Niranjan Mehta

Inspirational

4  

Niranjan Mehta

Inspirational

પિત્ઝા

પિત્ઝા

3 mins
219


સવારના શ્રીમતીજીનો હુકમ છૂટ્યો કે આજે ધોવા માટે બહુ કપડાં ન નાખતા. કેમ ? ના જવાબમાં જણાવાયું કે આજે અને કાલે રાધાબાઈ કામ પર નથી આવવાની.

‘અરે, ગયા અઠવાડિયે તો તેણે રજા લીધી હતી, હવે ફરી કેમ ?’

‘હોળી આવે છે તો તે બે દિવસ પોતાની દોહિત્રીને મળવા ગામ જાય છે.’

‘ભલે હું કપડાં ઓછા નાખીશ.’

‘શું હું તેને રૂ. ૫૦૦/- બોનસ રૂપે આપું ?’

‘આપણે તો દર દિવાળીએ બોનસ આપીએ છીએ તો આજે કેમ આમ પૂછ્યું?’

‘એક તો આપણને આ કોરોનાના સમયમાં બહુ મદદરૂપ થઇ છે. વળી તમે તો જાણો છો કે હાલમાં બધું કેટલું મોંઘુ થઇ ગયું છે. હોળી ઉજવણી માટે ભેટ અને જવા આવવા તેને થોડા પૈસાની જરૂર પડશે પણ તે મને કહેશે નહીં. એટલે મને લાગ્યું કે હું જ સામે ચાલીને તેને થોડી મદદ કરૂં.’

‘તું બહુ ભાવનાશીલ છે તેની મને ખબર છે. પણ રૂ. ૫૦૦/- તારી પાસે છે ?

‘હા, આજે પિત્ઝા માટે તમે મને રૂ. ૫૦૦/- આપ્યા હતા પણ હું તે નહીં મંગાવું. બ્રેડના આઠ ટુકડામાં શા માટે આ વેડફું ? તેને બદલે આમ સદઉપયોગ થતો હોય તો શા માટે ના કરૂં?’

‘વાહ, મારા પિત્ઝાને છીનવી લઈને બાઈને મદદ ! ઠીક છે, તને તેમ કરવું યોગ્ય લાગે તો હું કોણ વાંધો લેનાર ?’

હોળીના બે દિવસ પછી રાધાબાઈ પાછી આવી ત્યારે મેં તેને પૂછ્યું કે 'ગામ જઈ બધાને મળી તો તને અને બધાને કેવું લાગ્યું ?'

‘સાહેબ, બહુ ખુશી થઇ મને અને દીકરી-દોહિત્રીને. જમાઈરાજને પણ આનંદ થયો.’

‘વાહ, સરસ. મારે પૂછવું ન જોઈએ પણ તને સરલાએ રૂ. ૫૦૦/- આપ્યા હતા તે બધા વાપર્યા ?’

‘હા સાહેબ, હું જે ભેટ લઇ ગઈ હતી તે જોઈ બધાને આનંદ થયો. મારી દોહિત્રી માટે રૂ. ૧૫૦/-નો ડ્રેસ લીધો હતો અને તેને માટે રૂ. ૪૦/-ની એક ઢીંગલી પણ લઇ ગઈ હતી, તે જોઇને તે અત્યંત ખુશ થઇ.ગઈ અને રોજ તેની સાથે રમવા લાગી. દીકરી માટે બંગડીઓ લઇ ગઈ તેમાં રૂ. ૨૫/- ખર્ચ્યા. બધા માટે મીઠાઈ લઇ ગઈ તેમાં રૂ. ૫૦/-નો ખર્ચો થયો. તો જમાઈરાજ કેમ બાકી રહે ? તેમને માટે રૂ. ૫૦/-નો બેલ્ટ લઇ ગઈ હતી જે જોઈ તે પણ ખુશ. ત્યાના મંદિરમાં રૂ. ૫૦/-ની ભેટ ચઢાવી તેને કારણે મને પણ મનની શાંતિ મળી. જવા આવવાના બસના રૂ. ૬૦/- થયા. આમ કર્યા બાદ જે રૂ. બચ્યા તે મારી દીકરીને આપ્યા કે તે તેની દીકરી માટે નોટબુક અને પેન્સિલ લાવે.’

આ વિગતવાર હિસાબ તો તેણે આપ્યો પણ તે આપતા તેના ચહેરા પર જે આનંદની લહેરખી ફરી વળી તે જોઈ મને થયું કે ફક્ત રૂ. ૫૦૦/-માં આ બાઈએ આટલું બધું કર્યું અને તેનો કેટલો બધો આનંદ મેળવ્યો ? રૂ. ૫૦૦/- કે જેનાથી આઠ કટકાનો એક પિત્ઝા આવે અને તેનો જે મને આનદ મળતે તેનાથી ક્યાય અધિક આનંદ આ બાઈએ મેળવ્યો.

મારી સામે આઠ કટકાનો એ પિત્ઝા તરવરવા લાગ્યો અને અનાયાસે મારાથી એક સરખામણી થઇ ગઈ.

પિત્ઝાનો એક કટકો એટલે ડ્રેસ. પિત્ઝાનો બીજો ટુકડો એટલે મીઠાઈ. પિત્ઝાનો ત્રીજો ટુકડો એટલે મંદિરમાં ભેટ. પિત્ઝાનો ચોથો ટુકડો એટલે જવા આવવાનો ખર્ચ. પિત્ઝાનો પાંચમો ટુકડો એટલે ઢીંગલી. પિત્ઝાનો છઠ્ઠો ટુકડો એટલે બંગડીઓ. પિત્ઝાનો સાતમો ટુકડો એટલે જમાઈરાજ માટે બેલ્ટ. પિત્ઝાનો આઠમો ટુકડો એટલે નોટબુક અને પેન્સિલ.

પિત્ઝાના આઠ ટુકડા સામે આવી આઠ પ્રકારની વિવિધ ઉપયોગિતા ! અત્યાર સુધી મેં પિત્ઝાને એક જ દ્રષ્ટિથી જોયો હતો પણ આજે આ બાઇએ મને તે જુદા દ્રષ્ટિકોણથી દેખાડ્યો અને તેથી આજે હું જિંદગીનો એક નવો પાઠ શીખ્યો.

(વોટ્સએપ પર વાંચેલ એક અંગ્રેજી સંદેશનો ભાવાનુવાદ -નિરંજન મહેતા)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational