માથાભારે નાથો 13
માથાભારે નાથો 13


મહિધરપુરા હીરાબજારમાં ઘટેલી
ઘટનાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. રખડતા ઢોરના પ્રશ્નોને લઈને છાપાં વાળાઓએ મ્યુનિસિપાલટીના સંબધિત અધિકારીઓની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કંઈ પહેલી વાર બન્યું નહોતું. અનેક વાર રખડતા ઢોરોને કારણે લોકો ઘાયલ થયા હતા અને કેટલીક વખત નિર્દોષ લોકોએ જીવ પણ ખોયા હતા. થોડા દિવસ છાપાઓ કોઈ જનાવર નીકળે ત્યારે કલબલાટ અને કાગારોળ મચાવી મૂકતા કાબર અને કાગડાઓની જેમ ઉહાપોહ મચાવતા. લાગતા વળગતા લોકો મીડિયા નામના ભસતા કૂતરાઓને બટકું રોટલો નાખતા એટલે એ ચૂપ થઈને પૂંછડી પટપટાવવા માંડતા. ધીરે ધીરે ઘટના લોકોના દિમાગથી ભૂંસાઈ જતી.પણ જેને એ ઘટનાને કારણે સહન કરવું પડ્યું હોય એ લોકો જિંદગીભર એ ઘા ભૂલતા નહી.
નરશી માધા કમનસીબે આખલાઓની અડફેટે ચડ્યો હતો.
અચાનક થયેલી ભાગદોડ અને ધક્કામુક્કીથી એની બાઇકનું આગળનું પૈડું મગનના પગમાં ફસાઈ જવાથી એ પટકાયો હતો અને પહાડ પરથી ગબડતા કોઈ ખડક જેવો આખલો, એના સાથળો ચગદીને દોડી ગયો હતો. એ વખતે એના ગળામાંથી ભયાનક રાડ નીકળી હતી. હજુ એ કંઈ સમજે એ પહેલાં જ એને બીજા આખલાનું ગોથું વાગતાં એ ઉછળ્યો હતો અને જમીન પર પટકાયો હતો એટલું જ એને યાદ હતું. હોસ્પિટલમાં જ્યારે તેણે આંખ ખોલી ત્યારે ત્યાં ઉભેલી નર્સ દોડાદોડ ડોક્ટરને બોલાવી લાવી હતી.
"કેવું લાગે છે ભાઈ ? શુ નામ તમારું ?" ડોક્ટર એને દાખલ કરવામાં આવ્યો ત્યારે એના ખિસ્સામાંથી નીકળેલા ડ્રાઇવિંગ લાઇસન્સને કારણે નામ જાણતા હોવા છતાં સવાલ કર્યો હતો.
"મારું નામ નરશી...નરશી માધા..ડોકટર, મને શું થયું છે ? અખલાએ મને ઉડાડયો પછી મને કંઈ જ ખબર નથી..આ કઈ હોસ્પિટલ છે અને મને આયાં કોણ લઈ આવ્યું..? મારી ગાડીના હેન્ડલમાં એક પાકીટ હતું એ કોની પાસે છે..?" નરશીએ તમામ પરિસ્થિતિ જાણવા સવાલ ઉપર સવાલ કર્યા.
"અરે ભાઈ..આટલું બધું ના બોલો,
તમને બેભાન અવસ્થામાં અહીં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યા હતા. અને
તમારા ખિસ્સામાંથી જે વસ્તુઓ મળી છે એ બધું સહી સલામત છે, અમને તમારા ડ્રાઇવિંગ લાયસન્સને કારણે તમારો પરિચય મળ્યો છે, તમારા સગા સંબધીઓને જાણ કરવામાં આવી છે, એ લોકો હમણાં જ તમને મળશે, આરામથી તમે સુઈ જાવ, તમને માથામાં ગંભીર ઇજાઓ થઈ છે અને બન્ને સાથળમાં ફેક્ચર થયું છે અને પુરા અડતાલીસ કલાક પછી તમે ભાનમાં આવ્યા છો, હવે તમે ખતરાથી બહાર છો.." એમ કહી ડોકટર એના કેસ પેપરમાં કંઈક નોંધ કરીને ચાલ્યા ગયાં. એ સાથે જ નરશીની પત્ની અને બાળકો સહિત તેના પરિવારજનો ધસી આવ્યા. અને નરશીની પત્નીએ રડતાં રડતાં ભગવાનનો પાડ માન્યો.
*** * *** * *** * *** * ***
આખલાઓની ભાગદોડમાં થોડાઘણાં ઘાયલ નાથાને જ્યારે રમેશ અને મગન રૂમ પર લઈ જતા હતા ત્યારે મગને ખૂબ જ ચીવટથી પેલું પર્સ છુપાવી દીધું. મગને પહેરેલા પેન્ટના મોટા ખિસ્સામાં એ સમાઈ તો ગયું પણ બહારથી પર્સને કારણે ઉપસેલો પેન્ટનો એ ભાગ ચાડી ખાધા વગર રહી શકતો નહોતો. છતાં નાથા કે રમેશનું ધ્યાન એ તરફ ગયું નહોતું.
નાથાને, સોસાયટીના નાકે આવેલા ઘેલાણી સાહેબના ક્લિનિક પર નોર્મલ સારવાર કરાવીને એ ત્રણેય રૂમ પર આવ્યા ત્યારે બપોર થઈ ગયા હતા અને બધાને ખૂબ જ ભૂખ લાગી હતી.
ઘાયલ નાથાને જોઈને કાંતાએ સવાલ ઉપર સવાલ કર્યા હતા...
"અ.. ર..ર....કેમ કરતાં વાગ્યું ? બહુ વધુ તો નથી વાગ્યું ને ? ધનુરનું ઇજિસન લીધું ? હંક.. અ..
લોહી બહુ નીકળ્યું'તું ?..બીસાડા નાથાભાઈ... હં..કં.. અ.." વગેરે.
"હવે હંક..અ.. હંક..અ જ કરવું છે કે કંઈ ખાવાનું દેવું છે ? હંકઅ..
..." મગને રમૂજ કરતા કહ્યું.
કાંતાએ પણ હસીને ફટાફટ રસોઈ બનાવીને ત્રણેયને જમાડ્યા.
જમ્યા પછી નાથો અને રમેશ ઊંઘી ગયા.પણ મગનને ઊંઘ આવતી નહોતી. ધીરે રહીને એણે ખિસ્સામાંથી પેલું પર્સ કાઢ્યું. પર્સ ખાસ્સું મોટું હતું, પણ મગનના પેન્ટના ખિસ્સા હમેંશા ખાલી જ રહેતા હોવા છતાં એનો દરજી ઘણા મોટા ખિસ્સા સીવી આપતો. કોણ જાણે ક્યારે કોઈ મોટી વસ્તુ ખિસ્સામાં નાખવાની આવે ! ખૂબ મહેનતને અંતે પર્સ બહાર આવ્યું.
પર્સની ચેઇન ખોલીને જોયું તો મગનની આંખો જ ફાટી રહી.
હજાર હજારની દસ નોટો જોઈને મગન આભો જ બની ગયો. જિંદગીમાં ક્યારેય આટલી નોટો સાથે નહોતી જોઈ. એ રૂપિયા બાજુ પર મૂકીને પર્સમાંથી એણે હીરાના પડીકા બહાર કાઢ્યા. મોટા મોટા ત્રણ પેકેટ પર સેલોટેપ મારી હતી.અને કેટલાક નાના નાના આઠ લંબચોરસ પેકેટ ખુલ્લા હતા. મગને એ પેકેટ્સ ખોલ્યા. ચળકતા તૈયાર હીરા રૂમના આછા અજવાળામાં પણ ઝગમગી રહ્યા !
આઠેઆઠ પેકેટ્સ ખોલીને બધા જ હીરા મગને જોયા."આ હીરાની કિંમત કેટલી હશે ?"મગને વિચાર્યું.
હાલ તો દસ હજાર રૂપિયા તો મળી જ ગયા છે ને. ભલેને હીરા ગમે તેટલના હોય ! શું ફરક પડે છે.
મગનને ચહેરા પર પળવાર માટે સ્મિત આવીને તરત જ વિલાઈ ગયું. પાણીમાં ઉઠતા વમળોની જેમ, અત્યાર સુધી શાંત રહેલા એના મનમાં વિચારોના વમળો ઉદ્દભવ્યા.અંદરથી કોઈક અવાજ આવ્યો.
"આ હીરા અને આ રૂપિયા તારા નથી..અચાનક ભલે તારા હાથમાં આવી ચડ્યા, પણ તે તારા નથી.."
"તો કોના હોય ? ભગવાને જ મને આપ્યા. જો એ મને ન જ મળવાના હોત તો શું કામ પેલો બાઈકવાળો મારી સાથે અથડાયો?
અને એ જ વખતે આખલાએ એને ચગદી નાખ્યો ! આ જ તો નસીબ કહેવાય દોસ્ત ! નસીબમાં હોય તો આકાશમાંથી તમારા ખોળામાં પડે, અરે ધરતીમાંથી ફૂટી નીકળે અને સુતા હોવ તો પણ તમારા ખિસ્સામાં આવી પડે..એનું નામ નસીબ મગન દીકરા..તારો બેડો પાર.. હીરા બજારમાં આ હીરા હું વેચીશ..ખૂબ રૂપિયા આવશે...
મોટું મકાન બાંધીશ.. હીરાનું કારખાનું કરીશ..હું અને નાથો પાર્ટનર બનશું..." એણે સુતેલા નાથા સામે જોયું.
"વાહ, મગન વાહ..કોઈનું ઉપાડી લીધેલું નસીબ ? પેલા વ્યક્તિનો તો વિચાર કર..? તેં આ હિરા મેળવવા શુ મહેનત કરી ? ખાલી એની બાઈકના હેન્ડલમાંથી આ પર્સ ખેંચી લેવાનો જ પુરુષાર્થ કર્યો ને ? એણે બિચારીએ આ હીરા અને આ પૈસા મેળવવા કેટલી તનતોડ મહેનત કરી હશે ? મગન જાત તોડીને મેળવીએ એ જ આપણું નસીબ કહેવાય, આમ કો'કનું નસીબ આંચકી લઈને પોતાને નસીબદાર ન ગણ, ચાલ ડાયો થઈને આ જેનું છે એને આપી દે..એની જિંદગી બચી જશે..."
"ના ના..ના..એના નસીબમાં તો નહીં જ હોય..નહિતર શું કામ એ આખલાની અડફેટે ચડ્યો ? મારા જ નસીબમાં હોવું જોઈએ..હા..
મારા નસીબ જ ઉઘડ્યા..એટલે જ હું બરાબર એ જ વખતે એની બાઇક સાથે ભટકાયો.. નકર કોઈક બીજાના હાથમાં આવી જાત.."
"હા,તારી વાત સાચી છે મગન..એ બિચારો નસીબદાર છે, એટલે જ એનું પર્સ તારા હાથમાં..મગનના હાથમાં આવ્યું..કારણ કે, તો કદાચ એ માણસ આ માલ એને પાછો ન આપત. પણ તું તો મગન છો.. યાદ કર તારા માં અને બાપને, નાનકડી તગારી પણ કોઈના ખેતરમાંથી ઘરે નહોતા લાવવા દેતા..હમેંશા શીખવાડ્યું છે એ ગરીબ બાપાએ કે ક્યારેય કોઈનું લેવું નહિ..અને મળે તો જેનું હોય એને આપી દેવું..મહેનત કરીને જ મેળવવું....પરીક્ષામાં એકવાર ચોરી કરી'તી.. ત્યારે બાપાએ કહેલું..
"જાતે મહેનત કરીને પરીક્ષા દેજે દીકરા..ભલે તું નાપાસ થા.. સો માંથી ભલે દસ જ મારક તું લાવ્ય, પણ ઇ દસ મારક તારી પોતાની મે'નતના, તારા પોતાના હશે તો મને ખુબ ખુશી થાશે.. તને પણ ખુશી થાશે..ચોરી કરીને લાવેલા એંશી નેવું મારક કરતા મારે મન તારી મેં'નતના દસ જ મારક વધુ ઊંચા છે દિકરા.. ખેતરમાં દર વરસે ખૂબ મે'નત કરીને વાવીએ છીએ.. એક વાર મોલાત ફેલ જાય તો બીજા વરસે વધુ મહેનત કરીએ..તો મોલાત ઉગે જ..કાંઈ દર વરસે મોળું જ નો રહે..અને બીજું ઇ કે આપેલું અને તાપેલું ક્યારેય ટકતું નથી..શિયાળામાં ટાઢને કારણે આપણે તાપણું કરીને તાપીએ.... તાપીએ ત્યાં સુધી ટાઢ આઘી રહે પણ જેવા આપણે તાપણાંથી આઘા જઈએ કે તરત જ ટાઢ લાગે..એમ કોઈકે આપેલું હોય એ, અને ક્યાંકથી મળેલું હોય એ ખૂટી જાય એટલે આપણે નવરા થઈ જઈએ.....પણ આપણી જાતે જ કમાયા હોય તો ખૂટે એટલે ફરી કમાઈ લેવાય.." મગનને બાપાની શિખામણ યાદ આવી. પણ બેકારીના ચક્કરમાં ફસાયેલો, ભાઈ અને ભાભીઓથી હડધૂત થયેલો મગન આ રૂપિયા અને માલ છોડવા તૈયાર નહોતો. એના દિમાગમાં ખૂબ દંગલ ચાલ્યું. આખરે એ થાક્યો. શું કરવું એ નક્કી થતું નહોતું. કંટાળીને એણે રૂપિયા અને હીરાના પેકેટ પર્સમાં નાંખ્યા અને ફરીવાર ખિસ્સામાં ખોસીને સૂતો.
*************** **********
રામો ભરવાડ બુલેટ લઈને નરશી માધાને મળવા એની ઓફિસે જતો હતો ત્યાં જ એણે બજારમાં ભાગદોડ મચેલી જોઈ. બે આખલા એકબીજાની પાછળ દોડતા એણે જોયા. લોકોની નાસભાગ અને રિડિયા રમણ પણ એના કાને પડી. એટલે એ એક તરફ ખસીને ઉભો રહી ગયો. એના મનમાં પેલા છોકરાઓ પ્રત્યે પારાવાર ગુસ્સો હતો.
" લબાડ રાઘવાના એ ભાઈબંધો સાલા પોલીસમાં સારી ઓળખાણ ધરાવે છે..કોક ચાવડો કરીને પોલીસવાળો ઇમનો ઓળખીતો છે..અને કોક વકીલ પણ જાણીતો છે.અને કોક જજ.. સાલું શુ નામ કીધું'તું..મ્હેતો ? ના..ના..દોશી..? ના..ના..અરે હા જો યાદ આવ્યું.. જોશી કરીને જજ, આ કુત્તાઓનો સંબધી છે..લેવા દેવા વગરના આપડે કંઈ આ બલામાં પડવું નથી. માઇ ગયા એના પચ્ચી હજાર..પકડાણા હોવી તો કુલા તોડી નાખે. ગોગાધણીએ ઘણુંય આલ્યું છે.. મારે કંઈ આ ધન્ધો કરવો નથી.."
રમેશની રૂમમાં ધમકી મારવા આવેલા રામાને મગન અને નાથાએ પોતાની પોલીસમાં જે કાલ્પનિક ઓળખાણ હતી એનાથી રામાને બીવડાવ્યો હતો. અને રામો ભરવાડ મગન અને નાથાની એ વાતો સાચી માનીને ગભરાયો હતો.કારણ કે એ પોલીસથી ખૂબ ડરતો. પોલીસના લફડામાં પડ્યા વગર જેટલી દાદાગીરી થાય એટલી જ દાદાગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવવામાં એને સલામતી લાગતી. એના કેટલાક સગા સંબધીઓને પોલીસે જે ઢોરમાર મારેલો એ એણે નજરે જોયો હતો. અને પાંચ પચીસ હજાર માટે એ પોતાના કુલા તોડાવવા તૈયાર નહોતો. એટલે બીજા દિવસે સવારમાં જ એ નરશીની ઓફિસે પોતાનું રાજીનામુ આપવા આવી રહ્યો હતો.એ જ વખતે નાથો, રમેશ અને મગન પણ નરશીની ઓફિસે રાઘવની તપાસ કરવા જઈ રહ્યા હતા.
આખલાઓની કુસ્તી પત્યા પછી પોલીસ આવી હતી.પોલીસને જોઈને રામાએ તરત જ બુલેટને કીક મારીને પોતાના ઘર તરફ હાંકી મૂક્યું હતું. આખલાઓના માલિક તરીકે ક્યાંક પોલીસ પોતાને પકડી લેશે એવા ડરથી એણે પાછું વળીને પણ જોયું નહોતું.
એ વખતે રામાને નરશીએ કહેલો એક જોક્સ પણ યાદ આવ્યો.
"જંગલમાં એક ભેંસ ભાગી રહી હતી.ભાગતી ભેંસને ઉંદરે પૂછ્યું કે તું કેમ ભાગી રહી છો..? ત્યારે ભેંસે કહ્યું કે જંગલમાં હાથીને પકડવા આવ્યા છે..ત્યારે ચુહો બોલ્યો કે પણ તું શું કામ ભાગે છે, તું તો ભેંસ છો...એટલે ભેંસ બોલી કે ભાઈ આ ભારત છે, અહીં હું ભેંસ છું એ સાબિત કરવામાં વિસ પચ્ચીસ વરસ નીકળી જાય.. એના કરતાં ભાગી જવામાં લાભ છે..એ સાંભળીને ચુહો પણ ભાગ્યો..સાલું નક્કી ન કહેવાય..
આ તો મને પણ પકડી લે તો.."
નરશીનો એ જોક્સ સાંભળીને એ વખતે તો રામાને ખૂબ હસવુ આવેલું પણ અત્યારે એ પોતે આખલાઓનો માલિક સાબિત ન થઈ જવાય એ બીકે ભાગી રહ્યો હતો. રામો બજારમાંથી મારતે બુલેટે ઘેર આવ્યો. અને નરશીની ઓફિસે ફોન કર્યો. પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. એટલે એ અકળાયો. એના મનમાં, ચાવડા સાહેબનો સોટો રમી રહ્યો હતો.
"માઈ ગિયું..હું તો રાઘવાને છોડી મુકું..બિચારાએ ઘણો બધો માલ તો દઈ દીધો છે, ઓલ્યા છોકરા હાળા ભણેલા છે, આજકાલના જુવાનિયા અને ઇ પાછા ભણેલા.. નક્કી નો કે'વાય..સલવાડી દેય તો નરશ્યો ઘોલકીનો થોડો છોડાવવા આવશે..? ઓલ્યો કે'તો જ હતો કે તું જોઈ લેજે..રામાં ભરવાડ..મારા ભાઈબંધનો વાળ પણ વાંકો થાશે તો..તું જોઈ લે જે...માય ગિયું.. મારે કંઈ જોય લેવું નથી..."
રામાને ક્યાંય ચેન ન પડ્યું. થોડીવાર એ ખાટલામાં આડો પડ્યો.વળી ઉભા થઈને પાણી પી આવ્યો.ઘડીક ઓટલે આવ્યો. વળી એણે નરશીની ફોન લગાવ્યો.
પણ કોઈ ફોન ઉપાડતું નહોતું.
"હાળો, ફોન કેમ ઉપાડતો નથી...
આ રાઘવનું શું કરવું..હું તો છોડી મુકું છું.."એમ બબડતો એ ફરીવાર ઓટલા પર આવ્યો. એની ઘરવાળી ક્યારની રામાની આ હરકતો જોઈ રહી હતી.
"કિમ ચયારના નાના પાડરુંની જેમ આમતીમ આમતીમ આંટા મારો છો ? કોકને ઢીબીને આયાં છો..? પોલીસની બીક લાગે સે..?" રામાની વહું પોતાના પતીને ઓળખતી હતી.જ્યારે પણ કોઈની સાથે રામો માથાકૂટ કરીને ઘરે આવતો ત્યારે એ આકુળ વ્યાકુળ રહેતો. એક વાર પોલીસ પકડી પણ ગયેલી,એ વખતે રામાની વહુએ જ પોલીસ સ્ટેશનમાં જઈને રામાને છોડાવેલો.
"હેં.. એ..." રામો પોલીસનું નામ સાંભળીને ભડક્યો.
"ના ના,એવું કાય નથી, તું સાનુમુની
તારું કામ કર્ય..આ તો એકભાઈનું તાત્કાલી કામ સેય અને ઇ હાળો ફોન ઉસકતો નથી.." રામાએ પોતાની કમાણીમાંથી એક ફોન પણ ઘરે વસાવી રાખ્યો હતો.
"તે..કયક કામ માં હોય...કે પસ કયક બીજે જિયા હોય..ઘરે કોઈ નો હોય, ઇમ બને..તે નો ઉપાડે..
ઈમાં તમે ધાવણા પાડાની જેમ કિમ ચયારના કૂદકૂદ કરો સવો..
સાંતીથી હેઠા બેહોક ની."
રામો તેની ઘરવાળીથી ખૂબ ડરતો. બહાર એ જેટલી શેખી કરતો એટલો જ એ ઘરમાં મિયાંની મીંદડી બની જતો.આવક જાવકનો તમામ હિસાબ એ રાખતી. રામો આડા કે અવળા જે પણ ધંધા કરતો એની કમાણી એ એની ઘરવાળીને આપી દેતો.એને વાપરવાના અને બુલેટમાં પેટ્રોલના પૈસા પણ એની ઘરવાળી પાસે જ માગવા પડતા.
રામો પોતે જમીનનો ધંધો કરે છે એમ એણે એની ઘરવાળીના મનમાં ઠસાવ્યું હતું.કારણ કે આડા અવળા ધંધા એને પસંદ નહોતા.
ઘણીવાર વિચારીને રામો એક નિર્ણય પર આવ્યો. જોડા પહેરીને એ બહાર નીકળ્યો કે તરત જ એની ઘરવાળી બોલી, " ચયક ભેંસના સિંઘડામાં પગ ખોસ્યા લાગે સે...જોજો હો, કય દવ સુ..આ વખતે પોલીસ ટેસણ હું નય આવું..હા..કીધું જ સે કે સીધા મારગે હાલવું... કોક તમારી જાડી બુદ્ધિનો ઉપયોગ નો કરી જાય ઈનું ધિયાન રાખજો..ઇ મોટા શેઠિયાવ તો સુટી જાય..ઇમને મુવાવને બવ ઓળખાણું'ય હોય..પણ તમારી જેવા ગેબાવને પોલીસવાળા જાણી જોઈને બે ડંડા જાજા મારશે ઈનુ ભાન રાખજો..હજી હમણે તો આયા ને પાસા ચીનપા (કઈ બાજુ) ઉપડ્યા..કવ સુ..!!'
" ભય (ભાઈ) હવે તું બેહ ની...દોઢ ડઇ થયાં વગર..અમને હંધિય ખબર પડે સે..તું મુંગી મરને બાપા..."કહીને રામાએ બુલેટ મારી મૂક્યું.
તે રાત્રે રાઘવને આ જે લોકો ઉપાડી લાવેલા તેમાં આ રામો પણ હતો. નરશીએ રાઘવનો હવાલો રામાને આપ્યો હતો.તે મુજબ રામાએ પોતાના એક જુના મકાનમાં રાઘવને કેદ કરીને રાખ્યો હતો.એ જૂનું અને ખખડધજ મકાન શહેરથી ઘણું દૂર હતું. સુરત જિલ્લાનો એ ગ્રામ્ય વિસ્તાર હતો અને ત્યાં રામાએ તબેલો કર્યો હતો.પસાસ ભેંસોના એ તબેલામાં દૂધની સારી આવક હતી. રાઘવને એ તબેલાના મકાનના ઉપરના માળે એક પતરાવાળી રૂમમાં પુરીને તાળું મારવામાં આવ્યું હતું. જો કે રાઘવ પોતાનો કેદી હોવા છતાં રામાએ એને ખાવા પીવામાં કોઈ કચાશ રાખી નહોતી. બાજરાનો રોટલો, માખણ અને ભેંસનું તાજું દૂધ એને જમાડતો.પણ મચ્છરોએ રાઘવના બેહાલ કર્યા હતા. ભેંસની જાડી ચામડીમાં ચાંચ ઘુસાડવામાં નિષફળ ગયેલા મચ્છરોએ રાઘવનું લોહી ધરાઈ ધરાઈને પીધું હતું.
રામો તબેલા પર આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. રાઘવને જમાડીને રામાએ પોતાની સાથે લીધો ત્યારે રાઘવે કહ્યું, "યાર, રામાભાઈ..મને જવા દો.. હવે મારી પાસે કંઈ નથી. મારી ઘરવાળી બિચારી એકલી છે અને મારી રાહ જોતી હશે...પ્લીઝ મને જવા દો..''
"તને જવા જ દેવાનો છે, પણ તું મારું નામ ક્યાંય લેતો નહીં, અને તને મેં આયાં મારા તબેલામાં પુરી રાખેલો એમ પણ કોઈને કેતો નહીં, નહિતર ફરીવખત હું તને ઉપાડી લઈશ અને પછી નહીં છોડું..બોલ છે મંજુર ?" રામાએ પોતાની બુદ્ધિ પ્રમાણે રાઘવને મુક્ત કરવાની શરત મૂકવા માંડી.
"ભલે, ભાઈ...હું કોઈને નહીં કવ.. યાર..તમારી મહેરબાની હું યાદ રાખીશ..મારું કંઈ પણ કામ પડે તો કે'જો..યાર..મને જવા દેશો ને..?" રાઘવને હજુ વિશ્વાસ નહોતો આવતો.
"હા, તું છુટ્ટો બસ..બોલ તને ક્યાં ઉતારું..?" રામાએ કહ્યું.
"ખરેખર..? તમે નરેશભાઈને કેશો તો નહીને..? એમણે મારો બધો જ માલ પડાવી લીધો યાર...હું સાવ લુખ્ખો થઈ ગયો..રામાભાઈ...."
"હા...હવે જે થયું એ..હવે પછી આવા ધંધા કરતો નહીં.. કોકના હીરા શુ કામ ચોરવા જોવે..."
રાઘવે એની વાતનો કંઈ જ જવાબ આપ્યો નહીં. રામાએ પણ વધુ લપ કર્યા વગર એને કાપોદ્રા પાસે ઉતારી દીધો. રાઘવે તરત જ રીક્ષા પકડી.
તે દિવસે છેક સાંજ સુધી મગન, નાથો અને રમેશ સુઈ રહ્યાં. સાંજે ઉઠીને બહાર ચા પીવા જવા નીકળ્યા ત્યારે મગન ટોયલેટ જવાનું બહાનું કાઢીને પાછો આવ્યો. અને પેલું પર્સ સંતાડવા માળિયામાંથી પોતાની એક જૂની બેગ હતી એ ઉતારીને એ પર્સ સાચવીને મૂક્યું. દસ હજાર રૂપિયા રોકડા અને લાખો રૂપિયાનું ઝવેરાત એક ફટીચર શૂટકેસમાં હોય એવી કલ્પના પણ કોઈ કરી ન શકે એવી એ બેગની, મગનની અને એ રૂમની દશા હતી.
એ રાત્રે રાઘવની ચર્ચા ફરી વખત થઈ, અને બજારમાં મચેલી ધમાલને કારણે નરશી માધાને મળાયું નહીં એનો અફસોસ કરતા એ લોકો સુઈ ગયા.પણ મગનને કોઈ વાતે ઊંઘ આવતી નહોતી.
"આવી દોલત શુ કામની..જે નિરાંતે ઊંઘવા પણ ન દે..એકવાર જો નક્કી થઈ જાય કે હવે મારે આ દોલતનું શુ કરવું.. તો જ શાંતિ થાય.. આમ તો આપણે રાખવી ન જોઈએ..જેની છે એને જ આપી દઉં..પણ સાલું એમ પણ થાય છે કે સામે ચાલીને આવેલી લક્ષમીને શુ કામ ઠોકર મારવી...? રિસાયેલી લક્ષમીદેવી માંડ માંડ પ્રસન્ન થયા છે,ત્યાં એમને પાછા વાળું..? એવું કરું કે અડધું પાછું આપી દઉં અને અડધું રાખી લઉં..? પાંચ હજાર રૂપિયા કંઈ નાની રકમ ન કહેવાય, અને માલ ? માલ તો કદાચ લાખ રૂપિયાનો તો હોવો જોઈએ........
અડધો રાખું તો'ય પચાસ હજારનો થાય...ઓહ..પચાસ હજાર...અને આ પાંચ રોકડા..પંચાવન હજાર રૂપિયા..!! માલામાલ થઈ જવાય.
તો તો સ્કૂટર લઈ લઉં.. હું અને નાથો કોલેજ સ્કૂટર પર જઈશું..ના ના સ્કૂટર શુ કામ..હીરો હોન્ડા જ લઈ લઉંને..કેવી મજા આવે..અને આ લબાડીયા કપડાં હવે નથી ગમતાં.. સ્લીપર પહેરી પહેરીને થાક્યો..સ્પોર્ટ શૂઝ,જીન્સ અને ટી શર્ટ પહેરીને કોલેજ જઈએ તો તો..ઓલી ચમેલી..સાલી પાગલ જ થઈ જાય હો ! અને ગોગલ્સ પણ ઠબકારુંને..નથીયાને પણ જલસા કરવી દઉં.. બિચારો એ પણ ભેંસના ચામડાના બુટ પહેરી પહેરીને થાક્યો છે..ભાઈઓને પણ બિચારાને થોડા પૈસા આપીશ, ના ના ઇ નાલાયક ભાભીને તો કંઈ જ ન આપું..ગામડે બા અને બાપુજીને મોકલીશ.બિચારાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છે..એકાદ પ્લોટ લઈ લીધો હોય તો..? પણ એટલા બધા રૂપિયા ક્યાં છે..બધો માલ રાખી લઉં.. આમ તો માલ ઘણો છે..લાખ નહીં કદાચ બે લાખનો પણ હોય..અને જો પાંચ લાખનો હોય તો..? તો તો....
પણ માલ અને પૈસા તો બધા જ એના માલિકને આપી દેવાના છે.."
મગનનું મન અનેક ડાળીએ જુલતું જુલતું આખરે થાકયું એટલે મગન ઊંઘી ગયો.
હીરો હોન્ડા બાઇક પર ગોગલ્સ ચડાવીને નાથો અને મગન સવાર થયા છે, જીન્સ અને રેડ એન્ડ બ્લુ ટીશર્ટ અને પગમાં મોંઘા સ્પોર્ટ શૂઝ બંનેએ ચડાવેલા છે. કોલેજ કેમ્પસમાં બન્નેની એન્ટ્રી થતા જ મગન હોર્ન મારે છે અને બધા જ છોકરાઓ સાઈડમાં હટીને આ બન્નેને જોઈ જ રહે છે. ચમેલી આગળ આગળ સ્કૂટર ચલાવી રહી છે, મગને હોર્ન માર્યો તો પણ એ ખસતી નથી..નાથો પાછળથી રાડ પાડે છે..હટ ઓ જાડી...તારી જાતની.. આમ આઘી મરને...તારો દાદો હમણાં ઉપર ચડાવી દેશે.. છતાં ચમેલી તો જાણે સાંભળતી જ નથી..નાથો મગન પાસેથી પરાણે બાઇક આંચકી લે છે, મગન પાછળ બેસી જાય છે અને નાથો બાઇકને આગળથી ઝાડ કરીને ભગાવે છે..ચમેલીની બાજુમાંથી સડસડાટ બાઇક નીકળી જાય છે અને કોલેજના છોકરા છોકરીઓ ચમેલીનો હુરિયો બોલાવે છે... નાથો બાઇકને વધુ સ્પીડે ભગાવે છે અને મગન રાડો પાડે છે.....
નાથીયા..તારી જાતના..ધીમું ચલાવ..નવી ગાડી છે...એન્જીન ચોંટી જશે.. ડફોળ..ઓ નાથીયા..
મગનનો અવાજ સાંભળીને નાથો જાગી ગયો. ઊંઘમાં મગન ગાડી ધીમી હાંકવાનું કહે છે એ જોઈને એ હસ્યો. મગનને હલાવીને એણે જગાડ્યો...
"મગન..ઓ..મગન..સપનું આવ્યું બટા..?"
મગન જાગ્યો.રૂમમાં બળતા નાઈટ લેમ્પના અંધારામાં એણે નાથાને પોતાની બાજુમાં બેઠેલો જોયો. બાઇક, જિન્સનું પેન્ટ, ટીશર્ટ, ગોગલ્સ અને ચમેલી..કોલેજ કેમ્પસ..બધું જ એક પલકારામાં અદ્રશ્ય થઈ ગયું.
"શું વાત છે દોસ્ત..નવી ગાડીના સપના જોવે છે ? લેશું લેશું..મગન આપણે જરૂર નવી બાઇક લઈશું.. તારું સપનું આપણે પૂરું કરશું.. દોસ્ત એકવાર આ કોલેજ પુરી થવા દે , પછી જો આ ભાયડાના ભડાકા..."
મગન નાથાની સામે એકધારું તાકી રહ્યો. માળિયામાં પડેલો સપના સાકાર કરવા માટેનો માલ નાથાને બતાવું..? પૂછું એને કે શું કરાય..? રખાય કે પાછું અપાય..? બાપાની શિખામણ રાખવી કે આ ખપ્પર જોગણી જેવી બેકારીને આ માલ વડે ભોંય ભેગી કરાય..?
(ક્રમશ:)