નિયતિ કે મહેનત
નિયતિ કે મહેનત
ગયા વર્ષે સુરેશ અને રમેશ ને મુંબઈની ઓફીસમાંથી ટ્રાન્સફર કરીને રાજસ્થાનનાં કોટા પાસેનાં પ્લાન્ટમાં મૂકવામાં આવ્યાં. બંને નાં બાળકો અગિયારમાં ધોરણમાં હતાં. તેઓ દુઃખી હતાં કે મુંબઈમાં હોત તો બાળકો ને સારું ભણતર અને મુંબઈમાં સારી કોલેજ મળી જાત. સુરેશ જુગાડ કરીને છ મહિનામાં મુંબઈ પાછો જવામાં સફળ રહ્યો, જ્યારે રમેશ ને જુગાડ માટે ઓળખાણ ન હતી. તેથી તેણે ટ્રાન્સફર ને નિયતિની રમત સમજી સ્વીકારી લીધી. બાળક ને કોટામાં કોચિંગમાં મૂકી આઈઆઈટી એડમિશનની તૈયારી કરાવી. ખૂબ મહેનત અને કોચિંગને લીધે સારી રેન્ક આવવાથી બાળક ને આઈઆઈટી મુંબઈમાં એડમિશન મળી ગયું. જ્યારે, સુરેશનાં બાળકને વારંવાર ટ્રાન્સફર અને અસમંજસની સ્થિતિ ને લીધે સારું રીઝલ્ટ ન આવ્યું.
ઘણી વખત જીવનમાં આવી સ્થિતિમાં મુકાઈ જતાં હોઈએ ત્યારે રમેશ ની જેમ સ્થિતિને સ્વીકારીને જે વસ્તુમાં આપણે કંઈ કરી શકીએ તેના માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. તે જીવનમાં સુખ સાથે સફળતા માટેનો સાચો અભિગમ છે.
