પાઘડી વગરનું ઘર
પાઘડી વગરનું ઘર
મશ્કરીભર્યું આશ્વાસન આપનારને ધોલ લગાવી દેવા ઊપડેલા હાથને અટકાવી કાંઈ પણ બોલ્યા વગર તેણે આગળ ડગલાં ભર્યા.'આ મુંબઈ?' તેના હૃદયમાં આખા મુંબઈ માટે સખત તિરસ્કારની જવાલા પ્રગટી ઊઠી. એની નજરે પડતું એકેએક ઘર તેને તોડી પાડવા યોગ્ય લાગ્યું. ક્રોધે એના ભાનને પણ ભૂલાવ્યું. એના પગ ઊપડતા ઊપડતા ક્યાં જતા હતા તેનું પણ એને જ્ઞાન રહ્યું નહિ. હવે તેને યાદ આવ્યું કે મુંબઈમાં હજારો માનવીઓ સડક ઉપરના પગરસ્તા ઉપર પડી રહે છે એમ તેણે ઘણી વાર વાંચ્યું હતું. વાંચતી વખતે એ હકીક્ત વાંચીને ભૂલી જવા જેવી લાગી હતી. આજ એ સત્ય તેને હસતું તેની સામે ઊભું રહ્યું... અને તે એની નજર આગળથી ખસતું ન હતું.
નોકરી છોડી મુંબઈની બહાર ભાગી જવાની તેને વૃત્તિ થઈ આવી. પરંતુ ભણેલા ગરીબ અને મધ્યમવર્ગીય યુવકો નોકરી છોડે તો બીજુ કરી શું શકે? બીજાઓના આપેલા કે બીજાઓએ ટેકવેલા પગ ઉપર ઊભા રહેનાર સ્વસ્થ અને સુખી માનવીઓ સારી રીતે કહી શકે કે યુવકોએ પોતાના પગ ઉપર ઊભાં રહેતાં શીખવું જોઈએ. એ કહેનારાઓ કિશોરની સ્થિતિમાં મુકાય તો? આખા મુંબઈના મહેલો, માળાઓ, બંગલાઓ, વીલાઓ, ફ્લેટો, ફ્લેટો અને કુટિરોને ફૂંકી સળગાવી મૂકવામાં આવે તો ઘર વગર ફરનારની હાલતનો સહુને ખ્યાલ ન આવે ? એ સમાજરચના કેવી કે જેમાં માનવીને ઘર ન મળે? એ સમાજના ઘડવૈયા કેવા કે જે માનવીને એક ખૂણો પણ રહેવા માટે આપી શક્તા નથી ? એ વહીવટદારો અને અમલદારો જે પારકાં ઘર પડાવીને પણ રહેવાની સગવડ મેળવી શકે છે તેમને એક એક અઠવાડિયું જ ઘર વગર રહેવાની સજા કરી હોય તો મુંબઈની ઘરસમસ્યા જરા વહેલી ન ઊકલે?
પરંતુ કિશોરને સુઝી આવતા ઇલાજોને અમલમાં મૂકવાની તેનામાં સત્તા પણ ન હતી અને આવડત પણ ન હતી. કોણ જાણે કેમ તેના પગ તેને એક સાર્વજનિક બગીચામાં લઈ આવ્યા હતા;જ્યાં ઓરડીવિહીનોની સ્થિતિ કેમ સુધરે તેની અનેકાનેક યોજનાઓ ઘડતો કિશાર થાકીને ઊંઘરેટો બની પગ લંબાવી રહ્યો હતો.
એટલામાં એક પોલીસ સિપાઈએ સૂતેલા કિશોરનો ખભો થાબડ્યો અને કહ્યું :
'ઊઠો જવાન ! હવે અહીં નહિ સુવાય.'
કિશોરે કાંઈ પણ જવાબ ન આપતા પાસું ફેરવ્યું; પરંતુ પોલીસે બીજો ખભો વધારે જોરથી હલાવી કહ્યું :
'ચલ, ભાઈ ! ચલ; જલદી કર.'
'નહીં ઊઠતા' કિશોરનો ગુસ્સો આકાર લઈ રહ્યો. પોલીસ સિપાઈએ મજબૂત રીતે કિશોરને બેઠો કરી દીધો, તેને હલાવી નાખ્યો અને કહ્યું :
'જલદી ઘરભેગો થઈ જા.'
'ઘર હોય તો ને? ઘર બતાવ! પછી જાઉં.' કિશોરે કહ્યું અને તેના અત્યંત શ્રમિત દેહે ઊંઘમાં ડૂબકી મારવા ઝોલો લીધો.
'દારૂબંધી છતાં છાકટાપણું ન ગયું ! ચાલ, ઘર બતાવું.' કહી પોલીસ-સિપાઈએ કિશોરને બળપૂર્વક ઊભો કરી દીધો, અને તેને આગળ ઘસડ્યો.
'કોને છાકટો કહે છે?' કિશોરને બહુ ખોટું લાગ્યું. દવામાં પણ તેણે હજી સુધી દારૂનું ટીપું પીધું ન હતું, પરંતુ ઊંઘ, થાક, માનસિક ઉગ્રતા અને લાચારી ભેગાં મળતાં માનવીને દારૂડિયા જેવો જ બનાવી મૂકે છે.
'તને નહિ, દોસ્ત !' કહી પોલીસે તેને વધારે બળથી આગળ ઘસડ્યો. દારૂ પીનાર માણસ દારૂ પીધા પછી પોતે પીધેલો નથી એમ પૂરવાર કરવા ભગીરથ પ્રયત્નો કરે છે એની સિપાઈને ખબર હતી. બાગના દરવાજા પાસે કિશોરને લાવી સિપાઈને તેને ઠીકઠીક ધક્કો લગાવ્યો અને બાગની બહાર કાઢી તે બોલ્યો :
'ભામટો !'
લથડિયું ખાઈ ગયેલા કિશોરને વિચાર આવ્યો કે તે કોઈ સ્વપ્નમાં તો નથી? તેની બૅગ તેની પાસે જ હતી. અંધકારમાં અજવાળાનાં ધાબાં પાડતી રાત્રિ તેના આખા સંસારને સ્વપ્નનું સ્વરૂપ આપતી હતી. ઘરવિહીન બન્યો. છાકટો મનાયો અને ભામટાનું સંશોધન પામ્યો ! સ્વપ્ન હોય તો ય સારું ન જ કહેવાય.
તેણે આગળ પગલાં ભર્યા. માણસોની અવરજવર અત્યાર ઘણી ઓછી હતી. કોઈ ખૂણામાંથી દેશભક્ત નેતાના દેશી ઢબનાં પણ સરસ કપડાં પહેરેલો એક મજમૂત માણસ તેની પાસે આવ્યો અને અત્યંત લળીને, ખુશામજાજ પૂર્વક સુંદર સ્મિત કરતાં તેણે કિશોરને સુંદર હિંદુસ્તાની આઘાત સહ પૂછ્યું :
‘આપકો.... નુમાઈશ ચાહીએ ?'
'એટલે? મારે તો આજની રાત સૂવા માટે સ્થાન જોઈએ.' નુમાઈશનો અર્થ ભોમિયો થાય છે એટલું પણ હિંદુસ્તાની જાણનાર કિશોરે નેતા સરખા ગૃહસ્થને કહ્યું.
'જરૂર, જરૂર! એવું સ્થાન શોધી આપું કે આપ આપના ઘરને પણ ભૂલી જાઓ ! ' ભોમિયાએ કહ્યું અને ખિસ્સામાંથી એક સુંદર સિગારેટપેટી કાઢી કિશોર સામે ધરી.
'હું પીતો નથી.' કિશોરે કંટાળીને કહ્યું.
'અચ્છા ? નવાઈ જેવી વાત ! વારુ ખિરસામાં...રકમનું જોખમ તો....છે ને? બહુ વધારે સલૂકાઈથી – સ્મિતને વધારે સ્પષ્ટ કરી તેણે પૂછ્યું.
'અત્યારે તો ખિસ્સામાં પાંચસો એક રૂપિયા....' ઘેનમાં પડેલો બેભાન, ઊંધમાં આવેલો સુસ્ત અને કંટાળેલો માનવી બહુ સાચું બોલી નાખે છે!
'વાહ, વાહ! શાબાશ ! ખેલદિલ જુવાન લાગો છો ! શરતમાં જીત્યા?' ભોમિયાએ માર્ગદર્શન કરાવતાં પૂછ્યું.
'હું શરતોમાં રમતો નથી.'
