નુસ્ખો
નુસ્ખો
“હે, મારા પરભુ, ઓલી મારકીટમાં બોમ્બ ફૂયટો એના કરતાં હું બકાલું વેંસવા બેસુ’સું ન્યાં ફૂયટો હોત તો.....”
“ઓય હંતુડી, હું બોલે’સે એનું કાંઈ ભોન-બોન સે કે નંઈ...?”
“અલી, તે હાંભળ્યું નથ કે હું? કે, બોમ્બ ફૂયટો એમાં જે મૂઆ એના ઘરનાને પચ્ચા હઝાર દેવાણાં... પચ્ચા..... ને પાસું ઘરનાને લીલા’લેર થાય એવો નુસ્ખો સે મારી બુન...”
“લે, તો હું આવો નુસ્ખો અઝમાવાનો ને રૂપિયા કમાવા હારૂ મરવાનું એમ...?”
“તે આમ પણ આપણે ક્યાં ઝીવતા સીએ મારી બુન...? ધણી મુઓ માંદલો શે ને પોંચ-પોંચ શોરાઉં. હમધાયને ખાવાના એ વાંધા સે. ઝો એ પચ્ચા હઝાર મારા ઘરનાને ઝડ્યા હોત તો...?”
“અલી ન્યાં ઝો’તો... ઈ મુણસ...”
...શહેરમાં હજુપણ ઘણે ઠેકાણે બોંબ વિસ્ફોટ થવાનો ભય હોવાને કારણે કોઈ સંદિગ્ધ વસ્તુ કે વ્યકિત દેખાય તો નજીકના પોલીસ-સ્ટેશનમાં તુરંત જાણ કરવી. જાણ કરનારને રૂ. પાંચહજારનું ઈનામ આપવામાં આવશે...
...ટીન... ટીન... ટીન...
જાહેરાતના સૂરો વહાવતી રિક્ષા પસાર થઈ તે સાથે સંતુના ઠેલા પરથી આઠ-દસ ટમેટાંનો અને ભચીના ઠેલા પરથી બે ખાન ડઝન કેળાનો સોથ વાળતી ગઈ. પણ એ બંનેનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું. એક વ્યકિત છેલ્લા આઠેક દિવસથી દરરોજ આમથી તેમ ખાલી હાથે આંટા માર્યા કરતો હતો. પણ... આજે એના હાથમાં એક નાનકડી બેગ પણ હતી. બેગને સુપર માર્કેટના પ્રવેશદ્રારની બાજુમાં આવેલા ખાંચામાં ભરાવીને ત્યાંથી ઝડપભેર એ સરકી રહ્યો હતો.
“ઓ.... તારી... ની...” અસમંજસમાં ડૂબેલી સંતુ અને ભચીના મગજમાં એકી સાથે ઝબકારો થયો. બંનેની આંખોમાં અજબની ચમક આવી ગઈ.
“અલી... મુને નુસ્ખો ઝડી ગ્યો...”
“મુને... પણ...”
બંને પોતપોતાના ઠેલેથી ઊઠીને ચાલવા લાગી. અલબત્ત વિરુધ્ધ દિશામાં...

