'Sagar' Ramolia

Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Inspirational Children

મન મજબૂત, તો કામ સટોસટ

મન મજબૂત, તો કામ સટોસટ

2 mins
533


તેઓ ગૃહપ્રધાન હતા. પણ દેશ આઝાદ થયો અને આ હોદ્દો મળ્યો ત્યાં સુધીમાં તેઓની ઉંમર પણ થઈ હતી અને તેઓને બીમારી પણ ઘેરી વળી હતી. એક બાજુ આંતરડાનું અલ્સર હતું, તો બીજી બાજુ હૃદયની પણ તકલીફ ચાલુ થઈ હતી. આ પરિસ્થિતિ એવી હતી કે કોઈ સામાન્ય માણસ તો પથારીમાંથી ઊભો જ ન થઈ શકે.

પણ આપણા આ ગૃહપ્રધાન તો લોખંડી પુરુષ હતા. પોતાના દૃઢ મનોબળને લીધે પોતાના કામ આડે બીમારીને આવવા નહોતા દેતા. જે નિર્ણય લે તે મન મજબૂત રાખીને સચ્ચોટ જ લે. કયાંય કોઈ કચાશ રાખતા નહિ. તેમના માથે જવાબદારીઓનો પહાડ હતો. એક સમય તો એવો હતો કે પથારીવશ રહેવું પડયું અને ઓક્સિજન પણ આપવો પડયો. છતાં પણ પોતે પસંદ કરેલા માણસોને કામ સોંપતા જાય અને કામ પાર પાડતા જાય.

દેશી રજવાડાંઓના વિલીનીકરણનું કામ વી. પી. મેનનને સોંપ્યું હતું. તો નવી દિલ્હીના લશ્કરી વડામથકના મિલિટરી ઓપરેશનના ડાયરેકટર જનરલ ચૌધરી, લશ્કરી કમાન્ડર રોબર્ટ લોકહાર્ટ, રોય બુશર, પશ્ચિમ કમાન્ડના ઓફિસર જનરલ કરિઅપ્પા તથા અન્ય લશ્કરી ઉપરીઓ-અધિકારીઓ સાથે સતત મંત્રણાઓ કરતા અને દેશની પરિસ્થિતિની જાણકારી લઈ તે મુજબ કામગીરી પણ સોંપી દેતા.

જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મજબૂત મનથી મજબૂત નિર્ણયો લીધા. અને દેશને વેરવિખેર થતો બચાવી લીધો. પાંચસો બાસઠ રજવાડાંને એક કરી દીધાં.

શરીરથી બીમાર વ્યક્તિ મન મજબૂત રાખીને આવી સૌથી મોટી જવાબદારી પાર પાડી શકે એવું કયાંય જોવા મળ્યું છે ? એવું તો સરદાર વલ્લભભાઈ પટેલે કરી દેખાડયું.

આપણે પણ બીમારીના ભોગ બનતા હોઈએ છીએ. પણ ત્યારે નાનું કામ કરવાની પણ આપણી તાકાત હોતી નથી. સરદાર આપણને એ શીખવી જાય છે કે, કામ શરીરથી નહિ, મનથી પાર પડે છે, શરીર તો માત્ર કામનું વાહક છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational