Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Vrajlal Sapovadia

Drama


3  

Vrajlal Sapovadia

Drama


મંત્રીઓ જયારે હાથવગા હતા

મંત્રીઓ જયારે હાથવગા હતા

4 mins 414 4 mins 414

ભારત જેવડા દેશના વડા પ્રધાનને પોસ્ટ કાર્ડ લખો ને તે માણસ વળી વળતો જવાબ પોતાના હાથથી શાહી વાળી પેનથી પોસ્ટ કાર્ડ દ્વારા લખે તે વાત માનવામાં આવે ખરી? એક વાર ભારતના વડા પ્રધાન રહ્યા હોય એ માણસ મુંબઈ ટ્રેનમાં બેસી કોઈ સિકયુરિટી વગર ગુજરાત મેલમાં અમદાવાદ આવે તે વાત માનવામાં આવે ખરી?

1983 ઓક્ટોબરની 17 કે 18 તારીખે કોઈ નજીકના સબંધી મુંબઈથી આવતા હતા એટલે મારે તેમને લેવા વહેલી સવારે કાલુપુર સ્ટેશન જવાનું હતું. રેલવે પ્લેટફોર્મ ઉપર સામાન્ય કરતા વધારે ભીડ હતી એટલે મેં જાણવા કોશિશ કરી તો ખબર પડી કે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ગુજરાત મેલમાંથી ઉતરવાના છે. જે સંબંધીને લેવા આવેલ તેને પછી મળીશ એમ વિચારી તે ડબ્બાના સ્થાને જઈને હું ઉભો રહ્યો જ્યાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઉતરવાના હતા. આ અગાઉ એમને એકાદ વખત મળવાનું થયેલ. પોસ્ટ કાર્ડથી પત્ર વ્યવહાર 3-4 વખત થયેલ હતો. મારા આશ્ચર્ય વચ્ચે મોરારજીભાઈએ ઉતરતા વેંત મને જનતા પક્ષનો કાર્યકર માની તેમનો બગલ થેલો મને સોંપી દીધો. મેં થેલો લઇ લીધો, અને બીજો સામાન બીજા કાર્યકરોએ લઇ લીધો. ઘડીભર તો મને કહેતા સંકોચ થયો કે હું તો મારા સાળાને તેડવા આવ્યો છું અને હું તમારા મુકામે આવવાનો નથી. પણ મેં હિંમત રાખી ને કહ્યું તો એમને નિર્લેપ ભાવે કહ્યું કાંઈ વાંધો નહિ બીજા કોઈ કાર્યકરને થેલો આપી દો પણ ગુજરાત વિદ્યાપીઠ મળવા ક્યારે આવો છો? મેં કહ્યું તમે કહો ત્યારે, ને તેમણે કહ્યું 24 તારીખ પહેલા કોઈ પણ દિવસે સવારે 5 વાગે. હું બીજા જ દિવસે સવારે પહોંચ્યો તો મારા આશ્રર્ય વચ્ચે, મળવા વાળાની કતાર લાગી હતી. રાજ્ય સભાના સભ્ય રામલાલ પરીખ અને એમની દીકરી બાજુમાં બેઠા હતા અને બાકીના કાર્યકર થોડા દૂર. મને મારા પ્રથમ નામથી બોલાવી નજીક બેસવા કહ્યું અને જણાવ્યું કે તમને ગઈ કાલે આપેલી કપડાંની થેલી મળી ગઈ છે ચિંતા કરશો નહિ. એ સમયના રાજકારણની સામાન્ય વાતો કરી છૂટો પડ્યો તો જણાવ્યું કે લાલ દરવાજા રામકૃષ્ણ હેગડે અને એન. ટી. રામરાવની  (કર્ણાટક અને આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી) કાલે બપોરે 1 વાગે સભા છે, નવરાશ હોય તો આવજો. હું ગયો અને બંને મહાનુભાવો જોડે મારો પરિચય કરાવ્યો.

મારો પ્રથમ પરિચય મોરારજીભાઈ 1977માં વડાપ્રધાન બન્યા તે પછી અટિરા લાયબ્રેરીનું ઉદઘાટન કરવા આવેલ ત્યારે થયો. વિદ્યાર્થી તરીકે કુતુહલવશ ગયેલ પણ એક જ મુલાકાતે તેમની આભા, સહજતા અને સાદાઈથી અંજાય ગયો. કોઈ કારણસર અટીરાની લિફ્ટ બંધ હતી. તેમની આસપાસના લોકો અને વ્યવસ્થાપકો હજુ ચિંતામાં હતા કે હવે શું કરવું ત્યાં સુધીમાં 82 વરસની ઉંમરે મનમાં કોઈ રોષ વગર સહજતાથી તેઓ ચાર માળ જાતે ચડી ગયા.

