નિહારિકા
નિહારિકા


નિહારિકા ખૂબ જ અલગ પ્રકૃતિ ધરાવતી સ્વમાની, ચંચળ, ખુશમિજાજ અને સમજદાર કહી શકાય એવી ગૃહિણી તથા એક સફળ બિઝનેસવુમન હતી.જેમ એને પોતાના બિઝનેસને સંભાળ્યો હતો તેમ એટલી જ કુશળતાથી પોતાના હાસ્ય પાછળ આંસુઓને છુપાવતા પણ એને ખૂબ સારી રીતે આવડતું હતું.
હા, એના એ આંસુઓ જે એ કોઈને બતાવવા નહોતી માંગતી.જ્યારે જ્યારે તે પોતાના તકલીફની કોઈને વાત કરતી ત્યારે ત્યારે લોકો મલમ નહીં પણ મીઠું લગાડતા અને લોકો પોતાના જ દુ:ખડા રોવા લાગતા હતા. એટલે જ આવા અનુભવોથી નિહારિકાએ કોઈને પણ પોતાના મનની વાત કહેવાનું બંધ કરી દીધું. દુનિયાને તેનો જે સુખી સંસાર દેખાતો હતો. વાસ્તવમાં એવું કંઈ હતું જ નહીં. તે એના પતિ અંકુશથી નાખુશ હતી. એના શુષ્ક લગ્નજીવનથી કંટાળેલી હતી પણ સમાજ અને પરિવારના ડરથી તે અંકુશને છોડી શકતી ન હતી. હા, અંકુશ માટે તેને પણ લાગણી તો હતીજ પણ સમય સાથે ધીરે ધીરે જાણે મરી ગઈ હતી. તે ક્યારેય અંકુશ સાથે સુખી ન થઈ શકી.
એવું ન હતું કે અંકુશ એને મારતો કે જાણી જોઈને દુઃખ આપતો. નિહારિકા પ્રત્યે એની લાગણીઓ પણ હતી પણ એ લગ્નજીવનના સંસારમાં હોવા છતાં પણ તે પોતાની જીંદગી પોતાની ધૂનમાં જીવ્યા કરતો હતો. નિહારિકા સાથે વાતો કરવાનો પણ સમય એની પાસે ન હતો. નિહારિકાના સ્વભાવથી તે તદ્દન અલગ હતો. એટલેજ કદાચ બંને વચ્ચે એ પરિપૂર્ણતા ક્યારેય વિકસી નહીં. મસ્ત મૌલાની જેમ જીવતો અંકુશ તેના જીવનમાં નિહારિકા નામની સુંદર પત્ની છે તે પણ તે ભૂલી જતો હતો. એના પ્રત્યેની જવાબદારીઓ કે પછી એની પત્નીના પણ કંઈક સપનાઓ હશે એ વાત નિહારિકાથી ઉંમરમાં દસ વર્ષ મોટો અંકુશ હંમેશા ભૂલી જતો હતો. જેના લીધે ચંચળ નિહારિકાની જિંદગી પતઝડ જેવી શુષ્ક અને ગરમીમાં તપતા રેગિસ્તાન જેવી સુકી ભઠ્ઠ થઈ ગઈ હતી.
નિહારિકાના જીવનમાં એક એવી અધૂરપ હતી. જે એ પોતે સમજી શકતી ન હતી. હર રોજ એ પોતાના સપનાઓ અને ઈચ્છાઓને મારતી, એકાંતમાં ચુપકે ચુપકે આંસુ સારતી અને પછી ખીલતા પુષ્પની જેમ ખીલી પોતાના આંસુઓને ભીતર પુરી દેતી હતી. હસતો ચહેરો લઈને પોતાનું કાર્ય કરવા લાગતી હતી. જેને જોઈને કોઈ એમ ન કહી શકે કે એની અંદર કેટલું દર્દ સમાયું છે. એ અંદરથી દીવાની જેમ બળી રહી છે, જે પોતે બળીને અંધારામાં રહીને બીજાને રોશની આપે. આમ ને આમ પોતાની જીંદગીના અમુક વર્ષો એણે જિંદગી અને પોતાના મન સાથે સમજૂતી કરવામાં પસાર કરી નાખ્યા.
નિહારિકાએ એ વાત મનથી સ્વીકારી લીધી હતી કે હવે આમજ જિંદગી જીવવાની છે. જેના લીધે નિહારિકા પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખતી પણ મનમાં ઉઠતી એકલતા અને ખાલીપાના ધસમસતા આવેગોને કયાં સુધી રોકવા, ગળામાં ડૂમો ભરાઈ જાતો, રોજ મનમાં જાગતી અનેક નાની ઈચ્છાઓને કયાં સુધી મારવી. કોની સાથે મન ખોલીને વાત કરવી ! પોતાની સાથે !
એક દિવસ અચાનક એના જીવનમાં નીરજ નામનો એક પુરુષ આવ્યો. નિહારિકાના જીવનમાં જાણે વસંતની બહાર ખીલી ગઈ. જેની સાથે એની મિત્રતા થઈ એ નીરજને મળીને નિહારિકાને એવું લાગ્યું કે જાણે એ કોઈ પોતાના ખોવાયેલા અસ્તિત્વને મળી રહી છે. પોતાની જાત સાથે નફરત કરવા લાગેલી નિહારિકાને નીરજે એને પહેલાની ચંચળ નિહારિકાનો પરિચય કરાવ્યો. નિહારિકા જેમ સૂકાઈ રહેલા છોડ પાણી, ખાતર વડે સીંચીને માવજત કરી જીવંત કરવામાં આવે એમ નિહારિકા ફરી જીવી ઊઠી.
નીરજ બધી રીતે નિહારિકાના કાલ્પનિક પુરુષને મળતો આવતો હતો. રૂપ, રંગ, બુદ્ધિચાતુર્ય, માનવતા, લાગણીશીલતા આ બધાજ ગુણ એમાં હતા. જ્યારે જ્યારે એ નીરજને જોતી ત્યારે ત્યારે એવું લાગતું જાણે એના સપનાનો રાજકુમાર સામે ઊભો હોય.
નિહારિકાને હંમેશા એવુ લાગતું કે મને કોઈ સમજે, મારા મનને કોઈ જાણે જે અંકુશ આજ દિવસ સુધી એને જાણી નહોતો શક્યો એ નીરજ થોડા સમયમાંજ નિહારિકાના મનને જાણી શકતો અને વાંચી શકતો હતો. તે નિહારિકાને ખૂબ સારી રીતે સમજી શકતો હતો. બંને ખુબ વાતો કરતા અને અલગ અલગ વિષય પર ચર્ચાઓ કરતા. ધીરે ધીરે નિહારિકાને નીરજ સાથે પ્રેમ થઈ ગયો. હા, એ નીરજ સાથે જે નિહારિકાથી ઉંમરમાં દસવર્ષ નાનો હતો.બંને વચ્ચે ઉંમરનો આ તફાવતજ કદાચ એક દિવાર બની ગઈ હતી !
નિહારિકાને ઘણી વખત થતું કે કાશ ! હું દસ વર્ષ નાની હોત, પણ હકીકત અને કાશમાં બહુ ફરક છે. આ વાત નિહારિકા પણ ખૂબ સારી રીતે જાણતી હતી, પણ પ્રેમ ક્યારેય ઉંમર જોઈને નથી થતો, એ તો બસ આમ જ અચાનક થઈ જાય છે. નિહારિકા પોતાના મનને મનાવવા ક્યારેક બોલતી. પ્રેમમાં કોઈ બંધન અને અવકાશ નથી, પછી એ બંધન ઉંમરનું હોય કે બીજું કોઈ સાત્વિક પ્રેમની કોઈ વ્યાખ્યાન આપી શકાય. જેમ એક ગીતમાં કોઈએ લખ્યું છે… "ના ઉમ્ર કી સીમા હો ના જન્મો કા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન" હું અંકુશને નફરત તો નથી કરતી એના માટે પણ લાગણી તો છે જ, પણ નીરજને ખૂબ જ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. શું આખી જિંદગી મનની લાગણીઓને બાંધી શકાય ખરા ! શું મારું મન ફક્ત અંકુશને પ્રેમ કરવા માટે જ બંધાયેલું છે !
ઈશ્વરે બધાને પ્રેમ કરવા માટે જ બનાવ્યા છે. આવી નિર્મળ લાગણીઓ ઈશ્વરે પોતેજ આપણી અંદર મૂકી છે. જેના અનંત માર્ગ થકી જ ઈશ્વરને પામી શકાય તો મારો પ્રેમ શું ખરાબ કે ખોટો છે ! બંને વચ્ચે એક ના સમજી શકાય એવી આત્મીયતાની લાગણીઓ બંધાઈ ગઈ હતી. એ પ્રેમની ગહેરાઈ કોઈ માપી ન શકે. એ આત્મીયતા જેમાં અછપરાંવેડા કે હવસને કોઈ સ્થાન નથી. ફક્ત શુદ્ધ અને નિર્મળ વહેતી લાગણીઓ હતી.
બંને ખૂબ સારી રીતે સમજતા હતા કે એનો આ પ્રેમ સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે. ધીરે ધીરે બંને વાત કરવાનું અને એકબીજાને મળવાનું બંધ કરી દીધું પણ એકબીજાના દિલમાં એ પ્રેમ અને લાગણીઓ હંમેશા જીવતી રહેશે.