બકરું કે કૂતરું?
બકરું કે કૂતરું?
એક બ્રાહ્મણ હતો. બહુ ગરીબ. જેમ તેમ કરી ઘર ચલાવે. માંડ માંડ રોટલાંની જોગવાઈ થાય. ઘરમાં છોકરાંવ દૂધ પીવાના ઘણી વખત કજિયા કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંશ વસાવવાની ત્રેવડ નહિ તે છોકરાંઓને દૂધ પીવડાવે કઈ રીતે? એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને એક બકરીનું બચ્ચું વેચાતું લઈ આવું. તેના કંઈ બહુ પૈસા પડશે નહિ અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે. તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો.
રસ્તામાં ત્રણ ધૂતારાની એક ટોળી જતી હતી. ધૂતારાઓને થયું કે આ બ્રાહ્મણ તો સાવ ભોટ જેવો દેખાય છે. ચાલો, તેની પાસેથી બકરું પડાવી લઈએ. ધૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી. ધૂતારો કહે : અરે બ્રાહ્મણ દેવતા. તમે તો પવિત્ર માણસ કહેવાઓ. તમને આવું કરવું ન શોભે. તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે? તમારે ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે.
બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી. એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાંને બરાબર જોયું અને કહે : ભાઈ, તમારી કૈંક ભૂલ થાય છે. આ કૂતરું નથી પણ બકરીનું બચ્ચું છે.
ધૂતારો કહે ભૂલ મારી નહિ તમારી થાય છે. તમને મારી વાત માનવામાં ન આવતી હોય તો બીજા કોઈને પૂછી જોજો. એમ કહી તે ચાલતો થયો.
બ્રાહ્મણ તો રસ્તે આગળ વધ્યો. થોડી વાર ચાલ્યો ત્યાં તેને બીજો ધૂતારો મળ્યો. તે કહે : તમે જનોઈ પહેરી છે
. વેશ પણ બ્રાહ્મણનો પહેર્યો છે પણ તમે બ્રાહ્મણ લાગતા નથી. કોઈ બ્રાહ્મણને આવી રીતે અપવિત્ર કૂતરું ખંભે ચડાવીને લઈ જતાં હજુ સુધી મેં જોયો નથી. તમે આવું ગંદુગોબરું કૂતરું શું કામ લઈ જાવ છો?
બ્રાહ્મણ તો આ સાંભળી ગભરાયો. ફરી તેણે બરાબર ધ્યાનથી ધારી ધારીને બકરીનું બચ્ચું જોયું. પછી જેમ તેમ હિમત ભેગી કરી કહ્યું : આ તમને બધાને ગેરસમજ કેમ થાય છે? આ કૂતરું નથી, બકરીનું બચ્ચું છે અને હું તેને મારે ઘેર લઈ જાઉં છું. બીજો ધૂતારો જાણે પોતાને આ વાત માનવામાં જ ન આવી હોય તેમ માથું ધૂણાવતો ધૂણાવતો ચાલતો થયો.
હજુ બ્રાહ્મણ આગળ ચાલ્યો ત્યાં તેને ત્રીજો ધૂતારો સામે મળ્યો. તે તો બ્રાહ્મણના પગમાં જ પડી ગયો. કહે કે તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો. આવું જાદૂઈ પશુ તમને ક્યાંથી મળ્યું? આ તમારા ખંભા પર જે કૂતરું છે તે ઘડીકમાં બકરી જેવું થઈ જાય છે, ઘડીકમાં કૂતરા જેવું લાગે છે અને હમણાં થોડી વાર પહેલાં મેં તેને દૂરથી જોયું ત્યારે સસલું દેખાતું હતું. તમે તો ખરેખર મહાન માણસ છો. એક જ પ્રાણીના આટલા બધાં સ્વરૂપ! વાહ ભાઈ વાહ! આવું તો મેં કોઈ દિવસ જોયું નથી.
આ સાંભળીને બ્રાહ્મણના તો હોશકોશ ઊડી ગયા. તેને ખાત્રી થઈ ગઈ કે નકી આ બકરીનું બચ્ચું કોઈ માયાવી-રાક્ષસી પ્રાણી લાગે છે. બાકી રસ્તે ચાલ્યા જતાં દરેક માણસ કંઈ ખોટું થોડું બોલે? એ તો બચ્ચું ખંભેથી નીચે ઉતારી દોડતો દોડતો નાસી ગયો. અને ત્રણે ધૂતારા બ્રાહ્મણની મૂર્ખાઈ પર હસતાં હસતાં બકરીનું બચ્ચું ઊઠાવી ત્યાંથી રવાના થઈ ગયાં.
આપણને રસ્તામાં જે કોઈ મળે તે સાચું જ કહે છે એવો ખોટો ભ્રમ કદી ન રાખવો.