પાઘડી વગરનું ઘર ૧
પાઘડી વગરનું ઘર ૧
કિશોરની બદલી મુંબઈ થઈ.
મુંબઈનું મહત્ત્વ બહુ વધારે. મુંબઈમાં રહેતાં આપોઆપ બીજા સર્વ કરતાં વધારે ચબરાક થાય જ; એમ મુંબઈમાં રહેનાર તો માને જ; પરંતુ મુંબઈમાં ન રહેનાર પણ માને છે ! મુંબઈનો શેઠ મુંબઈમાં ન રહેતા કોઈ પણ શેઠ કરતાં વધારે મોટો હોવો જ જોઈએ. એટલે ઘણા ઘણા ધનિકો જરૂર હોય કે ન હોય તો ય મુંબઈનિવાસ કરે જ છે. મુંબઈમાં કામ કરતો અમલદાર હિંદમાં બીજે કામ કરનાર કોઈ પણ અમલદાર કરતાં વધારે બાહોશ હોવો જ જોઈએ. મુંબઈનો વિદ્યાર્થી એટલે બીજા કોઈ પણ સ્થળના વિદ્યાર્થી કરતાં વધારે પ્રગતિશીલ–વસ્ત્રાભૂષણમાં, અભ્યાસમાં અને સમાજમાં પણ ! મુંબઈમાં વસતી નારી દેશમાં બીજે કોઈ પણ સ્થળે વસતી લલના કરતાં વધારે જ મોહક હોય ! મુંબઈનો ઘોડાગાડીવાળો, શોફર કે રસોઈયા બીજ કાઈ પણ સ્થળના ગાડી ચલાવનાર, શોફર કે રસોઈયા કરતાં વધારે કાબેલ હોવાના જ. પછી મુંબઈનો જુગારી, ખિસ્સાકાતરુ, ઠગ કે લૂંટારો આખા હિંદના સમવ્યવસાયીઓમાં ગુરુપદને પામ્યો હોય એમાં નવાઈ જ શી ? અરે મુંબઈનો વકીલ, ડૉકટર, પત્રકાર, ભિખારી અને કમ્યુનિસ્ટ પણ પોતાને અન્યની સરખામણીમાં શ્રેષ્ઠ સ્થાને મૂકે છે, અને મુંબઈ બહારની દુનિયા એ શ્રેષ્ઠતા નમ્રતાપૂર્વક બે હાથ જોડીને કબૂલ પણ રાખે છે.
એ મહાન મુંબઈમાં કિશોર આવ્યો. સરકારી નોકરીમાં નોકરને જ્યાં મોકલે ત્યાં જવું પડે. પછાત દેશી રાજ્યોની પ્રજાને મુંબઈગરા વહીવટની શ્રેષ્ઠતાનો સ્વાદ ચખાડતી મુંબઈની શ્રેષ્ઠ સરકાર, અંધકારભર્યા દેશી રાજ્યોના અમલદાર કે નોકરીના પછાતપણાને ખંખેરી નાખવા તેમની મુંબઈ બદલી કરે એમાં વાંધો કાઢી શકાય એમ છે જ નહિ. મુંબઈની મુશ્કેલીનો વિચાર કરી એ દક્ષ સરકાર ઘરભાડું નોકરને આપી પોતાના અંતઃકરણને સ્વચ્છ રાખે છે. નોકરને એટલા ભાડામાં ઘર મળે છે કે નહિ એ જુદો પ્રશ્ન છે.
કિશોરને પણ મુંબઈમાં થયેલી નિમણુક ગમી. દરિયો, ચોપાટી, જૂહુ, સિનેમા, હોટેલ અને હેન્ગીન્ગ ગાર્ડન્સ જેવાં આકર્ષણ મુંબઈનું નામ દેતાં બરોબર આંખ આગળ ખડાં થાય છે – બીજાં આકર્ષણ બાદ કરીએ તો ય. કિશોરે મુંબઈ તળમાં તેમ જ પરામાં રહેતા બેત્રણ મિત્રોને અને બેત્રણ સગાંસંબંધીઓને પત્ર લખ્યા અને પોતાના આગમનની ગાડી તથા સમય પણ જણાવ્યાં.
મુંબઈમાં મહેમાનના સમાચાર અને મોતના સમાચાર સરખા ગણાય છે એની પૂરી ખબર કિશોરને ન હતી. ઘેરથી નીકળતી વખતે એને ત્રણચાર તાર મળ્યા — જેનો ઉદ્દેશ એક જ હતો કે કિશોરનો સમાવેશ એ મિત્ર કે સગાંના મકાનમાં થઈ શકે એમ ન હતું. કાં તો મિત્રની સ્ત્રી માંદી પડી ગઈ હોય, સંબંધીનાં મા-બાપ અને ભાઈભત્રીજા એકાએક આવી પહોંચ્યાં હોય, મુંબઈ જરૂરી કારણસર તેને છોડવું પડ્યું હોય કે કાં તો સુધરાઈએ તેનું ઘર ખોદી નાખવા માંડ્યું હોય ! છતાં નોકરી સાથે રમત તો ન જ થાય, હિંમત ધારણ કરી તે એક નાનકડી બૅગ લઈ નીકળ્યો. હજી
એક સંબંધી મિત્રે તેને હા કે ના જણાવતો પત્ર કે તાર મોકલ્યો ન હતો એટલે તત્કાળ એને ઘેર ગોઠવણ કરી બીજા મકાનમાં ચાલ્યા જવાશે એમ તેને ખાતરી હતી. એ મિત્રનું સરનામું પણ કિશોર જાણતો હતો અને તેનું ઘર પણ તેણે જોયું હતું.
મુંબઈમાં નોકરી કરવી, કેમ રહેવું, કેમ ઘર શેધવું, નોકરીમાં તેમ જ સમાજમાં આગળ કેમ વધવું, ઘરમાં ફર્નિચર કેટલું ક્યારે ક્યારે વસાવવું, હાલમાં જ થયેલાં લગ્નને પરિણામે મળેલી પત્નીને ટૂંકામાં ટૂંકા સમયમાં કેમ લાવવી, એવા એવા અનેક રસિક વિષયોમાં મનને પરોવી આનંદની ઊર્મિએ ઊડતો કિશોર રાત્રિના દીવા થતાં બરોબર મુંબઈ આવી પહોંચ્યો. નવાઈની વાત તો એ હતી કે જે સંબંધી મિત્રે તેને જવાબ આપ્યો ન હતો તે એને લેવા માટે સ્ટેશન ઉપર હાજર હતો. તેણે આ મિત્ર માટે રાખેલી ખાતરી સાચી પડી. એકાદ મિત્ર પણ સારો ન નીવડે એટલી બધી દુનિયા હજી ખરાબ થઈ ગઈ નથી !
આનંદપૂર્વક બનને મિત્રો મળ્યા, ખબરઅંતર પૂછી અને સ્ટેશનની બહાર બને જણે આવી એક 'ટેકસી' ભાડે કરી લીધી. મુંબઈમાં રહેવાની પાત્રતા મેળવવી હોય તો 'ટેકસી'માં બેસવાનો આગ્રહ જરૂર રાખો.
'સારું કર્યું તું સામાન વધારે ન લાવ્યો તે.' મિત્રે કિશોરને કહ્યું.
'ધીમે ધીમે લવાશે. શી ઉતાવળ છે ?' કિશોરે કહ્યું.
'સરસામાનની ઘેલછા આપણા લોકોમાં જેટલી છે એટલી બીજે ક્યાંયે નથી.' મિત્રે કહ્યું.
'પણ આ ટેક્સી આમ કેમ લે છે?' કિશોરે જોયું કે ટેક્સી મિત્રના ઘરની બાજુએ જવાને બદલે સામી બાજુએ વેગપૂર્વક વહી જતી હતી.
'તારે માટે મેં ખાસ સારી સગવડ કરી છે.' મિત્રે કહ્યું.
અને જોતજોતામાં કિશોરને ખબર પણ પડી ગઈ કે એ સારી સગવડ એક ઠીક ઠીક મોંઘા વિશ્રાંતિગૃહમાં કરેલી હતી ! મહામુસીબતે રહેવા માટે મળેલી દોઢ મારડીમાં એકાએક પાંચછ મહેમાન આવી ચઢ્યા હતા એટલે સાતમાં મહેમાન કિશોરનું શરીર તો શું પણ તેનો શ્વાસ સુધ્ધાં મિત્રની ઓરડીમાં પ્રવેશી શકે એવી સ્થિતિ ન હોવાથી કિશોરનું સુખ વિચારી કિશોરને અને મુંબઈને શોભે એવા વિશ્રાંતિગૃહમાં, મહામુશ્કેલીએ, જગા ન હોવા છતાં પોતાની લાગવગ વાપરી કિશોરને રહેવા માટે મિત્રે સ્થાન મેળવ્યું હતું.
મહિને જમવા રહેવાનો ખર્ચ માત્ર દોઢસો રૂપિયા જ હતો !
અને કિશોરનો પગાર પણ માસિક દોઢસો રૂપિયાનો હતો. ઘરભાડું અને મુંબઈનિવાસનું ભથ્થું વધારાનું !
એટલે કિશોરમાં આવડત હોય તો એ રકમ બચાવી શકાય. પરંતુ મુંબઈના ઉચ્ચ જીવનધોરણમાં એથી ચારગણી રકમ મળતી હોય તો ય તે બચાવી શકાય એમ ન હતું. છતાં ઉદાર મિત્રે તેને માટે કરેલી સગવડનો તાત્કાલિક લાભ લીધા વગર તેને ચાલે એમ ન હતું. વિશ્રાંતિગૃહમાં રહેતાં રહેતાં તેણે મુંબઈનાં લંબાણો ટ્રામ, બસ અને અંતે પગથી માપવા માંડ્યાં. દૂર દૂર આવેલી કચેરીમાં કામ કરવા માંડ્યું. જે કામ મુંબઈની અતિ દક્ષ કચેરીઓના મહાનિષ્ણાત પ્રધાનોની ચાંપતી દેખરેખ નીચે છ કલાકને બદલે કદી કદી દસ કલાક જેટલું પણ લંબાઈ શકતું હતું – અને તેમાંથી મળતા સમયમાં તેણે ઘર શોધવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો.
