પ્રેમ એટલે સમજણ
પ્રેમ એટલે સમજણ
પ્રિયા ક્યારની ફોન પર મથામણ કરી રહી હતી પણ રાજને ફોન લાગતો ન હતો.
પ્રિયાએ ફરી ફોન હાથમાં લીધો અને ફોન લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ... પ્રિયાએ ફોન સોફા પર ફેંકયો અને બંને હાથ વચ્ચે ચહેરો દબાવીને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી,
“જ્યારે કામ હોય ત્યારે કોઈ દિવસ ફોન લાગ્યો છે ખરો...” પ્રિયા મનમાં ને મનમાં બબડી.
પ્રિયાએ બંને હાથની વચ્ચેથી પોતાની આંખો ખોલી તેની આંખો ભીની હતી, તેણે ત્રાસી નજરે ફોન તરફ જોયું અને તેની આંખો વધારે વહેવા લાગી... પ્રિયા અને રાજના લગ્નને લગભગ પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો હતો. આ એક લવમેરેજ હતા છતાં પણ આજે બંને પોતાના જીવનના એક એવા સમયમાંથી અત્યારે પસાર થઇ રહ્યા હતા કે જ્યાં બંન્નેના સબંધોમાં ધીમે ધીમે કડવાશ વધી રહી હતી.
પ્રિયા વિચારોમાં ખોવાયેલી હતી તેની આંખોમાંથી વહેતા આંસુ તેના ગાલ પરથી ટપ ટપ નીચે પડી રહ્યા હતા. અચાનક તેનો ફોન રણક્યો પ્રિયાના વિચારોમાં ખલેલ પહોંચી, તેણે તરત પોતાની આંખો લૂછીને ફોન હાથમાં લીધો. ફોનમાં ફ્લેશ થતા નામને જોઈ તેના ચહેરા પર હલકુ સ્મિત આવ્યું. તેના મનમાં ચાલતા વિચારો થોડા શાંત પડ્યા. એ ફોન હતો રાજ નો જેને તે ક્યારની ફોન કરવાનો પ્રયત્ન કરી રહી હતી.
“હા પ્રિયા...તું તૈયાર રહેજે સાંજે મારે થોડું લેટ થશે. આપણે હું આવું એટલે ઝડપથી નીકળી જઈશું ok” ફોન ઉપાડતાની સાથેજ સામે છેડેથી અવાજ આવ્યો.
પ્રિયાએ નરમ અવાજ સાથે જવાબ આપ્યો “હા પણ બહુ લેટ ના કરતા આપણે દાદીને પણ સાથે લેતા જવાના છે, એ યાદ છે ને.”
“હા મને ખ્યાલ છે, હું સમયસર જ આવી જઈશ તું અને દાદી રેડી રહેજો બસ...” ઉતાવળિયા અવાજે રાજે સામે છેડે થી કહયુ.
“હા ok” આટલું બોલતાજ પ્રિયાની આંખોમાં ફરી પાણી તળવળી આવ્યું તેની અસર તેના અવાજમાં પણ થઈ અને તે આગળ બોલી શકી નહીં.
કદાચ પ્રિયાના નરમ અવાજની અસર રાજ પર થઈ હોય તેમ રાજે પૂછ્યું “શું થયું પ્રિયા... તારી તબીયતતો બરાબર છે ને ? તારો અવાજ કેમ બદલાયેલ લાગે છે ?”
આ સાંભળતાની સાથે જ પ્રિયાના મનમાં દબાયેલ લાગણીઓ ઉભરાય ગઈ અને તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલી “ના...ના...તબિયત સારી જ છે. એ તો આજ કામ થોડું વધારે હતું ને એટલે થોડી થાકી ગઈ છું. બસ બીજું કંઈ નથી” પ્રિયાએ પોતાની અંદર રહેલી નારાજગીને દબાવતા આપવા ખાતર જવાબ આપ્યો.
“તું કહી દેશે તો તને સારું લાગશે, ગમશે પછી તારી મરજી હું તારા માટે કહું છું, કદાચ તારું મુડ સારું થઈ જાય...” રાજે પોતાના તરફથી વાત આગળ વધારવાની કોશીશ કરી.
છેલ્લા અમુક સમયથી તેના અને પ્રિયાના સબંધમાં આવેલા તોફાનથી તે પણ ચિંતામાં હતો. રાજે ફોન કાન પરથી નીચે લઈ જોયું ફોન હજુ ચાલુજ હતો પણ સામે છેડેથી કોઈ અવાજ ન હતો કદાચ પ્રિયા ફોન મૂકી કામ પર લાગી ગઈ હશે...
એવો વિચાર રાજે કર્યો અને ફોન મુકવા જતો જ હતો ત્યાં સામે છેડેથી પ્રિયાનો અવાજ સંભળાયો “કીધુને એ તો કામ હતું એટલે બસ થોડો થાક લાગ્યો છે બીજું કંઈ નથી” પ્રિયા થોડી નારાજગી સાથે બોલી તો ગઈ પછી તેને સમજાયું કે એને આ રીતે રાજ સાથે વાત ન કરવી જોઈએ.
પ્રિયાને પણ એ ખ્યાલ હતો કે છેલ્લા થોડા દિવસથી તેના અને રાજના સબંધમાં જે સમસ્યાઓ થઈ રહી હતી, તેનાથી રાજ પણ એટલોજ ચિંતામાં હતો. જેટલી તે પોતે હતી. તેને ઘણીવાર એવો પણ વિચાર આવતો કે શું પોતાની જેમ રાજ પણ બંન્ને વચ્ચેના આ પ્રશ્નનો ના જવાબ શોધવાનો પ્રયત્ન કરતો હશે, શું તેને પણ ચિંતા થતી હશે, શું તેને પણ આ સંબંધની ફિકર હશે, શું તેને આ સંબંધ ટકાવવામાં રસ છે ખરો...આવા વિચારો ઘણી વખત પ્રિયાના મગજમાં ફરી વળતા અને તે ખૂબ ઊંડા વિચારોમાં ખોવાય જતી, ત્યારે તેની આંખો માંથી દડ દડ આંસુ વહેવા લાગતા...પણ આ સમયે પણ એક ઉંડો વિશ્વાસ તેને પોતાના પર હતો અને કદાચ રાજ પર પણ હતો કારણકે એ જાણતી હતી કે બંન્ને વચ્ચેનો વણસેલો આ સંબંધ ટકાવી રાખવા માટે બંન્ને એક સરખા કટિબદ્ધ હતા, ગમે તેમ થાય તો પણ તે પોતે કે રાજ આ સંબંધને અધવચ્ચેથી છોડી દેવા માટે તૈયાર નહિ જ થાય.
“ હેલ્લો તું સાંભળે છે કે...પછી હું ફોને મુકું” તોછડા આવાજ સાથે રાજે પૂછ્યું. પ્રિયાના એવા જવાબ થી રાજ પણ થોડો અકળાયો હતો. પણ તેની આ અકળામણ પ્રગટ થતાં તેણે અટકાવી.
પ્રિયા પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. ચાલુ ફોનનું કદાચ તેને ભાન રહ્યું નહોતું. ફોનમાંથી સંભળાતા અવાજ તરફ તેનું ધ્યાન ગયું.
“ સોરી, હું સાંભળું જ છું બસ થોડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી” જવાબ દેવાની ઉતાવળમાં પ્રિયા વિચારો વાળી વાત બોલીતો ગઈ પછી તેને લાગ્યું કે, તેણે આવી વાત કહીને રાજને કામ માં હેરાન ના કરવો જોઈએ.
“ શું તને ચિંતા થાય છે રાજની ? તેનાં કામની ?” પ્રિયાના મને પ્રિયાને સવાલ કર્યા.
“હા, કેમ ના થાય, એ પતિ છે મારો, અને હા તેના કરતા પણ વધારે એ પ્રેમ છે મારો, મારુ સર્વસ્વ છે.” પ્રિયાએ પોતાના મનને ચોખ્ખુ કહી જ દીધું.
તે આગળ બોલી “મેં તેને ચાહયો છે. તેને પ્રેમ કર્યો છે અને હજુ પણ કરું છું અને હા કરતી રહીશ. થોડા સમયથી ચાલતા સંબંધોના તણાવથી કે પછી એ અસત્યને કારણે જે અમુક ગેરસમજને કારણે સંબંધમાં છે. એ મારા જીવનના પરમ સત્યને તેની સામે ઝુકાવી નઈ જ શકે. અમારો સંબંધ પ્રેમ કરતા સમજણનો વધારે રહ્યો છે. ખાડા તો દરેક રસ્તામાં હોય, તેને કારણે રસ્તા પર થી પસાર થવાનું બંધ થોડુ કરાય છે.
“હેલ્લો, તું ઝડપથી કામ પુરું કરીદે હું સમયસર આવી જઈશ, અને હા ફ્રિ થઈ થોડો આરામ કરી લેજે” સામે છેડેથી રાજે કહ્યું. પ્રિયા હજુ વિચારોમાં જ ખોવાયેલી હતી. રાજના શબ્દો તેના કાન સાથે અથડાયા.
