માણસાઈનો દીવો
માણસાઈનો દીવો
ગીલ્લી દંડાની રમતનો અઠંગ ખેલાડી ભુરીયો, એક હાથ પીઠ પાછળ રાખી બીજા હાથથી ગીલ્લીને જ્યારે દંડા વડે ફટકારે, ત્યારે એની ગીલ્લી આભમાં વાતું કરતી હોય. એ અન્યાય પણ એવો જ કરતો હતો. રમતનાં બધાં નિયમો ઘોળીને પી જતો હોવાથી, બધાં મિત્રો તેને અંચ્ચાયડો કહીને બોલાવતાં હતાં. જોકે એની વગર એનાં મિત્રોને ગીલ્લી દંડો રમવાની મજા પણ આવતી ન હતી.
આખું અઠવાડિયું ભણવાની ઝંઝટ અને સ્કૂલમાંથી છૂટ્યાં પછી મોબાઈલ મચડવાની રમઝટ. એ બધાંમાંથી છૂટકારો મેળવવા માટે, સૌ મિત્રોએ ભૂલાઈ ગયેલી રમતોનો આનંદ માણવાનું નક્કી કર્યું હતું.
દર રવિવારે તેઓ ગીલ્લી દંડો રમવા માટે હાઈવેને અડીને આવેલાં ખુલ્લાં મેદાનમાં પહોંચી જતાં હતાં. ભુરીયાને તેઓ અચૂક સાથે રાખતાં હતાં.
એ દિવસે ભુરીયાએ ગીલ્લીને એવો ફટકો માર્યો કે ગીલ્લી હવામાં ફંગોળાઈને હાઈવેની પેલે પાર છુમંતર થઈ ગઈ.
અન્યાય કરવાં માટે નામચીન થઈ ગયેલો ભુરીયો કાયમ બીજા મિત્રોને ગીલ્લી શોધવા તગેડતો હતો, પણ એ દિવસે એનામાં સંતપણું પ્રગટ થયું. ગીલ્લીને શોધવાં એણે જાતે જ હાઈવે તરફ પ્રયાણ કર્યું. એને જોઈને બીજાં મિત્રો પણ તેની સાથે ગીલ્લી શોધવાનાં મહાપરાક્રમમાં જોડાઈ ગયાં. ગીલ્લી શોધતાં શોધતાં ભુરીયાની નજર રોડની બાજુમાં પડી અને નજર પડતા જ એ એકદમ ચોંકી ઊઠયો.
રોડની બાજુમાં આવેલી ગટરમાં, લોહીથી લથપથ એક અજાણ્યાં પુરુષને તરફડીયા મારતો જોઈને તે હેબતાઈ ગયો. તેણે બૂમાબૂમ કરી, એટલે બીજાં મિત્રો પણ ત્યાં એકઠાં થઈ ગયાં. પ્રથમ તો તેઓ સૌ ગભરાઈ ગયાં, પણ ભુરીયાએ તેમને હિંમતથી કામ લેવાનું સૂચન કર્યું. ભુરીયાને થયું, આ માણસને સમયસર યોગ્ય સારવાર મળી રહે, તો એનો જીવ બચી શકે તેમ છે.
આજુબાજુ નજર કરી તો દૂર સુધી કોઈ નજરે ચડતું ન હતું. હાઈવે ઉપર અમુક છુટાં છવાયાં વાહનો પસાર થઈ રહ્યાં હતાં. ભુરીયાએ તેમને રોકવાની કોશિષ કરી, પરંતુ તેને નજર અંદાજ કરતાં વાહનચાલકો, સડસડાટ કરતાં ત્યાંથી પસાર થઈ જતાં હતાં. ભુરીયા સહિત તેનાં મિત્રો પણ અકળાઈ ઉઠ્યા હતાં.
રવિવારે મોબાઈલને જાકારો આપવાનાં નિર્ણયને કારણે, એકેયની પાસે મોબાઈલ પણ ન હતો.
હવે શું કરવું એ કાંઈ સમજાતું ન હતું, એવામાં ભુરીયાને એક કાળાં કલરની કાર આવતી નજરે ચડી. ગમે તે થાય, પણ આ કારને ગમેતેમ કરીને રોકવી જ છે, એવો નિર્ણય કરી ભુરીયો બરોબર રોડ વચ્ચે આવીને ઊભો રહ્યો.
