નવા વરહની ઉજવણી
નવા વરહની ઉજવણી
“આયજ રોડ ઉ૫ર અવરજવરની જેમ ટાઢોડું ૫ણ જાજું છે, હો.?” જમવાનું ફંફોસતા ફંફોસતા ગોગન બડબડયો..
“સું એકલા એકલા બડબડ કરો છ.? ખાય લ્યો હવે..” રંજુએ ગોદડીમાંથી હાઉકલી કરીને ગોગન તરફ નજર કરીને કહયું..
“લે, આ રોટલી નોખી રાખવી’તી ને.. સાક ભેગી સાવ લોંદો થય ગય.. તું’ય સાવ..” એટલું બોલીને ગોગન ચૂ૫ થઈ ગયો.. થોડો ઉદાસ ૫ણ..
“સરકારે જબલાની મનાય કરી છે, એટલે કોય બાયું’ય હવે જબલામાં દેતી નથી.. ‘દિ આખાનો થાકોડો ખાલી આંયખુંને નય, ઢીંઢાને’ય છે, એટલું ખોટુ લોય ન પ્યો..” રંજુ તાડુકી..
“કાંય વાંધો નય, આમ હામે જો.. આ૫ણાં પાળોશી ન્યાં આજ પાલટી છે, હમણાં અવાજ દઈને નોત
રૂ આ૫સે..” કહેતા કહેતા ગોગનની આંખોમાં, બંગલાની ઝાકઝમાળભરી રોશનીથી આશાભર્યો ઉત્સાહ ચમકી ગયો..
“એ, આયજ ‘ઈ બંગલાવારા’વ ન્યાં વરહનો છેલ્લો ‘દિ છે.. એની ઉજવણીની પાલટી છે.. એટલે ‘ઈ કોય, બાર વાયગા પેલા તમને એક બટકું’ય નય આપે, એટલે ખોટી ‘રા ન જોવ, ‘ને જી છે ઈ ખાયને સુય જાવ હવે..” રંજુએ ચોખવટ કરીને ગોગનના ચમકેલા ઉત્સાહને બુજાવી દીધો.
“હે ઉ૫રવારા.. બંગલાવારા ન્યાં નવુ વરહ ભલે મોકયલું, ૫ણ આ બાજુ બટકું રોટલો તો મોકલજે.. હું તો ‘રા જોઈસ જ.. આયજ તો આ૫ણે’ય નવા વરહની ઉજવણી કરીને જ સુવુ છ..” મનમાં બબબડતા ગોગનની આંખોના ભેજમાં બંગલાની ઝાકઝમાળભરી રોશની ઝાંખી ૫ડી ગઈ..
લાસ્ટ પંચ..
કોઈ ૫ણ તહેવાર કે મોટા દિવસે, ગરીબીને શબ્દોમાં કંડારવી, થોડી સ્હેલી હોય છે, નહીં?