પ્રિયાએ કાન પરથી ફોન બાજુમાં સોફા પર મુક્યો અને પોતાની આંખમાં ઉભરી આવેલા આંસુ પોતાના હાથ વડે સાફ કરી તેણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો કદાચ કઇંક નકકી કર્યું હતું તેણે મનમાં, તેણે હળવેથી આંખો ખોલી તેની આંખોમાં અલગજ પ્રકારની ચમક અને ઉત્સાહ ઝળકતો હતો. તે ઉભી થઈ અને ઘરની બાલ્કનીમાં જઈ દૂર દૂર સુધી પથરાયેલા સિમેન્ટના આ વિશાળ જંગલ ને જોતી રહી. તેની આંખોમાં ઘણા સમયથી ખોવાયેલ ચમક અને ઉત્સાહ ફરી દેખાતો હતો. તે હજુ શહેરને જોતી હતી.
“સિમેન્ટના આ જંગલમાં લાગણીઓ ને સ્થાન છે ખરું ? શું બધાની લાગણીઓ સમય જતાં ધૂંધળી થઈ જતી હશે?” પ્રિયા એ પોતાના મનને સવાલ કર્યો...
“શુ બધા સબંધમાં આવા પ્રશ્નનો ઉભા થતા હશે?, કે પછી આજ જિંદગી છે” પ્રિયાના પોતાના મન પરના સવાલો ચાલુજ હતા “ આ જિંદગીનો જ એક ભાગ તો નથી ને?”
“હા કદાચ હોય શકે, જિંદગીને સમજવામાં મારીજ કયાંક ભૂલ થતી હોય.” પ્રિયા દૂર દેખાતા સૂર્યને જોઈ રહી હતી જે આકાશમાં લાલાશ પાથરી આથમી રહ્યો હતો.
પ્રિયાએ પોતાની આંખો બંધ કરી અને સંધ્યાના લહેરાતા પવનને અનુભવી રહી હતી “સમય બદલાતા પ્રેમ કે પછી લાગણીઓ નથી બદલાતી પણ કદાચ તેના પ્રકારો જરૂર બદલાતા હશે જે સમજવામાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ.” પ્રિયા પોતાના વિચારોમાં વધુને વધુ ડૂબી રહી હતી.
“લગ્ન પછીની જવાબદારીઓ અને ફરજો નિભાવવામાં બંન્ને તરફના પ્રેમનો પ્રકાર કે રીત બદલાતી હશે, જે સમજવુ જરૂરી બનતું હશે.” પ્રિયા મનમાં ને મનમાં વાત કરી રહી હતી.
અચાનક પ્રિયાએ આંખો ખોલી તે આંખોમાં એક તેજ હતું ચમક હતી. “ હા, કદાચ હા, આ બાબત સમજવામાં અમે ભૂલ કરી ગયા અને તેને લીધે એકબીજાની ભુલો શોધવામાં લાગી ગયા. એકવાર સમજવાનો પ્રયત્ન પણ ના કર્યો.” પ્રિયાને રસ્તો મળ્યો હતો તેના અને રાજના સંબંધોમાં જ્યાં ઘણા સમયથી ઉજ્જડ વગડો ત્યાં પ્રેમની નવી કૂંપળ ફુટવા જઈ રહી હતી.
પ્રિયાના ચહેરા પર એક અલગજ આનંદ હતો. જે ઘણા સમયથી તેના ચહેરાથી દૂર હતો. તેના હોઠનું એ સ્મિત પાછું ઝળકી રહ્યું હતું.
“હા અમે બદલીશુ અમારા વિચારો અને કેળવીશું નવી સમજ, સમયે સમયે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે અમારા સંબંધોને નવી દિશા આપીશું પણ હા અમારા સબંધ ને ઉણી આંચ પણ નહીં આવે” પ્રિયાના હોઠ માંથી શબ્દો સરી પડ્યા.
પ્રિયા ઝડપથી દોડીને અંદર ગઈ, તેણે સીધો રાજને ફોન કર્યો.
“તું જલ્દી ઘરે આવજે તારી પિયુ તારી રાહ જોવે છે અને હા, આઈ લવ યુ.” પ્રિયા એકી શ્વાસે આ બધું બોલી ગઈ અને તેણે ફોન કટ કરી નાખ્યો. પ્રિયા ના ચહેરા પર સ્મિત છલકાતું હતું. તે ખુશ હતી.
ફોન ઉપાડતાની સાથેજ પ્રિયાના શબ્દોએ રાજને અંદરથી ભીંજવી દીધો. તેના ચહેરા પર આનંદ છવાય ગયો હતો, પ્રિયાને ખુશ જોઈ તે પણ ખુશ હતો...