Chhaya Chauhan

Others

4.5  

Chhaya Chauhan

Others

ઋણાનુબંધ

ઋણાનુબંધ

3 mins
313


આ એક યોગાનુયોગ હતો કે શું ખબર નથી. મહેક વિચારતી રહી. શું એવું બની શકે ? હા, એણે પણ સાંભળ્યું હતું કે વહેલી પરોઢે જોયેલાં સ્વપ્નો સાચાં પડે છે. પરંતુ સ્વાનુભવ કયારેય થયો ન હતો એટલે સ્વીકારી ન હતી શકતી. પણ આજે કંઈક એવું બન્યું કે જેને સ્વીકારવા એ મજબૂર હતી.

સૂરજ ઊગવા પહેલાં મોર્નિંગ વોક માટે નીકળી જવું, એ એનો રોજનો નિયમ. આખા દિવસની ભાગદોડવાળી જિંદગીમાં પોતાના માટે વિતાવેલી પળો એટલે, મોર્નિંગ વોક પછી તળાવને કિનારે બેસી ઊગતાં સૂરજના કિરણોને આંખોમાં સમાવવા,અને આમ કરતાં જીવનનાં પ્રકાશને આંખોમાં કેદ કરવાનો અહેસાસ કરવો. તળાવમાં ખીલેલા કમળ અને તેની આસપાસ બતકનાં ટોળાં, મોરનાં ટહુકા,પંખીઓનો કલરવ.... આહા,કેવું સુંદર અને મનોરમ્ય દૃશ્ય. મહેકનું દિલ આ સોનેરી પળોને માણી ખુશીથી ઝૂમી ઊઠતું.

કાલે રાત્રે એ થાકીને મીઠી નિંદર માણી રહી હતી. મોરનાં મીઠાં ટહુકા સાંભળીને તેની ઊંઘમાં મીઠડો ખલેલ પડ્યો. બસ આંખો બંધ કરી એ મીઠડા ટહુકામાં મહાલતી રહી જાણે એક પ્રેમીકા પ્રેમીની પ્રણય ચેષ્ટાનો અનુભવ કરતી હોય. અચાનક ટહુકાની મીઠાશ કર્કશ ધ્વનિમાં રૂપાંતરિત થવાં લાગી અને કર્કશતા દર્દમાં ભળવા લાગી. એ પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. પરસેવે રેબઝેબ થયેલું શરીર હાંફી રહ્યું હતું.

"ઓહ્.... તો આ સપનું હતું.પણ, એ મોર અને એનો દર્દ ભર્યો ટહૂકો ! બેચેની કેમ આપે છે ? ક્યાંક કોઈ તકલીફમાં તો નહિ હોય ? અરે યાર....હું પણ ક્યાં સપનાંને સાચું માની રહી છું. ઊંઘમાં જોયેલાં સપનાં એક ભ્રમથી વધુ કંઈ જ નથી હોતા." બાજુમાં ટેબલ પર મુકેલા જગમાંથી પાણી પી ને એ ફરીથી સુવાની કોશિશ કરવા લાગી. ઊંઘ વેરણ બની હોય એમ એ પડખા ફરતી રહી પણ સૂઈ ના શકી. એણે ઘડિયાળમાં જોયું તો પાંચ વાગ્યા હતાં. આજે વહેલાં વોક પર નીકળી જાઉં એમ વિચારી એ હાથ મોં ધોઈ તૈયાર થઈ ગઈ.

એક કલાકમાં રનીંગ અને વોક પતાવીને એ એના ફેવરીટ તળાવને કિનારે જઈ સૂર્યસ્નાનની મજા માણવા લાગી. અચાનક દર્દ ભર્યો ટહૂકો એને સંભળાયો. અદ્દલ સપનાંમાં સાંભળ્યો હતો એવો જ. એનું મન ફરી બેચેન થવા લાગ્યું. ત્યાં એ દર્દીલા ટહુકાની તીવ્રતા મહેકનાં કાનને વીંધવા લાગી. એ ઊભી થઈ અવાજની દિશા તરફ જવા લાગી. થોડું ચાલી હશે ત્યાં જ એની નજર એક કાંટાળી ઝાડી પર પડી, જેમાં બતકનું નાનું બચ્ચું ફસાયેલું હતું. કાંટાળી ઝાડીમાંથી બહાર નીકળવા માટે વલખાં મારતું એ નાજુક બચ્ચું લોહીલુહાણ થઈ ચૂક્યું હતું. નજીકમાં જ મોર ટહુકા કરી મદદ માટે કોઈને બોલાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ એજ બતકનાં બચ્ચાઓમાનું એક હતું જેને રોજ એ તળાવનાં કિનારે બેસી ગમ્મત કરતાં જોઈ આનંદ માણતી હતી. અને આ કળા કરતાં મોરને જોઈને તો મહેકને નાચવાનું મન થઈ જતું હતું.

મહેકનું દિલ દ્રવી ઉઠ્યું. એણે તરત બચ્ચાંને સાવચેતી પૂર્વક ઝાડીમાંથી મુકત કર્યુ અને નજીકનાં પશુપંખીનાં દવાખાને લઈ જઈ એની સારવાર કરાવી. ત્રણ દિવસની સારવાર અને કાળજીથી બચ્ચું પહેલાં જેવું સ્વસ્થ થઈ ગયું. મહેકે એને પોતાના હાથમાં ઉંચકીને ખુબ વ્હાલ કર્યુ અને જાતે જઈને બચ્ચાંને એના સુંદર તળાવ કિનારે એના દોસ્તો સાથે મૂકી આવી. બચ્ચું જેવુ એનાં દોસ્તોના ટોળાંમાં ભળ્યું એ સાથે જ કવેક્ કવેક્ ક્કવેક્...... નાં મધુર અવાજથી માહોલ સુરમય બની ગયો. મોર પણ એનાં સાથી મિત્રને જોઈ પંખ ફેલાવી નૃત્ય કરવા લાગ્યો. આવું મનોરમ્ય દ્રશ્ય નિહાળીને મહેક પણ ઝૂમી ઊઠી.

આ અનુભવથી મહેક દ્રઢપણે માનવા લાગી કે સવારે જોયેલાં સપનાં ખરેખર સાચા પડે છે. ક્યાંક કોઈક અદ્રશ્ય શક્તિ કરામત કરી અંદેશો આપે છે.  નહીં તો, અબોલ જીવની હાક એક માનવી સુધી કેવી રીતે પહોંચી શકે. કુદરત કરામતી છે અને એને બનાવનાર ભગવાન પણ કોઈ જાદુગરથી વિશેષ જ હશે.

મહેક હવે આસ્તિક બની ઈશ્વરની કરામતની બંદગી કરવા લાગી.


Rate this content
Log in