મુખવટો
મુખવટો
હેમા, નેહા અને પ્રિયા બાળપણની સહેલીઓ; લગ્ન પછી ઘણા વર્ષે આજે અચાનક એકસાથે બજારમાં મળી ગઈ. ત્રણેય બજારમાં જ્યુસ પીતાં પીતાં પોતાનાં પતિ અને સાસરિયાની વાતો એકબીજાને જણાવતી હતી.
નેહા પોતાના પતિના અને સાસરિયાના કંઈક વધારે જ ગુણગાન ગાઈ રહી હતી. નેહાની વાત સાંભળીને હેમા અને પ્રિયાને લાગ્યું કે ચોક્કસ નેહાએ પોતાના ચહેરા અને જીવન પર એક મુખવટો ચડાવી લીધો છે. છતાંય તે બંને બધું ભૂલીને પોતાની જેમ નેહા પણ જાહોજલાલીમાં રાજ કરે છે તે જાણી ખુશ થાય છે. ત્રણેય સહેલીઓ એકબીજાને પોતપોતાનાં ઘરનાં સરનામાં આપી અને છૂટા પડે છે.
અચાનક ફરી એક દિવસ પ્રિયા અને નેહા રસ્તામાં મળી જાય છે, નેહા પોતાના ચહેરાને વારંવાર સાડીથી ઢાંકી રહી હતી. નેહાની દીકરી સાથે જ હતી, પ્રિયાએ કંઈક જોયું એટલે તરત નેહાને પૂછ્યું કે, "કંઈ પ્રોબ્લેમ છે ? આ નિશાન શેના દેખાય છે ?" નેહા કશું બોલી નહીં; પણ તેની દીકરી, "એ તો પપ્પા..!" એટલું બોલી ત્યાં નેહાએ તેને ચૂપ કરાવી દીધી અને સારું પછી મળીએ કહી ચાલવા લાગી.