કોઈ બાળકને રસ્તા ઉપર આડો થઈને ઊભો રહેલો જોતાં જ, એ કાળી કાર મોટી બ્રેક સાથે ઊભી રહી ગઈ. એમાંથી એક મહિલા નીચે ઉતરી અને ઉતરતાની સાથે જ એણે ભુરીયાને અવળા હાથની બે લપડાક ઠોકી દીધી.
લપડાક ખાવાં છતાં ભુરીયાએ, એ મહિલાને કગરતાં કગરતાં બધી હકીકત કહી સંભળાવી.
રોડની બાજુમાં કોઈ અજાણ્યા પુરૂષની અધમૂવી લાશ પડી છે અને એને સમયસર સારવાર મળી જાય તો એ જીવી જાય તેમ છે, એવી શક્યતા પણ દર્શાવી. એ માટે તે અજાણ્યા પુરૂષને કારમાં નાંખી, દવાખાને ખસેડવામાં મદદરૂપ થવાં વિનવણી પણ કરી.
પેલી મહિલા ઘમંડી અને ખૂબ ગુસ્સાવાળી હતી.એણે ભુરીયા ઉપર સહેજ પણ દયા દાખવ્યા વગર, ધક્કો મારીને દૂર ખસેડી દીધો, ઉપરાંત તેને ભિખારીની ઓલાદ અને પૈસા પડાવનાર ચોર ટોળકીનો સાગરિત કહીને હડધૂત કરી દીધો.
ભુરીયો કગરતો રહ્યો, પણ પેલીએ એની એક પણ વાત ન માની અને તેને દૂર હડસેલી, કાર લઈને સડસડાટ કરતી નીકળી ગઈ.
સંજોગોવશાત એનાં ગયાં પછી, થોડીવારમાં એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થઈ. એમ્બ્યુલન્સ જોઈને ભુરીયાની હિંમત બમણી થઈ ગઈ. એમ્બ્યુલન્સને એણે જેવો હાથ લાંબો કર્યો, એવી જ તે ઊભી રહી ગઈ.
ભુરીયાએ વિગતવાર વાત કરતાં, તેમણે સંપૂર્ણ સહકાર આપી પેલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી દીધો. ત્યાં યોગ્ય સારવાર મળી જતાં પેલાં અજાણ્યાં પુરૂષનાં શરીરમાં નવી ચેતના પ્રગટ થઈ.
એ માણસ કોણ છે એની વ્યક્તિગત માહિતી પ્રાપ્ત કરી, હોસ્પિટલવાળાઓએ તેનાં ઘરનાં સભ્યોને ફોન દ્વારા જાણ કરી. એની બૈરીને વાત જાણવાં મળી તો એ હાંફળી ફાંફળી થઈ હોસ્પિટલમાં દોડી આવી.
ડોકટરે તેને બધી હકીકત કહી સંભળાવી. એમણે કહ્યું કે 'તમારાં પતિ રસ્તા ઉપર ચાલતાં જઈ રહ્યાં હતાં, ત્યારે કોઈએ ટકકર મારતાં તેમને અકસ્માત થયો હતો. તેઓ ઊછળીને રોડની બાજુમાં આવેલી ગટરમાં પડ્યાં હતાં.'
ત્યાં બેઠેલાં ભુરીયા તરફ નજર કરી ડોક્ટરે એવું પણ કહ્યું કે 'આ બાળકની સમયસૂચકતા અને બહાદુરીથી તમારાં પતિનો જીવ બચી શક્યો છે.'
પેલી સ્રીએ ભુરીયા તરફ નજર કરી અને નજર કરતાં જ તે એકદમ ચોંકી ઊઠી. ભુરીયો પણ એને ઓળખી ગયો. એ હાઈવે ઉપર કાર લઈને આવેલી પેલી ઘમંડી મહિલા હતી. જોકે હકીકતની જાણ થતાં જ એ સ્ત્રીનું ઘમંડ અને ગુસ્સો ઘડીનાં છઠ્ઠા ભાગમાં ચકનાચૂર થઈ ગયું હતું.
એ પોતાની ભૂલ અંગે ભુરીયા આગળ માફી માંગવા લાગી.
ગીલ્લી દંડાનો અઠંગ ખેલાડી ભુરીયો, રમતમાં કાયમ અન્યાય કરતો હતો, પરંતુ માણસાઈનો દીવો પ્રગટાવવામાં ક્યાંય પાછો પડતો ન હતો.
( સમાપ્ત )
