dashrath makwana

Crime Thriller

4.7  

dashrath makwana

Crime Thriller

મગરનાં આંસુ સારવા

મગરનાં આંસુ સારવા

8 mins
457


'મિલ્કત માટે સગાં મા-બાપની ક્રુર હત્યા કરી નાંખે, એ દિકરો રાક્ષસ કહેવાય રાક્ષસ ! એનેં તો નર્કમાં પણ જગ્યા નહીં મળે. હળાહળ કળીયુગ આવી ગયો છે. એણેં તો દેવાયત પંડીતે ભાખેલી વાણીને સાકાર કરી બતાવી.'

દરેક જગ્યાએ બસ આવી જ વાતો સંભળાઈ રહી હતી. જેટલા મોઢાં એટલી વાતું. લોકોનાં મોંઢે કંઈ ગરણું થોડું બંધાય ? વાત જાણે એમ હતી કે, શહેરનાં છેવાડે આવેલાં વૃધ્ધાશ્રમમાં એક વૃધ્ધ દંપતીની, કોઈએ છરીનાં ઘા મારીને ઘાતકી હત્યા કરી નાંખી હતી.સવારમાં વોચમેન બધે ફરી રહ્યો હતો, ત્યારે એક રુમમાં તેણે વૃધ્ધ દંપતીને લોહી લુહાણ હાલતમાં, ફર્શ ઉપર પડેલાં જોયાં હતાં. હાંફળા ફાંફળા થઈને એણે વૃદ્ધાશ્રમનાં મેનેજરને તે અંગે જાણ કરી, તો મેનેજર દોડીને એ રુમમાં ગયો. ત્યાં વૃધ્ધ દંપતીને મૃત હાલતમાં જોતાં એણે તરત જ પોલીસસ્ટેશનમાં જાણ કરી દીધી.

મેનેજરે, એ વૃધ્ધ દંપતીનાં દિકરા અભિષેકને પણ જાણ કરી તો અભિષેક, તેનીં પત્ની અમીને સાથે લઈનેં તાબડતોબ એ વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયો.જોકે એ પહોંચે એ પહેલાં તો ઈન્સ્પેકટર રાજન સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં. તેમજ એફ.એસ.એલ. અધિકારીઓ, ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતાં. પોતાનાં માં બાપને મૃત હાલતમાં જોઇનેં અભિષેક પોક મૂકીને રડવા લાગ્યો.

ઘણાં સમયથી મા-બાપને વૃધ્ધાશ્રમ પહોંચાડનાર અભિષેકને રડતો જોઇ, ઈન્સ્પેકટર તેને શંકાની નજરે જોઈ રહ્યાં. એનાં આંસુ તેમને મગરનાં આંસુ લાગી રહ્યા હતા. જયારે મેનેજરે જણાવ્યું કે આ અભિષેકભાઈ હજુ ગઈ કાલે જ અહીં તેમનાં માં બાપને મળવાં આવ્યાં હતા. ત્યારે ઈન્સ્પેકટરનોં શક વધુ પ્રગાઢ બન્યો. 

લાશનું પંચનામું અનેં પોસ્ટમોર્ટમ કર્યા પછી એમણેં તપાસનો દોર હાથમાં લીધો, તેમાં સીધું તીર અભિષેક ઉપર જઈ રહ્યું હતું. બનાવનાં મૂળમાં લાખ્ખોની મિલ્કત કારણભૂત હોય એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું.

એ મિલ્કતનાં ઝગડામાં જ, અભિષેકનાં મા-બાપ વૃધ્ધાશ્રમમાં જઈનેં રહેતાં હતા.વૃધ્ધદંપતીનાં મોતનોં સીધો ફાયદો અભિષેકને જ થવાનો હોય એવું ચોખ્ખે ચોખ્ખું, દિવા જેવુ વર્તાઈ રહ્યું હતું. આજુબાજુમાં રહેતા દરેક લોકો એમનાં ઝઘડાથી માહિતગાર હતાં. એટલે તો સૌ કાનફુસીયા કરી, અભિષેક ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતાં.  ઘણાં તો એવું પણ કહેતાં હતાં કે 

"'હે ભગવાન ! આવો દિકરો દુશ્મનને પણ ના દેતાં !!"

વૃધ્ધ દંપતી ઉપર, ઉપરા ઉપરી છરીનાં એવાં ઘા વાગેલા હતાં કે એ જોઈને ઈન્સ્પેકટર પોતે હચમચી ગયાં હતાં. એ અકળાઈ રહ્યા હતાં. પ્રથમ નજરે તો અભિષેક જ ખૂની હોય એવું લાગતું હતું, પણ કોણ જાણે કેમ એમનું મન જુદી જ પ્રકારનો અજંપો અનુભવી રહ્યું હતું. એ સમગ્ર કેસનીં તેઓ બહુ ઉંડાણપૂર્વક તપાસ કરવા માંગતા હતાં.પણ એ મૃત દંપતીની અંતિમ ક્રીયા તેમજ લૌકીક ક્રીયા પુરી થવાની રાહ જોઈ રહ્યા હતાં.

જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને એફ.એસ.એલ રીપોર્ટ પણ આવવાની થોડીવાર હતી. અનેં જયારે બધા રીપોર્ટ હાથમાં આવ્યાં ત્યારે તેઓ આશ્ચર્યચકીત થઈ ગયાં. 

એફ.એસ.એલ વાળાનેં બનાવનાં સ્થળ ઉપરથી એક બ્રિસ્ટોલનું ઠુંઠૂ હાથમાં આવ્યું હતું. જેનીં ઉપર લાલ લીપસ્ટીકનાં નિશાન જણાઈ આવ્યાં હતાં.જેની ઊપરથી સામાન્યપણે એવો ખ્યાલ આવતો હતો કે ખૂનની ઘટનામાં બ્રિસ્ટોલ પીતી હોય એવી કોઈ સ્રી સામેલ હોઈ શકે, અથવા કોઈ સ્રીએ જ ખૂન કર્યું હોય એવું પણ બની શકે.

એક જ દિશામાં તપાસ કરવાને બદલે એમણે દરેક પાસાનેં ધ્યાનમાં લઈને બધાં ચક્રો ગતિમાન કર્યા. જ્યાં વૃધ્ધ દંપતીની હત્યા થઈ હતી, એ વૃધ્ધાશ્રમમાં તેઓ ગયાં. એ વૃધ્ધાશ્રમમાં આશરે ૨૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યાં હતાં. તપાસનાં અર્થે ઈન્સ્પેક્ટરે તેમને જાતજાતના પ્રશ્ર્નો કરતાં એક વૃધ્ધે કહ્યું "સાહેબ, અંહી લાગણીઓ વ્હેંચાય છે. વેચાતી નથી " 

જોકે વધુ તપાસ કરતાં દરેકનાં મોંઢે એક જ વાત જાણવા મળી કે બનાવનાં આગળનાં દિવસે, અભિષેક તેનાં મા-બાપને મળવાં આવ્યો હતો, તેમજ એમની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.અભિષેકનીં સાથે તેની પત્ની અમી પણ હતી. એતો ઉલ્લી ઉલ્લીને બોલી રહીં હતી. હવે અભિષેકની સાથે તેની પત્ની અમી પણ ઈન્સ્પેકટરનાં રડારમાં આવી ગઈ. એમણે એટલું જાણવાનું હતું કે અમી કોઈ દિવસ બ્રિસ્ટોલ પીવે છે કે નહીં.?

ખૂન અભિષેક અને અમીએ સાથે મળીને કર્યું છે કે પછી અમીએ એકલાં હાથે કામ પાર પાડ્યું છે એ તપાસનો વિષય બની ગયો હતો. એમણે જાતે તો તપાસ ચાલું કરી સાથે સાથે એમનાં ખબરીઓને પણ કામે લગાડ્યાં. ઘણી બધી મથામણ કરી પણ સરવાળે શૂન્ય. અમી બ્રિસ્ટોલ પીતી હોય એ વાત તો દૂર, એ એનાં ધૂમાડાથી પણ ત્રણ ગાઉ દૂર ભાગતી હતી. બીજું એ પણ જાણવા મળ્યું કે બન્ને પતિ-પત્ની એ રાત્રે ઘરની બહાર નીકળ્યા જ નથી.  કેસ બહું પેચીદો બની ગયો એટલે ઇન્સ્પેક્ટર માથું ખંજવાળવા લાગ્યાં અને માથું ખંજવાળતા ખંજવાળતા એમને યાદ આવ્યું કે સમગ્ર ઘટનાનાં સી.સી.ટી.વી.ફૂટેજ તો એમણે હજું બરાબર નિહાળ્યા જ નથી.

પોતાની ટીમને મોક્લી એમણે વૃદ્ધાશ્રમનાં સી.સી.ટી.વી.ફૂટેજ મંગાવ્યા તો જાણવાં મળ્યું કે એ વૃદ્ધાશ્રમનાં મુખ્ય દરવાજા સિવાય બીજે ક્યાંય કોઈ કેમેરા હતાં ‌જ નહી. મુખ્ય દરવાજા ઉપરનાં સી.સી.ટી.વી.માં એમણે જોયું તો, કોઈ સ્રી લપાતી છૂપાતી, હાથમાં છરી લઈને, પેલાં વૃધ્ધ દંપતીનાં રુમ તરફ જઈ રહી હોય એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું. એ સ્રી કોણ છે એ જોવાં માટે એમણે કેમેરો ઝુમ કર્યો, પણ અંધારું હોવાથી તેમજ રીઝલ્ટ ક્રેક થતું હોવાથી, એ સ્ત્રીનોં ચહેરો સ્પષ્ટપણે દેખાતો ન હતોં. એમણે એ સ્ત્રીને વારંવાર જોવાની કોશીષ કરી એમાં એક વસ્તુની નોંધ લીધી કે એ દેખાય છે તો સ્રી, પણ એની ચાલવાની રીત પુરુષ જેવી છે.વિજળીની ગતીએ એમનાં મગજમાં વિચાર ઝબક્યો. આ કોઈ કિન્નર તો નથી ને ? કિન્નરનેં વળી આ દંપતી જોડે શું દુશ્મનાવટ હશે. ?

વૃધ્ધાશ્રમમાં કોઇ કિન્નરની અવર જવર હતી કે નહીં એ મુદ્દાને ધ્યાનમાં લઈને ફરીથી તપાસ ચાલુ કરી.પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું. શહેરમાં જેટલાં પણ કિન્નરો હતાં એ દરેકની ઉલટ તપાસ કરી. એમાંથી કેટલાં કિન્નરો બ્રિસ્ટોલ પીવે છે,એ પણ જોઈ લીધું, પરંતુ ક્યાંય કોઈ સુરાગ મળતો ન હતોં. કોઈ બ્રિસ્ટોલ પીતું હોય તો હોઠ ઉપર લીપસ્ટીક ના લગાવતુ હોય અને લીપસ્ટીક લગાવતુ હોય તો એ બ્રિસ્ટોલ ના પીતું હોય. ઈન્સ્પેકટરનેં તો મગજનો અઠ્ઠો થઈ ગયો.

મુખ્ય દરવાજા ઉપરનાં કેમેરામાં એ કિન્નરનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પણ બહારની બાજુએ આવેલી દુકાનોનાં કેમેરામાં કદાચ દેખાઈ આવે, તો કામ થઈ જાય. એવું વિચારી એમણે ત્યાંની દરેક દુકાનોમાં લગાવેલાં સીસીટીવી ચેક કરી જોયાં.પણ એક પણ દુકાનનાં કેમેરામાં, એ સમયમાં કોઈ કિન્નર કે કોઈ સ્રી વૃધ્ધાશ્રમમાં જતું હોય, એવું દેખાયું જ નહીં.

સાલું આવું કંઈ રીતે બની શકે ? અંદરના કેમેરામાં દેખાય છે પણ બહારનાં કેમેરામાં કોઈ દેખાતું નથી. તો પછી એ કિન્નર અંદર આવ્યો ક્યાંથી ? બહું ગડમથલ પછી એમણે ત્યાંના મેનેજરનો ઊધડો લીધો. મેનેજરે વોચમેનને બોલાવ્યો તો વોચમેને કહ્યું ' હું તો ગેટ ઉપર જ હતોં એ રાતે બ્હારથી તો કોઈ અંદર આવ્યું જ નથી.' 

