રણને તરસ ગુલાબની
રણને તરસ ગુલાબની
એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી છોકરીને બસસ્ટેન્ડમાં ભીખ માંગતી જોઈને અભિષેક વિહવળ બની ગયો. એક હાથમાં છોકરું, મેલાં ઘેલાં લૂગડાં, તેમજ મોઢા ઉપર દુપટ્ટો બાંધેલો હોવા છતાં એ તેને તરતજ ઓળખી ગયો. એને તો માન્યામાં આવતું જ ન હતું.
એ કદાચ મને જોઈ જશે તો ભોંઠી પડી જશે ! આવું વિચારી એ દૂર જઈને ઊભો રહ્યો, પણ એનાં પાસાં અવળાં પડ્યાં. પેલીની નજર એની ઉપર પડી ગઈ. એ ભોંઠી પડવાની જગ્યાએ સામેથી આવીને હાથ લાંબો કરી બોલી : " આપણે નવો ધંધો ચાલું કર્યો ! "
એ હસતાં હસતાં બોલી પણ એની આંખનાં ખૂણે રહેલી વેદનાં છલકાઈ ઊઠી હોય, એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું.
અભિષેક ઘડીભર તેને તાકી રહ્યો. એને શું કહેવું એ કાંઈ સમજાતું ન હતું. કારણકે એ તેનું અલ્લડપણુ જાણતો હતો.
શહેરની મધ્યમાં આવેલી લાઈબ્રેરીમાં તેની પ્રથમ મુલાકાત થઇ હતી. એ બહારની બાજુએ આવેલી છત્રી નીચે બેસીને છાપું વાંચી રહ્યો હતો, ત્યારે એ બાજુની સીટમાં બેસી ગઈ હતી. થોડીવાર રહીને એણે છાપાની પૂર્તિ વાંચવા માંગી હતી. એ એટલી બધી ઉત્સાહી અને વાતોડીયણ હતી કે કોઈપણને એની જોડે વાતો કરવાની મજા પડી જાય. પ્રથમ મુલાકાતમાં જ એને વર્ષોથી ઓળખતા હોય એવું લાગે. એનું નામ નિકીતા છે, એવું આપણને એ સામેથી જ કહી દે. આપણે એને પૂછવું નાં પડે.
એને અલ્લડ કહો, ભોળી કહો કે જે કહો તે ,એની દરેક વાત એ બધાની આગળ શૅર કરતી હતી. લાઈબ્રેરીનાં સીકયુરીટીથી માંડીને, ત્યાં બાંકડા ઉપર રાત દિવસ પડ્યાં રહેતાં લોકોની આગળ પણ, હસીખુશી વાત કરવામાં એને જરા પણ છોછ થતો ન હતો. તે ગ્રેજ્યુએટ થયેલી છે અને લાયબ્રેરીની પાછળ આવેલી એક ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે, એ પણ એણે બધાંને જણાવી દીધું હતું.
આ બધું જોતાં તો એની માસુમીયતનોં કોઈ પણ માણસ લાભ ઉઠાવી શકે એમ હતું. પણ એ માત્ર બોલવાંમાં જ પાવરધી હોય એવું ન હતું. એવું કાંઈ અજુગતું લાગે, કોઈ એની જોડે ગેરવર્તણૂક કરે, તો ઉપરાઉપરી બે ત્રણ ફડાકા ઠોકી દે એવી પાવરફુલ પણ હતી.
કાયમ ખુશમિજાજી નિકીતાને એક વખત ઉદાસ જોઈ અભિષેકે તેની ઉદાસીનું કારણ પૂછ્યું. તો એણે એની આખી હિસ્ટ્રી ખોલી નાંખી. અભિષેક તો એની વાત જાણીને હેરત પામી ગયો.
એ કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી અને એક યુવક સાથે આંખ મળી જતાં આખો ભવ એણે તે યુવકનાં નામે કરી દીધો હતો.
કોલેજ જવાનાં બ્હાને બહું જાહટીયા કર્યા.
અંતે પરિવારની વિરુધ્ધમા જઈને, એણે તે યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. જે માં બાપે જન્મથી ઉછેરીને મોટી કરી, એમની સામે વિદ્રોહ કરતાં, તેમણે એને પરિવાર અને સંપત્તિમાંથી બેદખલ કરી નાંખી હતી.
નિકીતા માટે પેલો યુવક જ સર્વસ્વ બની ગયો હતો. જોકે એનાં થોડાંક સમયમાં જ, એ પ્રેમનો પરપોટો ફૂટી ગયો. એને ખબર પડી કે એ ક્યારેય માતૃત્વ ધારણ નહીં કરી શકે. એણે ઘણી જગ્યાએ તપાસ કરાવી. આઇ. વી. આર. એફ. કરાવ્યું. પણ સૂકાં રણમાં ગુલાબ ખીલી શકે તેમ ન હતું. ખામી પેલાં યુવકમાં હતી. પણ સહન કરવાનું નિકીતાનાં ભાગ્યમાં આવી પડ્યું.
બીજાનાં બાળકોને જોઇને નિકિતા અરધી અરધી થઈ જતી હતી. માતૃત્વની ઝંખના માટે એ ગમે તે હદે જવા માટે તૈયાર હતી. એની જિંદગીના સૂકા રણને ગુલાબની તરસ હતી.
