નિત્ય લોકોનું સુખ ઈચ્છે તે નેતા
નિત્ય લોકોનું સુખ ઈચ્છે તે નેતા
એ વર્ષે જાણે કુદરત મહેરબાન થઈ હોય એવું લાગતું હતું. વરસાદ સારો થયો હતો. લોકો આનંદમાં હતા. આ વર્ષ ખૂબ સારું થયું એવી લાગણી સૌનાં મનમાં હતી. ચો-કોર ચેતના પ્રસરી ગઈ હતી. લીલું લીલું ઘાસ બધે ઊગી નીકળ્યું હતું. વાવણી પણ સમયસર થઈ ગઈ હતી. બધે હરિયાળી-હરિયાળી હતી. એટલે આનંદ-આનંદ જ.
પણ અમદાવાદના લોકોનો આ આનંદ લાંબો સમય ન ટકયો. એક બાજુ જ્યાં મન આનંદમાં હતાં, ત્યાં અમદાવાદમાં તો જાણે કુદરત રૂઠી જ ગઈ. અને આ રૂઠવાનો બદલો લેવા વળગી પડી હોય એમ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. અમદાવાદમાં પાણી-પાણી થઈ ગયું. સાબરમતી તો ગાંડીતૂર બની. જેમ દૂધમાં ઊભરો આવે ને તે બહાર નીકળવા લાગે, તેમ સાબરમતીમાં પણ જાણે ઊભરો આવ્યો અને તે અમદાવાદના વિસ્તારોમાં પોતાનો ઊભરો ઠાલવવા લાગી.
હા, આ સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમદાવાદના ઘણા વિસ્તારોમાં તેનું પાણી આવી ગયું હતું. બધે કેડ સમાણાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે અમદાવાદના પ્રમુખ શાંતિની ઊંઘમાં ઊંઘી શકે ખરા ! તેણે તો માર્યો ધોતિયાનો કછોટો, અને નીકળી પડયા આ કેડ સમાણાં પાણીમાં. જે-જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં એ બધા વિસ્તારોમાં ફર્યા. રાતનું અંધારું પણ તેમને નડયું નહોતું. બધે લોકોને બચાવવાની કામગીરી ચાલુ કરાવી દીધી. બચાવ-ટુકડી આવે એ પહેલા તો આ પ્રમુખ સાહેબે જ કામ ચાલુ કરાવી દીધું. તેમને પોતાની ચિંતા તો હતી જ નહિ. ગમે તેમ લોકોને કંઈ ન થવું જોઈએ.
આ કામગીરી ત્રણ-ચાર દિવસ ચાલી અને આ પ્રમુખ સાહેબ પણ આ બચાવની કામગીરીમાં સતત સાથે જ રહ્યા. લોકોને ઓછી તકલીફ પડે એવું જ ઈચ્છતા હતા. અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે સતત ખડે-પગે રહ્યા. સૌની સાથે રહી આ આફતને દૂર કરી. લોકોએ રાહતનો શ્વાસ લીધો. લોકોને રાહતનો શ્વાસ લેવડાવનાર અમદાવાદના પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ.
અત્યારે પણ કુદરતી આફતો તો ઘણી આવે છે. પણ અત્યારે કોઈ નેતા આવી ચાલુ પરિસ્થિતિમાં ત્યાં સાથે રહ્યાનું સાંભળ્યું ખરું ! અત્યારે તો કુદરત પોતાનું કામ પૂરું કરે, પછી આ નેતાઓ હેલિકોપ્ટરમાં બેસી હવાઈ નિરીક્ષણ કરી આવે છે. પરિસ્થિતિ બરાબર થાળે પડી જાય પછી લોકો વચ્ચે જઈ દિલાસો આપી આવે છે.
સાચા નેતા તો એ છે, કે જે પોતાની મુસીબતો ધ્યાનમાં લીધા વિના લોકોનું સુખ ઈચ્છતા હોય. જે નિત્ય લોકોનું સુખ ઈચ્છે તે જ સાચા નેતા.