વોચમેનની વાત સાંભળી ઈન્સ્પેક્ટરે વિચાર્યું, કદાચ એવું પણ બની શકે કે વૃદ્ધાશ્રમની અંદરનું જ કોઈ હોય ! પણ અંદર એવું કોણ છે જે કિન્નર હોય ? તેઓ વળી વળીનેં પેલો કેમેરો ચેક કરવા લાગ્યાં. પણ અંદરની લોબીમાં અંધારું હોવાથી કાંઈ સ્પષ્ટપણે દેખાતું ન હતું. એમણે હાથની મુઠ્ઠી વાળી. પછી એ મુઠ્ઠીનેં પગ ઉપર પછાડતા પછાડતાં બબડ્યાં. "આ કિન્નર છે કોણ ? "

સાહેબનેં અકળાયેલા જોઇને બાજુમાં ઊભેલાં કોન્સ્ટેબલે કહ્યું "સર એવું બની શકે, કે કોઈ પુરુષ જ સ્ત્રીનાં કપડાં પહેરીને આવ્યો હોય ? "  કોન્સ્ટેબલની વાત સાંભળી ઇન્સ્પેક્ટરનાં મગજમાં ટ્યુબ લાઈટની જેમ ઝબકારો થયો. એમણે કહ્યું "યસ..યસ..સો ટકા બની શકે."

ઈન્સ્પેક્ટરનાં મગજમાં બે બાબત સ્પષ્ટ થઈ ગઈ. એક, કે ખૂની બહારથી નથી આવ્યો અને બીજું કે એ કોઈ કિન્નર નહીં પણ પુરુષ જ છે, અનેં કેસને અવળાં માર્ગે લઈ જવા માટે, સ્ત્રીનાં કપડાં પહેરી એનું કામ પાર પાડ્યું છે. આટલું જાણ્યા પછી હવે એમનેં કેસ સરળ બની ગયો હોય એવું લાગ્યું. પણ જ્યાં સુધી ખૂની પકડાય નહીં, ત્યાં સુધી એ જંપીને બેસે એવાં ન હતાં. વૃધાશ્રમમાં રહેતાં કેટલાં લોકો બીડી પીવે છે, કેટલાં સીગારેટ પીવે છે, એ તમામ માહિતી એકત્ર કરી. દરેક જણનેં વ્યક્તિગત પુછી જોયું. પણ વ્યર્થ.એવું કોઈ નાં મળ્યું જે બ્રિસ્ટોલ પીતું હોય.

આખરે નિરાશ થઈ તેમની જીપ લઈને તેઓ વૃદ્ધાશ્રમની બહાર નીકળ્યાં.પણ સંજોગો એવાં થયાં કે એક કોન્સ્ટેબલ તેનોં મોબાઈલ મેનેજરની ઓફીસમાં ભૂલી ગયો. એણે વૃદ્ધાશ્રમનાં દરવાજા પાસે જીપ ઊભી રખાવી. ઈન્સ્પેક્ટરે જીપ ઊભી રાખી એટલે એ કોન્સ્ટેબલ, મેનેજરનીં ઓફિસમાં પાછો ગયો. ઓફિસમાં વોચમેન અને મેનેજર બન્ને બેઠાં હતાં. કોન્સ્ટેબલનેં થોડી વાર લાગી એટલે ઈન્સ્પેક્ટર જીપમાંથી નીચે ઉતરી, તેની રાહ જોઈનેં ઉભાં રહ્યાં. એવામાં એમની નજર વૃદ્ધાશ્રમનાં દરવાજા પાછળ ગઈ, તો જોઇનેં ચોંકી ઉઠયાં. કારણકે એ દરવાજા પાછળ અસંખ્ય બ્રિસ્ટોલનાં ઠૂંઠા પડ્યા હતા. બાજુમાં વોચમેનનેં બેસવાનું સ્ટુલ પણ પડ્યું હતું. એમનાં મગજમાં ઝબકારો થયો. વૃધાશ્રમમાં બધાંને સીગારેટ વિશે પૂછ્યું, પણ આ વોચમેનનેં તો કાંઈ પૂછ્યું જ નહીં. એમનેં યાદ આવ્યું કે મેનેજરનેં ખૂન થયાની જાણ પણ સૌ પ્રથમ આ વોચમેને જ આપી હતી. ઈન્સ્પેક્ટરને આખું ચીત્ર હવે સ્પષ્ટ થઈ ગયું હતું.

પણ એ વોચમેન શા માટે આવું કરે ? એ વાતની ખબર તો એની લેફરાઈટ લઈશ, પછી જ ખબર પડશે. એવું વિચારી, તેમણે વૃધ્ધાશ્રમની ઓફિસમાં જઈ ત્યાં બેઠેલાં વોચમેનની પૂછપરછ ચાલું કરી. શરુઆતમાં તો એણે ગલ્લા તલ્લા કર્યા. પણ પછી પોલીસ સ્ટેશન લઈ જઈનેં એની બરાબર ખાતરદારી કરતાં, એ પેંપુડા પાડવા લાગ્યો. અંતે એણે એનોં ગુન્હો કબુલ કર્યો.

કોઈ જોઈ જાય તો પકડાઈ ના જવાય, એટલે લોકોનેં ગેરમાર્ગે દોરવાં, એણે સ્ત્રીનાં કપડાં પહેરીને એ વૃધ્ધ દંપતીની ઘાતકી હત્યા કરી હતી. આવું કૃત્ય શા માટે કરવું પડ્યું ? એ પ્રશ્નનોં જવાબ સાંભળી ઈન્સ્પેક્ટરનાં પગ તળેથી જમીન સરકી ગઈ. એ વાચમેને કહ્યું "આ વૃધ્ધ દંપતી પાસે લાખો રુપિયાની સંપત્તિ હતી. પણ સાથે કંઈ લેવા રહ્યા નહીં. હવે એ બધું કોનાં કામનું ? એમનો છોકરો જ બધું વાપરશે ને ? એની કરતાં એમણે સમાધાન કરી, એનેં થોડું ઘણું આપ્યું હોત, તો આ પ્રશ્ન ઉભો થાત ? આખરે તો એમનો જ છોકરો હતો ને ? એમણે એમનાં ઈગોમાં છેક સુધી પકડી રાખ્યું, અને અંતે મરવાનો વારો આવ્યો."

વોચમેનનીં ડહાપણ ભરી વાતોથી ઈન્સ્પેક્ટર ગુસ્સે ભરાયાં અનેં કહ્યું "એ પ્રશ્ન એમનો છે, એમાં તારે શું ? તેં એમનું ખૂન કેમ કર્યું એ કહેને ?"

વોચમેને કહ્યું "સાહેબ, હું એજ વાત કરું છું. મારે તો આમાં ‌કશુ જ નથી. મને તો પૈસા મળતાં હતાં, એટલે લાલચમાં આવીને મેં આ કામ કર્યું છે. બાકી અસલી ગુનેગાર તો એ દંપતીનો દિકરો અભિષેક છે. એણેજ મને આ કામ સોંપ્યું હતું. જોકે મનેં એની ઉપર દાઝ તો ચડી જ હતી. જે મા-બાપ દિકરાને લાડકોડથી ઉછરીને મોટો કરે, એ દિકરો ઝગડો કરી, એમનેં વૃધ્ધાશ્રમમાં મોકલે, ત્યારે એ મા-બાપ ની મનોવ્યથા કેવી હોય ? બહું કરુણ કહેવાય સાહેબ ! દિકરાઓએ સમજવું જોઈએ, પણ અભિષેક સમજ્યો નહીં. એનેં તો બસ રુપિયા જ દેખાયા. અનેં રુપિયા માટે પોતાનાં સગાં મા-બાપને મારી નંખાવવા તૈયાર થયો. એતો રાક્ષસ બન્યો, સાથે પૈસાની લાલચમાં હું પણ એનાંથી ડબલ રાક્ષસ બન્યો." 

વોચમેનની સમગ્ર વાત સાંભળી ઈન્સ્પેક્ટર તાબડતોબ જીપ તૈયાર કરી, અભિષેકની ધરપકડ કરવા પહોંચી ગયાં.વોચમેન પકડાઈ ગયો છે, એ વાત અભિષેકનાં કાને પડી હતી.એ બધું બકી નાંખશે એવો ડર પણ હતો. એટલે કાંઈપણ આનાકાની વગર, એણે પણ એનો‍ં ગુન્હો કબુલ કરી લીધો. જીપમાં બેસી એ પસ્તાવાનાં આંસુ સારી રહ્યો હતોં, ત્યારે આજુબાજુમાંથી એકઠાં થયેલાં લોકો, એ આંસુને મગરનાં આંસુ સમજી તેની ઉપર ફિટકાર વરસાવી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Crime