STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Classics

4  

Kalpesh Patel

Drama Romance Classics

પહેલવારકો…

પહેલવારકો…

2 mins
0

પહેલવારકો…

ભુજ શહેરના હમીસર તળાવ પાસે  આવેલી આલફ્રેડ સ્કૂલના પાંચમા ધોરણના નવા સત્રનો આજે પહેલો દિવસ.
૧૫મી જૂનની પહેલી રિસેસ…
શાળાના મેદાનમાં પહેલા વરસાદનું આછું ઝાપટું…

એક પાણીના નળ ઉપર બે નાનકડા હાથ સાથે અથડાયા હતા.

ઋષિલ ગરજ્યો,
“પહેલા હું જ છું!”

“ના, પહેલો મારો વારો!”
રાધિકાએ નખરાળા અંદાજમાં જવાબ વાળ્યો.

અને એ દિવસથી શરૂ થયેલો ઝગડો, જીવનભર ચાલ્યો.

સાઠ વર્ષ પછી…

હવે ઘરની દીવાલો અને કમરાઓ વૃદ્ધ થઈ ગયાં હતાં, ઘરની ઘડિયાળ ધીમે ચાલતી થઈ ગઈ હતી, અને ઋષિલનાં ચશ્માં વારંવાર ખોવાઈ જતા હતાં.
ડાયાબીટીસની દવા પણ તે ઘણીવાર ભૂલી જતો.

એકધારી ઘરેડમાં, આ મહિને કંઈક વધારે બદલાઈ ગયું હતું.

રાધિકા હવે માંદી પડી હતી.
ડોક્ટરે શબ્દો તો ટૂંકા જ બોલ્યા હતા, પણ અર્થ બહુ મોટો હતો —

“હવે સમય બહુ નથી.”

ઘરમાં પહેલીવાર શાંતિ વધારે અશાંત લાગી રહી હતી.
ઝગડાઓ ઓછા નહીં… બંધ થઈ ગયાં હતાં.

અને રાધિકાને કદાપિ ન ગાંઠતા ઋષિલને, એ શાંતિ ગમતી નહોતી.

તે સાંજે ઋષિલ પોતે રસોડામાં ગયો.
જીવનભર ચાનો શોખીન રહ્યો હતો, પણ ચા બનાવવાનું કામ મોટેભાગે રાધિકાએ જ કર્યું હતું.

મીઠડી રાધિકા, ચાય માં કાયમ આછી ખાંડ નાખતી…
અને હસીને કહેતી.

“આજકાલ હવે ખાંડ મોળી થઈ ગઈ લાગે છે.”

આજે ઋષિલે કાંપતા હાથોથી બે કપ ચા ફૂલ ખાંડ સાથે બનાવી.

એક કપ લઈને ધીમે ધીમે રાધિકાની પથારી પાસે આવ્યો.

“લો… ચા પીવો… લાગે છે કે આજે ખાંડ મોળી નથી.”

એણે ખોટું પણ મીઠું હસવાનો પ્રયત્ન કર્યો.

રાધિકાએ નબળા હાથથી ટેબલ પર રહેલા કપને પકડવા હાથ લંબાવ્યો.

અને…

સાઠ વર્ષ પહેલાં પાણીના નળ ઉપર જેમ બંનેના હાથ અથડાયા હતા,
એજ રીતે આજે ચાના કપ ઉપર ફરી એકવાર બંનેના હાથ સાથે જોડાયા.

થોડો સમય બંને ચૂપ રહ્યાં.

પછી રાધિકા નજર ઝુકાવી, આંસુ ટપકાવી બોલી.

“રાયજી… જુઓ… આજે પણ વારો તો તમે જ પહેલા લેવા માંગો છો.”

ઋષિલ આજે ગરજ્યો નહીં.

માત્ર રાધિકાનો હાથ તેણે વધુ મજબૂતીથી પકડી લીધો.

બારી બહાર જૂનનો પહેલવારકો વરસાદ શરૂ થયો હતો.

જીવનના દરેક પડાવે,
દરેક પહેલો વરસાદ ફરીથી જીવવાની ઈચ્છા જગાવે છે.

ભીની થયેલી માટીની સુગંધ કહે છે —
કેટલાક પ્રેમનો અંત “અલવિદા”થી નથી થતો…

પણ જીવનના કોઈ શાંત પડાવે,
એક જ કપ પર સાથે પડેલા બે કંપતા હાથોથી થાય છે.

શીર્ષક પરિચય ~

“પહેલવારકો” શબ્દ અહીં ખૂબ ભાવાત્મક અને પ્રતીકાત્મક રીતે વપરાયો છે.

ગુજરાતીમાં “પહેલવારકો” એટલે —
પ્રથમ, પહેલો...

ઉપરોક્ત વાર્તામાં “પહેલવારકો” ત્રણ સ્તરે અર્થ આપે છે:

શાળાના જીવનના પહેલા વરસાદે 
પહેલી મુલાકાત 

પ્રેમનો પહેલો સ્પર્શ

અને વૃદ્ધાવસ્થામાં પણ ફરી જીવંત થતો એ જ પહેલો અહેસાસ

એટલે અહીં આપણી વાર્તા માં “પહેલવારકો”  ભીનાશ આપતી પહેલી લાગણીનું  જીવંત પ્રતિક છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama