પિતાનું પ્રતિબિંબ
પિતાનું પ્રતિબિંબ
આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈ કેવી રીતે ચાલવું એ શીખવાડી દેનાર, અપાર સ્નેહ, લાગણીનું ઝરણું, શંખ પરનું કવચ બની મોતીની જેમ સાચવીને તમને અમુલ્ય બનાવે તે પિતા.
મારે મન પિતા એટલે શિવજીની મૂર્તસ્વરૂપ દરેક પરિસ્થિતિઓમાં અડીખમ, દયાવાન, પણ સાચા માર્ગે લઈ જનાર કઠોર શિક્ષક,સહજ,સ્વભાવે સરળ અને સ્વાભિમાની ,આત્મીયતા દાખવનાર અને અમારામાં સાચા અને સારા સંસ્કારોનું સચિન કરનાર અમારા ઘડવૈયા...એક સુંદર અવિસ્મરણીય છબી જેની અનુભૂતિ હંમેશાં એમનો સાક્ષાતકાર કરાવી જતી મારી સાથે એવું ધણી વાર બન્યું પણ હતું.
મારે પપ્પાને ક્યારેય મનની વાત કહેવાની જરૂર નહોતી પડતી, મારું મોઠું જોઈ મારા મનની વાત તેમને સમજાઈ જતી. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે આમ,એમનાથી દૂર જવાનું થશે પણ એવી પરિસ્થિતિઓ બની કે તેમના થી જુદા થવું પડ્યું છતાંય હમેશાં,એ મારા અહેસાસમાં મારી સાથે જ તેઓ રહ્યાં, એવો અનુભવ મને જયારે જ્યારે તમેની કરેલી વાત યાદ આવે ત્યારે અને જ્યારે મને કોઈ તેમના જેવીજ રૂપાળી હોવાને લીધે કોઈ પણ મને તમાનું નામ લઈ સંબોધતું, ત્યારે હૈયું ભરાઈ આવતું. મારા સ્વરૂપમાં ધણાં બધા તેમની છબી શોધતાને તેમના દ્વારા થયેલી મદદ કે તેમના ગુણો તેઓ મારામાં શોધતા ત્યારે તેમના દ્વારા થયેલાએ સત્કર્મો જાણે આશીર્વાદ આપી તેમનો અહેસાસ કરાવી જતા.
મારી વિદાય વખતે તેમણે એક વાત કહી હતી કે" દીકરી તું તો મારો ગુણ પારસનો પથ્થર છે. જ્યાં હાથ લગાડીશ ત્યાં ગુણોની ખાણ થશે. એટલું ધ્યાન રાખજે પિતાનું નામ તો દીકરી અને દીકરા બંનેને મળે છે, પણ સાસરી એ ગયા પછી પતિનું નામ જ લખાય છે.તું એવું કઈ કરજે કે બધા મને તારા નામથી ઓળખે જેથી તું મારુ પ્રતિરૂપ માત્ર રૂપમાં નહી ગુણોમાં પણ બને. ને બંનેએ કુળને માન આપવામાં મારુ નામ આગળ રાખજે "......એ શબ્દ આજે કોઈ સારું કાર્ય કરવા જાવ છું ત્યારે અવશ્ય યાદ આવી જાય છે એ આંખનાં ખૂણાને અશ્રુબુંદની ભીનાશ આપી જાય છે.
ખુબ સ્નેહ અને આદર સાથે ...તમારુ પ્રતિબિંબ બનવાનો પ્રયત્ન કરતી તમારી દીકરી.
" પિતા પુત્રીના સપનાઓનું સ્પંદન હોય છે,
પિતાએ શાતા આપતું ચંદન હોય છે,
પિતા હંમેશા રહે છે પુત્રી માટે અંદરથી ભીંજાયેલા,
પિતા પુત્રીના સંબંધને સમૂહના વંદન હોય છે."
