મુંબઈનો પ્રવાસ.
મુંબઈનો પ્રવાસ.
મને દરિયા કિનારો અને પ્રકૃતિને માણવાનો બહુ શોખ. જીવનમાં વ્યસ્તતાને કારણે અને હાઉસ વાઈફ તરીકેની જવાબદારીઓના હિસાબે ઘણા શોખ એક સ્વપ્ન બનીને રહી ગયા. પણ મુંબઈ આવ્યા પછી, મારા આ સપના હકીકતમાં બદલ્યા. સતત બે વર્ષ સુધી શનિ રવિમાં હમેશા પ્રવાસમાં જ હોઈએ. ક્યારેક લોકલ ટ્રેન રિક્ષા કે પછી કારમાં જતાં. પણ મોટે ભાગે હું લોકલ ટ્રેઈનમાં જવાનું જ પસંદ કરતી. કેમ કે કારમાં ટ્રાફિકના હિસાબે જ ફરવાનો સમય ટ્રાફિકમાં વેડફાઈ જતો. તેથી અમે લોકલ ટ્રેઈનમાં જતાં. કેટલા લોકોની સાથે મુલાકાત થતી અને જીવનને ખૂબ નજીકથી જોયું માણ્યુ.
લોકલ ટ્રેનથી હું સમયની પાબંધ બની ગઈ. જોબવાળા, બિઝનેસ વાળા, ફેરિયા, બધા લોકો ટ્રેઈનનો ઉપયોગ કરતા. તેથી મોટે ભાગે ખૂબ ભીડ અને કોલાહલ પણ ખૂબ રહેતો. પણ પ્રવાસ માટે જવાનું હોય એટલે મનમાં ખુબ આનંદ રહેતો. મરીન લાઇન્સ અને ગીરગાંવ ચોપાટી મારું મન પસંદ સ્થળ. સૂર્યાસ્તના સમયે મરીન લાઇન્સનો નજારો મારા હદય પર અંકિત થયો. જુહુ બીચ પર લોકોની ખૂબ ભીડ જોઈ છે. એરપોર્ટ નજીક હોવાને કારણે પ્લેનને ખૂબ નજીકથી નિહાળ્યા છે. બરફના ગોળા ખાવાની મજા કંઇક ઓર હતી. જે સામાન્ય રીતે આપણે ઘરે ખાઈએ તેમાં નથી મળતી. પણ સૌથી વધારે મને ઊતન બીચ ગમ્યો. ત્યાં ચારે બાજુ ખડકવાળો દરિયો, અને ખૂબ સુંદર નજારો. જ્યાં દૃષ્ટિનાખો ત્યાં વૃક્ષોના ઝુંડો અને ફૂલોની વેલી નજરે ચડે. એનો અદભૂત નજારો મારા હદયમાં અંકિત થઈ ગયો.
velankanni ચર્ચમાં શું આજુ બાજુનો નજારો હતો ! ચારે બાજુ ગુલાબી બોગન વેલ, અને બહાર નો નજારો એટલો ખૂબસૂરત હતો કે, દરિયા કિનારો છોડી અમે ચર્ચમાં આવી ગયા. અંદર પ્રવેશ લીધો, પણ મારા હદયની અંદર એવો સુકુન પેદા થયો, મે ક્યારેય જિંદગીમાં એટલા સૂકુનનો અહેસાસ નથી કર્યો. એનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. કેમ કે અહેસાસ ફક્ત હદય જ કરી શકે, પણ હદય પાસે શબ્દો નથી. અને શબ્દો પાસે હદય નથી. અહેસાસ ફક્ત અહેસાસ કરી શકાય.આજ સુધી સૌથી મારું પ્રિય સ્થળ બની ગયું. ત્યારબાદ અમે ડાભોસાના પ્રવાસે ગયા. અમે મીરા રોડથી ત્રણ ફેમિલી ત્રણ કાર લઇને ગયા હતા. ચોમાસા પછીનો સમય હતો. કારમાં રફી સાહેબ અને મુકેશ જીના ગીતો સાંભળતા સાંભળતા ખૂબ એન્જોય કરતાનીકળ્યા. રસ્તામાં જ્યાં ખૂબસૂરત સ્થળ હોય ત્યાં ઉતરી, અને આ ખૂબ સુરત પ્રવાસને કેમેરામાં કંડારતા. અંતાક્ષરી રમતા ખૂબ મોજથી સમય પસાર કરતા હતા. ત્યાં બપોરનો સમય થયો. અમે એક ઘટાદાર વૃક્ષનીનીચે અમે બપોરનું ભોજન કર્યું. ખૂબ આનંદ આવ્યો.
ત્યાર બાદ સાંજના પાંચ વાગે અમે ડાભોંસા પહોંચ્યા. શું ત્યાંનો અદભુત નજારો હતો ! ચારે બાજુ ઊંચા ઊંચા પહાડો જેમાંથી નીચે ધોધ પડતો હતો. ચારે બાજુ વૃક્ષોના ઝૂંડો વચ્ચે હોટેલ આવેલી હતી. જાણે કોઈ રાજાના મહેલમાં પ્રવેશ કરતા હોય એવો અહેસાસ થયો. હોટેલની બાંધણી ખૂબ સારી હતી. અને ફરવા માટે આજુ બાજુનાનીનાની પગદંડીઓ હતી. રાતના એ મને નાઈટ વોક માટે લઈ ગયા. પૂનમની રાત હતી આકાશમાં રૂપેરી ચાંદ ચમકતો હતો. અને એનો પડછાયો સરોવરમાં પડતો હતો.જાણે! પાણી ચમકતું હોય એવો ભાસ થયો. સૂકું થયેલું ઘાસ પણ સોનેરી લાગતું હતું.એ ચાંદના અજવાળામાં અમે પૂરી હોટેલનું ચક્કર લગાવ્યું. રાતના રજવાડી બેડ હતા. બાળકો ખૂબ રમ્યા. અમે પણ થાકેલા હતા તેથી વહેલા સૂઈ ગયા. કેમ કે અમારે વહેલા સાત વાગે ઊઠીને પ્રવૃત્તિ કરવાની હતી.
અમે સવારે સાત વાગે ઉઠયા. ચાનાસ્તો પછી નાહી ધોઈને પ્રવૃત્તિ માટે તૈયાર થયા. ત્યાં અમે જીપ લઈ ટ્રેકિંગ અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓ કરી. આ બધી પ્રવૃત્તિઓ સાહસ કરવા જેવી હતી. તેમાં રોપ દ્વારા એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવાનું હતું. કેટલી ઊંડી ખાઈ હતી. જોઈને ડર લાગે. પણ બધાએ ખૂબ હોશથી ભાગ લીધો. ત્યારબાદ બોટિંગ કરી. તેમાં ખૂબ મજા આવી. અને ખૂબ ભૂખ્યા થયા. જેથી હોટેલ પહોંચ્યા.કારણ કે આ બધી પ્રવૃત્તિ ઓ હોટેલથી દુર હતી. અમે જમ્યા ત્યાં સાડા ચાર થઈ ગયા હતા. અમને પાંચ વાગે ચેકઆઉટ કરવાનું હતું. અમે ચેકઆઉટ કર્યું હોટેલનું પણ બધી યાદોને હદયના કેમેરામાં કંડારી લીધી. ઘણી બધી યાદો સાથે લઈ. અને દિવસોનો થાક ત્યાં ઉતારી. અમે ડાભોસાથી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. આ હતી મારી સૌથી યાદગાર પ્રવાસની ક્ષણો.
