STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

મોરલીધર પરણ્યો

મોરલીધર પરણ્યો

11 mins
576


"એ... સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે."

"એ... ભાઇ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે."

"એ... આ પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો."

રોજ સવાર પડે અને શેરીએ શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય. ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેરઘેર આ નોતરાં ફેરવતા હતા.

અપચાના ઓડકાર ખાતાં ખાતાં ઘરઘરનાં લોકો કહેતાં કે "હવે તો રોજ રોજ ગળ્યું જમવાનું ભાવતું નથી."

"પણ આજ તો હરખ-જમણ છે, એટલે દૂધપાક-પૂરી હશે."

"હા, તો તો જશું." એમ ખાવાની લાલસા થાકીપાકી છતાં આળસ મરડીને, હિંમત રાખીને, હોશિયાર બનીને જઠરમાં જાગ્રત થતી.

ઘચરકા-વિકારની દવા કરાવવા માટે વૈધની દુકાને ચડેલો દર્દી 'તમારે હમણાં પખવાડિયું ચરી પાળવી પડશે..." એવી વૈધરાજની માગણી સાંભળીને ઊભો થઈ જતો; કહેતો કે, `તો તો અઠવાડિયા પછી જ વાત; હમણાં ન્યાતમાં ને સગાંવહાલાંમાં વિવાડો છે અને દેખીપેખીને ચરી પાળવા ક્યાં બેસીએ, ભાઇસાહેબ !'

એવો એ મહાન વિવાડો હતો. જમણ-ભોજન સિવાયનું સર્વ જગત ક્ષણભંગુર હતું. પ્રજા પાસે દોલત નથી, એ વાત ગલત હતી. લોકોનાં હૈયાંમાં ગુલામીની વેદના સળગે છે, એ કથન વાહિયાત હતું. પ્રજાએ, ઓહોહો, કેવી સમદ્રષ્ટિ કેળવી હતી ! જવાલામુખીના શિખર પર બેસીને પણ વિવાડો માણવાની કોઇ અલૌકિક આત્મશક્તિ આ આર્ય જાતિના કલેવરમાં પડી હતી. પાસે શબ પડ્યું હોય તોયે વિવાહ તો ચાલુ જ હતા. જમી કરીને લોકો સ્મશાને જતા, સ્મશાનેથી આવીને જમણવારમાં જતા.

ઢોલીનો ઢોલ ચારેય પહોર ધ્રુસકતો હતો. વાઘરાંને, ઝાંપડાંને અને કૂતરાંને અધરાતે એંઠવાડ વહેંચાતો હતો. ગીતો બસૂરાં-બસૂરાં તોયે ગવાતાં હતાં. વાધ, ચિત્તા અને દીપડાનું કોઈ વૃંદ હોય તેવા વેશધારી બેન્ડવાજાંવાળાઓ ખાસ ત્રીસ રૂપિયાને રોજે રાજધાનીમાંથી આવીને ગામ લોકોની સમૃદ્ધિની સાબિતી આપતા હતા. સંગીતનો મિથ્યા મોહ કોઇએ રાખ્યો જ નહોતો.

બે છલોછલ ટ્રંકો ભરીને કપડાંલતાં સાથે મોરલીધર પરણવા ઊતર્યો. રાજથળી દરબારની ખાસ બે ઘોડાની ગાડી એને સ્ટેશને લેવા ગઈ હતી. પોતાના ગામના દેશાવર ગયેલા ભાઇઓ પૈકી જેની જેની સ્થિતિ સારી બંધાયેલી માલમ પડતી તેને તેને દરબાર આ રીતે ગાડી સામી મોકલવાનો શિરસ્તો રાખતા. મોરલીધરનાં સગાંવહાલાંઓ તથા ગામના આગેવાનો સ્ટેશન લેવા ગયેલ, ત્યાં પણ તેઓએ ચા-નાસ્તાની સગવડ કરી હતી. મોરલીધર લગ્ન કરવા ઊતરે છે એ સહુને મન મોટો બનાવ થઈ પડ્યો હતો. સ્ટેશનેથી ગામ પાંચ ગાઉ દૂર હતું, એટલે રાસ્તામાં પણ એક-બે ગામડાંને પાદરે ચાપાણીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગામના સોનીની બે દુકાનો હમણાં હમણાં રોજગાર વિના બેઠી હતી, તેને ધમધોકાર ઉધોગ ઊઘડ્યો. દેશના ચાલુ ઘાટ ઉપરાંત મોરલીધર હાથની બંગડીના અને પગના છડાના કેટલાક પરદેશી સુંદર નમૂનાનો પણ લાવેલ તે ફેશનના દાગીના તૈયાર થવા લાગ્યા. એવા નાના કસ્બાતી ગામમાં પરણેલી સ્રીઓથી કાનમાં એરિંગ ન પહેરાય. તે છતાં પણ મોરલીધરને આ ઝૂલતા, ફૂલોની મંજરીઓ જેવા, ગાલ પર ઝલક-ઝલક ઝાંય પાડતા અલંકારોનો બડો મોહ હતો, તેથી ગામ-લોકોથી કશું કહી ન શકાતું. ઊલટું એમ બોલાતું થયું કે, "હોય, ભાઈ; નસીબદારનાં ઘરનાં નહિ પે'રે તો પે'રશે કોણ બીજું ?"

એ દેખીને તો ગામની બીજી બે-ત્રણ કન્યાઓએ પણ એરિંગોની હઠ કરી, અને માવતરોએ મોરલીધરની કુલીનતાની નકલ કરવામાં કશો જ વાંધો લીધો નહિ.

રોજની બેઠક ચાલુ થઈ. મોરલીધરને ઘેર ચાનું તપેલું ચારેય પહોર સગડીચૂલા પર ઊકળતું થયું. કેટલાક તો ત્યાં આવીને જ દાતણ કાઢતા.

ઔદિચ્ય બ્રાહ્મણોની ન્યાતનું નાક ગણાતા મહેશ્વર મહારાજ રોજ આવીને કહેતા કે, "આ વખતે તો મોરલીધરભાઇ પાસેથી લગનની ચોરાસી જમ્યા વગર છૂટકો નથી. નહિ તો અમે બ્રહ્માના પુત્રો લીલા માંડવા હેઠ લાંધશું."

મામલતદાર, કે જેને ભૂતનાથની માનતાથી પિસ્તાલીસમે વર્ષે પુત્ર સાંપડ્યો હતો. તેમણે આવીને જણાવ્યું કે, "જુઓ, શેઠ, અત્યારથી સવાલ નોંધાવી જાઉં છું કે ભૂતનાથની જગ્યામાં ત્રણ ઓરડા ખાલી રહેલ છે, તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા તમારે આ વેળા કરાવી આપવાની જ છે."

"ખુદ સાહેબ ઊઠીને વેણ નાખે છે, મોરલીધરભાઇ !" બીજા શેઠિયા બોલી ઊઠતા: "સાહેબનું વેણ કંઇ લોપાશે !"

એ રીતે સ્વામીનારાયણનું મંદિર એક વધુ ઘુમ્મટ માગતું હતું. પાંજરાપોળને ચાર દુકાનો ઉતારી હોટલોનાં ભાડાં રળવાં હતાં. અને તે તમામે આવીને મોરલીધરભાઇના લક્ષ પર આ માગણીઓ નોંધાવી દીધી. મોરલીધર એટલે ગામ-લોકોને મન તો સોનાનું ઝાડવું: સહુ ખંખેરવા લાગી પડ્યાં.

મોડી રાતે બીજા સહુ વીખરાતા ત્યારે દાક્તર સાહેબ એકલા જ બેસી રહેતા. મોરલીધરનો તમામ આધાર દાક્તર પર હતો. દાક્તર અનેક પુસ્તકો ઉથલાવીને, ફેરવી-ફેરવીને ડોઝ, પડીકી, માલીસનું તેલ વગેરે એકસામટી ત્રેવડી ઔષધિઓ આપતા. સૂર્યસ્નાન, શીર્ષાસન વગેરે કુદરતી ઇલાજો પણ ચાલુ કરવામાં આવ્યા હતા.

મોરલીધરનું આ નવું વેવિશાળ આટલી નાની વય છતાં પણ ત્રીજીવારનું હતું. ચાર વર્ષની અંદર જ એણે બે વહુઓના જાન ગુમાવ્યા હતા.દેખીતી રીતે આ એક દુર્ભાગ્યની ઘટના કહેવાય છે. તકદીરમાંથી બાયડી ખડે એ ગરીબ માણસને માટે આપત્તિની અવધિ જ છે; પરંતુ સુખી ઘરનો જુવાઅન અંત:કરણને અતલ ઊંડાણે એક ભયાનક ગર્વ અનુભવે છે એ શુ સાચી વાત હશે ? બે નીરોગી અને અલમસ્ત સ્રીઓનાં યૌવનનો ભુક્કો કરી નાખવો એ શું સામર્થ્યની વસ્તુ નથી ગણાતી ? છૂપુંછૂપું, ઊંડેઊંડે, એકાંતે, એકાદ મિત્ર સાથેના ઠઠ્ઠામાં `બહાદરિયો ખરો; બબેને શોષી ગયો !' એવું કંઇક બોલાય છે ખરું ?

ખેર ! મોરલીધરના જીવનની એ પાતળી ખીણમાં ડોકિયું કરવાની શી જરૂર છે ? અંદર જોતા તમ્મર આવે તેવી કૈક કંદરાઓ માનવીના પ્રાણમાં પડેલી છે. લોકોને તો ફક્ત આટલી જ ખબર હતી કે કાલીકટમાં એને એની બીજી વહુ અચાનક મરી ગયાના સમાચાર મળેલા, એટલે હરિચંદ નામના એના મહેતાની બહેન વેરેનું વેવિશાળ ત્યાં એણે પરબારું જ કરી લીધું હતું.

લગ્નની તિથિ જોવરાવવામાં હવે હરિચંદની જ વાટ જોવાતી હતી. હરિચંદના બાપનો કશો ધડો નહોતો. એ એક `રિટાયર' થયેલા સનંદી વકીલ હતા. અરધાપરધા સાગરઘેલડા હતા. કંઇક છાપાંબાપાં અને એલફેલ ચોપડીઓ વાંચવાની વધુ પડતી ટેવને કારણે વિચારવાયુ પણ થઈ પડેલો, અને ધંધામાં એક પ્રવીણ માણસને ન છાજે તેવા કેટલાક ચોખલિયા સિદ્દાંતો પણ એનામાં ઘર કરી ગયેલા. હાથમાં લીધેલો કેસ સાંગોપાંગ ચાલુ રાખવાની છાતી જ ન મળે. અરધેથીય જો માલૂમ પડે કે અસીલનો પક્ષ જૂઠો છે, તો ધગધગતા પાણીનું વાસણ જેમ કોઇ બાળક હાથમાંથી પાડી નાખે તેમ એ મહેરબાન ઓચિંતા એ કેસને પડતો મૂકતા. પરિણામે એના `જુનિયરો' હતા તેઓએ મેડીઓવાળાં ચૂનાબંધ મકાનો પણ કરી નાખેલાં, ત્યારે આ સિદ્દાંતીને ફક્ત મૂછોના ગુચ્છા તથા આંખો ફરતી કાળી દાઝયો સિવાય બીજું કશું જ વધ્યું નહોતું. ગામ લોકો એને રૂબરૂમાં `બાલીસ્ટર' કહી બોલાવતાં અને ગેરહાજરીમાં `વેદિયો' શબ્દે ઓળખતાં

ઘરમાં પણ એની કિંમત અંકાઇ ગઈ હતી. સ્રી એને નમાલો કહેતી. એક-બે વાર તો સ્રીએ એની ચોપડીઓ પણ ચૂલામાં નાખેલી. દીકરો બાપની આ કંગાલિયત ન સહેવાયાથી દેશાવર ચાલ્યો ગયેલો. પિતાની ભેરે હતી માત્ર પુત્રી ચંપા. છાપામાં કે ચોપડીમાં કંઇક સારો લેખ અથવા છબી આવે તો `ચંપા ! બેટા, અહીં આવ તો !' કહી બોલાવતા, અને એને પાસે બેસારી એના માથા પર હાથ મૂકી એ નવું લખાણ કોઈ અજબ છટાથી વાંચી સંભળાવતા.

"હવે ચંપાનો ભવ શીદ બગાડો છો ?" કહેતી સ્રી હાથમાં હાંડલું હોય તો હાંડલું ને સાવરણી હોય તો સાવરણી લઈને દોડી આવતી. "તમારો ને મારો બગડ્યો તે ઘણું છે ! એના મગજમાં શીદ ભરો છો આ પસ્તીના ડૂચા ! એને વેઠવાનું છે પારકું ઘર : એટલું તો ભાન રાખો !"

"ના, મારે તો ચંપને પરણાવવી જ નથી."

"લ્યો, જરા લાજો - લાજો બોલતાં."

"અરે ગાંડી, વિલાયતના વડા પ્રધાન મૅકડોનાલ્ડની દીકરી, એના બાપ ભેળી જ રહીને બાપનો વહીવટ કરે છે: ખબર છે ?"

"હા, એટલે તમેય રાખજો ચંપાને તમારી પસ્તીનો વહીવટ કરવા."

"બસ, હું બનીશ મૅકડોનાલ્ડ, ને મારી દીકરી ચંપા બનશે મારો મંત્રી : ખરું ને, બેટા ચંપા ?"

ચંપાને બાપની અનુકંપા આવતી. છાનીછાની આવીને ચંપા બાપુ પાસેથી રોજનું નવું છાપું જોઈ જતી. મા આઘીપાછી હોય ત્યારે બાપુને ચાનો વાટકો પણ ઝટઝટ તલસરાં બાળીને કરી દેતી.

બહેન ચંપાનું સગપણ એના ભાઇ હરિચંદે કાલીકટમાં બારોબાર મોરલીધર વેરે કરી નાખેલું અને તેના સમાચાર એણે પોતાની બાને પહોંચાડેલા - કે જેથી બા તાબતડોબ બાજુના કોઇ ગામડામાં જઈને હરિચંદનું સગપણ પણ કરી કાઢે. મોરલીધરને બીજી કોઇ કન્યા આટલી સસ્તી સાંપડત નહિ; અને હરિચંદનું વેવિશાળ પહેલી વારનું છતાં વગર કોથળીએ થાત નહિ. ચંપાનો વકરો એ રીતે ખપ લાગી ગયો અને બન્ને ભાઇ-બહેનનાં લગ્ન લેવાનું નક્કી થઈ

ગયું. ફક્ત ચંપાનો બાપ `બાલીસ્ટર' જ આમાં રાજી નહતો. એ ઘરના મેડા ઉપર બેસીને બબડતો જ રહ્યો. સ્રીએ કહી દીધું કે, "બબડી લ્યો જેટલું બબડવું હોય એટલું. હું દીકરીને ક્યાં - કોઠીમાં છાંદી મૂકત ! એણે તમારું શું બગાડ્યું છે ? બાપ છો કે વેરી ? એનું ઘર બંધાય છે એય જોઈ શકતા નથી ?"

હરિચંદની જ રાહ જોવાતી હતી. `બાલીસ્ટર'ની પરવા તો નહોતી મોરલીધરને કે નહોતી બીજા કોઇને. એને તો ચંપાના વેવિશાળની ખબર પણ ત્યારે જ પડી, જ્યારે ચંપાને એક દિવસના છાપામાં આકાશી વિમાન ઉરાડનારી કુમારી એમી જોનસનનું ચિત્ર દેખાડવા બોલાવતાં બાપે એના કપાળમાં ચોખાવાળો ચાંદલો અને શરીર પર હેમના નવા દાગીના દીઠા.

તે દિવસે એ મેડેથી ઊતર્યો ત્યારે ત્રણ-ત્રણ પગથિયાં સામટાં ઊતર્યો. એનાં ચશ્માં ફૂટ્યાં, એ પડતો પડતો રહી ગયો. એણે સ્રીને ફાટી આંખે પૂછ્યું: "હે, ચંપાનું વેશવાળ કર્યુ ? મોરલીધર વેરે ? મને પૂછ્યું પણ નહિ ?"

"લ્યો, હવે જાવ: મેડે ચડીને નિરાંતે પસ્તી વાંચો. વેવાર હલાવવાની જો રતિ નથી, તો પછેં બીજાંને હલાવવા તો ધો !"

એ મેડે ચડી તો ગયો, પણ ત્યારથી નીચે જમવા પણ નહોતો ઊતરતો. મા ચંપાની સાથે એનું `ઠોસર્યુ' - અર્થાત્ ભાણું - મેડે જ પહોંચાડતી. બાપે ચંપાને તે દિવસથી છાપાં બતાવવાં બંધ કર્યા, વાતો પણ બંધ કરી. થાળી દેવા જતી ચંપા બાપની છાતીમાંથી એક પછી એક ડોકિયાં કરી રહેલ પાંસળીને નિહાળતી અને બાપની ભીની આંખોના ઊંડા ખાડામાં નાની નાની બે ચંપાઓને આંસુમાં નહાતી જોતી.

આખરે હરિચંદ પણ એનું વેવિશાળ થઈ ગયું હોવાનો તાર મળવાથી પરણવા ઊતર્યો. રતિવિહોણા બાપનો પોતે રાંક પુત્ર, ઉંમર હજુ નાની છતાં બાહોશીથી બહેનને ઠેકાણે પાડી, પોતેય ઠેકાણે પડી શક્યો, માનું હૈયું ઠાર્યુ, અને બાપની હાંસીને સ્થાને પોતાની ડાહ્યપ સ્થાપી દીધી - એથી હરિચંદનું દિલ ભર્યુ ભર્યુ બની ગયું હતું. વિવાહ પણ સૌ જોઇ રહે એવો મોભાસરનો કરવાની એની ઉમેદ હતી. મોરલીધરના લગ્ન ઉપર એમના અંગ્રેજ આડતિયાની પેઢીનો જે પારસી મૅનેજર આવવાનો હતો તેને પોતે પણ પોતાની જાનમાં એકાદ ટંક બપોર પૂરતો લઈ જાય એવો એનો મનોરથ હતો. એટલી ઇજજત-આબરૂ પરદેશ ચરબી ચડાવનારી વિલયતી કંપનીનો પારસી મૅનેજર એક વણિકના પુત્રની જાનમાં એક ટંક આવે એ પ્રતિષ્ઠાએ કંઇ જેવીતેવી છે ! પોતે ગામમાં દાખલ થયો તે દિવસે વિવાડાના ઠાઠમાઠ અને ઉછરંગ જોતાં એને પણ `કૉંટો' આવી ગયો કે સહુનું ઝાંખું પડી જાય એવી જુક્તિ પોતે પોતાના ઘરનાં લગ્નોમાં જમાવશે. અનેકની આંખોમાં આજે ચંપાના અહોભાગ્યની અદેખાઇ થતી હશે, એ વિચાર અત્યારે હરિચંદના હૈયામાં ફૂલેલ ડોકવાળા કબૂતર-શો ઘૂઘવી રહ્યો હતો.

મેડે બેઠેલ બાપે હરિચંદને પાસે બોલાવ્યો; કહ્યુ: "ભાઇ, મારે એક વાત કહેવી છે."

"તમારે ચંપાના નવા સંબંધ વિષે કાંઇ જ કહેવાનું નથી. બીજું જે કહેવું હોય તે કહો."

"પણ, ભાઇ, આમાં બેનનો ભવ -"

વધુ ન સહેવાયાથી હરિચંદ ઊઠી ગયો. લગ્ન લખવા માટે એણે મહાજન તેડાવ્યું. બીજાંને ત્યાં ફક્ત ચા મળે છે પણ હરિચંદ તો કેસરિયાં દૂધનો કઢો પિવરાવવાનો છે, એ સાંભળીને મહાજનમાં ન ખપે એવા પણ ઘણા માણસો હાજર થયા. નીચે સ્રીઓ પણ ગાવા એકઠી મળી. મહાજનમાં પ્રશંસા ચાલી:

"હરિચંદે પણ નાની ઉંમરમાં નામના સારી કાઢી."

"બેનને ભારી ઠેકાણે પાડી ! ભાઇ હોય તો આવા હોજો !"

"નીકર, ભાઇ, આ ઘરનું કામ સો વરસેય સરેડે ચડે એવું થોડું હતું !"

"બાપ બચારા સાગરઘેલડો: સળી તોડીને બે તણખલાંય ન કરી શકે. ક્યાં છે બાલીસ્ટર, હેં હરિચંદ ?"

"મેડે બેઠા છે."

"બોલાવો તો ખરા ! દીકરીના બાપે હાજર તો રે'વું જોવે ને ?"

"એ વેદાન્તમાં ઊતરી ગયેલને આ સંસારી માયા ગમતી નથી." એમ વાતો થાય છે, અને જ્યાં નીચેના ઘરમાં પહેલું -

માંડવડે કાંઇ ઢાળોને બાજોઠી, કે કંકુ ઘોળો રે કંકાવટી...

એ ગીત ગવાઇ ગયા પછી -

કે રાયવર, વેલેરો આવ !

સુંદર વર, વેલેરો આવ !

તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે...

- એ રસભર્યુ, કન્યાના હ્ર્દયમાં નવવસંતના વાયુ-હિલ્લોળ જગવતું, પોઢેલા પ્રેમપંખીને હૈયાના માળામાંથી જાગ્રત કરતું, સ્થળ-કાળના સીમાડા ભૂંસાડીને હજારો યોજન પર ઊભેલાં વિજોગીઓની વચ્ચે મિલન કરાવતું, તલસાવતું, પલ-પલની વાટડીને પણ યુગ સમી વસમી કરી મૂકતું બીજું ગીત ઊપડ્યું, અને અહીં બ્રાહ્મણના મંત્રોચ્ચાર મંડાયા, નગરશેઠે લેખણ લઈ લગ્ન કંકોતરી લખવા માંડી ત્યારે સહુના કાન ફાડી નાખે તેવો આર્તનાદ પડખેના મેડામાંથી સંભડાયો. એ રુદનમાં હજાર વીંછીના ડંખો હતા; એકસામટા સાત જુવાનજોધ પુત્રો ફાટી પડ્યાની વેદના હતી. એવું રુદન માનવીના ગળામાંથી જીવનમાં એકાદ વાર માંડ નીકળે છે. જાણે કોઇ સળગતા ઘરની અંદરથી પંદર માણસોનો આખો પરિવાર ઊગારવા માટે ચીસો પાડી રહ્યો છે.

"આ શું થયું ?" કોણ રુવે છે?" પૂછતાં સહુ સ્તબ્ધ બન્યા. વિલાપ વધારે વેધક બન્યો. રસ્તે રાહદારીઓ ઊભા રહી ગયાં. જાણે કોઇની હત્યા થતી હતી.

"કોણ રુવે છે ?"

હરિચંદ જોવ જાય ત્યાં તો ચોધાર આંસુડે છાતીફાટ રોતો, જાણે ગાંડો થઈ ગયો હોય તેવો એનો પિતા આવ્યો. ચિતાના ઢેળાખામાંથી બળતુંબળતું શબ ઊઠ્યું હોય એવી એની દશા હતી.

"આ શું ! બાલીસ્ટર કેમ રુએ છે ! શું છે, બાલીસ્ટર !"

નાના બાળકની માફક તરફડિયાં મારીને રોતો, કપાળ કૂટતો ચંપાનો પિતા બોલી ઊઠયો: "મારી ચંપાને ગરદન મારો, ચાય કૂવે હડસેલો; પણ તમે એને સાત પેઢીને શીદ આમ સળગતી આગમાં હોમી રહ્યા છો ?"

"પણ શું છે એવડું બધું, અરે બાલીસ્ટર !"

"તમે દાક્તરી તપાસ કરાવો."

"કોની ?"

"મોરલીધરની. તમે ડાહ્યાઓ કાં ભૂલો ? એટલુ તો વિચારો, કે એની પહેલી વહુને આખે શરીરે વિષ્ફોટકવાળું બાળક અવતરેલું; અને બીજીને ત્રણ કસુવાવડો થઈ હતી. એના રોગની કલ્પના તો કરો. મારી ચંપાને - મારી ફૂલની કળી જેવી ચંપાને રૂંવે રૂંવે ફૂટી નીકળશે, એની સંતતિને ય લાગી જશે. એનો છૂપો રોગ -"

સહુ સમજી ગયા હોય તેમ એક્બીજાનાં મોં સામે જોવા લાગ્યા.

"ચાં-દી." કોઇકનો ધીરો સ્વર ઊઠ્યો.

"મારી ચંપાને તમે પાલવે ત્યાં પરણાવો, હું આડો નહિ પડું. મારો હરિચંદ ભલે બહેનને વેચીને પોતાનો સંસાર બાંધે. પણ આ નરકમાં ! તમે કોઇ દાકતરી તપાસ કરાવો." પિતા પાગલની પેઠે રોતો હતો. "નીકર મારાને મારી ચંપાના તમને એવા કકળતા નિસાસા લાગશે કે તમારી બહેનો-દીકરીઓનાં ધનોતપનોત નીકળી જશે. હું જિંદગીમાં કદી રોયો નથી. મારું આ પહેલુ અને છેલ્લુ રોણું સમજજો તમે, મહાજનના શેઠિયા ! હજારો દીકરીઓના સાચા માવતર ! ઘરેણાં-લૂગડાંના ધારા બાંધો, લાડવા-ગાંઠિયાના ધોરણ ઠરાવો; પણ તમને કોઇને કેમ સૂઝતું નથી કે વર-કન્યાનાં શરીરની શી દશા છે !"

મહાજન થંભી ગયું હતું. તેમાં બે ભાગલા પડયા. બે સૂર ઊઠ્યા:

"શરીર-પરીક્ષાનું આ એક નવું તૂત, ભાઇ !"

"એમાં ખોટું શું છે ?"

"કાલ તો કહેશો કે, વરનું નાક ચપટું છે તે મોટું કરાવો."

"એમ વાતને ડોળો મા. ચાંદી-પરમિયાનો રોગી ચાય તેટલો પૈસાવાળો હોય તો પણ કુંવારો રહે."

"એ...મ ?" મોરલીધરના પક્ષકારોની આંખો સળગી: "કોને રોગ છે ! કોણ કુંવારો રહેશે ? કોણ કન્યાને સવેલી લઈ જવા માગે છે ? આવી જાય બેટો પડમાં."

"આ કકળાટમાં અમે લગન નહિ લખી શકીએ, ભાઇ !" એમ કહીએ મહાજન ઊઠી ગયું.

ઢોલી, બૈરાં અને પુરોહિત પાછાં ચાલ્યાં ગયાં.

હરિચંદ અને મા ચંપાને સમજાવવા લાગ્યાં: "તું તારે એમ જ કહેજે કે, બસ, મારે મોરલીધર વેરે જ પરણવું છે : ભલે એ રોગિયલ હોય. હું સતી છું. બીજા મારે ભાઇ-બાપ છે."

ચંપાની કાળી કાળી મોટી આંખોમાંથી જવાબરૂપે આંસુ ઝર્યા.

દક્તરી પરીક્ષા: દાક્તરી પરીક્ષા: વરકન્યાની દાકતરી પરીક્ષા: ઘરેણા-લૂગડાં અને કેળવણી કે કુલીનતા કરતાંય વધુ જરૂરી: એ મંત્ર ગામમાં રટાવા લાગ્યો. અનેક માબાપોએ પોતપોતાનાં પરણાવી રાખેલાં સંતાનોની ઊંડી વેદનાઓના તાગ લીધા, તો તળિયેથી આ ભયંકર વાતો નીકળી પડી.

પણ મોરલીધર આ વાત ઝાઝી ચર્ચાય એવું ઇચ્છતો નહોતો.

"મારે સર્ટિફિકેટ શા માટે લાવી આપવું ? શું ગામમાં એ એક જ કન્યા છે ? અરે, એની આંખ આંજીને એની છાતી સામે જ બીજી કોઇ પણ કન્યા લઈ આવું - ને એ ધૂળ ફાકતાં રહે. લાખ વાતેય મારે લગ્નનું મૂરત ખડવા દેવું નથી."

અને થોડા જ કલાકોમાં ચંપાના અંગ ઉપરથી ઘરેણાંનો ઢગલો ઊતરી ગયો, ને ગામના એક કરજદાર સટોડિયાની વીસ વરસની દીકરીના શરીરને એ જ આભૂષણો શોભાવવા લાગ્યાં. નક્કી કરેલાં મુહૂર્તે મોરલીધર ચંપાના ઘરની સામેને જ ઘેર નાખેલા માંડવામાંથી મૂછે તાલ દેતો ધરાર બીજી 'નસીબદાર' કન્યાને ગાલે પેલાં એરિંગો ઝુલાવવા ઉપડી ગયો, અને 'ભાગ્યહીન' ચંપા જોતી રહી ગઈ.

હરિચંદની સોહાગ-રાત્રિ તો આવી આવીને પાછી કેટલે દૂર ચાલી ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Classics