STORYMIRROR

Asha Shah

Inspirational

4  

Asha Shah

Inspirational

મોર્નિંગવૉક

મોર્નિંગવૉક

5 mins
28.2K


“ઓહ ! રાગિણીબેન તમે ?” બાજુની ગલીમાં રહેતી ચાંપલી કમળાએ ટીખળ કરતાં કહ્યું, “વેઈટલોસ કરીને પતિદેવ ઉપર ઇમ્પ્રેશન પાડવા માટે વૉકિંગ ચાલુ કર્યુ લાગે છે નહીં...?”  

“હાં ભઈ, જેને જે સમજવું હોય તે સમજે...” બોલતાં બોલતાં રાગિણીબેને પોતાના રૂટ ઉપર ચાલવાનું શરૂ કર્યુ.

રાગિણીબેનનો મોર્નિંગવૉક તો જાણે આજુબાજુવાળાઓ માટે જોણું બની ગયું હતું. દરરોજ કોઈને કોઈ ટીખળ કરતું પણ એમણે મક્કમતાથી વૉકિંગ ચાલુ રાખી.

દરરોજ એજ રસ્તો, એજ વૃક્ષો, એજ શાળા અને એ શાળાની એક બારીમાંથી ઊંચો થતો એક હાથ.

આ તો રોજનો ઘટનાક્રમ બની ગયો હતો રાગિણીબેન માટે. લાલ રીબીન નાખીને ઉપર સુધી વાળેલા બે ચોટલાં, ઝીણી બિંદી, અળવું નાક, હાથમાં પ્લાસ્ટિકની બંગડી અને આગળથી તૂટેલા બે દાંત સાથે “માસી..ટાટા..બાય..બાય...” બોલીને હાસ્ય વેરાવતી એ આઠ-દસ વર્ષની બાળકી જાણે રાગિણીબેનના ‘આખો દિવસ સારો જશે’ની એંધાણી બની ગઈ હતી.

“જરૂર મારી આ બાળકી સાથેની આગલા જનમની કોઈ લેણા-દેણી હશે, બાકી જેનું નામ પણ નથી ખબર એની સાથે આવી લાગણી...!” રાગિણીબેન એ બાળકીને જોઈને લગભગ દરરોજ મનોમન બબડતાં.

દોઢેક મહિનાના મોર્નિંગવૉક દરમ્યાન જાહેર રજાના દિવસને બાદ કરતાં એમનો દરરોજનો આ ઘટનાક્રમ થઈ ગયો હતો. અને જે દિવસે એ બાળકી ન દેખાય તે આખો દિવસ એમનો ઊચાટમાં જતો.

સંતાનમાં એમને એકમાત્ર દીકરી હતી. એ પણ વલ્લભવિદ્યાનગર ખાતે ઉચ્ચ અભ્યાસાર્થે રહેતી. પતિદેવની માર્કેટયાર્ડમાં મસમોટી દુકાન હતી. તેઓ સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી જતાં એટલે રાગિણીબેન ઘરમાં એક્લાં રહેવાને બદલે સામાજીક પ્રવૃતિમાં પોતાની જાતને વ્યસ્ત રાખતાં. આખો દિવસ પ્રવૃતિમાં વિતાવ્યા બાદ મોડી સાંજે બંને જણાં હમીરસરની પાળે બેસીને દિવસભરનો ઘટનાક્રમ વાગોળતાં.

એવીજ એક મોડી સાંજે પતિદેવે ચિંતાતુર સ્વરે રાગિણીબેનને પૂછ્યું, “શું વાત છે રાગિણી ? છેલ્લા આઠેક દિવસથી જોઉં છું કે તારો ચહેરો વધારે પડતો ઉદાસ દેખાય છે અને સાંજે પણ મારી સાથે હોવા છતાં પણ તું પોતાની જાત સાથે જ કશીક ગડમથલ કરતી હોય એવું જ લાગ્યા કરે છે. તારી તબિયત બરાબર નથી કે શું ? 

“ના... ના એવું તો કંઈ નથી. મારી તબિયતતો વૉકિંગના કારણે એકદમ બરોબર થઈ ગઈ પણ... મેં તમને ઓલી ટાટા - બાય...વાળી બાળકીની વાત નહો’તી કરી....”

“હં...હા..હા પણ એનું શું...?”

“તમને તો ખબર જ છેને કે, એનો મંદમંદ મુસ્કુરાતો ચહેરો એકાદ દિવસ પણ ન જોવાથી હું કેટલી બેચેન થઈ જાઉંછું, એ ચહેરો મને છેલ્લા આઠ દિવસથી દેખાયો નથી એટલે...”

“ભલામાણસ, તું તો ગજબ કરે છે. હું તો ડરી ગયો’તો કે, તારી તબિયતને કંઈક... ખેર, હવે એમાં આટલી બધી ચિંતા શું કરવાની હોય..?? એ છોકરી બિમાર હશે કે પછી બહારગામ ગઈ હશે, આવી જશે...”

પતિની કહેલી વાતથી પોતાનું મન મનાવી તો લીધું પણ મહિના જેટલો સમય વીતવા છતાં જ્યારે એ બાળકી ન જ દેખાઈ ત્યારે રાગિણીબેને એકદિવસ મોર્નિંગવૉકથી પાછા વળતાં શાળામાં જઈને તપાસ કરી, ત્યારે એમને ખબર પડી કે, એ બાળકીનું નામ પંછી છે, ધો.૪માં અભ્યાસ કરેછે અને પોતાના માતા-પિતા સાથે શિવનગર વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહેછે. અને કોઈપણ કારણ આપ્યા વગર છેલ્લા મહિના દિવસથી શાળામાં ગેરહાજર છે.

હવે એમની કુતુહલતા વધી રહી હતી. પોતાના અંગત કામોથી પરવારીને પંછીનું સરનામું શોધતાં-શોધતાં તેઓ એના ઘર સુધી પહોંચી ગયા.

અંદરનું દ્રશ્ય જોતાં એમનું હ્રદય દ્રવી ઉઠ્યું. પોતાના ઘરનાં બાથરૂમ કરતાં પણ નાનકડા ઓરડામાં એક્બાજુ પંદર-વીસ વાસણોનો ઢગલો અને બળેલા લાકડાની રાખ પડી હતી. ખખડેલા દરવાજાની સામેની બાજુએ એકબાજુથી તૂટેલા પાયાવાળા ખાટલા પર પાંત્રીસેક વર્ષનો પુરૂષ નશાની હાલતમાં બબડાટ કરતો પડ્યો હતો અને તેની સામે ત્રીસેક વર્ષની કૃષકાયા, ફિક્કો ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો અને ફાટેલી સાડી પહેરેલી મહિલા કચરામાંથી અનાજ વીણી રહી હતી.

“આ પંછી...પંછી..નું જ ઘર કે, નહીં ?”

“હેં...હા..હા.. પણ તમે કોણ શો બુન...?”

“પંછી ઘરે નથી ? ક્યાં ગઈ છે ? પંછી સ્કૂલે કેમ નથી...”

“ઓ...તારી..ની... તો તમે એની ઈસકૂલના બુન શો. નમસ્તે બુન, હું ભચી પંશીની માડી.. પંશી ઓલા લાલબંગલાવાળા બુનના ઘરે કચરા-પોતા કરવા ગઈ શે.”

રાગિણીબેન તો સડક થઈ ગયા. “જો બેન, આમ છોકરીનું ભણતર બગાડીને એને આટલી નાની ઉંમરમાં કામે લગાડીદે એ વસ્તુ ઉચિત્ત ન કે’વાય.”

“બુન, તમારી હમધીયે વાત હાચી પણ શેલ્લા દોઢેક મહિનાથી મારી તેબિયતના કોઈ ઠેકાણા નથ ને એનો બાપ આમને આમ હમધાયે ટેમ પીને પડ્યો રે’શે. અમારે તો બુન રોઝનું કમાઈએ ને રોઝનું ખાઈએ એવુંશે.. પંશી બે પૈશા કમાઈને લાવશે...તા’રે...”

“તારી બધી વાત સાચી પણ, મારી બેન એ તો વિચાર કે, આજના જમાનામાં ભણતરનું કેટલું બધું મહત્વ છે. એ કબૂલ કે, અત્યારે પણ તારી પંછી પારકાં કામ કરીને બે પૈસા કમાઈ લાવે છે પણ તારી પંછી જો ભણી-ગણીને આગળ વધશે તો એને સારામાં નોકરી અને સારામાં સારો પગાર મળી શકશે અને તમે સન્માનભેર તમારું આગળનું જીવન જીવી શક્શો.” આ સાભંળીને ભચીની આંખમાં ચમક આવી ગઈ પણ બીજી જમિનિટે એના ચહેરા પર ઉદાસીની લાલિમા છવાઈ ગઈ.

એનો ઉદાસ ચહેરો જોઈને રાગિણીબેન એના ખભ્ભે હાથ રાખતાં બોલ્યા, “જો બેન, હું ઘણી સામાજિક-સંસ્થાઓ સાથે જોડાયેલી છું. તું મારો ભરોસો રાખ હું બધીજ વ્યવસ્થા કરાવી દઈશ. તને સિવણ શીખવાડીને સામાજિક સંસ્થા દ્વારા સિલાઈમશીન અપાવી દઈશ. તું સન્માનભેર તારું ગુજરાન ચલાવી શકીશ અને રહી વાત તારા ધણીની, તો એને નશા વિરોધી કેંદ્રમાં દાખલ કરાવડાવીને એની દવા કરાવી આપીશ અને એ જ્યારે સંપૂર્ણપણે સાજો થઈ જાય ત્યારે મારા પતિની ઓળખાણથી એને નોકરી અપાવી દેવાની જવાબદારી પણ મારી. બોલ તો, હવે કાલથી પંછીને શાળાએ જતી કરીશ કે પછી એ જ ઠીબરાં....”

“ના..ના..બુન તમારી હમધીયે વાત હું ભરોભર હમજી ગઈ શું. હું તો રહી અંગૂઠાશાપ એટલે મારા નશીબમાં તો આ જોતરાં લખાણાં શે પણ મારી પંશીને તો એ..ને.. ઈસકૂલ ઝતી કરીને તમારા જેવી મેમશાબ બનાવીશ.”

અને સાચેજ બીજા દિવસથી શાળાની એ બારીમાં પંછીનું માસૂમ હાસ્ય ગુંજવા લાગ્યું.

“રાગિણીબેન, ત્રણેક મહિના થ્યા પણ વૉકિંગથી તમારા ફિગરમાં કોઈ ચેંજ તો દેખાતો નથી.” કમળાએ ટોણો મારતાં કહ્યું.

“કાંઈ વાંધો નહીં કમળાબેન, ભલે મોર્નિંગવૉકથી મારા ફિગરમાં કોઈ ચેંજ ન લાવી શકી પણ કોઈકના ફ્યુચરમાં તો અવશ્ય ચેંજ લઈ આવી શકી, એનો મને પરમ-સંતોષ છે....” હસતાં-હસતાં રાગિણીબેને પોતાના મોર્નિંગવૉકના રસ્તે જવા ઉંમગભેર પગ ઉપાડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational