STORYMIRROR

Ranjitbhai Boricha

Abstract

3  

Ranjitbhai Boricha

Abstract

મહાપર્વ દિવાળી

મહાપર્વ દિવાળી

4 mins
211

દિવ્યતા પામીએ મહાપર્વમાં,

સદવિચારોના વાહક થઈને,

બનીએ આપણે ભાગ્યશાળી.

ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ એ પરંપરાઓ અને તહેવારોની અમૂલ્ય ખાણ છે. તેમજ ઉજવાતા દરેક તહેવારોનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક તથ્ય સમાયેલું હોય છે. જેમાંનું આપણું એક મહાપર્વ એટલે "દિવાળી". આ શબ્દ જ તન-મનમાં એક અનોખી સ્ફૂર્તિ અને ઊર્જાનો સંચાર કરી દે છે. સૌના જીવનમાં ઉમંગ ભર્યું ચૈતન્ય પ્રસરી જાય. અબાલ-વૃધ્ધ સૌ કોઈના હૃદયને પુલકિત કરી જાય છે. સમગ્ર ભારત વર્ષ સહિત વિદેશમાં વસતા આપણાં દેશવાસીઓ પણ આ અવસરને માણવા માટે તલપાપડ હોય છે.

દિવાળી પૂર્વેના દરેક દિવસો અને તેની વિધીઓનું અનેરું અને અગોચર મહત્વ સમાયેલું હોય છે. એક એક તિથિ, દરેક દિવસનું અનુપમ માહાત્મ્ય હોય છે. નવરાત્રી પર્વના અંતમાં દશેરાના દિવસે પ્રભુ શ્રીરામ અસત્યની સામે સત્યનો વિજય મેળવવા રાવણ વધ કરીને અયોધ્યા પરત આવવા પ્રયાણ કરેલ. તેમજ શક્તિ ઉપાસના કરીને થોડા દિવસ બાદ જ આપણું આ મહાપર્વ આરંભાય જાય છે.

આ બંને પર્વ અને તેની વચ્ચેના દરેક દિવસો કોઈને કોઈ સંદેશ લઈને આવે છે. જેમાં આપણા સમગ્ર જીવનનું પાથેય સમાયેલું જોવા મળે છે. પ્રાચીન ઋષિમુનિઓની અથાગ મહેનત અને દીર્ઘ દૃષ્ટિનું અનોખું દર્શન જોવા મળે છે. આદર્શ રાજા, આદર્શ રાજ્ય, આદર્શ પ્રજા, આદર્શ જીવન અને કરણીનું અપ્રતિમ દર્શન લઈને એનું પરંપરામાં સમાયોજન કરવામાં આવેલું છે.

જેમાં પ્રારંભે જ આવે છે, વાક્ બારસ એટલે કે મા સરસ્વતીની સાધના. વ્યક્તિ અને તેના જીવનનો મૂળ આધાર તેની વાણી થકી જ વર્તનમાં ઉતરે છે. વાણીનો વિવેક અને તેની ઉપાસના એ પણ એક આધ્યાત્મિક તહેવારનું જ સ્વરૂપ છે. નવવર્ષ પ્રારંભમાં જ વ્યક્તિ પોતે વહેચેલા દરેક વિચાર, વિધાન, વાણી અને શબ્દોનું અંતઃકરણ પૂર્વક મનોમંથન કરે, તેમાં રહેલો સાર-અસાર તારવી અને વિદ્યાની દેવી મા શારદાની ઉપાસના કરી આવનારા સમયમાં એમનો પોતાની જિહ્વામાં વાસ થાય એવું વરદાન માગે એ આ દિવસનું મહત્વ હોય છે. મન પવિત્ર, વચન શુદ્ધ હોય ત્યારે જ કર્મ આદર્શ બની શકે. વિદ્યાની દેવી મા શારદાના આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણા શરીરના મહત્વના અંગો; મસ્તિષ્ક અને જિહ્વા માં અહર્નિશ એમનો વાસ રહે એવી સાધનાનો દિવસ એટલે વાક્ બારસ.

ત્યાર પછીનો દિવસ એટલે ધન તેરસ જેમાં લક્ષ્મીની આરાધના કરતાની સાથે વ્યક્તિ એ પોતે કયા રસ્તેથી અને કેવી રીતે (ધન)લક્ષ્મી પ્રાપ્ત કરી છે તેનું મનન અને મંથન કરવાનું પર્વ. જેમાં ભગવાન વિષ્ણુ સહિત માતા લક્ષ્મીની સાધના કરવામાં આવે છે. ધન અને સંપત્તિને હાથનો મેલ ન સમજતા તેને ઈશ્વરનું સ્વરૂપ માનીને તેની આમન્યા જાળવવાનો આ દિવસ. લક્ષ્મી એટલે માત્ર ચલણ કે પૈસો જ નહિ પણ સુખ, સંપત્તિ, સંતતિ અને વૈભવ રૂપી એવું ધન કે જેને પામવા માટે અને પામ્યા પછી એનો યોગ્ય ઉપયોગ કરી શકાય એ માટે પ્રાર્થના થાય. જેમાં પોતાના થકી સર્વોત્કર્ષ માટે પુણ્ય રૂપી સંપત્તિને યોગ્ય રસ્તે અને યોગ્ય રીતે ઉપયોગ કરવાની શક્તિ મેળવવા સાધના થાય.

ત્યાર બાદ આવે કાળી ચૌદશ કે જેના માધ્યમથી વ્યક્તિ પોતાનામાં રહેલા તમામ પ્રકારના દોષો તેમજ દુર્ગુણોને ઓળખી તેને પોતાના જીવનમાંથી વિદાય આપવા માટે માનસિક રીતે કટિબદ્ધ થાય. મોહ, માયા, મદ, લોભ, છલ જેવા અનેક કાળી રાત્રી રૂપી દુર્ગુણો કે જે જીવનમાં માત્રને માત્ર અંધારું જ ફેલાવે છે. માટે જ આ દિવસે તેનો ત્યાગ અને પશ્ચાતાપ કરવાથી ત્યાર પછીનો દિવસ પ્રકાશનું પર્વ બને એ નક્કી જ હોય છે. વ્યક્તિથી જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે કંઈ પણ ખોટું થયું હોય કે કરવું પડ્યું હોય એ સહજ અને સ્વાભાવિક છે. પણ જેમ જેમ જીવન પથમાં આગળ ધપતા જઈએ તેમ તેમ આપણી ભૂલોમાંથી જ આપણે શીખતા હોઈએ છીએ. એટલે આ દિવસે પોતાનામાં રહેલા વિવિધ દોષોને ઓળખી કાયમી વિદાય આપતા જે અનોખી અનુભૂતિ થાય, પરમ તત્વને પામ્યાનો અહેસાસ થાય, જીવનમાંથી અંધારું ઉલેચીને પ્રકાશ પ્રાપ્ત થાય એ દિવસ એટલે "દિવાળી". ખુબજ દૃઢતા પૂર્વક અને તપસ્યા રૂપી નિર્ધાર કર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય એ છે દિવાળી; કે જે દિવસે સદ્ વિચારો રૂપી અનેક દીવડાઓ આપણાં જીવનમાં સુવર્ણમય પ્રકાશ પાથરી જીવનને તેજોમય બનાવી દે છે.

આ તમામ સાધના અને સંકલ્પના સંયોજન રૂપે આવે એ બેસતું વર્ષ નૂતન વર્ષનો પ્રથમ દિવસ કે જ્યારે વ્યક્તિગત કે સામૂહિક રીતે કોઈ પણ પ્રકારના આંતરિક દુઃખ, ખટરાગ, દુર્વ્યવહાર જેવા અણબનાવો ને વિસરીને દરેક વ્યક્તિ એક નવા અવતાર સાથે પરસ્પર સ્નેહભાવ કેળવવાના હેતુથી એક બીજાને મળે છે. સાથે બેસીને એક બીજાના ખબર અંતર પૂછી મોં મીઠા કરતાની સાથે એકબીજા પ્રત્યેની કડવાહટને ચિર વિદાય આપે છે. અને "નૂતન વર્ષાભિનંદન" કે "રામરામ" ના ઉચ્ચારણથી ઉભયપક્ષે અભિવાદન આપતાની સાથે જીવનના એક નવા અધ્યાયની શરૂઆત થાય છે.

આમ, દિવાળી શબ્દનો "એક અર્થ દિ વાળનાર" એટલે કે (આપણા જીવનનો વેડફાતો સમય પરત લાવનાર)એવો પણ કરી શકાય. માટે જ આપણું આ મહા પર્વ આપણાં જીવનમાં માત્ર નવા વસ્ત્રો, નવ ઉલ્લાસ, નવા દિવસો કે વર્ષ જ નથી લાવતું. પણ તાર્કિક રીતે જો આ અવસરને મૂલવીએ તો જીવનને એક નવી રાહ તરફ ગતિશીલ કરવાનું અલૌકિક માધ્યમ બનાવી શકીએ. આ તહેવારને ઉજવવાની સાથે અનુભવીશું, અનુસરીશું અને અપનાવીશું તો જેમ ભગવાન રામ આસુરી શક્તિઓનો નાશ કરીને અયોધ્યા પરત ફરેલા. એવી જ રીતે આપણે પણ આપણા આંતરિક અસુરોને હણીને ઈશ્વરે આપણને આપેલ અમૂલ્ય મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે ચોક્કસ સક્ષમ બનીશું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract