Mahatma Gandhi ji

Classics

0  

Mahatma Gandhi ji

Classics

મોહનદાસ કરમચંદ ગાંધી બચપણ

મોહનદાસ કરમચંદ ગાંધી બચપણ

3 mins
488


પોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઇ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઇશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઇસ્‍કૂલમાં. આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ?’ એવી બીક પણ રહેતી.

હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઇ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઇ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું.

આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજયો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.

આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઇ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઇએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભકિત નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઇ જાય છે એ દશ્‍ય પણ મેં જોયું. બન્‍ને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.

આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્‍યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું


Rate this content
Log in

Similar gujarati story from Classics