ભિક્ષુક
ભિક્ષુક
ત્રીજા માળનાં ફ્લેટની બારીમાંથી એ ક્યારનો બહાર તાકી રહ્યો હતો. બહાર વરસાદ ધોધમાર વરસતો હતો. એની નજર સામેના ફૂટપાથ પર હતી. ત્યાં રહેતો ભિક્ષુક વરસાદથી બચવા એની તૂટીફૂટી છાપરી સરખી કરી રહ્યો હતો... અનીમેષ પોતાના નામ પ્રમાણેની નજરથી જોતો રહ્યો.
'અનીમેષ, ક્યારનો બહાર શું જુએ છે ? સુવું નથી ?' ચંદ્રાના ટહુકાએ એને તંદ્રામાંથી જગાડ્યો. 'આવું છું.. ' કહીને ફરી એણે બહાર નજર કરી. ભિક્ષુક જંપી ગયેલો જણાતો હતો... અનીમેષ પણ આડો પડ્યો... વરસાદની સ્પીડ યથાવત હતી...
અનીમેષ અંજાન, કોર્પોરેટ કલ્ચરના પગથીયા ઝડપથી ચઢતો એક તેજસ્વી યુવાન... નાનપણથી અનાથ, બોર્ડીંગ સ્કૂલમાં રહીને ભણેલો. એના એક દૂરના અંકલ તેના ભણતરનો ખર્ચ આપતા, એવું અનીમેષને જાણનારા બધા જાણતા હતા. જો કે કોઇએ કદી એ અંકલને જોયા નહોતા. કામ અંગે સતત ફરતા રહેતા અંકલનું કોઇ કાયમી ઠેકાણું ન્હોતું એવું અનીમેષ બધાને જણાવતો.
કોલેજકાળની ચંદ્રાની દોસ્તી સમયાંતરે પ્રેમ અને પછી લગ્નમાં પરિણમી હતી. અને અત્યારે આ સુખી જોડલું આ ફ્લેટમાં વસતું હતું.
સવારે, અનીમેષની બારીની સામે એક નાનકળું ટોળું જમા હતું. અનીમેષ ઝડપથી બેડરૂમમાંથી બહાર આવ્યો... ચંદ્રા ડાઇનીંગ ટેબલ પર કપમાં ચા ભરતી હતી.
'ચંદ્રા, નીચે આ લોકો...'
'પેલો ભિખારી સામે બેસતો તેનું અવસાન થયું છે... રાત્રે જ... થોડીવારમાં મ્યુનીસીપલ ગાડી લઈ જશે એને...'
'મ્યુનીસીપલ ગાડી... કદી નહીં... હું કરીશ એની અંત્યેષ્ટી...'
'અનીમેષ, આર યુ મેડ ? તારે શા માટે આ ઝંઝટમાં પડવું છે ? અને પોલીસવાળા સવાલ પૂછશે તો જવાબ શું આપીશ કે તું એનો શું સગો થાય છે ?'
'હું એનો શું સગો થાઉં છું ?' અનીમેષની આંખો વરસવા લાગી હતી. 'મારો એકે એક શ્વાસ એનો છે. મારૂં જીવન, મારૂં ભણતર, મારી નોકરી... આ ઘર સુદ્ધાં એનું છે... આ ભિક્ષુકનું... આ અનાથને રેલ્વે સ્ટેશનથી ઉપાડી બોર્ડીંગ સ્કૂલ પહોંચાડનાર, મારા ભણતરનો ખર્ચ આપનાર કોઇ દૂરના અંકલ નહીં, આ જ ભિક્ષુક હતો... એની જીવનભરની બચત એણે આ ફ્લેટ લેવા ખર્ચી નાખી, જેથી હું, આપણે, સુખી રહીએ... મને એણે સોગંદ આપી રાખ્યા હતા કે સાચી વાત હું ક્યારેય કોઇને નહીં જણાવું... પણ આજે એની છેલ્લી વેળા પણ જો નહીં સચવાય તો...' આગળ બોલી ન શક્યો અનીમેષ...
અને અનીમેષથી પહેલા ચંદ્રા બહાર નીકળી ગઈ. બહારથી સ્ત્રીઓનો શોરબકોર સંભળાવા લાગ્યો. થોડી વારે બધી વ્યવસ્થા પણ થઈ ગઈ અને સ્મશાન યાત્રામાં આગળ હાંડી લઈ અનીમેષ ચાલતો હતો. એક ભિક્ષુકની અંતીમયાત્રા લોકો જોતા જ રહ્યા...