જ્યારે પેલાં યુવકને મન નિકીતા એટલે માત્ર મશીન. ઘરમાં રસોઈ કરે. કપડા વાસણ કરે, કચરાં પોતા કરે અને ક્યાંક નોકરી કરી ઘરની આવક વધારવામાં મદદ કરે.
નિકિતાની વાત સાંભળી અભિષેક બે દિવસ સુધી એનાં વિચારોમાં જ ખોવાયેલો રહ્યો, પણ પછી નિકીતા એકદમ અદ્શ્ય થઈ ગઈ. એણે એનો ફોન નંબર પણ કોઈને આપ્યો ન હતો. કોઈનાં દ્વારા જાણવા મળ્યું કે એણે નોકરી પણ છોડી દીધી છે.
ઠીક એક વર્ષ પછી અભિષેક તેનાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે નિકીતા હાથમાં એક છોકરું લઈને આવી ચડી.
અભિષેકે એ છોકરાં વિશે પૂછ્યું તો એણે જણાવ્યું કે, આર્યુવેદીક સારવાર અને અતૂટ શ્રદ્ધાનાં લીધે, તેની બાળક મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકી છે.
અભિષેકે જોયું કે બાળક મળવાં છતાં એનાં ચહેરાં ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયેલાં હતાં. એ દિવસે તે કાંઈક ઉતાવળમાં પણ હતી, એટલે ફરીથી મળીશું એવું કહીને ફટાફટ ત્યાંથી નીકળી ગઈ.
એ વાતને થોડાંક જ દિવસો થયા અને એજ નિકીતાને, છોકરું હાથમાં રાખી ભીખ માંગતી જોઈ, ત્યારે અભિષેક આકુળવ્યાકુળ થઈ ગયો. કારણકે એ નિકીતા ઊંચાકુળમાં જન્મેલી ધનવાન પરિવારની દીકરી હતી. અને એ ભીખ માંગતી હોય એ બાબત અજુગતી લાગી રહી હતી.
કંઈક પ્રોબ્લેમ તો છે જ, નહીં તો આ છોકરીની આવી પરિસ્થિતિ નાં હોય. એવું વિચારી અભિષેક તેને બાજુની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા લઈ ગયો અને ત્યાં જઈને તેનાં પેટની વાત કઢાવવાની કોશિશ કરી. શરુઆતમાં તો નિકીતાએ એ વાતને માત્ર મજાકમાં લીધી, પણ અભિષેકની ખુબ વિનવણી થતાં, એ એકદમ ચોધાર આંસુડે રડવા લાગી.
રડતાં રડતાં એણે જે વાત કરી એ વાત જાણી અભિષેક પણ મંત્રમુગ્ધ બની ગયો. જે યુવક માટે નિકીતાએ પોતાનોં પરિવાર તરછોડી દીધો એજ યુવકે, નિકીતાને છોકરું થતાં, એની ઉપર શક રાખીને તરછોડી દીધી હતી.
ત્યાંથી એ પોતાનાં પરિવાર પાસે ગઈ, તો ભાઈઓએ ધક્કા મારીને કાઢી મૂકી.
હવે ક્યાં જવું ? એક સમય આપઘાતનો પણ વિચાર કર્યો. પરંતુ અત્યાર સુધી પુત્રની ઝંખના રાખી અને ભગવાને પુત્ર આપ્યો, તો એને કઈ રીતે રઝળતો મૂકવો ?
ગમે તે થાય ! પણ હવે પુત્ર માટે જીવન વિતાવીશ એવો એણે નિર્ણય કર્યો.
નોકરી માટે ઠેર-ઠેર પ્રયત્ન કર્યો. પણ સાથે નાનું છોકરું હોવાથી, કોઈ નોકરી આપવા તૈયાર ન હતું. એ ઘર ભાડે રાખી અલગથી રહેતી હતી. એ ઘરનું ભાડું તેમજ બીજો પણ ઘરખર્ચ કાઢવો કઈ રીતે ?
કંઈ પણ નહીં સૂઝતું હોવાથી બધી શરમ એક બાજુ મૂકી, એણે ભીખ માંગવાનું શરું કર્યું હતું.
નિકીતાની જિંદગી ખરેખર અંધકારમય બની ગઈ હતી. એની જીવનકથની સાંભળીને અભિષેક દિગ્મૂઢ બની ગયો.
એ વખતે નિકીતા જોડેથી છૂટો પડી એ પોતાના ઘેર તો આવ્યો, પણ એનું મન એને જંપવા દેતું ન હતું. એ આખી રાત આમથી તેમ પાસા બદલતો રહ્યો.
એ વાતને થોડાંક જ દિવસો વિત્યા હશે અને કોરોનાએ માઝા મૂકી. આવી પરિસ્થિતિમાં નિકીતાનું શું થતું હશે ?
એવું વિચારી રહેલાં અભિષેકનાં માતા-પિતા, એ કોરોનાનાં ખપ્પરમાં હોમાઈ ગયા.
અભિષેક અપરણિત હતો અને માતા-પિતાનું પણ અવસાન થયું એટલે તે નોંધારો બની ગયો. એણે પ્રયત્ન કરી નિકિતાને શોધી કાઢી, તેની આગળ તેનાં પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો.
અને નિકીતાની જિંદગીનાં સૂકાં રણમાં ગુલાબની સુવાસ ચારેકોર ફેલાઈ ગઈ.
(સમાપ્ત)
