નસીબના ખેલ ભાગ - ૯
નસીબના ખેલ ભાગ - ૯


ઘરમાં ટી.વી. તો હતું પણ ધરાને એ જોવાની મંજૂરી ન હતી. એ જમાનામાં ટી.વી. એક શટર સાથેના બોક્સમાં આવતું. ધરાના મામા એ શટર બંધ કરી ત્યાં અત્યારે ફ્રિજના દરવાજામાં આવે છે એવું લોક એમાં પણ આવતું હતું. એ લોક મારીને ચાવી સાથે લઇને પોતાની દુકાને જતા. રાતે એ જ્યારે આવે ત્યારે ધરાને રસોડામાં વાંચવા બેસાડવામાં આવતી અને ઘરના બાકીના બધા ટી.વી. જોતા હતા. એક જેલથી કમ નોહતું આ વાતાવરણ.. અને ધરા જાણે કે એક કેદી હતી જે વગર કોઈ વાંકે સજા ભોગવી રહી હતી.
આ બધામાં ધરાનું મન ભણવામાં ક્યાંથી લાગે ? એમાં એને ખબર પડી કે એની સ્કૂલમાં ટેબલટેનિસ શીખવાડે છે.જાણી ને થોડી ખુશી થઈ એને. અને એ પણ ટેબલટેનિસ શીખવા પહોંચી. વ્યાયામના તાસમાં એ ટેબલટેનિસ શીખતી. પહેલેથી જ એને આવી ઇતર પ્રવૃત્તિ ગમતી જ હતી. થોડા જ સમયમાં એને ખૂબ સરસ ટેબલટેનિસ રમતા આવડી ગયું. હવે તો એ બીજી દરેક વિદ્યાર્થીનીને હરાવી દેતી હતી. તેની આ આવડત જોઈ ને એના સર એની સામે રમતા.ધરા હવે એમની સામે પણ જીતવા લાગી. સર એને શાબાશી આપતા. અને પછી નક્કી કર્યું સ્કૂલના પ્રિન્સિપાલ અને ટેબલટેનિસના સરએ કે ધરાને ઇન્ટરસ્કૂલ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં મોકલવી. આ સમાચાર ધરા માટે ખૂબ ખુશીના હતા. ઝૂમી ઉઠી મનમાં તો ધરા.
પણ તેની ખુશી ઝાઝી ન ટકી. સ્કૂલમાંથી આ બાબતની જાણ તેના વાલી તરીકે તેની માસીને કરવામાં આવી અને ઘરમાં જાણે ધરતીકંપ આવ્યો.
મામા અને માસી વરસી પડ્યા ધરા પર, ન જાણે કાઈ કેટલુંય સંભળાવ્યું ધરાને, "ટેબલટેનિસ રમવા જવાના બહાને તારો પેલા આવારા છોકરા સાથે ભાગી જવાનો પ્લાન છે. બાપની આબરૂના ધજાગરા કરવા નીકળી છે, આના કરતા તો બેન (હંસાગૌરી) વાંઝણી હોત તો સારું થાત. વગેરે વગેરે" કાઈ કેટલાય વ્યંગબાણ છૂટ્યા ધરા પર. અને ફરી ધરા હિબકે ને હિબકે રોતી રહી કરગરતી રહી કે એને કોઈ છોકરા સાથે કાંઈ જ સંબંધ નથી. પણ અહીં પણ એનું સાંભળનાર કોઈ જ નોહતું.