રોશની પર વ્હેમ કરવા માંડ્યો. વાંધા-વચકાં કાઢવાં માંડ્યો. તે રોશનીને કહેતો કે તારે આવાં કપડાં નહિ પહેરવાનાં, ઓઢણી વગરના ડ્રેસ નહિ પહેરવાનાં વિગેરે ... અને તેણે તો રોશનીનો મોબાઈલ ચેક કરવાનું પણ ચાલુ કરી દીધું. દિવસે દિવસે તેનો વ્યવહાર બગડતો ગયો. લગ્નબાદ એક પતિ તેની પત્ની પર હક કરે એવો હક તે લગ્ન પહેલાં જ કરવા માંડ્યો. આજુબાજુ કોઈની સાથે બોલવાનું નહિ, હસવાનું પણ નહિ. અને રોશનીથી નાનાં હોય તેવાં કોઈ છોકરાં સાથે પણ વાતો નહિ કરવાની. એવા નિયમોથી તેને બાંધવાં લાગ્યો. છતાંયે તે રોશની સાથે એક ફિયાન્સ જેવો કોઈ વ્યવહાર ના કરે, પણ ખરાબ વર્તણૂક તો પહેલાં જ કરતો.

આખરે થાકીને રોશનીએ ઘરનાંને બધી વાત કહેવાનું ચાલુ કર્યું. તેનાં સાસરીવાળાં આદિત્યનો બધો વ્યવહાર જાણતાં હોવા છત્તાં તેને કશી વાતમાં ટોકતા ન હતાં. આદિત્ય કરે એ જ સાચું. એમ એકનાં એક દીકરાને લાડકો બનાવી દીધો હતો. આખરે વાત સગાઇ તૂટવાની અણી પર આવીને ઉભી રહી કેમ કે આદિત્યનાં હૈયામાં રોશની માટેનાં પ્રેમની જગ્યાએ વ્હેમ વધતો જતો હતો. કોઈ પણ જાતનાં આધાર-પૂરાવા વગર તેણે રોશનીને કહી દીધું કે તારો કોઈ છોકરા સાથે અફેયર છે. તેમ છતાં, રોશનીએ નરમાશથી કહ્યું કે ના મારે એવું કશુ નથી. પણ પેલો વાત માનવા તૈયાર જ ના થયો, આખરે એકતરફો પ્રેમ ક્યાં સુધી ટકે..?

અને એ દિવસ આવી ગયો કે તેમની સગાઇ તૂટી ગઈ. પણ આવાં ઘણાં ખરાં કિસ્સાઓમાં શોષાવવાનું તો આખરે છોકરીને જ થાય... સમાજ આંગળી પણ છોકરીઓ પર જ ઉઠાવે. અને કોઈ પણ વાતની ઊંડાણમાં ગયા વગર દરેકના મોઢેથી અલગ અલગ વાતો નીકળે, અને તેમાં પણ જાણે એક જ મત હોય કે છોકરીનો જ વાંક હશે ! તે સમયે છોકરીની હાલત શું થાય એ તો તેનાં ઘરનાં જ સમજી શકે.

રોશની તો મનથી બધાંને પોતાનાં માની ચુકી હતી, જેને પોતાનાં ગણ્યા હોય તેજ આવો વ્યવહાર કરે એટલે તેણે તો રડી-રડીને પોતાના હાલ બગાડી નાખ્યાં હતાં. અને સાથે એ લોકો એ તેની સાથે કરેલો વ્યવહાર તો ભૂલી જ શકતી ન હતી. તેનાં મોઢામાંથી એ જ વાતો નીકળતી. મારી સાથે જ આવું કેમ બન્યું...? મારું નસીબ જ ફુટેલુ છે. આમ, તેને અસહ્ય અને અકથ્ય દુઃખ થતું હતું. રોશની રોજીંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય તેમ છત્તાં બધી પ્રવૃત્તિ જાણે રામ ભરોસે થતી હોય તેવું લાગે. કેટલાં દિવસો સુધી તે લોકોએ આપેલી વસ્તુઓની પાછી આપ-લે કરવાનો સિલસિલો ચાલ્યો.

રોશનીને લગ્ન પહેલાં જ આવાં કડવાં અનુભવો થયાં એટલે તેણે મનથી નક્કી કરી લીધું કે હવે તેણે લગ્ન કરવાં જ નથી. તે કહેતી, હું મારા મમ્મી- પપ્પાની સાથે રહી તેમની સેવા કરીશ. પણ તેનાં કુટુંબનાંએ તેને ઘણું સમજાવ્યું. આખરે એકાદ વર્ષ બાદ એ તેની સાથે બનેલું બધું ભૂલી ગઈ અને ઘરનાંની વાત માની તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું. અને તેને ગમતાં માંગા પણ આવવાં લાગ્યાં. આખરે એક મુંબઈનાં છોકરાં પર તેની પસઁદગી ઉતરી. રોનક અને રોશની, બંનેનાં વિચારમાં, પસઁદગીમાં ઘણી સામ્યતા હતી. અને એ સાથે યોગાનુયોગ પણ એવો થયો કે તે બંનેની એક જ કુટુંબનાં છોકરાં-છોકરી સાથે સગાઇ તૂટી હતી, રોનકનાં ઘરનાં પાસેથી એવું જાણવા મળ્યું કે રોશનીનું જે આદિત્ય સાથે નક્કી થયું હતું તેનાં ઘરનાંનો સ્વભાવ જ ખરાબ હતો, આમ, રોનકનું પણ આદિત્યનાં કાકાની છોકરી સાથે નક્કી થયું હતું પણ તેમનાં કુટુંબમાં બધાંનો સ્વભાવ વહેમીલો હોવાનાં કારણે જ રોનકનાં કુટુંબનાં એ સગાઇ તોડી નાંખી.

આખરે રોશનીને ગમતી સાસરી મળી ગઈ. તેનાં અને રોનકનાં લગ્ન ધામધૂમથી થઇ ગયાં. રોનકનાં આવવાથી જાણે રોશની ઝળહળી ઉઠે તેમ તેનાં જીવનમાં જાણે નવા પ્રાણ આવ્યાં. એ તેનાં લગ્નજીવનમાં હવે ખુશ છે. અને તેને ફ્રીમાઈન્ડનાં સાસરીવાળા મળ્યાં. રોશનીની દરેક ઈચ્છાને માન આપે એવાં. તેણે આગળ શિક્ષા પાપ્ત કરી અને તે સાથે એક સરસ શિક્ષકની નોકરી પણ મળી ગઈ. એક છોકરી લગ્નબાદ જે હકોની હકદાર હોય તેવું બધું રોશનીને મળી ગયું.

(સત્ય ઘટના પર આધારિત. પાત્રોનાં નામ બદલ્યાં છે.)       


Rate this content
Log in

Similar gujarati story from Abstract