સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
બેડરૂમની બારીમાં લગાડેલા ઝાલરવાળા પડદાની આડશમાંથી સૂર્યનો પ્રકાશ વધુ તીવ્રતાથી મોં પર પડતાં, કરૂણાથી પરાણે પથારીમાં બેઠા થઈ જવાયું. છેલ્લા દોઢેક મહિનાથી માંદગીમાં ઘેરાયેલી કરૂણાના શરીરમાં રહેલી અશક્તિ એની આંખોની નીચે બનેલા કાળા કુંડાળા દ્વારા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ખુશી... ઓ.... ખુશી કયાં ગઈ બકા ?” છેલ્લા ત્રણેક મહિનાથી પડી ગયેલી આદતથી મજબૂર થઈને કરૂણાએ પોતાનાથી પંદરેક વર્ષ નાની બહેન ખુશીને બૂમ પાડતાં કહ્યું.
પણ...ખુશીનું નામ જીભે આવતાં જ ગઈકાલે સાંજે કાને પડેલી અધૂરી-પધૂરી વાત ફરી તેના મનોમસ્તિષ્ક્માં ગુંજાવા લાગી, “જોયું! કેવી સહી કરાવી લીધી અને દી’ ને ખબર સુધ્ધાં ન પડી કે તે કયા કાગળ ઉપર સહી કરેછે... સો ટેલ જીજુ જ્યારે આ વાત...”
“....જો ફરી પાછું જીજુ ? તને કહ્યું છે ને કે, હવેથી મને જીજુ કહેવાનું બંધ કર. તું મને પ...”
આગળની વાત કરૂણા તેના ધડકતાં હૈયા, છલકાતી આંખ અને ફફડતાં હોઠને કારણે સાંભળી ન શકી ને હતપ્રભ થઈને કેટલીએ વાર આમને આમ બેસી રહી હતી.
ગઈકાલની વાત યાદ આવી જતાં કરૂણા ફરી અસ્વસ્થ બની ગઈ. તે મનોમન બબડવા લાગી, “આમ જોવા જઈએ તો પરિક્ષિતનો પણ કયાં વાંક છે ? લગ્નને વર્ષો વીતવા છતાં એક બાળકની ખુશી પણ એમને હું કયાં આપી શકી છું ? જો કે મેં એમને બીજા લગ્ન કરી લેવા માટે કેટલીએ વખત સમજાવ્યા હતા પણ ત્યારે તે એકના બે નહોતા થયા અને આજે મારી જ નાની બે’ન સાથે....?
એવું એ નહોતું કે, આ પહેલી જ વખત કોઈ વાત કરૂણાના કાને પડી હતી ને તેણે મન પર લઈ લીધી. છેલ્લા દોઢેક મહિનાથી પોતાના પતિ પરિક્ષિત અને નાની બહેન ખુશી દ્વારા પોતાની હાજરીને ન ગણકારવી, દરેકે દરેક વાત છુપાવવી અને તેમની વધી રહેલી નિકટતાને કારણે કરૂણા અંદરથી તૂટી રહી હતી અને કળી ન શકાય તેવી બિમારીની ઝપેટમાં આવી ગઈ હતી.
“દી... હું જરાક તારા પતિદેવ સાથે બહાર જાઉંછું. તારી દવા ટેબલ પર રાખી છે, તે ચાય-નાસ્તો કરીને લઈ લેજે. બાય...”
રૂણા પોતાની નાની બહેન ખુશીને જતાં જોઈ રહી. પોતે જયારે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે પાંચવર્ષની ખુશીને પોતાની વિધવા માં અને નાના ભાઈ સાથે રડતી મૂકીને આવી હતી. ચારેક મહિના પહેલા માંનું અવસાન થયું અને ભાઈ પણ વિદેશમાં સેટલ થયેલો હોવાથી ખુશીની જવાબદારી પરિક્ષિતે હોંશભેર ઉપાડી લીધી ત્યારે કરૂણા કેટલી ખુશ થઈ ગઈ હતી...
“પણ... મને કયાં ખબર હતી કે મારી
ખુશી જ મારા દુ:ખનું કારણ બની જશે. મેં મારી જાતે જ કુહાડા પર પગ મૂકી દીધો.
ખુશીને હોંશભેર આ ઘરમાં લાવીને... હં...” હળવા
નિશ્વાસ સાથે કરૂણા બોલી.
આખો દિવસ કરૂણા પોતાના રૂમમાં જ ભરાઈ રહી. તેનું તન અને મન
વિશ્વાસઘાતના વિચાર માત્રથી તૂટી રહ્યું હતું.
“કરૂણા, કેમ છે તારી તબિયત ? લે આ નવી સાડી. ખુશી ખાસ તારા માટે લાવી છે. જલ્દીથી જલ્દી તે પહેરીને તૈયાર થઈ જા અને બહાર આવ તને જબરજસ્ત સરપ્રાઈઝ આપવાની છે.” હંમેશ કરતાં કાંઈ જુદા જ સ્વરે પરિક્ષિત બોલીને બહાર નીકળી ગયો.
હ્રદય જોરથી ધડકી રહ્યું હતું ને માથું ફાટફાટ થઈ રહ્યું હતું. શરીરમાં કળતર થઈ રહી હતી. તેમ છતાં વર્ષોથી જે પતિનું પડખું સેવ્યું હતું એની ઈચ્છાને માન આપવા કરૂણા તૈયાર થઈને બહાર આવી.
“અરે... આ… શું...? આટલી બધી સજાવટ, આટલા બધા મહેમાન...? તો..
શું.... આ બંનેની સરપ્રાઈઝ એમના લગ્ન...?” શંકા-કુશંકા
કરતી કરૂણા વિસ્મયતાથી બધું જોઈ રહી.
“આજે અમે આ ઉપસ્થિત સર્વે મહેમાનોની હાજરીમાં અને સાક્ષીમાં તને એક જબરજસ્ત સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છીએ. પણ એના માટે તારે પહેલા આંખો બંધ કરવી પડશે. ” ખુશીના હાથમાં હાથ પરોવીને હૉલમાં પ્રવેશતાં પરિક્ષિત બોલ્યો.
પરિક્ષિતની સરપ્રાઈઝ શું છે એની ગળા સુધીની ખાતરી હોવા છતાંપણ કરૂણાએ ધડકતાં હૈયે આંખો બંધ કરી. તેના હાથને કોઈ ઠંડો સ્પર્શ થયો. એણે ફટાક દઈને આંખો ખોલી.
“આ... શું..? આ શેના કાગળ છે?” કરૂણાએ આશ્ચ્રર્યથી પૂછયું. ત્યાં અચાનક એને ખુશી દ્વારા કરાવાયેલી સહી યાદ આવી ગઈ. એના ગળે ડૂમો બાઝી ગયો. તે માંડમાંડ બોલી શકી, “આ... બધું શું... છે પરિક્ષિત ?”
“આપણી ખુશી.... ખોલીને તો જો.....”
કરૂણાએ
છલકાતી આંખે કાગળ ખોલીને જોયા. “આ...
તો... અડોપ્શન... પેપર છે. એટલે તમે ખુશીને...?”
“તમે
નહીં ગાંડી, આપણે. આજે
આપણી એનીર્વસરીના વિશેષ દિવસે હું આપણા વેરાન દામ્પત્ય જીવનને ખુશી રૂપી દીકરીના
આગમનથી લીલુછમ્મ બનાવી દેવા માંગું છું. સો હાઉ વોઝ ધ સરપ્રાઈઝ...?”
ઉપસ્થિત સર્વે મહેમાનોના તાળીઓના ગડગડાટ વચ્ચે કરૂણા ફાટી
આંખે પરિક્ષિત અને ખુશીને તાકી રહી.
