પાઘડી વગરનું ઘર 2
પાઘડી વગરનું ઘર 2
મુંબઈમાં ઈશ્વર શોધવો અને ઘર શોધવું એ બન્ને સરખાં મુશ્કેલ લાગે છે. કદાચ મુંબઈમાં માનવીને ઈશ્વર મળે – જેના ઉપર ગીરો-વેચાણની રમત પણ થાય અને સટ્ટો પણ રમાય - પરંતુ ઘર મળે તો જાણવું કે તેને ઈશ્વર કરતાં પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ.
એનો અર્થ એમ નહિ કે મુંબઈમાં ખાલી મકાનો, બંગલાઓ, મહેલો કે ઓરડા ઓછા છે; પણ તે મેળવવાનું કામ સ્વરાજ્ય મેળવવા કરતાં પણ અઘરું છે. મહેલ કે બંગલા તો કિશોરે બાદ જ કરવાના રહ્યા. માત્ર મહેલ જેવા દેખાતા માળાઓનાં કબૂતરખાનામાં જ તેણે એકાદ ઓરડી કે છજું શોધી કાઢવાનું હતું.
અને તેને સદભાગ્યે ભારે ચઢઊતરને અંતે એક ઘર મળ્યું પણ ખરું. એક મકાનના પાંચમા માળની ઉપર આવેલી અગાશીમાં જવાની સીડીને છેડે થોડા પડદા ગોઠવી ખુલ્લી જગામાં ઓરડીની સીનસિનેરી કોઈ દયાળુ મહેતાજીએ ઊભી કરી હતી, અને તે તકલાદી બનાવટી ઓરડી મહામુસીબતે ભાડે આપવા તૈયાર થયા. ઘરહીન ભટકતા યુવાનો પ્રત્યે તેને ઘણી દયા ઊપજતી હતી એટલે, અને માળાની આખી વ્યવસ્થા, તેના હાથમાં હોવાને લીધે આટલી સગવડ એ વધારી શક્યો હતો એ ઓરડીનું ભાડું મહિનાની શરૂઆતમાં જ પચાસ રૂપિયા જેટલું હળવું લેવાનું હતું. માત્ર એ ઓરડીમાં રહેવાની સગવડ કરી આપવા માટે મહેતાજીને ખુશબખ્તીમાં રૂપિયા પાંચસો એકની પાઘડી આપવાની શરત એમાં પહેલી જ રાખવામાં આવી હતી.
વિશ્રાંતિગ્રહ કરતાં આર્થિક દૃષ્ટિએ આ પડદા પોશ ઓરડીમાં વધારે વિશ્રાંતિ મળે એ કિશોરને સંભવ લાગ્યો. ખુલ્લી અગાશી તો પાસે હતી જ. અને ઓરડી જોકે ઘણી નાની કહેવાય, છતાં પતિ પત્નીની એકતા નાની ઓરડીમાં જ વધારે સિદ્ધિ પામે એમ તેને દેખાયું. લલિતજીએ એક કાવ્ય લખ્યું છે જેમાં આપેલી એક સાખી જાણે મુંબઈના માળાનો અનુભવ લઈ લખી હોય એમ લાગે છે :
"સોહં સોહં સતી રટે, સાહં, સાહં કંથ.”
મુંબઈના માળાઓમાં રહેતી સતીઓના શ્વાસમાં બે સીઢી ચઢતાં 'સોહં સોહં' ના પરમ પવિત્ર શ્વાસેહ્વાસ આપોઆપ
ઊઘડી આવે છે, અને તેમના કેસરભીના કંથો તો પહેલા જ માસથી 'સાહં સાહ'નો મંત્ર જપતા ચાલે છે; એક માત્રાનો ભાર પણ તેમનાથી સહન થઈ શકતો નથી !
પતિ પત્નીની એકતા એટલે સાચો આર્ય આદર્શ ! જેમ ઓરડી નાની તેમ પતિ પત્નીની એક્તા વધારે ગાઢ બનતી જાય છે. તે એટલે સુધી કે ઘણી વાર ટુકડી ઓરડીમાં રહેતાં પતિપત્નીની ચર્ચા અર્ધ નારી-નટેશ્વરની કલા-કલ્પનાને આકાર પણ આપી રહે છે ! મુંબઈના માળાઓ રચી ધનિકોએ આર્ય આદર્શનો સાચો પાડવા કરેલે સતપ્રયત્ન ઐતિહાસિક ગણાવો જોઈએ.
કિશોરને પત્ની વગર રહેવું બહુ દુઃખભર્યું લાગતું હતું, એટલે તેણે પત્નીની સંમતિ પત્ર દ્વારા માગી અને સંમતિ ઉપરાંત પાઘડીની રકમ તેની પાસે ભેગી થયેલી ન હોવાથી પલ્લાની રકમમાંથી એ સગવડ કરી આપવા તેણે વિનતિ કરી – જે ટૂંક સમયમાં કિશોર ભરપાઈ કરી આપવાને ઈન્તેજાર હતો ! લગ્નના પ્રથમ વર્ષમાં પતિપત્નીને પરસ્પરમાં એટલો વિશ્વાસ અને એટલી શ્રદ્ધા હોય છે કે તેઓ એકબીજા માટે જીવ પણ આપવાની તૈયારી બતાવી શકે છે; વર્ષો થાય તેમ તેમ વિશ્વાસ ઘટતો જાય છે એ જુદો પ્રશ્ન છે. કિશોરની પત્નીએ નાની તો નાની પણ સ્વતંત્ર કહી શકાય એવી ઓરડી તત્કાળ લઈ લેવા સંમતિ આપી, પાઘડીના પાંચસો એક રૂપિયા પોતાના પલ્લાની રકમમાંથી ઉપાડી તત્કાળ મોકલ્યા અને મુંબઈ આવી પતિ સાથે રહેવાના સ્વપ્ન તેણે સેવવાં શરૂ કર્યા.
રૂપિયા હાથમાં આવતાં બરોબર તે માળાના મહેતાજીને મળે. મહેતાજીએ કહ્યું :
'ભાડાની રકમ પહેલી લાવો, એટલે ઓરડી તમારી. સામાન બહુ તો નથી ને?'
'ના ના, હમણાં તો એક નાની બૅગ લઈને જ હું મુંબઈ આવ્યો છું.' કિશોરે કહ્યું.
'હરકત નહિ. નાનું ગોદડુ વસાવો ત્યાં સુધી હું તમને પાથરણું આપીશ. મુંબઈમાં ગભરાવું નહિ, મારા શેઠ ! અને... પાઘડી વગર માળામાં પેસાશે નહિ. મહેરબાન ! સાચી વાત કહી દઉં !' છેલ્લાં વાક્યો બહુ જ ધીમેથી પણ અત્યંત મક્કમપણે મહેતાએ કહ્યાં.
'એ તો હું લઈને જ આવું છું. આજ રાત્રે અહીં જ સૂવાનું ! મહેતાજી !' કહી ઉત્સાહભર્યો કિશોર પોતાના વિશ્રાંતિગૃહમાં ગયો. પૂરો મહિનો હજી થયો ન હતો. છતાં મિત્રે કરેલી સગવડ અનુસાર મહિનાનું પૂરું ભાડું અને ખોરાકખર્ચ કિશેરે આપી દીધા, અને વિશ્રાંતિગૃહના માલિકને તેણે કહી દીધું કે આજની રાતથી તે બીજે સ્થળે રહેવા જવાનો છે...માલિકને એમાં જરા ય હરકત ન હતી. કિશોરના દેખતાં તેની ઓરડીનો ખાટલો તેણે બીજા અરજદારને આપી દીધો.
બૅગ હાથમાં લઈ તેણે નવી ઓરડી તરફ જવા માંડ્યું. રાત્રિનો સમય હતો. એકાદ ટ્રામ, એકાદ બસ, એકાદ લોકલ પકડતાં પકડતાં તે પોતાને માટે ચૂંટી કાઢેલી એારડીઓવાળા માળામાં આવી પહોંચ્યો. રસ્તામાં એક સાદડીઓ વેચતા મોપલા પાસેથી એક ચટાઈ પણ તેણે ખરીદી ઘર માંડવાની શુભ શરૂઆત કરી દીધી. હતી. હાથમાં બૅગ, બગલમાં ચટાઈ અને વિલાયતના પ્રધાનને શોભે એવો પોશાક એ ત્રણેનું મિલનદશ્ય મુંબઈમાં અશક્ય નથી
'શું મારા મહેરબાન ! હવે આવો છો તે?' મુનીમની ઓરડીમાં જતા બરોબર કિશોરને મુનીમે ધમકાવ્યો.
'કેમ એમ? કહ્યા પ્રમાણે રાત્રે આવ્યો છું.' જરા ચમકી કિશારે કહ્યું.
'રાત હમણાં પડી લાગે છે તમને? મુંબઈમાં એમ ન ચાલે, શેઠિયા ! એ તો એક પલાંઠીએ સોદો કરીને ઊઠીએ તો જ સોદો સાચો. તમારી કેટલી રાહ જોઈ ! પછી હું ક્યાં સુધી ખોટી થાઉં?'
‘પણ તમે કહેવા શું માગો છો, મહેતાજી? તમારું ભાડું તમે પહેલાં લેતા પરવારો... અને તમારી પાઘડી પણ....'
'પાઘડીની બૂમ પાડશો તેથી મુંબઈનો કોઈ ઘરમાલિક ગભરાશે નહિ. તમે તો પાંચસો એક આપવાના હતા... પણ મને છસોં એક આપનાર મળ્યો. ઓરડીનો કબજો પણ અપાઈ ગયો.' મુનીમે સમાચાર કહ્યા.
'તમે માગ્યા હોત તો હું તમને છસો એક આપત.'
'માગવા તાગવાની વાત આપણી પાસે નહિ. તમારી રાહ તો જોઈ.. પણ... હવે બીજી ઓરડી ખાલી થાય ત્યારે વાત.' મુનીમે સહેજ પણ સંકોચ વગર કહ્યું.
'પણ મારે હવે અત્યારે શું કરવું ?'
'જ્યાંથી આવ્યા. ત્યાં પાછા જાઓ.'
'એ જગા ખાલી કરીને હું આવ્યો, અને મારા દેખતાં જ એ અપાઈ ગઈ. હવે જવું ક્યાં ?'
'અરે, આખું મુંબઈ પડ્યું છે ! સિનેમાનાટક જુઓ, જરા દરિયે ફરો....' કહી મુનીમ હસ્યો.
કિશોરને અત્યંત ક્રોધ ચડ્યો...મુનીમને પીંખી નાખવાની તેને ઈચ્છા થઈ. એના તરફ બૅગ છૂટી ફેંકવાની તેના હાથે તૈયારી કરી પણ એમાંની એક ઈચ્છા એ પૂર્ણ કરી શક્યો નહિ. એને બદલે બગલમાં લીધેલી ચટાઈ કિશોરે જમીન ઉપર પટકી અને તે મુનીમની ઓરડી બહાર નીકળ્યો. એની જ સાથે બહાર નીકળેલા એક માણસે તેને આશ્વાસન આપ્યું :
'તમારું નસીબ સારું માનો કે તમારી પાઘડીની રકમ હજી રહી છે. નહિ તો એ પણ જાત અને ઓરડી પણ જાત...આ તો મુંબઈ છે !'
