મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
કોઈ આપણને પુ કે તમને સુખ ગમે કે દુઃખ ? તો કહીશું સુખ બરોબરને ? જીવનમાં સુખનો અનુભવ થયા પછી જો દુઃખનો અનુભવ થાય તો ગમતું નથી. આપણે હંમેશાં કાયમી સુખ શોધીએ છીએ. એ સુખ એટલે સનાતન સુખ કે જેમાં આપણને સંસારનું કોઈ જ દુઃખ સ્પર્શી ના શકે અને ત્યારે જ આત્માની મુક્તિ થઈ જાય એને જ મોક્ષ કહેવાય.
આપણે જીવતા જ સંપૂર્ણ મોક્ષ મેળવવો હોય તો આત્માના અજ્ઞાનથી મુક્ત થવું પડે. જ્યારે મુક્ત થઈએ ત્યારે જીવનમાં બધું સીધુ અને સરળ લાગશે, શાંતિનો અનુભવ થશે અને કર્મોથી મુક્તિ મળશે. મોક્ષ એટલે , “ સંપૂર્ણ પણે મુક્તિ પામેલા આત્માઓનું કાયમનું નિવાસસ્થાન. ”
મોક્ષ શાસ્ત્રો કે વેદ પુરાણથી નથી મળતો. અનુભવ જ્ઞાનથી મળે છે. આ જ્ઞાન અનુભવી પાસેથી જ મળે. “ કાગળ પર દોરેલો દીવો પ્રકાશ નથી આપતો. ” એક જ્ઞાની જ બીજાનાં જીવનમાં પ્રકાશ લાવી શકે છે. શાસ્ત્રો ભૂલો નહીં બતાવે પણ પ્રત્યક્ષ જ્ઞાની જ આપણી ભૂલો બતાવી શકે. એટલે જ મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જવું જ પડશે.
આપણાં જીવનમાં આપણે કોઈપણ ધર્મનું આચરણ કરતાં હોઈએ છીએ. નોકરી ધંધો કરીએ, લગ્ન કરીએ, બાળકો થાય, ઘરનું ઘર થાય આ બધું કરવા પાછળનો એક જ આશય હોય છે કે શાંતિ મળશે ! પણ ના, આમાં તો દુઃખ પણ સાથે જ આવે છે. જેટલાં કર્મો એટલાં દુખ પણ ખરા જ ! માટે જ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે આત્મજ્ઞાન જરૂરી છે.
મૃત્યુ પછીની મુક્તિ શું કામની ? શું ત્યારે મોક્ષ મળશે જ એવી ખાતરી ખરી ? ના ! તો પછી આપણે જીવતાં જ મોક્ષ માટેનાં કર્મો કરવા જોઈએ. આપણે આપણી જ ભૂલોને જોઈ શકીએ, સ્વીકારી શકીએ એ જ મોક્ષનું પહેલું પગથિયું છે. એની માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ખૂબજ જરૂરી છે. આત્માને કોઈપણ રાગદ્વેષ વિના શુદ્ધ કરીને એટલું સ્વીકારીએ કે આ સ્થૂળ દેહ છે. તેનો નાશ નક્કી છે. આત્માજ પરમાત્મા સાથે લીન બને છે તેનું મૃત્યુ થતું નથી. તે અવિનાશી છે. આટલી સમજણ. સાથેની જો સિદ્ધિ પ્રાપ્ત થાય તો જ જીવતાં મોક્ષની અનુભૂતિ થઈ શકે છે.
અનંતકાળથી આપણે પોતે દેહ. સ્વરૂપે જ રહ્યા છીએ, પણ આ એક નશ્વર દેહ જ છે. એ મારો નથી પણ એમાં રહેલો આત્મા એ મારો છે જે મને પરમાત્મા સુધી લઈ જશે. આવી સમજ એટલે જીવતાં જ મોક્ષ ! મૃત્યુ પછી આપણા કર્મો મુજબનું જ જીવન મળે છે.
