નારી તારા નવલા રૂપ
નારી તારા નવલા રૂપ
આ દોઢ અક્ષરના "સ્ત્રી " શબ્દને વર્ણવવા બેસીએ તો દોઢ સો વર્ષ પણ ઓછા પડે. સ્ત્રી કહો કે નારી દુર્ગા કહો કે કાલી, અંબાની શક્તિ કે સરસ્વતીની વાણી, એક જ સ્વરૂપમા અનેકને સમાવતી, તુજ છો સર્વેમાં માઁ શક્તિશાળી.
ભાર્ગવી રોજ સવારે વહેલા ઊઠીને જુવાન છોકરીની જેમ જિમમાં જાય, આવીને માઁ બનીને બાળકોને સ્કૂલ માટે તૈયાર કરે નાસ્તો આપે, તો વહુ બનીને સાસુ સસરાને ગરમાગરમ નાસ્તો બનાવી આપે તથા પત્નિ બનીને પતિ સાથે ચા કોફી પીએ, સાથે સાથે બપોરનું ટિફિન બનાવીને હાઉસવાઈફની જેમ કામકાજ પતાવે. પોતે તૈયાર થઈને ખુદની ફેક્ટરી જઈને બોસ બનીને બીજા મેનેજર કે કારીગરોને પણ સંભાળતી જાય, ઓફિસના ઘણા કામોમાં મદદ પણ કરતી જાય, સાંજે ઘરે આવીને મિત્ર બનીને મિત્રોને પણ મળતી તેમજ મામી, કાકી, માસી બનીને સગા સબંધીને ફોન પર વાત કરીને હાલચાલ પણ પૂછી લેતી. આમ એક નારીના કેટલાં રૂપ. જેમ કે શરીર એક પણ જગ્યા ફરે એટલે પોતાનું નામ પણ ફરે.
પુરુષ કરતા સ્ત્રીની બુધ્ધિ બે ગણી સહનશક્તિ ચાર ગણી હોઈ છે. કોઈ પણ પાત્ર ભજવવાનું કહો, બેફીકર ભજવી આપશે. કોઈ પણ જાતની તૈયારીની જરુર જ નથી. ઘર મા જે સ્ત્રી હોઈ તેને ગૃહિણી કહે છે હકીકતમા તેનો અર્થ એ થાય કે આખું ગૃહ (ધર)જેનું ઋણી છે તે ગૃહિણી. મતલબ ઘરમાં રહેતા તમામ લોકો તેના ઋણી છે. તમે જીવનભર કદી ઋણ ના ચૂકવી શકો. અઢળક મુસીબતોને હસતા હસતા પી જાય, કદી પોતાની તકલીફની જાણ પણ ના થવા દે તે સ્ત્રી.
અંગ્રેજ સામે ટક્કર લેનારી એક લક્ષ્મીબાઈ સ્ત્રી છે, સુરજને આથમતાં રોકી શિવાજીને જન્મ આપનાર જીજાબાઈ સ્ત્રી છે, યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લાવનાર સતી સાવિત્રી સ્ત્રી છે, આખો દેશ ચલાવનાર એક ઈન્દિરા ગાંધી સ્ત્રી છે. આખા વિશ્વનું અસ્તિત્વ જ એક સ્ત્રી છે. સ્ત્રીને બુદ્ધિ થી વિચારો તો આપણા સમજ બહારની વસ્તુ છે, અને પ્રેમથી વિચારો તો સાવ સરળ વ્યક્તિત્વ છે.
ભાર્ગવી જેવી હજારો સ્ત્રીઓ હજારો સ્વરૂપે ભાગાદોડી કરતી રોજ બરોજ આજુબાજુ જોવા મળશે જ. તેથી જ કહેવાય છે કે "નારી તારા નવલા રૂપ".
