Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

'ઓ ગિરનાર !'

'ઓ ગિરનાર !'

9 mins
590


જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો. ખબર દીધા, સુલતાન મહમદશાની ફોજ માર માર કદમે આવે છે.

'આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ ઠાર રાખશે. એના ઘોડા નથી હાલી શકવાના.' રા' ઊપરકોટનું સમારકામ કરાવતો હુંકારા કરતો હતો.

થોડા દિવસે ખબર મળ્યા. 'મહારાજ, ખાંટો મહાબીલાની ખોમાં ભાગી ગયા છે. ઝાડી ઉજ્જડ થાતી જાય છે, વનરાઈને આગ લાગતી આવે છે.'

'આવવા દ્યો.' એ ઊપરકોટની રાંગ ઊપર ઊભો ઊભો પાછળની ભમ્મર ઊંડી ખાઇ જોઇ બોલ્યો; 'કોઠારમાં બાર વરસ ચાલે એટલું અનાજ છે. પાંચ હજાર વર્ષનો કાળાંતરો મારો કોટ છે. મને સુલતાન નહિ પહોંચી શકે.'

'મહારાજ ! સુલતાન આવી પહોંચ્યો. કિલ્લો ઘેરી લીધો છે. રાજા કોઈ મદદે આવ્યો નથી. પ્રજામાંથી કાંટીઆ વર્ણો તો નાગબાઇના કોપથી ભી જઈને દૂર બેઠા છે.'

'જરૂર નથી કોઈની. મારો કિલ્લો જ મારું બખ્તર છે.

[ ૨૪૦ ]

'મહારાજ, ચાર જ દિવસ થયા છે, ત્યાં તો કિલ્લો તૂટ્યો નહિ એટલે સુલતાન પાંચ કરોડ સોનામહોરો, ઘોડા, ને સોનાની મૂઠ વાળાં ખંજરો ને તલવારો સિપાહીઓને ઇનામમાં લૂંટાવી રહ્યો છે.'

'લૂંટાવવા દ્યો.'

'સિપાહીઓની સુસ્તી ઊડી ગઈ છે. ફોજની ટુકડીઓ મુલકને ઉજ્જડ કરી ત્રાસ વર્તાવવા મોકલી આપી છે. લૂંટાલૂંટ ચાલી છે.'

'ચાલવા દ્યો. હું શું કરીશ ?'

ઉઘાડા પ્રદેશની વસ્તી પર કેર વર્તતો હતો. રાત વખતે આગમાં સળગતાં ગામડાં દેખાતાં હતાં. પણ રાજા ઊપરકોટમાંથી ઊતરતો નહોતો, જોગીઓ ગિરનાર પરથી ઊતરતા ન હતા. રાજપૂતો છુપાઇ ગયા હતા.

રાજા એ અગ્નિ ઝાળો જોઈ જોઈ હસતો હતો.

રાત હતી. માંડળિકના મહેલમાં કોઈ નહોતું. એકાએક તેણે સાંભળ્યું 'આવા રજા છે ?'

આવનાર કુંતાદે હતી. અબોલા લઈને એ પોતાને મહોલે બેસી ગઈ હતી તેને ઘણાં વર્ષો થઈ ગયાં. અવાજ જાણે ઊંડાં પૃથ્વી-પડમાંથી ઊઠ્યો : 'આવું ને ?'

'શા માટે, આજ ?

'આ ઝાળો જુવો છો ? ગંગાજળિયા ગઢપતિ ! અહીં બેઠે બેઠે બધું શે જોવાય છે ?'

'વીસળ કામદાર ને નાગાજણ ગઢવી માથે મારૂં વેર વળી રહ્યું છે. મારી છાતી ઠરે છે.'

'અરે ભૂલા પડેલા રા', અટાણે ય કમત્ય છોડતી નથી ? ઊપરકોટ તૂટી રહ્યો છે.'

[ ૨૪૧ ]

'હેં ઊપરકોટ તૂટે ? આ દેવતાઇ ગઢ-આ પાંચ હજાર વર્ષ પૂર્વેનો ઉગ્રસેન જાદવનો ગઢ તૂટે ?'

'તૂટે છે મહારાજ ! કાન માંડી જૂઓ, આ તૂટે.'

'કોણ તોડે છે ?'

'જેનો ધણી સોનાં ને રૂપાં વેરી રહ્યો હોય એ ફોજીઓ.'

કડડડ ! દરવાજાનાં લાકડાં બોલતાં હતાં. શિલાઓ પડતી હતી.

'આંહી આવશે ?' રા' બ્હીકમાં બોલ્યો.

'આંહી આવશે ને તમારા દેખતાં મારી લાજ લૂંટશે.'

'અરરર !'

'અટાણે અરરર હોય રાજ ? મારી લાજ લૂંટાય ને તમે નજરે નિહાળો-હસો, ગુલતાન કરો.'

'હેં-હેં-એ !'

'હા, વસ્તીની લાજ લૂંટાય છે ત્યારે તમારું વેર વળતું લાગે છે ને ! તો મારા માથે ય વૈર-'

'ના-ના-ના-'

કડડડ-ધબ્બાંગ-અવાજો આવે છે.

'ના-ના-ના-ત્યારે તો એને જોઈએ તેટલું ધન આપો, એ કહે તે શર્તો સ્વીકારો, મારા વકીલો.'

'હું એમ નથી કહેતી, હું તો રાજ, તમને બખ્તરની કડીઓ ભીડી દેવા આવી છું. આજ રાત મારી પાસે મહાભારત સાંભળો, સવારે હું રણસાજ સજાવીશ.'

'ના રાણી, મારે એ નથી કરવું. વસ્તી રીબાશે. એ જેમ કહે તેમ કબૂલ કરી એને વિદાય દેવાને જ હું કહેણ મોકલીશ.'

'ઓ સોમનાથ !' ઉચ્ચારતી કુંતાદે જોઈ રહી અને રા' પોતાના રાજપુરુષો પાસે પહોંચ્યો.

માંડળિક પાસે ખંડિય્તાપણું કબૂલાવી, ખંડણી નક્કી કરી, ભારી દંડ વસૂલ કરી સુલતાન પાછો ગયો.

* * *

અમદાવદમાં બેઠાં બેઠાં સુલતાનને નાગાજણ ચારણે થોડેક મહિને ખબર દીધા કે 'રા' તો માનતો જ નથી કે એ આપનો ખંડિયો છે.'

'કેમ ?'

'એ તો હજી દેવાલયોમાં પૂજા કરવા જાય છે ત્યારે ભેગાં રાજછત્ર ને છડી લઈ જાય છે, સોનેરી પોશાક પહેરીને જાય છે. કંઠમાં રત્નજડિત ગંઠો પહેરે છે.'

એ બડાઈને ઠેકાણે લાવવા ફરી વાર ફોજ ઊતરી. અને કુંતાદે ફરી વાર રા' પાસે આવી; 'મારા રા', હજુય શું જીવવું મીઠું લાગે છે ?'

'કુંતાદે ! કુંતાદે ! તમે સાચું કહેતાં'તાં હો ?' રા'એ કુંતાદેને કહ્યું. 'તમે મને આ ઠાઠમાઠ રાખવાની ના પાડતાં હતાં, તે હવે હું એ બધું સુલતાનને જ મોકલી આપું છું. ફોજને આંહી આવવા પણું જ ન રહે. ઠીક ને ? ઠાલી લપ શું રાખવી ? છત્રછડી ન હોય તોય શું ને હોય તોયે શું ?'

કુંતાદેનું શિર શરમમાં ઝૂક્યું. છત્ર ને છડી, રાજ લેબાસ અને જરજવાહર સુલતાનની હજૂરમાં અમદાવાદ ચાલ્યાં. અને સુલતાને એ

મંદિલ, એ છત્ર, એ છડી, એ દ્રવ્ય, એ જવાહિર, એ સોરઠ રાજની ભેટો પોતાની ખિદમત કરતા ગવૈયાઓને એનાયત કરી.

'બળ્યાં છત્ર ને છડી : બળ્યાં જર ને જવાહિર : સુખે રહો. ચમન કરો. ભલે ને સુલતાન સોરઠમાં મસ્જિદો બાંધતો, ભલે ને એના દરવેશો થાણાં નાખતા, ભલે ને એમની વટાળ-પ્રવૃત્તિ ચાલતી : આપણે આપણું કરો : આપણે આપણાં ધર્મકાર્ય સાચવો : આપણું રોજેરોજનું ગંગાજળ-સ્નાન ન ગુમાવો ! નિરાંત કરીને રહો. બાકી બધું જ આળપંપાળ છે, સ્વપ્ન છે, સનેપાત છે'. રા'ની એ વિચારધારા વહ્યા કરતી. ગંગાજળિયો ગઢપતિ અફીણ, દારૂ, નાટારંભ અને ગંગાજળનું પ્રાત:સ્નાન ચૂકતો નહોતો.

એવું ય એકાદ વર્ષ વીત્યું.

* * *

એક દિવસ પાછો અમદાવાદનો કાગળ ઊતર્યો. સુલતાન ફરી પાછા ફોજ હંકારીને ગિરનાર પર ત્રાટકે છે.

'અરે રામ !' રા' ઉચ્ચારી ઊઠ્યા : 'પણ મારો ગુન્હો શો છે હવે ? હું તો સુલતાનનો ચાકર થઈને ડાહ્યો ડમરો બેઠો છું. હું તો હવે છત્ર છડી તો નથી રાખતો, પણ અમસ્થોય દેવદર્શને નીકળતો નથી. કુંતા, હું જઈને સુલતાનને સામો મળું. નીકર નાહકની એ આપણી વસ્તીને પીંખશે.'

'ન જાઓ રાજ ! હવે તો હાંઉ કરો. હવે કોણ જાણે શી યે થવાની બાકી હશે !' કુંતાએ રાજપોશાક ઉતારી નાખીને કાળાં શોક-વસ્ત્રો ધારણ કરી લીધાં હતાં.

'ના કુંતા, સામો જ પહોંચું.'

'આ સાથે લઈ જશો રા' ?' એક વીંટી બતાવીને કુંતાએ કહ્યું.

'શું છે ?' રા' એ વીંટીના માણેકમાં અંગાર સળગતો જોતા હતા.

'મારા રા', જીવતરની છેલ્લી અધોગતિમાંથી બચાવી લેનાર એ હીરાકણી છે. ચૂસો એટલી જ વાર.'

'ના, ના, એની જરૂર નહિ પડે. હા, હા પણ એની જરૂર તમારે કદાચ...'

'મારી સગવડ કર્યા વગર તમને આપું કાંઈ ?'

'એમ ! ઠીક લાવો ત્યારે, લઈ જાઉં.'

ચૂસવાની સાથે જ જેનું ઝેર રગે રગે ચડે એવી એ હીરાકણીવાળી વીંટી રા'એ હાથમાં પહેરી.

'મારા રા' !' કુંતાદે માંડળિકને ચરણે ઢળીને બોલી : 'જીવતરનું પ્રભાત થયું ત્યારે તમે કહેતા'તા ને, કે મારા કાકા ગોહિલ હમીરજીના જેવું માનભર્યું મોત મળે તો સંસાર જીતી જવાય !'

'કુંતા ! એ દિવસોને યાદ ન કરો.' રા'નું હૈયું નબળું પડતું હતું.

'ના, હું એમ કહું છું કે ખરાખરીનું ટાણું આવે તો એ રાત-તમે સતાર બજાવીને મને મારા કાકાની વાત કહેલી તે રાત-સોહાગની ને સુખની, નિર્મળી, નમણી, નેહભીની એ રાત યાદ તો કરજો.'

'હો કુંતા !' કહેતો રા' ભાગ્યો. સુલતાનને એ સોરઠના સીમાડા ઉપર મળ્યો. એણે હાથ જોડીને કહ્યું :

'પણ મારો શો ગુન્હો થયો છે ? સુલતાન મારી તરફ હવે કઈ બેઅદબી થઈ છે કે મારું ખેદાનમેદાન કરવા આવ્યા છો ?'

'તારો દોષ ! તારો ગુન્હો ! તારી બેઅદબી !' હસી હસીને મેવાના ફાકડા ભરતા છવ્વીસ વર્ષના સુલતાને પોતાની લાંબી મુછોની અણીઓને વળ ચડાવતાં કહ્યું : 'તું હિંદુ છો એ જ મહાન ગુન્હો છે. એ કરતાં કયો મોટો ગુન્હો છે ? તારી મૂર્તિપૂજા એ કાંઈ જેવી તેવી બેઅદબી છે ? તું સુખ ચાહે છે માંડળિક ?'

'બસ-બસ-હું સુખ જ ચાહું છું સુલતાન.'

'તો ચલો મારી સાથ અમદાવાદ, પાક ઇસ્લામ ધર્મની દીક્ષા સ્વીકારો...'

સાંભળતાં જ રા'ને જાણે વીંછી ડસ્યો. એની દૃષ્ટિ કુંતાદેએ દીધેલ હીરાકણીની વીંટી પર પડી. સુલતાનનો ગુપ્ત મનસૂબો આટલી હદે ચાલતો હશે એની રા'ને ઊંડામાં ઊંડી પણ શંકા નહોતી આવી.

'ભલે નામવર ! વિચાર કરી જોઉં. કાલે પ્રભાતે ખબર દઈશ.'

રાતોરાત એ નાઠો. મોત કરતાં ય વધુ વિકરાળ કોઈ મારણ તત્ત્વ એની પાછળ પડ્યું હતું. એ મારતે ઘોડે ઊપરકોટ પહોંચ્યો.

એણે કુંતાદેને કહ્યું 'ચાલો જલદી, ચાલો ઊંચા ગિરનારના ગઢમાં. મને સુલતાન વટલાવવા આવે છે. મને સ્વપ્નેય ધારણા નહોતી.'

ઊપરકોટથી ન્હાસી ગિરનારના માથેના ઊપરકોટમાં રા' ને રાણી પેસી ગયાં. અને 'અમારા રા'ને મુસલમાન કરે છે' એટલી વાત જાણીને વસ્તી જાગી ગઈ. રા'ના બધા જ અપરાધ વસ્તીએ વિસારી દીધા, તલવારો ઝાલી, મરણીયાપણાનો તોર ધર્યો અને દામાકુંડથી તળેટી સુધી, તળેટીથી છેક ગઢગિરનાર (ઉપરનો કોટ) સુધી પરબે પરબે હિંદુ સૈન્યની કતારો લાગી પડી. બે જ દિવસમાં તો ગીર, નાઘેર અને બીજાં પરગણાં સળવળ્યાં. સૈન્યનાં કીડીઆરાં ઊભરાયાં. પહાડોનાં ટૂંકમાંથી તાપ પડ્યે ઝરણાં ફુટે તેમ સુલતાનના બદઈરાદાનો તાપ પડતાં પહાડે પહાડ પરથી લોક ઊભરાણાં. ભરતવન, શેષાવન, બોરદેવી ને બીજા ગાળેગાળા સજીવન બન્યા.

સુલતાનનું બેશુમાર કટક ઊતરી પડ્યું. બે દિવસની ઝપ્પાઝપ્પીમાં અમદાવાદી ફોજ પરબો પછી પરબો વટાવી ઉપર ચડવા લાગી.

રા' ને કુંતાદે બેઉ ઉપર બેઠાં બેઠાં જુદ્ધ જોતાં હતાં. કતલ દેખાતી હતી. ઘોર કતલ ચાલતી હતી. રા'નું કટક કામ આવી રહ્યું હતું. પણ ગિરનારના કોટ ઉપર પહોંચતાં સુલતાની કટકો ઉપર એક જુદી જ દિશામાંથી કોણ જાણે કોનાં તીરના મેહુલા વરસતા હતા. તીરંદાજો દેખાતા નહોતા. તીરધારીઓએ રંગ રાખ્યો હતો. ત્રણ દિવસ સુધી રા'ને ઉગાર્યો હતો. ચોથા દિવસે તીરના હલ્લા ક્ષીણ બન્યા. પણ તીરંદાજો ઉપર ને ઉપર મોરચા બાંધ્યે આવતા હતા. જેટલા કતલ થતા તેટલા ગબડીને નીચેની કંદરાઓમાં જતા હતા, બાકી રહેનારાઓ ઉપર ને ઉપર, પહાડની શિલાઓ પર ઠેકતાં, વાંદરાં જેમ ચડતા, સ્થિર પગે મોરચા બદલતા, વંકામાં વંકી પગદંડીઓ પરથી તીર ચલાવતા હતા.

એક પછી એક પડતા ગયા. બાકી રહ્યો એક. એ છેક ગઢની નીચે સુધી આવી ગયો હતો. એને કુંતાએ નિહાળીને જોયો. એના શિર પર મોર-પિચ્છનો ઝુંડ હતો. એના કાનની કડીઓ લળકી ઊઠી. એની ભૂજાઓમાંથી રુધિરનાં સરણાં વહેતાં હતાં. એની છાતી પર એક માદળીયું ઝૂલતું હતું.

'એ મારો ભાઈ ! એટલા જ કુંતા-મુખના ઉદ્‌ગાર : એ સાથે જ તીરંદાજનું પછવાડે ગરદન ફેરવી ઊંચે જોવું : ને એજ ક્ષણે શત્રુની એક બંદૂકની ગોળીએ ને આંટ્યો, વીંધ્યો, પછાડ્યો, ઊંડી ખોપમાં ગબડાવી મૂક્યો, ને કુંતાદે‌એ ચીસ પાડી : 'મારા રા', તમારા ધરમ સાટે મારો ભાઈ મૂવો; રાજ, હવે ધરમ સંભાળો. કિલ્લાનાં દ્વાર તૂટે છે.'

'હેં-હેં-શું કરું ? શું કરું કુંતા !'

'ધરમ સંભાળો. મોત ઊજાળો. જીવતર સંકેલો. જો હું પણ ભેળી છું.' કુંતાએ પોતાની પાસેની હીરાકણી બતાવી.

'હેં-હેં-હેં-' રા' પોતાની વીંટી પર ફાટી નજરે નિહળી રહ્યા.

'કુંતા, પેલી તું ચૂસ, તો મને હિમ્મત રહે.'

'લ્યો મારા વ્હાલા !' કહીને કુંતાદે હીરાકણી ચૂસી ગયાં. એના ડોળા ઘૂમવા લાગ્યા. એનું મોં લાલ લાલ બની આવ્યું. ને એની જીભ ઝલાણી.

કડડડડ !-દરવાજા તૂટવાના અવાજ.

તરફડતી કુંતાદે હાથની ઈશારતે રા'ને હિંમત આપે છે. રા' કડાકા સાંભળી ગાભરો બને છે, વીંટીના હીરા સામે જોવે છે, જીવ હાલતો નથી, ને 'હેં-હેં-હેં-' કરે છે.

કુંતાદે ઢળી પડી. કે તૂર્ત રા' દોડ્યો, કિલ્લાના બુરજ પરથી સફેદ વાવટો ફરકાવવા લાગ્યો. સંહાર અટક્યો. રા' બહાર આવ્યો, નીચે ઊતર્યો, સુલતાનની સાથે કેદી બની ચાલ્યો.

સોએક સૈનિકો વચ્ચે વીંટળાઈને એનો ઘોડો ચાલ્યો જાય છે, કટક જમિયલશાના ડુંગરની તળેટી પાસે નીકળે છે. બુઢ્ઢા સાંઇ જમિયલ ઊભા છે. એકાએક એના હાથમાં એક ખંજર ચમકી ઊઠે છે. ખંજર ઊઠાવીને એ વૃદ્ધ સાંઈ પોતાના ડાબા ખભા પરથી માંડે છે. ચરડડડ-એ ખંજર ચામડી ચીરતું જમણી કમ્મર સુધી ઊતરી આવે છે. ને જમિયલ સાંઈ પોતાના ચીરેલા પેટમાંથી આંતરડાં કાઢીને ખભે જનોઈની જેમ પહેરી લ્યે છે. પહેરીને એ બોલે છે:-

'ઓ રા' ! ઓ સુલતાન ! દેખ આ જનોઈ ! ઓ હિંદુ ! ઓ મુસલ્માં ! ક્યાં છે ફરક ? કોણે બતાવ્યો ફરક ?'

એટલું બોલીને સાંઈનો દેહ ઝુકી પડ્યો.

* * *

તે પછી થોડા વર્ષો સુધી અમદાવાદના રસૂલાબાદ પરાંમાં, સંત શાહઆલમની જગ્યામાં, ભરપૂર મેદણી અને દરવેશોના સમૂહની વચ્ચે એક મુસ્લિમ બેસતો, એનું નામ ખાનજહાં હતું. સમુદાય વચ્ચે એ ડાહી ડાહી ઇસ્લામ ધર્મ વિષેની વાતો કરતો, એની બાંગ-પુકારમાં સંગીતભરી ભવ્યતા હતી, ઇસ્લામની તત્ત્વલોચનામાં એને એ સંત-સ્થાનમાં કોઈ ન આંટી શકતું.

--પણ કોઈ કોઈ વાર એ એકલો પડતો, વિચારે ચડતો, નૈઋત્ય ખૂણામાં મીટ માંડતો, ને પછી એ છાતીફાટ રડતો, પોકે પોક મૂકીને બોલતો--

'ઓ ગિરનાર ! ઓ ગંગાસ્નાન ! ઓ સોમનાથ ! ઓ મારી દેવડી !

'હેઠ નબળા દિલના વટલેલ !' કહી એને સુલતાન ટોંણાં મારતો ઈસ્લામ સંબંધી એની ડાહી વાતો મશ્કરીને પાત્ર થતી. આખરે એક દિવસ એ મુવો, ત્યારે એની લાશ પર સુલતાને ભવ્ય કબર ચણી. એ કબર આજે પણ છે. એ છે રા' માંડળિકની કબર.


Rate this content
Log in

Similar gujarati story from Classics