મારી વાતો
મારી વાતો
આ વાત જ્યારે કહી રહ્યો છું ત્યારે આ કોઈ ઘટના કે બનાવની વાત નથી, આ વાત છે મારા સ્વાનુભવોની. આરોગ્યકેન્દ્રમાં તે સમયે મારું પોસ્ટીંગ રાલત ગામમાં હતું. આશરે પચ્ચીસેક વર્ષ પહેલાની વાત છે, જ્યારે સરકાર આટલી એક્ટીવ નહોતી અને ગામડે ગામડે ફરી ફરીને મારા જેવાની હાલત ખરાબ થઇ જતી, રીપોર્ટ બનાવવા પડતા પણ લોકોને કે અમને સગવડ નામે ઠીકરું મળતું. રાલત, નાની-મોટી જીવન જરૂરીઆતની વસ્તુઓને લગતી દુકાનોને છોડીને ત્યાનો મુખ્ય વ્યવસાય જ ખેતી. પંચાયત ચોકડીએ એક કિરાના કે પાન-ગલ્લો કે ચા કે હોટેલ જે કહો એ પણ મુખ્ય દુકાન નંદુ પટેલની મારો મુખ્ય અડ્ડો. આખા ગામની ખબર ત્યાં પડતી.
એક દિવસની વાત છે, હું નંદુની દુકાને હતો ત્યાં સમાચાર મળ્યા કે રાઘવ રબારીનો દીકરો જીગલો સખત બીમાર છે, તાવ આવે છે અને શરીર બરાબર તપે છે. ગામમાં વૈદું કરતા મૂળશંકર વૈદનો એ સમય હતો. મારી દવાઓને કોઈ પૂછતું પણ નહીં. પણ સરકારી નોકરી હતી એટલે હું અને બીજા બે રોજ આરોગ્યકેન્દ્ર ખોલતા અને ગપાટા મારીને બંધ કરી દેતા. સરકારી વિસિત કોઈ આવે તો એ દિવસે ઓળખને બે ચાર જણને ભેગા કરીને રીપોર્ટ પર બધું સાચવી લેતા. લોકોને અમારા પર શ્રધ્ધા નહોતી અને અમે પણ હારી થાકીને અંધશ્રધ્ધામાં જીવતા લોકોને સ્વીકારી લીધા હતા. ખબર પડી કે મૂળશંકર વૈદ સારવાર કરી રહ્યા હતા પણ કોઈ ફેર પડતો નહોતો. આખરે ગામના એક વડીલે પાદરે આવેલા સ્મશાન પાસે વસતા ભૂવા પાસે જીગલાને લઇ જવાની સલાહ આપી. આ ભુવાનો મને
અનુભવ હતો, એની પાસે કોઈ જાય એટલે સાંકળ મારે ને ડામ આપે અને સોટી મારે... જીગલાને અમારા મને સાવ સામાન્ય મેલેરિયા હતો કારણકે આંતરે દિવસે તાવ આવતો હતો ને તે ત પણ ઠંડી લાગીને. મેં રાઘવને કહ્યું પણ ખરું પણ રાઘવ કંઈ માને અમારી વાત ? રાઘવ જીગલાને ભૂવા પાસે લઇ ગયો. જીગલાને ચાર ડામ દીધા અને ભૂવો બોલ્યો,
"નજર લાગી છે એને કોઈ ચૂડેલની. રોજ ચાર ડામ દેવા પડશે પંદર દિવસ સુધી. અને પછી પણ સારું ન થાય તો જીગલાને ચૂડેલની નજર ભરખી જશે."
અરે ચૂડેલને બીજું કંઈ કામ નથી કે નજર લગાડે ? અને એ પણ એવી કે તાવ આવી જાય ? ડામ દેવાથી એ ભાગશે ? જીગલો બહુ રડ્યો, બહુ કરગરીયો પણ બિચારાનું સાંભળે કોણ ? નજર લાગે, નજર પડે, નજર નાખે.. આવી આવી વાતોથી હવે મને નજર નામના શબ્દથી ચીઢ ચઢવા માંડી હતી. આ ગામમાં આવ્યા પછી આવું જ મેં સાભળ્યું છે. નજર..નજર..નજર... સામાન્ય તાવ હોય કે ચક્કર આવે કે પછી શ્વાસ ચડે, બધે જ નજર નામનો શબ્દ ભૂવો જોડી જ દે. અને દર વખતે મને અફસોસ થાય મારા ભણતર પર અને મારી નોકરી પર.
જીગલાનું પ્રકરણ સાત દિવસ ચાલ્યું અંતે જીગલો એક રાતે મારી ગયો. મારા હિસાબે તાવથી નહીં પણ એ ડામના ઓવરડોઝને લઈને મર્યો હતો. રાઘવના ઘારી માતમ હતો અને નંદુની દુકાને ચૂડેલની ચર્ચા. બસ, એક મહિના પછી મારી બદલી થઇ અને હું ત્યાંથી ભાગ્યો. પણ આ નજર વાળી વાત હજુ પણ મારા મગજમાંથી નીકળતી નથી.