એ સમયમાં મેં એમને વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્નો વિષે પોસ્ટ કાર્ડ લખ્યું ને એકાદ અઠવાડિયામાં તેમનો ટાઈપ કરેલ પહોંચનો જવાબ આવ્યો અને બીજી વિગત માંગી. એ પછી તો વારંવાર પોસ્ટ કાર્ડ લખવાનું ચાલુ રહ્યું ને એક વખત મેં દિલ્હી આવી મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમનો પહેલી વખત હાથે લખેલો પત્ર આવ્યો હતો.  તેઓ સ્પષ્ટ વક્તા હતા તેથી ઘણા લોકોને ગમે નહિ. મને પોસ્ટ કાર્ડમાં લખ્યું, પિતાના પૈસે ભણો છો, બાપુજી ગામડે ખેતી કરે છે એટલે એવી રીતે દિલ્હી આવવા જવાના પૈસા બગાડાય નહિ. હું ગુજરાત આવીશ ત્યારે મળવા આવજો. એ વાતને થોડો સમય થઇ ગયો હતો. મારા મિત્રો કહેતા કે એ તો એવી વાતો કરે અને તેમને તો એવા કેટલા લોકો લખતા હોય પણ અમદાવાદ આવે ત્યારે એમને યાદ પણ નહિ હોય. અને મારા આશ્ચર્ય વચ્ચે થોડાક મહિના પછી એક દિવસ બે પોલીસ કર્મચારી હોસ્ટેલ ઉપર આવીને મને સંદેશ આપી ગયા કે મોરારજીભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા છે અને આપને મળવું હોય તો કાલે સવારે 5 વાગે પહોંચવાનું છે. એ પછી તો 1980 માં એમની સરકાર અધૂરી મુદ્દતે પડી ભાંગી ને મેં લખ્યું કે મારે અંગત કારણસર દિલ્હી આવવાનું છે અને આપને મળવા માંગુ છું. તેમનો જવાબ આવ્યો કે બે ઘર નો ખર્ચ ના પોસાય એટલે હું મુંબઈ રહુ છું ને આ મારુ સરનામું! મુંબઈ ના આવવું હોય તો હું ગુજરાત આવીશ ત્યારે તમને જાણ કરીશ. અમેરિકન રાજદૂત સેમુર હર્શે મોરારજીભાઈ સી.આઈ, એ. ના એજન્ટ છે તેવો આક્ષેપ કર્યો ત્યાં સુધી નિયમિત પોસ્ટ કાર્ડ લખતા રહ્યા. છેલ્લા પોસ્ટ કાર્ડમાં સેમુર હર્શે બાબતમાં લખ્યું કે કૂતરા ભસે તો હાથી ચાલ બદલતો નથી.  

આવા બીજા મહાનુભાવ ગુજરાતના મુખ્ય મંત્રી બાબુભાઇ પટેલ હતા. હોસ્ટેલના સફાઈના પ્રશ્નો માટે અમે 4-5 વિદ્યાર્થી સાંજના સમયે ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ ઈશ્વરભાઈ પટેલના બંગલે ગયેલ હતા. અમને ખબર નહિ કે બાબુભાઇ પણ ત્યાં હતા. એ પણ ખબર નહિ કે મુખ્ય મંત્રીને કે કુલપતિને પણ આવા સંજોગોમાં સફાઈ જેવી નાની ફરિયાદ ના કરાય. કોઈ રોકટોક વગર અમને ઈશ્વરભાઈએ મુલાકાત આપી. અમે રજુઆત કરી એમાં બાબુભાઇ વાતમાં વચ્ચે પડ્યા એટલે ગંદકીની સીધી ફરિયાદ બાબુભાઈને જ કરી. બાબુભાઇ ઉભા થઇ મારો કાન પ્રેમથી પકડી બોલ્યા, ઈશ્વરભાઈ જયારે સફાઈ કરાવે ત્યારે હું આજે જ સફાઈ કરવાની વ્યવસ્થા કરી આપું છું. પોતે બાજુમાં પડેલી સાવરણી ઉપાડીને બોલ્યા કે લે તને આ સાવરણી ભેટ આપું છું તારે ગંદકી લાગે એટલે જાતે સાફ કરી લેવાનું કોઈની રાહ જોવાની જરૂર નથી.

લોકનાયક જયપ્રકાશ નારાયણ, આચાર્ય ક્રિપ્લાની, કેન્દ્રીય મંત્રી મોહન ધારિયા (જેમને કટોકટી વખતે તેના વિરોધમાં મંત્રી પદેથી રાજીનામુ આપેલ) તથા આચાર્ય વિનોબા ભાવે સાથે આટલી જ સરળતાથી મુલાકાત અને વાતો થાયેલ. આજનો રાજકીય માહોલ જોતા આ બઘી વાતો કાલ્પનિક લાગે છે.


Rate this content
Log in

More gujarati story from Vrajlal Sapovadia

Similar gujarati story from Drama