STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ફુલણજી દેડકો

ફુલણજી દેડકો

2 mins
1.0K


એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી મોટું બીજું કોઈ છે જ નહિ.

દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, ‘મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.

બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, ‘હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'

ચારે બચ્ચાં કહે, ‘ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'

દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, ‘આટલું મોટું પ્રાણી?'

બચ્ચાં કહે, ‘ના બાપા હજુ મોટું.'

દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, ‘આટલું મોટું?'

બચ્ચાં કહે, ‘ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.

ચારે બચ્ચાં બોલી ઊઠયાં, ‘ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'

દેડકો કહે, ‘હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'

દેડકી કહે, ‘દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'

દેડકો કહે, ‘મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.

બિચારો દેડકો! ખોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતાં વધુ જોર અજમાવવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો!


Rate this content
Log in

Similar gujarati story from Classics