purvi patel pk

Comedy

3  

purvi patel pk

Comedy

મૃત્યુ પછીનું જીવન

મૃત્યુ પછીનું જીવન

3 mins
159


સેવકરામ, પોતે ખૂબ જ નીતિ નિયમવાળા વ્યક્તિ. 'ખોટું કરવું નહીં ને, ખોટું કરવા દેવું નહીં' એવી નીતિથી ચાલનાર સેવક રામનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું. ગામમાં વાત ફેલાઈ ગઈ. સેવકરામ ધામમાં ગયા. લોકો ઘરે ભેગા થવા લાગ્યા. ઘરના આગલા રૂમમાં શબ પડ્યું હતું. તેના પર સફેદ ચાદર ઓઢાડેલી હતી. ફૂલ પાથરેલા હતા. ગળામાં સુખડના હાર પહેરાવેલા હતા. 

અચાનક સેવકરામને લાગ્યું કે, તે બધું જોઈ શકે છે. તેનું મૃત્યુ થઈ ગયું છે. શરીર નિશ્ચિત પડ્યું છે, પરંતુ તેનો આત્મા બધું જોઈ શકે છે. સેવકરામ ધીમે રહીને બેઠો થયો. કોઈને કશી ખબર ન પડી. એટલે તે ધીમે રહીને ઊભો થઈ પત્ની પાસે ગયો. પત્ની માટે તેને દુઃખ લાગતું હતું કે, 'બિચારી કેટલી શોખીન સ્વભાવની અને હવે તેણે વિધવાની જેમ રહેવું પડશે. જે હોય તે. મારી પત્ની મને પ્રેમ કરતી હતી.' સેવકરામ નજીક ગયા. પત્ની અને તેની દીકરી બંને નીચા મોઢે રડવાનો માત્ર અવાજ કરી રહી હતી. પત્ની સાવિત્રીએ માથે લુગડાનો છેડો ઓઢયો હતો અને તેનાથી જ મોં ઢાંકી રાખ્યું હતું. દીકરી દુપટ્ટા પાછળ ચહેરો છૂપાવ્યા કરતી હતી. કાન સરવા કરતા સેવકરામને સંભળાયું કે, બંને રડવાના ખોટા અવાજની સાથે વાતો પણ કરતી હતી. 

'ઉં.. ઉં.. તારા બાપા મને છોડીને ચાલ્યા ગયાઆ.. આ.. પણ હું હવે છૂટી થઈ. કેટલું બંધનમાં રાખી મને અત્યાર સુધીઇ.. ઇ..ઇ..'

'એ.. એ..ઓ મમ્મીઇ.. પપ્પા આપણને મૂકીને જતા રહ્યા. મને કેવો વર પોરવી ગયાઆ.. આ.. સાવ સાદા પાન જેવો..'

સેવકરામ તો આભો જ બની ગયો. 'લો બોલો. પત્નીને મારો પ્રેમ બંધન લાગતો હતો ને, દીકરીને સીધો-સાદો સરસ છોકરો શોધી આપ્યો તો, સાદા પાન જેવો લાગ્યો.' બંનેની વાતો પરથી સેવકરામ સમજી ગયો કે, જેટલું એ વિચારતો હતો, એટલું એના જવાનું દુઃખ આ લોકોને લાગ્યું નથી. દુઃખી મને એ ત્યાંથી ઊઠી દીકરા પાસે ગયો. તો દીકરો એના મિત્ર સાથે દુઃખ લાગવાનું નાટક કરતો ઉતરેલા મોઢે વાત કરતો હતો. 

'આખી જિંદગી નીતિ-નીતિ કરતા રહ્યા. મારા માટે વધારાનું કશું છોડી નથી ગયા મારે પણ આખી જિંદગી કરિયાણાની દુકાને બેસી પડીકા જ વાળવા પડશે.'

સેવકરામ વિચારે કે, આટલી સરસ ઘરની દુકાન, ચાલુ ધંધો અને બેઠી ગાદીએ બેસવા મળ્યું, તેની તેના દીકરાને કદર નથી. અફસોસ સાથે બિચારો સેવકરામ તેના ખાસ મિત્ર તરફ જવા લાગ્યો. બે ઘડી તેને થયું કે, મારો મિત્ર તો મારા માટે ખરેખર દુઃખી જ હશે !

'ગયો. આખરે સેવક દુનિયા છોડી ગયો. ચાલો હવે હું થોડો છૂટ્યો. રોજ રોજ એની નીતિ અને સદાચારની વાતો સાંભળીને મારા કાન પાકી ગયેલા. પણ, શું થાય એ મને જ પાકો મિત્ર ગણતો હતો એટલે મારે મિત્રતા પરાણે નિભાવવી પડતી હતી.'

ખાસ મિત્ર બાજુમાં ઉભેલા પશાકાકા સાથે આવી વાત કરતો હતો. સેવકરામ તો ત્યાં જ માથું પકડી બેસી ગયો. 'મિત્ર આને કહેવાય ? મારો તો જન્મારો નિષ્ફળ ગયો. હે, ભગવાન ! સારું થયું તે મને વહેલો લઈ લીધો. નહિતર આ જુઠ્ઠી દુનિયાને મારો ભાર લાગતે. સારું થયું ભગવાન, સારું થયું. તે મને લઈ લીધો.'  

ફરી આત્મા સેવકરામનું શબ પડ્યું હતું, ત્યાં જઈને સૂઈ ગયો. હજી તો પૂરું શરીર સુતું ના સૂતું, ત્યાં તેની બહેન મોટેથી રડતી પોક મૂકતી આવી.

"ઓ.. મારા નાનકા... તું મને છોડીને જતો રહ્યો. તું મારા કરતાં પહેલો જતો રહ્યો..ઓ..ઓ..'

સેવકરામને હાશ થઈ. ચાલો મારી બેનને તો મારા જવાનું દુઃખ થયું. ત્યાં જ રડતા રડતા સેવકરામના કાન પાસે આવીને બેન ધીમા અવાજ સાથે બોલી, 'અલ્યા, નાનકા ! અમારા માટે કંઈ મૂકી ગયો છે કે નહીં ? ઘરમાં મારોય ભાગ હોય !'

લો બોલો. સેવકરામ તો બિચારો બીજી વાર મરી ગયો. એટલે ઉપરથી ભગવાને પ્રગટ થઈને સેવકરામને પૂછ્યું, "બોલ ભાઈ સેવક, પાછું જીવતા થવું છે ? તારી નીતિ સદાચારની વૃત્તિને કારણે તારા પુણ્ય તપે છે. તું ઈચ્છે તો, તને એક ચાન્સ આપી શકું છું." 

"ના, ભગવાન ના. આ પાખંડી દુનિયાના આવા રંગ જોઈને હવે મારે ફરી નથી જીવતા થવું. ભગવાન, લઈ લો મને, તમારી પાસે જ લઈ લો."

"લઈ લો, લઈ લો." 

"અરે ! શું લઈ લો ? સાંભળો છો ? અરે ! ઓ જીગાના બાપુ. ઊઠો, આંખ ઉઘાડો. આમ શું લઈ લો, લઈ લો કરો છો ?"

સેવકરામને લાગ્યું કે કોઈ તેને હચમચાવી રહ્યું હતું. અચાનક જોયું તો તેની પત્ની તેને ઊઠાડી રહી હતી. થોડીવારે એને સમજાયું કે, આ તો સ્વપ્ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy