જગ્ગુની નોકરી
જગ્ગુની નોકરી


આ એક સત્ય ઘટના છે ,..
બા આજે હું જમીશ નહીં તું ને બાપુ જમી લેજો મારી રાહ નહીં જોતા. આટલું કહી જગ્ગુ એની સાઇકલ લઈને કામ પર જવા નીકળી ગયો. રોજનો ૧ રૂપિયો પગાર (૧૯૬૦ની આ વાત છે)માં જગ્ગુ રસ્તા પરના થાંભલા અને ઝાડને કલર કરવા જતો હતો. સાંજે આવીને જે એક રૂપિયો એને મળતો એનો એ ચણાનો લોટ લઇ જતો. એની બા આ લોટમાં મીઠું નાંખીને ત્રણ ખાખરા બનાવતા, ત્રણેય એક એક ખાખરો જમીને સૂઈ જતાં, ડાહ્યાભાઈના આંસુથી સવારે ઓશીકુ ભીંજાઇ જાતું .
સવારે ડાયાભાઇ ઓસરીમાં હિંડોળે બેઠા બેઠા વીતેલા સમય વિશે વિચારવા લાગ્યા, હજી તો જાણે ગઈકાલનીજ વાત હતી સોની કામની એની દુકાન ગ્રાહકોથી ધમધમતી હતી. મહિનાનું ૪થી ૫ કિલો સોનું અને એનો કાચો માલ દુકાનમાં આવતા હતા, લગભગ ૧૦ થી ૧૫ કારીગરો એના હાથ નીચે કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગામમાં ડાયાભાઇનું બહુ નામ હતું. ઝભ્ભો ધોતિયું અને ઉપર ખાદીનું બંડી પહેરી અને હાથમાં ચાંદી મઢેલી લાકડી લઇને જ્યારે એ બજારમાં નીકળતા ત્યારે લોકો રસ્તો કરી આપતા જાણે કોઇ રાજાની સવારી આવી હોય એવું એમનું ગામમાં માન સન્માન હતું .
ક્યારેય કોઈને કોઈ પણ મદદની જરુર હોય તો ડાયાભાઇ હંમેશા પડખે ઊભા રહેતા. એક દિવસ એક યુવાન નામ રસિક એ ડાયાભાઇ પાસે આવ્યો, ભીની આંખે એ કરગરવા લાગ્યો. શેઠ મને કામ આપો હું અનાથ છું મારુ કોઈ નથી.
દિલદાર એવા ડાયાભાઇએ એને પોતાના ઘરે આશરો આપ્યો અને પોતાના દીકરાની જેમ રાખવા લાગ્યા. જગ્ગુ હજી નાનો હોવાથી દુકાનની બધી જિમ્મેદારી ડાયાભાઇએ આ છોકરા રસિકને સોંપી દીધી. થોડા સમય પછી રસિકના લગ્ન ધામધૂમથી કરાવ્યા. બધું ખૂબ કુશળ મંગલ ચાલતું હતું અને જિંદગી સુખમય વીતી રહી હતી.
એક દિવસ અચાનક અડધી રાત્રે બારણા ખખડયા. ફળિયામાં હો હા મચી ગઈ ! હાંફડા ફાંફડા ડાયાભાઇ ભાગતા ફળિયામાં આવ્યા 'શું થયુંના ભાવ સાથે એ બધા સામે જોવા માંડ્યા !'
"શેઠ શેઠ ઓલો રસિક અને એની બૈરી બધું સંકેલીને ભાગી ગયા ! દુકાન પણ ખાલી થઈ ગઈ, તિજોરીના પણ તળીયા સાફ છે. બધું જ લૂંટાઈ ગયું શેઠ." ભીખો ધ્રૂજતા અવાજે ડાયાભાઇને બોલી રહ્યો હતો. ડાયાભાઇ સ્તબ્ધ !કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ. લાખોનું દેવું થઈ ગયુ, કરજો ભરવા માટે પત્નીના દાગીના અને એનુ આલીશાન મકાન ફકત ૫૦૦૦માં વેચવુ પડ્યું.
જગ્ગુ સમજી ગયો તો કે હવે બાપુ જી પાસે કાઇ નથી રહયું . એણે ડાયાભાઇ પાસે આવીને કીધું : "બાપુજી તમે ચિંતા ન કરો હું છુંને, હું નોકરી કરીશ બાપુ. ડાયાભાઇ જગ્ગુની સામે જોઇ રહ્યા ! અરે મારો દિકરો આટલો મોટો કયારે થઇ ગયો ?
શું વીચારો છો ! ડાયાભાઇના પત્ની બોલ્યા : "કયારની જોવ છું તમે અહીંયાં બેઠા બેઠા કૈક વિચારમાં છો ? હાલો રોટલો ખાઇ લયો (ઘરની હાલત સારી ન હોવાથી બપોરે રોટલો અને મીઠું ખાઇ લેતા) જગ્ગુ તો છેક રાતના આવશે.
ડાયાભાઇ નિ:શબ્દ પોતાના લાડકવાયા જગદીશ વિશે વિચારવા લાગ્યા, રોટલાનો કોળિયો મોંમાં જ રહી ગયો , એ દિવસે ડાયાભાઇ પત્ની સમક્ષ ખૂબ રડયા.