'શી દિલ્લગી કરો છો, મહેરબાન ! ચાલો, આપણે આવી ગયા.' કહી ભોમિયાએ તેને એક સુંદર મકાનના એક માળ ઉપર ચઢાવ્યો. મધ્ય રાત્રિ વીતી જવા આવી હતી. મકાનમાં દીવા ધીમે ધીમે ઝાંખા બનતા જતા હતા. ભોમિયાએ એક બારણા ઉપર હળવો ટકોરો માર્યો, બારણું ઊઘડ્યું, ભોમિયો અંદર ગયો. પાછો બહાર આવ્યો, અને કિશોર સામે સ્મિત કરી અત્યંત અદબથી ખુલ્લા બારણી તરફ હાથ દર્શાવી બોલ્યો :
'આઈયે !'
અને કિશોરનો દ્વારપ્રવેશ થતાં જ તેણે બહારથી બારણું બંધ કર્યું અને અદ્રશ્ય થઈ ગયો. બહારથી 'ઉલ્લુ' જેવા સંબોધનનો ભણકાર ક્યાંથી આવ્યો ?બાગવાળા સિપાઈનો એ બોલ ન હોય એકાએક કિશોરની આંખ ચમકી ગઈ. ભોમિયો, કોઈ સેવાભાવી મહાનુભાવ હોવો જોઈએ ! નહિ તો ઘર વગરના આશ્રયહીન માનવીઓને શોધતો રસ્તે મધરાત સુધી ઊભો રહી તેમને માટે આવા સુંદર ગૃહની સગવડ કરી આપે ખરો?
અને.. આ લક્ષ્મી જેવી કોણ સ્ત્રી તેની પાસે આવતી હતી? લક્ષ્મી કરતાં પણ એને ઊર્વશી કહીએ તો વર્ણન વધારે સાર્થક લાગે ! પોતાની પાસે જ બેસી કાંઈ પીવાનો આગ્રહ કરતી એ સઘન સ્ત્રી દયાની દેવી હોવી જોઈએ. કિશારે તો ચા માગી. દયાની દેવી ચમકી કેમ ? હસી કેમ? ચાની કિશોરને જરૂર લાગી. ભોંય ઉપર પટકાઈને પણ નિદ્રા માગતો દેહ અને મન ચાથી જરા જાગૃત અને સાવધ બની સ્વચ્છ નિદ્રા લઈ શકે એમ તેણે ધાર્યું.
યુવતી કેટલી વિવેકી ! કિશોરની સાથે તે પણ ચા પીતી હતી. કિશોરની પાસે પાંચસો રૂપિયા હતા એ યુવતીએ ક્યાંથી જાણ્યું ?
પેલા ભોમિયાએ કદાચ કહ્યું હોય ! દેહ સાથે ધનનાં જતન પણ આ દેવી કરતી દેખાય છે ! હિંદમાં પણ આવો 'મિશનરી' સરખો સેવાભાવ આવતો જાય એ હિંદનું જરૂર સદ્ભાગ્ય કહેવાય !
'હા, મારી પાસે પાંચસો રૂપિયા છે. અહીં કશું જોખમ તો ન જ હોય.' કિશોરે કહ્યું.
દયાની દેવીએ હસીને કહ્યું :
'જોખમ તો બધે ખરું. આ જિંદગી પણ જોખમ જ છે ને?'
'તો આપની પાસે આટલી રકમ સાચવી રાખો. હું સવારે ઘર શોધવા નીકળીશ ત્યારે માગી લઈશ.' કિશોરે પોણી મિચાયલી આંખ સહ કહ્યું, નિદ્રા માટે માનસિક બાથોડિયું માર્યું, અને યુવતીના હાથમાં પૈસા મૂકી દીધા.
'ઘર શોધવા? આ પૈસા ક્યાંથી લાવ્યા?' ઊર્વશી સરખી યુવતીએ જરા ચમકીને પૂછ્યું.
'મારી પત્નીએ મોકલ્યા..એના પલ્લામાંથી ! અને ઘર શોધવાનો પ્રસંગ કેમ ઉપસ્થિત થયો તે તેણે કહેવા માંડ્યું. પરંતુ પૂરી વાત કરતાં પહેલાં તે સોફા ઉપર ઢળી પડ્યો, અને તેના દેહ ઉપર કોઈએ વસ્ત્ર ઓઢાડ્યું એટલું જ તેને સ્મરણ રહ્યું.
પ્રભાતમાં તે ઊઠ્યો. અજબ અજબ સ્વપ્ન આવી ગયાં હોય એમ તેને લાગ્યું. પ્રથમ તો તેને હમણાના નિત્ય સહવાસમાં આવેલા વિશ્રાંતિગૃહનો ભાસ થયો; પરંતુ વિશ્રાંતિગૃહ આટલું સુંદર તો ન હતું ...અને પાઘડી આપી ભાડે રાખેલી આ ઓરડી પણ ન હોય ! મુનીમે કરેલા દગાને પરિણામે તેને રાત્રે ભટકવું પડ્યું. પોલીસના ધક્કા ખાવા પડ્યા અને... હા...પેલા સેવાભાવી ભોમિયાના માર્ગદર્શન વડે કિશોરે કોઈ સેવાશ્રમના સુખભર્યા, વૈભવભર્યા સ્થાનમાં નિદ્રા મેળવી હતી. એ જ આ આશ્રમ !
તેની પાસે કાઈ નાનો છોકરો ચા મૂકી ગયો. ચા પૂરી કરી.
રહેતામાં પેલી દયાની દેવીએ ખંડમાં પ્રવેશ કર્યો.
'સારી રીતે સૂતા ! નહિ ?' યુવતીએ પૂછ્યું. યુવતી અત્યારે પરી સરખી દેખાતી ન હતી. વસ્ત્રોમાં ઝગમગાટ ન હતો; પરંતુ યુવતી એ જ હતી !
'હા જી. આપની ભારે કૃપા થઈ. એક ઘરવિહીનને...'
'આપની આ રકમ. ગણી લો.' યુવતીએ કહ્યું.
'ગણવાની જરૂર નથી.'
'હું કહું તેમ કરો. ગણીને લો.'
કિશોરે ઝડપથી રકમ ગણી લીધી. પાંચસો ને એક રૂપિયાની નોટ બરાબર થઈ રહી.
'બરાબર છે.' કિશોરે કહ્યું.
'વારુ. હવે ઘર જોવા આપ જઈ શકો છો.'
'અને ઘર ન મળ્યું તો ?' કિશોરે પૂછ્યું.
'બેવકૂફનો સરદાર ! આવજે, ઘર ન મળે તો ! સારું થયું કે તું એક કુલીન ઘરમાં આવ્યો ! નહિ તો આ તારા પાંચસો રૂપિયા મફત ચાલ્યા જાત.' અત્યંત હસીને પેલી સ્ત્રી બોલી.
કિશોરને આ સ્ત્રીનું હાસ્ય બહુ ન ગમ્યું. એમાં કિશોરની મૂર્ખાઈ પ્રત્યે હાસ્ય હતું; પરંતુ કિશોરે એવી કઈ મૂર્ખાઈ કરી હતી?
'તો...હું કોના સેવાશ્રમમાં આવ્યો છું ?' કિશોરે પૂછ્યું.
'નીચે જઈ કોઈને પૂછી જોજે.' યુવતીએ કહ્યું.
-અને ખરે ! નીચે ઊતરતાં જ તેને તેનો એક સંબંધી મિત્ર મળ્યો - જેણે તાર કરી પોતાને ત્યાં કિશોરને ઉતારવાની અશક્તિ જણાવી દીધી હતી. બીજાની નૈતિક સુધારણા માટે માનવજાતને ભારે કાળજી રહે છે. આશ્ચર્ય પૂર્વક મિત્રે પૂછ્યું :
'તું ? કિશોર ?, અહીં ક્યાંથી ?'
'હું? આ ઉપરના માળેથી આવ્યો !'કિશોરે જવાબ આપ્યો.
'એ તો વેશ્યાગૃહ છે ! તને ખબર નથી? એ નીચ...'
'મને એટલી ખબર પડી કે મુંબઈના ઘરમાલિકો કરતાં વેશ્યાઓ ઓછી નીચ છે.'
'એટલે ?'
'એટલે એમ કે માલિકોની માફક વેશ્યાઓ ગૃહપ્રવેશમાં પાઘડી નથી માગતી. કિશોરે કહ્યું અને આગળ ચાલવા માંડ્યું. એને કહેવાનું મન થયું ખરું કે મિત્રો કરતાં એ નીચ વર્ગ ઊંચો તો છે જ; પરંતુ એટલું કથન એણે હજી મુલતવી રાખ્યું છે.
કારણ, મિત્રના સૂચને તેને ગઈ રાત્રિના અનુભવોનો ઉકેલ આપ્યો. અને એ ઉકેલમાં ગણિકાના મુખેથી ઉચ્ચારાયેલો ‘કુલીન' શબ્દ અર્થ સાથે તેને સમજાયો. કુલીનતા રહી હોય તો તે ગણિકાઓના જ વર્ગમાં; બીજે બધેથી એ લુપ્ત થઈ ગઈ છે.
દિશાશોધન મેનુ
