Nilesh Vora

Drama Inspirational

3  

Nilesh Vora

Drama Inspirational

પંડીત એન્ડ એસોસીએટ્સ

પંડીત એન્ડ એસોસીએટ્સ

4 mins
7.2K


પ્રધાન સાહેબ બીઝી હતા અને ધૈર્ય માટે વેઈટ કરવાનો મેસેજ હતો...

ધૈર્ય આરામથી એક સોફામાં ગોઠવાયો. આસપાસનું વાતાવરણ સાવ અજાણ્યું નહોતું. વર્ષોથી ધૈર્યના પિતા શ્રીમાન એમ. કે. પંડીત આ કંપનીમાં એકાઉન્ટન્ટ હતા. પપ્પાની સાથે ધૈર્ય ઘણી વાર ઓફીસમાં આવ્યો હતો. દિવાળીનાં દિવસે ખાસ... આવીને પ્રધાન સાહેબ ને પગે લાગતો અને મિઠાઇ ખાતો... સ્કૂલમાં હતો ત્યાં સુધી, પછી પપ્પાએ એને હોસ્ટેલમાં મોકલાવ્યો હતો. ત્યારે ધૈર્ય એક ફ્રેશર કોલેજીયન હતો અને આજનો ધૈર્ય સી.એ.ની ડીગ્રી ધરાવતો ઠાવકો યુવાન હતો...

"ધૈર્ય પંડીત... " પોતાનું નામ સાંભળીને ધૈર્ય પાછો વર્તમાનમાં આવ્યો.. " આપ અંદર જાઓ... સર રાહ જુએ છે... " ધૈર્ય પ્રધાન સાહેબની ચેમ્બરમાં પ્રવેશ્યો...

"ગૂડ મોર્નીંગ ... સર... "

"મોર્નીંગ ધૈર્ય..." પ્રધાન સાહેબ કંપનીના મેજર શેર હોલ્ડર હતા, એટલે એમની વાત એ જ કંપનીનો કાયદો હતો... પ્રધાન સાહેબે વાત શરૂ કરી...

"કંપની ને એક ફૂલટાઇમ સી.એ.ની જરૂર છે... આમ તો તમે એકાઉન્ટન્ટ પંડીતનાં સન છો એટલે મારે તમને વધુ કંઇ કહેવાની જરૂર નથી... તમારાં ફાધરે તમને સમજાવ્યું જ હશે.."

અને ધૈર્યનાં મનમાં એના પપ્પા સાથેની એ વાતચીત તાજી થઈ ગઈ... " ... અરે પ્રધાન સાહેબે સામેથી કહ્યું, કંપનીમાં સી. એ. ની જરૂર છે, તારી કિસ્મત જોરદાર છે બેટા... કાલે તને બોલાવ્યો છે. પણ એક વાતનું ધ્યાન રાખજે બેટા... પ્રધાન સાહેબ માટે કંપનીથી વિશેષ કંઇ નથી... કંપની ના ફાયદાથી મોટું કોઇ નથી... "

"કંપનીનો ફાયદો સર્વોપરી છે... " પ્રધાન સાહેબ બોલતા હતા."... કંપનીના ફાયદા માટે કોઇ પણ વર્ક કે રીવર્ક, વીધીન ઓર બીયોન્ડ ધ સ્કોપ ઓફ યોર ડ્યુટી... તમારે કરવાનું રહેશે... એન્ડ... કંપનીનું બીજું નામ મીસ્ટર પ્રધાન છે... એ તો તમે જાણો જ છો.. સો, હું જે કહું તે કરવાની તમારી ફર્સ્ટ ડ્યુટી રહેશે."

"... એન્ડ મે આઇ નો સર કે તમે મને શું કરવાનું કહેશો? " ધૈર્ય એ પ્રધાનની આંખમાં આંખ નાખીને પૂછ્યું.

"કોઇ પણ પ્રકારના પ્રોજેક્ટ અને પર્ફોર્મન્સ રીપોર્ટ્સ, સર્ટીફીકેટ્સ વગેરે સાઇન કરવા કહીશ... એવું જ કામ જે તમારે કરવાનું હોય.."

"ઇન શોર્ટ, તમે મારી પાસે ખોટું કરાવશો... "

"હું જવાબો આપવા ટેવાયેલો નથી ધૈર્ય... " પ્રધાન અકળાયા, "... આટલી છુટછાટ પણ તને મળી છે, બાકી તારો બાપ વર્ષોથી અહીં જોડા ઘસે છે. આટલા વર્ષોમાં કોઇ સવાલ નથી કર્યો એણે મને... ડૂ એઝ આઇ સે... કોઇ સવાલ નહીં.. કાલે સવારે સમય પર આવી જજે... " પ્રધાન પીઠ ફેરવીને ઉભા હતા.

અને...

પછી જે બન્યું તે પ્રધાન માટે કદાચ અકલ્પનીય હતું. ધૈર્ય ખડખડાટ હસતો હતો. અને પ્રધાન એને તાકી રહ્યા....

"મેં તમારી જોબ સ્વીકારી નથી.. મીસ્ટર પ્રધાન. આપનો કિંમતી સમય આપવા બદલ આભાર.. " એમ કહી એ બહાર નીકળ્યો. દરવાજા પર અટક્યો અને .. "બાય ધ વે... જે કામ માટે આવ્યો હતો તે કદાચ થઈ ગયું..." ધૈર્ય નીકળી ગયો... સીધો બહાર..

10 મીનીટમાં એકાઉન્ટન્ટ પંડીત પ્રધાન સાહેબની ચેમ્બરમાં દાખલ થયા. અને સીધું જ રાજીનામું પ્રધાન સમક્ષ રજુ કરી દીધું.

"પંડીત, આ શું?"

"સર, આટલા વર્ષ હું સમજતો રહ્યો કે હું એક માનભરી નોકરી કરી રહ્યો છું, મને નહોતી ખબર કે હું અહીં જોડા ઘસું છું... હવે નથી ઘસવા... થેન્ક યુ સર.. "

"તમે... આ બધું... "

"મેં બધું જ સાંભળ્યું છે સર.. મારો અને ધૈર્ય નો મોબાઇલ ચાલું હતો.. " અને પંડીત પીઠ ફેરવી સીધા બહાર નીકળ્યા.... પ્રધાનનાં ચહેરા પર આવેલા ભાવો જોવાની દરકાર કર્યા વિના...

ઓફીસની નીચે આવેલી રેસ્ટોરન્ટમાં ચા સરસ મળતી. પંડીતનું માથું ફરતું હતું. એ ચા પીવાના આશયે રેસ્ટોરન્ટમાં ઘુસ્યા. ત્યાંનો માલીક એમને ઓળખતો હતો.

"મિ. પંડીત, ખૂણાના ટેબલ પર.."

પંડીતે ચોંકીને જોયું, ધૈર્ય ત્યાં બેઠો હતો. અને સામે ચા ના બે કપ પડ્યા હતા. પંડીત સીધા ત્યાં ગોઠવાયા.

"ધૈર્ય, તું કોઇની રાહ જુએ છે?"

"હા પપ્પા, તમારી જ રાહ જોઉં છું... "

એ ટેબલ પર સન્નાટો થઈ ગયો... જાણે કંઇ બોલવાની જરૂર જ નહોતી. બંને જણા મુંગા મુંગા ચા પીતા રહ્યા.

"ધૈર્ય, હવે? આગળ?"

"જે પરીસ્થિતિ આપણે જોઇને આવ્યા, ત્યાર પછી, હું સ્વતંત્ર પ્રેક્ટીસ કરૂં તો?"

"આ વાત આપણે આગળ પણ થઈ, ધૈર્ય. પણ એ માટેનું ઇન્વેસટમેન્ટ?"

"પપ્પા, મીસ્ટર કોટનીસ યાદ છે તમને?"

"હા.. બહુ સીનીયર સી.એ. છે એ તો... "

"હા એ જ. અઠવાડીયા પહેલા હું એમને મળ્યો. હું એમની ફર્મમાં વર્કીંગ પાર્ટનર તરીકે જોડાઇ રહ્યો છું. આ આપણી ફીક્ષ ઇન્કમ હશે. સાથે સાથે હું મારી સ્વતંત્ર પ્રેકટીસ પણ કરીશ. અને એમાં તમે મને હેલ્પ કરશો... "

"હેલ્પ તો હું જરૂર કરીશ દીકરા... પણ ... "

"પપ્પા, તમારી પાસે પ્રધાન સાથે બીઝનેસ રીલેશન ધરાવતા વેપારીઓનાં ફોન નંબર તો હશે જ... તમે એમને ફોન કરી ને જણાવો કે તમેં કંપની છોડી દીધી છે. હવે શું કરો છો એવો સવાલ આવે ત્યારે તમે મારો ઉલ્લેખ કરી કોઇ પણ કામ માટે સંપર્ક કરવાનું કહી શકો... "

બાપ દીકરો ઉભા થયા... હવે કોઇના માથે કોઇ બોજ નહોતો...

અને એક વર્ષ બાદ... નામાંકીત કોમર્શીયલ બીલ્ડીંગમાં એક ઓફીસની બહાર પાટીયું લાગેલું હતું... "પંડીત એન્ડ એસોસીએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ."


Rate this content
Log in

Similar gujarati story from Drama