Baal Sahitya Gujarati

Classics Children

2.1  

Baal Sahitya Gujarati

Classics Children

મગતરાંએ મહારથીને નમાવ્યો

મગતરાંએ મહારથીને નમાવ્યો

2 mins
354


એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બળિયો નથી. બસ પછી તો એ અભિમાન સાથે જ બીજા સાથે વાત કરે.

એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે. લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું.

મચ્છરે સિંહને કહ્યું, ‘ઓ વનરાજ, તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ.’ વનરાજે જવાબ ન આપ્યો એટલે સિંહને ખીજવવા લાગ્યો, ‘કેમ મારાથી ગભરાઈ ગયાને? સિંહ બીકણ, સિંહ બીકણ.’

‘જા, જા, તારા જેવા જંતુ સાથે કોણ લડે? તારા જેવા મગતરાં સાથે લડવામાં મારી શોભા નહિ.’ સિંહે કહ્યું.

મચ્છર કહે, ‘ખોટું અભિમાન કરવાનું રહેવા દો. ખરી હિંમત હોય તો સામે આવો.’

મચ્છરનું મહેણું સાંભળી સિંહ તો ખિજાયો અને ત્રાડ પાડતો મચ્છર સામે ધસ્યો. મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો. સિંહ ખૂબ ખિજાયો. તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો. મચ્છર તો ઊડી ગયો પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો. સિંહ વધુ ખિજાયો. ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી સિંહે પંજો માર્યો. મચ્છર ઊડી ગયો. ફરીથી સિંહને જ વાગ્યું. નાક તો લાલ ચોળ થઈ ગયું.

સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મોટી ત્રાડ પાડી, પંજો પછાડ્યો ને પૂછડું જોરથી ઉછાળ્યું. પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો.

ધીમેથી તેના કાનમાં પેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઊડી ગયો. બિચારો સિંહ! મચ્છરને ભગાડવા પૂછડું જોર જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય પણ થાય ઊંધું. છેવટે પોતાને જ વાગે.

આખરે સિંહ થાકી ગયો. તેણે મચ્છરને કહ્યું, ‘ભાઈ, તારાથી હું હાર્યો. કબૂલ કરું છું કે તું મારાથી બળિયો છે.’

સિંહને આમ કરગરતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી. સિંહને ફરતાં બે ચાર ચક્કર લગાવી તે ઊડી ગયો. મચ્છર ગયો તેથી સિંહને નિરાંત થઈ. પણ તે વખતથી તેને પોતાની તાકાત પણ મર્યાદિત છે એવી ખબર પડી ગઈ.

ઘણી વખત નાના મગતરાં પણ મહારથીને નમાવી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics