Shriram Sejpal

Drama

5.0  

Shriram Sejpal

Drama

દાદાનું ઘર

દાદાનું ઘર

3 mins
453''ઓહ, આજ તો લાસ્ટ સન્ડે છે. પપ્પાને મળવા જવું પડશે. સોહમ, તમે આ રવિવારને બદલે બીજો કોઈ દિવસ ન રાખી શકો પપ્પાને મળવા જવાનો? અને આ વખતે ન જઈએ તો શું ફર્ક પડી જવાનો? આઈ એમ ટાયર્ડ અ લોટ. '' રવિવારની સવારે ચા બનાવતા બનાવતા, રાગિણીએ સોહમને છણકો કરતા કહ્યું.

 

''લુક રાગિણી, ઘણી ચર્ચાઓ પછી આપણે દર મહીનાના છેલ્લા રવિવારે પપ્પાને મળવા જવાનું પ્લાન કર્યું છે. એટલે આજે જવાનું તો છે જ. અને પ્લીઝ, હવે પાછુ એમ ના કહેજે કે 'હું નહીં આવું તો ના ચાલે.?' મહીનામાં અડધો દિવસ તો આપણે કાઢી જ શકીએ પપ્પા માટે અને આમેય નક્ષ પણ એના દાદા સાથે. '' 

''ઓકે ઓકે પ્લીઝ. હવે સવાર સવારમાં લેકચર ન આપો'' સોહમના એકધારા જવાબને વચ્ચેથી કાપીને રાગિણી બોલતી બોલતી તૈયાર થવા ચાલી ગઈ. સોહમ પણ ચૂપચાપ તૈયાર થવા લાગ્યો.


''ડેડી, દાદાનું ઘર હજુ કેટલુ દૂર છે? કાર જલદી ચલાવો ને. '' નક્ષએ ડ્રાઇવિંગ કરતા સોહમને પૂછયું.

''બસ દિકરા. હવે થોડી વારમાં જ આવી જશે. ''

''અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રપ-૩૦ કિ.મી.નું અંતર માંડ હશે, પણ ગ્લોબલ ડેવલપીંગના કારણે બે શહેર વચ્ચેનો આ હાઈ-વે, બે પોળ વચ્ચેની શેરી જેવો થઈ ગયો છે, નહીં.?'' ઘોંઘાટસજ્જ ભીડભર્યા હાઈ વે પર મધ્યમ ગતીએ સરતી એ.સી.કારમાં અંદરની શાંતીને ભંગ કરતા સોહમ બોલ્યો.  

''ઓ યેસ્સસ. યુ નો, ખબર જ નથી પડતી કે અમદાવાદ ક્યાં પુરૂ થાય છે અને ગાંધીનગર ક્યાંથી શરૂ થાય છે. એન્ડ ધીસ ટ્રાફીક.? ઉફફફફ. . આટલા બધા વેહીકલ્સ.? એન્ડ ધીસ સિલી પીપલ. કયાં જતા હોય છે.? ઘરમાં કેમ બેસી નહીં રહેતા હોય.?'' રાગિણીએ પુન: છણકાથી પ્રત્યુતર આપ્યો.

''મમ્મા, આ બધા પીપલ પણ એના ચિલ્ડ્રનને એમના દાદાના ઘરે લઈ જતા હશે. '' નક્ષના માસુમ જવાબથી કારમાં ફરી પાછો સન્નાટો છવાઈ ગયો.ગાંધીનગરમાં એક પછી એક સેક્ટર પસાર કરતા 'દાદાનું ઘર' પાસે સોહમની કાર ઉભી રહી. ડુપ્લેક્ષ ટાઈપના લાઈનબંધ કવાર્ટર. કવાર્ટરની આગળ છેક સુધી લાંબો બગીચો. બગીચામાં અનેક વૃક્ષની સાથોસાથ ઘણા બધા બાંકડા પણ રોપાયેલા હતા. આઠ-દસ હિંચકા પણ ખરા. થોડી છુટી છવાઈ પ્લાસ્ટીક ચેર પથરાયેલી હતી. કવાર્ટર લાઈનની વચ્ચે એક લાઈબ્રેરી રૂમ, નાનો ધ્યાન કક્ષ અને ઘણા ભગવાન હાજરા-હજૂર હોય એવું એક મંદિર પણ.

તમામ સગવડતાઓ સચવાય એવી લગભગ જણસ હાજર. સમય પસાર કરવા માટેના અનેક બહાના પણ ઉપલબ્ધ.

નામ પણ કેવુ મજાનું: 'દાદાનું ઘર. '

એક આદર્શ વૃધ્ધાશ્રમમાં આનાથી વિશેષ સુવિધા હોય પણ શું.?


''ગ્રાન્ડ પાઆઆઆઆ. '' બોલીને દોડતો દોડતો નક્ષ, ગાર્ડનમાં હિંચકતા મનહરભાઈને વળગી પડયો.

''એય નક્ષ. મારો દિકરો. આવી ગયો દાદા પાસે. '' કહેતા મનહરભાઈ નક્ષ ઉપર ચુમ્મીઓ વરસાવવા લાગ્યા. એક મહીના સુધી બાંધમાં કેદ કરેલા પાણી જેવી લાગણીઓ, બાંધના દરવાજા ખુલતા'વેત ધસી પડે, એમ મનહરભાઈનો પ્રેમ નક્ષને ભિંજવી રહયો હતો. નક્ષ પણ એક ગાલ પછી બીજો ગાલ ધરીને પોતાના માટે વધુ 'ને વધુ પ્રેમ જમા કરતો રહ્યો. સોહમ અને રાગિણી આ બધુ જોતા હતા.

 મનહરભાઈ ખુશ હતા. નક્ષ ખુશ હતો. સોહમ પણ ખુશ હતો. અને એટલે જ આ બધાને જોઈને રાગિણી પણ ખુશ દેખાતી હતી.

બધા સાથે બેઠા. ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. સમય ઝડપથી પસાર થતો હતો. સોહમની કાર અને ઢળતો સૂરજ - બંને હવે જવાની તૈયારીમાં હતા.

મનહરભાઈ અને તેમની લાગણીઓના વ્હેણ - બંનેને ફરી પાછા આધુનીક અને સુવિધા સંપન્ન બાંધમાં કેદ થવાનો સમય આવી ગયો હતો. અને એટલે જ અંધારાની સાથોસાથ મનહરભાઈનો અવાજ પણ ઘેરો થતો જતો હતો. તેમની આંખોમાં ભેજ હતો. સોહમ અને રાગિણી આ વાતથી અજાણ નહોતા. આખરે આ બધુ નવીન તો નહોતું જ.


''આજે હાઈ વે પર જ જમી લઈએ? આમ પણ ઘણું મોડું થઈ ગયુ છે. '' અમદાવાદ પરત આવતી વખતે સોહમે પુછ્યું.

''ઓહ વાઉ, થેંકસ હની. લેટ્સ ગો ટુ ધેટ ન્યુ રિસોર્ટ, જયાં કિડ્સ માટે રાઈડ્સ પણ છે. નક્ષ, યુ વીલ લવ ધેટ પ્લેસ. '' રાગિણી આ વખતે ટહુકી.

 

પાછળ બેઠેલા ઉદાસ નક્ષ તરફથી કંઈ જવાબ ન આવ્યો. એટલે તેણીએ સોહમને નક્ષ તરફ ઈશારો કર્યો.

''શું થયું નક્ષ? મારો દિકરો શું ઉંડા વિચારમાં ઉતરી ગયો.?'' સોહમએ સેન્ટર મિરરમાં નક્ષ તરફ નજર કરતા મજાકમાં પૂછયું.

''ડેડી, મેં ડીસાઈડ કર્યું છે કે, હું તમારા માટે એવુ જ 'દાદાનું ઘર' ફાઈન્ડ કરીશ, જે મારા ઘરથી બિલકુલ નજીક હોય. જેથી હું અને મારો સન, મન્થના લાસ્ટ સન્ડે જ નહીં, પણ એવરી સન્ડે તમને મળવા આવી શકીએ. ''Rate this content
Log in

Similar gujarati story from Drama