STORYMIRROR

Chhaya Chauhan

Abstract

4  

Chhaya Chauhan

Abstract

નિર્જીવતાની વ્યથા

નિર્જીવતાની વ્યથા

2 mins
333

"શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી મેં એક શહેજાદી જોઈ હતી............."

સાંજનાં સમયે તમે ચાની ચુસ્કીઓ સાથે રેડિયો પર મનહર ઉધાસના સ્વરમાં સુંદર ગઝલ સાંભળી રહ્યાં હતાં. ભૂતકાળનાં વમળો ભવિષ્યમાં ઝંઝાવાત ઊભા ના કરી શકે એ માટેની તમારી રોજેરોજની તમામ કોશિશો સામે હારી જતું શરીર અકથ્ય થાક અનુભવતું હોય ત્યારે ચા અને ગઝલથી તમને મળતી સાંત્વનાનો હું નિર્જીવ સાક્ષી બની રહું છું. 

કાશ તમને મદદરૂપ થઈ શકવાની ક્ષમતા મારામાં હોત. તમારી આસપાસ ફરતાં દ્વિમુખી સ્વજનનાં ચહેરાઓનું સાચુ સ્વરૂપ છતું કરવાની તાકાત મારામાં હોત. અલ્પવિરામ સમી તમારી જિંદગીમાં પ્રેમનું પૂર્ણવિરામ મુકી શક્યો હોત પરંતુ મારી નિર્જીવતા સામે હું લાચાર છું. હું સાક્ષી છું દોસ્તીના માસૂમ બંધનનો. બસ નજરોથી થતી વિચારોની આપલે અને થોડી ક્ષણોનો દૂરથી થતો સાક્ષાત્કાર. એકજ સમયે ચા અને ગઝલને અજાણપણે માણતા તમે બંને કેવા મજાનાં સાથીદાર હતાં. સાથીદાર હતાં એની તો મારા સિવાય તમને બંનેને પણ ક્યાં જાણ હતી. 

એક સાંજે તમારા પતિ વિરલની તબિયત સારી ન હોવાથી ઓફિસથી જલ્દી ઘરે આવી ગયા અને તમે રોજની આદત મુજબ ચા અને ગઝલને ઢળતાં સૂરજનાં સાંનિધ્યમાં માણી રહ્યાં હતાં. એજ સમયે પેલા અજાણ્યાં સાથીદારની નજર તમારી નજર સાથે એક થઈ અને એ એક્યને વિરલની નજરોએ પોતાના શંકાશીલ દિમાગમાં સમાવી લીધું. અવિશ્વાસના બીજનાં વાવેતરમાં સ્વજનો અને પાડોશીઓ રૂપી ખાતર અને પાણી મળવા લાગ્યુ. ત્યારબાદ શરૂ થયેલી એ યાતનારૂપી સફર રોજે રોજ તમારા દિલને ઘાયલ કરવા લાગ્યું.જે ધીમે ધીમે એ અજાણ્યાં સાથીદારના કાન સુઘી પહોંચી. સભ્ય સમાજની વસ્તીમાં કદાચ સુંદરતાને નિહાળવાની અસભ્યતા આચરનાર એ અજાણ્યો માણસ સ્ત્રીના ચરિત્રનું સન્માન જાળવવા ચૂપચાપ શહેર છોડી ગયો હોવા છતાંય શંકાશીલ નજરોને તમારે રોજ આપવા પડતાં ચારિત્ર્યનાં પુરાવા હું શાંત થઈ જોયા કરું છું. કાશ હું બુમો પાડીને કહી શકતો હોત કે તમે નિર્દોષ છો...... નિર્દોષ છો......

તમારી બંધ આંખોમાંથી ડોકિયું કરી રહેલા એ અશ્રુબિંદુઓને તમે સુંદર ગાલો પર વહેવાની કયારેય તક નથી આપી પરંતુ એ દ્રશ્ય મારી આંખોને જે તક્લીફ આપે છે એનું હું શું કરું? તમારી દર્દ ભરી દાસ્તાનનો હું નિર્જીવ સાક્ષી છું. હા, હું એક ઝરૂખો છું. બે નિર્દોષ ગુનેગારોની દાસ્તાનનો એકમાત્ર સાક્ષી. કાશ હું સમાજરૂપી અદાલતમાં તમારી નિર્દોષતાની ગવાહી આપી શક્યો હોત...... કાશ હું સજીવ હોત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract